Daily Archives: 27/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૮) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખ 18માં સહસ્ત્રાર એટલે કે ક્રાઉનચક્ર વિષે જાણ્યું, એ પણ જોયું કે અસંતુલિત ક્રાઉનચક્ર ક્યા પ્રકારના રોગ/સમસ્યા ઉત્પન્ન કરી શકે. હવે થોડું એ સમજીએ કે આ ચક્રને સંતુલિત કેમ કરવું. એ પહેલાં એક પાયાનો પ્રશ્ન. ક્રાઉનચક્ર શા માટે સંતુલિત કરવું જોઈએ? ચાલો એ જોઈએ. એક તો દેખીતો જ ફાયદો છે કે અસંતુલિત સહસ્ત્રારચક્રને કારણે થતા રોગ/તકલીફથી બચી શકાય. એ સિવાય શું? ઘણી વખત એવું બને કે જિંદગીમાં એક પ્રકારનો કંટાળો આવી ગયો હોય – ‘fed up with life’ જેવી પરિસ્થિતિ. ક્રાઉનચક્ર સંતુલિત થાય તો આ પરિસ્થિતિ દૂર થાય, નવો ઉત્સાહ જન્મે, કુદરતની દરેક રચનાનું સૌંદર્ય માણતાં થઇ જઈએ; ખુદના અભિમાની કે જક્કી વ્યક્તિત્વ સાથે કુસ્તી કરતાં હોઈએ તો તે દૂર થાય; દરેક ઘટનાઓને હળવાશથી લેતા થઈ જઈએ, પહેલાં જે ઘટના સમગ્ર અસ્તિત્વને હચમચાવી દેતી તે જ ઘટના માટેનો પ્રતિભાવ હવે એવો હોય કે ‘ચાલ્યા કરે એવું તો’; જિંદગીના દરેક પાસાંને એક વિસ્તૃત પરિપેક્ષમાં લેતા થઈ જઈએ; ‘અત્યારની’ ઘડીમાં જીવવા લાગીએ; ન ભૂતકાળની ઘટનાઓને યાદ કરી દુઃખી થઈએ, ન ભવિષ્યનું વિચારી ચિંતા કરીએ; એક પ્રકારની અજીબ શાંતિ આપણા સમગ્ર અસ્તિત્વને ઘેરી વળે; એક એવું ઈન્જેકશન લાગે કે શાંતિનું સામ્રાજ્ય સ્થપાય જાય, ડહાપણ પણ આવી જાય, એવી શાંતિ અને ડહાપણ કે જે મૂંઝવણ દૂર કરે, ઉત્સાહ સીંચે અને પ્રેરણા પણ આપે, જાતને અને અન્યને સમજવામાં મદદ કરે, બ્રહાંડની શક્તિમાં વિશ્વાસ જગાવે; “પ્રાણ જાય પણ પ્રકૃતિ ન જાય” એ કહેવત ખોટી પાડે અને આશ્ચર્ય થાય કે શું હું એ જ વ્યક્તિ છું (જે આજ સુધી હતી?). ટૂંકમાં, સમગ્ર વ્યક્તિત્વ અને માનસિક ગતિવિધિઓમાં આમૂલ પરિવર્તન આવી જાય. આમ આધ્યાત્મિક પ્રગતિ તો છે જ પરંતુ બાયપ્રોડક્ટ તરીકે બીજું ઘણું બધું; કોમ્બો પેકેજ છે.

ઉપરનું ચિત્ર બહુ ગુલાબી લાગે છે ને? થોડું ધ્યાનમાં લાવું કે એ સ્થિતિમાં પહોંચવામાં થોડો સમય અને મહેનત તો લાગે. એ પણ ચોક્કસ છે કે ગંતવ્ય સ્થાન – Destination જેટલું આનંદદાયક હશે તેટલી જ પ્રયાસોની યાત્રા પણ આહલાદક હશે. યુરોપમાં ફરવા જઈએ તો બે શહેર વચ્ચે કે બે દેશ વચ્ચેની યાત્રા પણ મંત્રમુગ્ધ થઈને માણીએ છીએ ને! બસ આવું જ અહીં પણ. પહોંચવામાં સમય લાગે તો એ દરમયાન પણ જલસો. જાત-જાતની અને ભાત-ભાતની અનુભૂતિઓ એ પ્રવાસમાં સાથે રહેશે – પુસ્તકો લખી શકાય તેટલી. ફક્ત પ્રતિબધ્ધતા, ધીરજ અને ‘યોગ્ય’ દિશાના પ્રયાસ આવશ્યક છે.

આ યાત્રાની દિશા કઈ હોવી જોઈએ, ક્રાઉન ચક્ર કેવી રીતે ખોલી શકાય કે સંતુલિત કરી શકાય.

1. સૌથી ઉપર રહેશે ‘ધ્યાન’. બીજા રસ્તાઓ છે પરંતુ ક્રાઉનચક્ર સંતુલન માટેનો સર્વોત્તમ રસ્તો ‘ધ્યાન’ છે કારણ કે આ ચક્રનો મૂળભૂત સંબંધ તો આધ્યાત્મિકતા સાથે છે. ધ્યાનમાં આંખ બંધ કરીએ છીએ પરંતુ ખરેખર તો એ આંખ ખોલવાનો પ્રયાસ છે, અંતર્ચક્ષુ ખોલવાનો પ્રયાસ છે, એક નવી જ દુનિયા તરફ જવાનો રસ્તો છે.

અસંખ્ય ધ્યાન પદ્ધતિ છે જેમાંથી ફાવે તે અને ગમે તે પદ્ધતિ અપનાવી શકાય. ઓશોનું એક પુસ્તક ‘112 Meditations to Discover the Mystery Within’ જોઈ શકો છો. નામ પ્રમાણે જ તેમાં અનેક ધ્યાન પદ્ધતિઓ દર્શાવેલ છે, પસંદ તે આપણી. તે જ રીતે ઘણી મોબાઈલ એપ પણ છે, મોટા ભાગની નિઃશુલ્ક છે. નીચે થોડાં નામ આપ્યા છે. અહીં પણ ફાવે તે અને ગમે તે ડાઉનલોડ કરી શકો છો.

• The Mindfulness

• Headspace

• Calm

• Buddhify.

• Sattva.

• Stop, Breathe & Think. …

• Insight Timer.

• 10% Happier

• Breathe

• Omvana

• Simple Habit

• Meditation and Relaxation Pro

યોગ્ય માર્ગદર્શન મુજબ સહસ્રારચક્રનું ધ્યાન કરી શકીએ તો અતિ ઉત્તમ.

2 આપણી આસપાસના વાતાવરણને શક્ય તેટલું સરળ બનાવીએ. નકામી/જૂજ વપરાતી વસ્તુઓનો નિકાલ કરીએ. જે વધારાનો કચરો આસપાસમાં ભર્યો છે તે માનસિક તકલીફ કરી શકે અને નકારાત્મક લાગણીઓ પણ જન્માવી શકે. ઘર/ઓફિસમાંની બધી વસ્તુઓના ૩ ભાગ પાડીએ; વસ્તુઓ કે જે રાખવાની છે, વસ્તુઓ કે જે દાનમાં આપી શકાય અને છેલ્લે વસ્તુઓ કે જે ફેંકી દેવાની છે કે કોઈ પણ રીતે તેનો નિકાલ કરવાનો છે. આજુબાજુનું વાતાવરણ સાફ કરીએ ત્યાં નવી ઊર્જા માટે જગ્યા બનાવીએ તેની સાથે જ મનમાં પણ નવી જગ્યા બનશે, નવી ઊર્જા આવશે જે ક્રાઉનચક્ર સંતુલિત કરવા માટે અતિ લાભદાયક સાબિત થશે.

3. સહસ્ત્રરચક્રનો બીજ મંત્ર છે ‘ૐ’. તેનું ઉચ્ચારણ તો ફાયદો કરે જ. એ સિવાય અમુક ખાસ પ્રકારના ધ્વનિની બહુ જ લાભદાયક અસર છે. બાઈનોરલ બિટ્સ અને સોલફ્રેજીઓ ફ્રિક્વન્સીનું સંગીત મદદરૂપ બની શકે. આ સાથેની બંને લિંક ચેક કરી શકો છો.

963 Hz ❯ Activate Pineal Gland ❯ Heal Crown Chakra ❯ Solfeggio Sleep Music

Binaural Beat Crown Chakra Meditation: Healing Meditation Music Relax Mind Body, Sleep Meditation:

4. નિયમિત રીતે થોડો સમય મૌનમાં વિતાવીએ. મૌનની સૌથી વધુ હકારાત્મક અસર ક્રાઉનચક્ર પર છે. મૌન મતલબ વોટ્સ અપ જોવામાંથી પણ મૌન.

5. . ખુદના વિચારોને માનવાનું છોડી દઈએ. થોડું અટપટું વાક્ય લાગતું હશે કદાચ આ. પરંતુ લગભગ તમામ લોકોએ અનુભવેલી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે આસપાસના વાતાવરણની અને વ્યક્તિઓની ગાઢ અસર આપણા વિચારો પર થાય છે. વ્યક્તિ જેટલી વધુ ઊર્જા સંવેદનશીલ તેટલી આ અસર વધારે. બહુ ભીડભાડમાં ઘણી વખત કોઈ નાનો નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડે છે. કોઈ મોલમાં ઘુસ્યા અને ભીડ બહુ છે. તો કપડાં ખરીદવાં જેટલી સામાન્ય વસ્તુમાં પણ ગૂંચવાઈ જઈએ. કારણ એ છે કે ત્યાં હાજર દરેક વ્યક્તિના વિચારો આપણા વિચારો સાથે ભળી જાય અને અંતે ગૂંચવણ ઉભી થાય. સારો સેલ્સમેન આપણા વિચારોને પ્રભાવિત કરી દે અને જે ન ખરીદવું હોય તે પણ ભટકાડી દે. દિવસમાં સરેરાશ 60000 વિચાર આવે. બધા કંઈ ખુદના જ હોય તેવું જરા પણ જરૂરી નથી. એક વોટ્સ અપ મેસેજ વાંચીએ તો એમ લાગે કે કોઈ એક નેતા જ દેશની પ્રગતિ કરશે, બીજો વાંચીએ તો ત્યારે એમ લાગે કે આ નેતા તો દેશને અધોગતિના ખાડામાં નાખી દેશે. આમ વિચારો બીજાના વિચારોથી બહુ જલ્દી પ્રભાવિત થાય છે. માટે ખુદની વિચારધારાને જ પડકારીએ. અન્યોના વિચારોને તો ઘણી વખત ચેલેન્જ કર્યા હશે. હવે આપણા વિચારોનો વારો. પ્રયાસ કરીએ સમજવાની કે હું જે માનું છું તેનાથી વિરુદ્ધ સાચું હોઈ શકે? કેટલું સાચું હોઈ શકે? એક નવા જ દ્રષ્ટિકોણની શોધ થશે. મન અને હૃદય આ સાથે વિશાળ થશે. જક્કીપણું ઓછું થશે. અભિમાન ઓછું થશે. બાયરન કેટી નામના એક અત્યંત પ્રસિદ્ધ અમેરિકન લેખિકાના શબ્દો છે: “I discovered that when I believed my thoughts, I suffered, but that when I didn’t believe them, I didn’t suffer, and that this is true for every human being. Freedom is as simple as that.” આ પ્રબુદ્ધ લેખિકાની સાઈટ https://thework.com/ રસ ધરાવતા લોકોએ ચેક કરવા જેવી છે.

એવું માનવામાં આવે છે કે આપણા 98% વિચારો ખરેખર તો બીજા કોઈના હોય છે. એક આદત તરીકે દરેક વિચાર સાથે પ્રશ્ન ઉઠવો જોઈએ કે આ વિચાર કોનો છે. ‘Who Does This Belong To’ નામની એક મોબાઈલ એપનો ઉપયોગ આ આદત કેળવવા માટે કરી શકાય.

6. મનને ‘સતત આભાર’ માનતું (Gratitude Mode) કરી દઈએ – આભાર પરિસ્થિતિનો, આસપાસની વ્યક્તિઓનો, સંજોગોનો, દરેક વસ્તુનો. દરરોજ એક ડાયરીમાં 10થી શરુ કરી શક્ય તેટલી વધુ વ્યક્તિઓ/વસ્તુઓ નોંધીએ અને તે તમામનો આભાર માનીએ. આ બનશે આપણું ‘Gratitude Journal’. જો શાંતિથી વિચારીએ તો ગણી ગણાય નહિ તેટલી વ્યક્તિ અને વસ્તુઓ આ માટે મળી રહેશે. પાવરકટ પછી જયારે વીજળી પાછી આવે ત્યારે ખ્યાલ આવે છે કે વીજળીનું કેટલું મહત્ત્વ છે, આભાર માનીએ વીજળીની શોધ કરનારનો; શરીરના પ્રત્યેક અંગની કામગીરી વિચારી તે તમામ અંગનું મહત્ત્વ સમજી એક પછી એક બધાનો આભાર માનીએ; પતિ/પત્ની વિષે જે કંઈ ફરિયાદ હોય તેને બાજુએ મૂકીને એ યાદ કરીએ કે તેનું આપણી જિંદગીમાં કેટલું મહત્ત્વ છે અને તેણે આપણે માટે આજ સુધીમાં શું કર્યું છે. બધી ફરિયાદ ઓગળી જશે અને આભાર માનવાના અનેક કારણો મળી જશે; કુટુંબીજનો, મિત્રોને માટે પણ આ જ વાત લાગુ પડશે. એક વાર આભારની મનોસ્થિતિની આદત પડશે પછી દરેક વસ્તુમાં બધું હકારાત્મક જ દેખાશે જે બ્રહ્માંડની ઊર્જાને સહસ્ત્રારચક્ર દ્વારા પુરા શરીરમાં ઉતારવામાં અત્યંત મદદરૂપ બનશે.

7. એવી વસ્તુઓ શોધી કાઢીએ જેનાથી પ્રેરણા પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિને જૂદી-જૂદી વસ્તુઓથી પ્રેરણા મળે – કોઈને સંગીતથી તો કોઈને મૂવીઝથી તો કોઈને કુદરતના ખોલે પહોંચી જવાથી. કોઈને ટેલિવિઝનનાં કોઈ કાર્યક્રમ દ્વારા તો કોઈને કોઈ વ્યક્તિ દ્વારા. આપણું પ્રેરણાસ્ત્રોત્ર આપણે જ શોધવાનું. તેનો મહત્તમ લાભ લેવાનો.

8. કુદરત સાથે સમય પસાર કરીએ. ખાસ કરીને પર્વતો ખુંદીએ. વાતાવરણ આપણા વિચારોને પ્રભાવિત કરે, વિચારોને એવા આંદોલનો સાથે મેળવે જે સહસ્ત્રારચક્રને સંતુલિત કરી શકે. તાજી હવા અને સૂર્યપ્રકાશ લાભકારક જ રહેશે, તંદુરસ્તી માટે પણ અને સહસ્ત્રારચક્ર માટે પણ.

ચક્રોમાં કૈલાશ એવા ક્રાઉનચક્રની વાત આપણે કરી રહ્યા છીએ. કૈલાસ પર્વત પર એકધારું તો ચડી ન શકાય, વચ્ચે વિરામ જરૂરી. આપણી વાતને પણ અહીં વિરામ આપીએ. ક્રાઉનચક્રને સંતુલિત કરવા માટેના બીજા ઉપાયો હવે પછીના હપ્તામાં. તે દરમ્યાન એક નમ્ર સૂચન. જિંદગી મૉટે ભાગે ‘હજી અને હવે’ વચ્ચે પૂરી થાય છે. ‘હજી તારી ઉંમર નથી’ અથવા તો ‘હવે તારી ઉંમર નથી’. આવી વાત કોઈ આપણને કહે અથવા આપણે ખુદને કહીએ. પરિણામે ‘ઘણું જાણતા હોવા છતાં કરી કંઈ ના શકીએ’ એમ પણ બને. તે પરિસ્થિતિ આવે તેના કરતાં જે સારું લાગે તેવી કોઈ એકાદ વસ્તુનો પણ અમલ કરી શકાય તો સાચો ફાયદો છે.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.