Daily Archives: 25/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૬) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજ્ઞાચક્ર સંતુલિત કરવાના થોડા ઉપાયોની ચર્ચા લેખ 16માં કરી. જેમ પહેલાં વાત થઈ તેમ અતિ અગત્યનું ચક્ર છે અને લગભગ તમામ ધ્યાન પદ્ધતિઓ અહીં અટકી જાય છે. વધારામાં દરેક વ્યક્તિઓનું આજ્ઞાચક્ર થોડેઘણે અંશે અસંતુલિત અથવા અવરોધિત જોવા મળે છે. પરિણામે ‘આંતરિક અવાજ’ અનુસરવાને બદલે વ્યક્તિ આસપાસના માહોલ મુજબ, પોતાના કંડિશનિંગ મુજબ, કુટુંબ-મિત્રો અથવા માની લીધેલી સામાજિક મર્યાદાઓ મુજબ નિર્ણય લે છે અને અંતે ઘણી વખત પસ્તાય છે. જો આત્માના અવાજને અનુસરીને નિર્ણય લીધેલો હોય તો ગમે તે પરિણામ તે નિર્ણયના આવે, એક આત્મસંતોષ અને પરિણામે માનસિક શાંતિ રહે છે. એ સિવાય આધ્યાત્મિક કારણોસર તો આજ્ઞાચક્રનું એક ખાસ સ્થાન છે જ. આ સંજોગોમાં આજ્ઞાચક્રને સંતુલિત કરવાના થોડા વધુ ઉપાયો વિસ્તૃત રીતે જોઈએ.

આજ્ઞાચક્રને સૌધી વધુ દુષિત કરનારું પરિબળ હોય તો તે ‘મનોવ્યાપાર’ છે. ધારણાઓ, માન્યતાઓ અને પરિણામે અભિપ્રાયો એટલા રિજિડ બની જાય છે કે આપણે તદ્દન બિનજરૂરી અને પાયાવિહીન મનોવ્યાપાર તરફ દોરવાઈ જઈએ.

ધારણા: થોડી નોંધ, થોડા દિવસ માટે રાખીએ કે આપણી ધારણાઓ સામે હકીકત શું હતી. દાખલા તરીકે, કોઈ વ્યક્તિએ મને ફોન કરવો જોઈતો હતો પરંતુ નથી કર્યો. આ સંજોગોમાં મેં શું વિચાર્યું છે અને પછી હકીકત શું હતી તે નોંધીએ. કોઈ કુટુંબીજન મોડું આવ્યું. મેં તે સમયે શું વિચારેલું અને ખરેખર શું હતું. પત્ની આજે કોપાયમાન છે. ધારણા મૂકી હોય (અને ગભરામણ થઈ હોય) કે મારી કંઈ ભૂલ થઈ. પછી ખબર પડે કે આજે કામવાળી નથી આવી અને 4 દિવસ હજી નથી આવવાની તેનું ટેન્શન છે. પતિ ચૂપ છે, મેં કદાચ ધાર્યું છે કે મારાથી નારાજ છે. ધીરેથી વાત જાણીએ કે સાચું કારણ શું હતું. ઓફિસમાં કંઈ તકલીફ હતી?  બહુ જલ્દી ખ્યાલ આવશે કે મોટા ભાગની ધારણાઓ ખોટી પડે છે.

એક્સેસ કોન્સીયસનેસ (Access Consciousness) નામની એક હીલિંગ પદ્ધતિના અમુક સિદ્ધાંતો અત્યંત અગત્યના છે. ફક્ત એ અનુસરવાથી પણ ઘણાબધા બિનજરૂરી મનોવ્યાપારથી બચી શકીએ અને આજ્ઞાચક્રને એટલું સુરક્ષિત રાખી શકીએ.

‘દરેક વસ્તુ માત્ર એક ‘મત’ છે.’ દરેક વ્યક્તિને પોતાના કંડિશનિંગ હોય છે અને તે મુજબ જે તે વ્યક્તિ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. કોઈ વાર એ અભિપ્રાય સાંભળનારને પસંદ ન પણ હોય. તરત જ તે વ્યક્તિ માટે થોડો પૂર્વગ્રહ અથવા અભાવ ઉત્પન્ન થઈ શકે. જો એ યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય એ તેમનો વ્યુ પોઇન્ટ છે અને બીજી વ્યક્તિનો મત અલગ હોઈ શકે, તો આવો પૂર્વગ્રહ કે અભાવ થતો અટકાવી શકાય, આજ્ઞાચક્રને અવરોધિત થતું અટકાવી શકાય.

‘કોઈ સ્પર્ધા નહિ.’ એકબીજાથી આગળ નીકળી જવાની, હંમેશા દરેક વસ્તુમાં પહેલો નંબર મેળવીને વાહવાહ મેળવવાની આંતરિક અદમ્ય ઇચ્છા કોઈ પણ મનુષ્યને શારીરિક અને માનસિક રીતે દોડતો રાખે છે. આગળ નીકળી શકાય કે નહિ તે તો નક્કી નથી પણ માનસિક તાણ વધી જાય અને તેની સાથે વણાયેલ રોગોની ભેટ જલ્દી મળી જાય તે શક્યતા વધારે. પોતાનાથી આગળ નીકળતી વ્યક્તિ પર કોઈ વાર ચીડ ચડે એવું પણ બને. સાચું એ છે કે ‘શાંતિ’ તો કોઈ પણ કિંમત આપી ખરીદવાની વસ્તુ છે, અને તે માટે સ્પર્ધાથી દૂર રહેવાથી ફાયદો જ થશે.

‘કોઈ પણ જાતનાં જજમેન્ટ નહિ.’ આ સારું, આ ખરાબ; આ સાચું, આ ખોટું – આવા બધાં જજમેન્ટ અંતે કોઈ ને કોઈ રીતે પૂર્વગ્રહ બાંધવા તરફ દોરી જાય. જો યાદ કરીએ તો આપણો ખુદનો અભિપ્રાય જ બદલતો રહે છે, કાલે જે વસ્તુ સ્વીકાર્ય ન હોય તે આજે સંપૂર્ણ સ્વીકાર્ય હોય તેવું અનેક વખત બની શકે. જિંદગીમાં ‘બદલાવ’ એ એક માત્ર ‘સ્થિર’ વસ્તુ છે. તે સંજોગોમાં કોઈ પણ જાતના જજમેન્ટ લેવાં યોગ્ય ગણી શકાય? નિર્ણય આપણે જ લેવાનો રહ્યો.

લાઇટ લેન્ગવેઇજ (Light Language) : એક નવી જ વસ્તુ. એવી ભાષા છે કે જે કોઈ દેશની કે પ્રજાની ભાષા નથી. પરલોકની ભાષા કહી શકાય. અનેક લોકો અધ્યાત્મમાં ઘણા આગળ નીકળી ગયા છે, અને અંતરિક્ષમાંથી આવતા અવાજો પણ સાંભળી શકે છે. આવા લોકોના માધ્યમથી આ ભાષા દ્વારા આ પ્રકારનું હીલિંગ થઈરહ્યું છે. આ પ્રક્રિયાને ‘Channeling’ કહે છે. આ સાથે બે લિંક આપું છું. જે ફાવે તેનો ઉપયોગ કરી શકો છો. શાંત થઈ, એકાંતમાં બેસી, થોડા ઊંડા શ્વાસ લઈ સાંભળશો. ભાષા સમજવાની કોશિશ કરશો નહિ. એક નવો અનુભવ કરવા માટે જ સમય આપવાનો છે અને ‘આપણા માટે જ આપવાનો છે.’ સાંભળતી વખતે ઊંઘ આવી જાય તો ઊંઘી જવાનું. તે હીલિંગ પ્રક્રિયાનો જ ભાગ હશે. મેં આવી એક હીલર પાસેથી આ અનુભવ રૂબરૂમાં મેળવેલો છે અને તે અત્યંત સારો રહ્યો છે.

Light language healing for the third eye:

https://www.lightasafeatherenergy.com/…/third-eye…

સાંભળ્યું હશે કે ‘પૃથ્વીનું ડીમેન્સન બદલાઈ રહ્યું છે.’ સાદી ભાષામાં એનો મતલબ એ છે કે સંપૂર્ણ વિશ્વનું આધ્યાત્મિક સ્તર ઊંચું જઈ રહ્યું છે. આસપાસ નજર નાખીશું તો જોવા મળશે કે નાની ઉંમરની અનેક વ્યક્તિઓ અધ્યાત્મ તરફ દોરાઈ રહી છે, યોગ અને ધ્યાન પ્રત્યે કોઈ દિવસ ન હતી તેવી જાગૃતિ આજકાલ જોવા મળે છે. એ જ પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ ડીમેન્સન ઉપર જવાની પ્રક્રિયામાં સહાયક થવા માટે જે વિવિધ વસ્તુઓ થઈરહી છે, લાઇટ લેન્ગવેઇજ તેનો એક ભાગ છે.

આજ્ઞાચક્ર પર ચુંબન: આ એક અલગ જ અનુભવ છે. પીનીઅલ અને પિટ્યુટરી બંને ગ્લેન્ડ્સ પર આ ચુંબનની સીધી અસર થાય, બંને ગ્લેન્ડ્સ ઉત્તેજિત થાય, મેલાટોનિનનું વધુ ઉત્પાદન થાય. હવે સમજી શકાશે કે શા માટે ‘ગુડ નાઈટ કિસ’ કપાળ પર કરવામાં આવે છે. એક પ્રકારની સુખાકારી (Well Being) અને સલામતીની ભાવના જે વ્યક્તિને ચુંબન થયું તેને આપમેળે જન્મે. કદાચ એટલે જ વડીલો ભાવનાત્મક રીતે નાની ઉંમરની વ્યક્તિઓને કપાળ પર ચુંબન કરતા હોય છે. એક અર્થમાં વ્યક્તિના આત્માને ચુંબન કરવા જેવું છે. અન્ય લોકો સામાન્ય રીતે આપણા કપાળને સ્પર્શતા નથી. આપણે પોતે પણ આ ભાગને ઓછો સ્પર્શ કરીએ છીએ. ઉચ્ચ ચેતનાયુક્ત જગ્યા છે આ. અહીં કરવામાં આવેલ ચુંબનની સીધી અસર આજ્ઞાચક્ર પર છે.

ધ્યાન: જયારે લગભગ તમામ ધ્યાન પદ્ધતિઓ આજ્ઞાચક્ર માટેની અથવા આજ્ઞાચક્ર સુધી હોય ત્યારે હવે ‘ધ્યાન’ અતિ મહત્ત્વનું બની રહે છે. કોઈ પણ વાત નવી હોય ત્યારે મનમાં એવો ખ્યાલ સહેજે આવે કે મારાથી આ થશે કે નહિ. પરંતુ એક વખત શરુ કાર્ય પછી બહુ સરળ પ્રક્રિયા છે અને ખાસ કરીને ત્યારે કે જયારે અનેક પ્રકારની ફ્રીક્વન્સી, સંગીત વગેરે આ માટે પ્રાપ્ય છે.

એક સરળ રીત.

શાંતિથી, આરામદાયક રીતે આંખ બંધ કરીને બેસીએ.

ધ્યાન રાખીએ કે ફોન કે અન્ય કોઈ વ્યક્તિ થોડો સમય ખલેલ ન પહોંચાડે.

5/10 ઊંડા શ્વાસ ધીરેથી લઈએ અને છોડીએ. ધ્યાન આજ્ઞાચક્ર પર લઈ જઈએ.

કપાળની વચ્ચે ઘાટા વાદળી (ઈન્ડિગો બ્લ્યુ) રંગની ઊર્જા આવતી હોય, એક દડો બનાવતી હોય તેવી ધારણા કરીએ.

ધીરે ધીરે જોઈએ કે એ દડો મોટો થઈ રહ્યો છે, થોડો ગરમ થઈ રહ્યો છે અને શરીરમાંથી અશુદ્ધ ઊર્જા ખેંચી રહ્યો છે.

શરૂઆતની ઉષ્ણતા પછી થોડા સમયમાં એ દડો સામાન્ય થશે અથવા થોડી ઠંડક અનુભવાશે. એ સમયે ધારણા કરીએ કે આ ઊર્જા આખા શરીરમાં પહોંચી રહી છે.

કદાચ લમણાંમાં થોડું દર્દ થશે. નિશાની છે કે ઊર્જા ઉપર ઊઠી રહી છે અને આજ્ઞાચક્રના અવરોધોને તોડવાની કોશિશ કરી રહી છે. થોડા દિવસોમાં આ દર્દની અનુભૂતિ બંધ થઈ જશે.

શરીરમાં આ દરમ્યાન જે કઈ પ્રક્રિયા થાય તે થવા દઈએ. કોઈને ધ્યાન દરમ્યાન શરીરનું હલનચલન અને અન્ય ક્રિયાઓ થાય છે, થાય તો થવા દઈએ. રોકીશું તો તેના પછીના તબક્કાથી વંચિત રહીશું. કોઈ પણ પ્રકારની લાગણીઓ પણ બહાર આવતી હોય તો આવવા દઈએ (જો અન્યને પ્રભાવિત ન કરતી હોય તો. આજ્ઞાચક્રની લાગણીઓ થોડા જોખમવાળી. ગુસ્સો પણ બહાર આવે. તો એ વ્યક્ત કરવામાં સાચવવું પડે).

અનુકૂળ હોય ત્યાં સુધી ધ્યાન કરી બાદમાં આંખો ધીરેથી ખોલીએ. ત્યાર બાદ પણ અન્ય ગતિવિધિ કરતાં પહેલાં થોડી મિનિટો શાંતિથી બેસી રહીએ.

બાઈનોરલ ફ્રીક્વન્સી સાથે ધ્યાન કરવું હોય તો અહીં એક લિંક આપું છું. બાઈનોરલ બિટ્સ સાંભળવા માટે હેડ ફોન અથવા ઈયર ફોન વાપરવા જરૂરી છે.

Third Eye Opening Binaural Beat Subliminal Visualization

આજ્ઞાચક્રના અવરોધને કારણે ઘણી વખત જોવા મળે કે વ્યક્તિ પોતાની માન્યતાઓમાં અત્યંત ચુસ્ત રહે, બીજાની વાત તેને ગળે ઊતરે નહિ. અતિશયોક્તિ અલંકારમાં એવું કહી શકાય કે આવી વ્યક્તિ કહે કે એક રૂપિયામાં ત્રણ આઠ આની આવે તો પછી એને કોઈ કાળે મનાવી શકાય નહિ કે ત્રણ નહિ પણ બે જ આઠ આની આવે. આ પ્રકારની મનોવૃત્તિને કારણે લોકો એમનાથી દૂર રહેવું પસંદ કરે. જો હું આ પ્રકારની વ્યક્તિ હોઉં અને બદલાવ લાવવાની ઇચ્છા હોય તો મારે નવા પુસ્તકો વાંચવા જોઈએ, સામાન્ય રીતે જોતો હોઉં તે સિવાયના TV કાર્યક્રમો જોવા જોઈએ, કોઈ નવા પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ, નવા ક્ષેત્રના મિત્ર બનાવવા જોઈએ, મારી ચીલાચાલુ ઘરેડમાંથી બહાર આવવું જોઈએ; ટૂંકમાં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઈએ. ફાયદો મારો જ રહેશે.

એફર્મેશન્સ: અહીં દર્શાવેલ એફર્મેશન નિયમિત રીતે કરી શકાય. લખીને કરીએ તો વધુ ફાયદો થાય.

“હું મારા આત્માના અવાજને અનુસરું છું.’

“યોગ્ય નિર્ણય કેમ લઈ શકાય તે મને ખ્યાલ છે, હું સરળતાથી તે લઈ શકું છું.”

“મારી જિંદગીનો એક ખાસ મકસદ છે, તેના માટે મને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે.”

“મારા આજ્ઞાચક્ર દ્વારા મળી રહેલા માર્ગદર્શનને હું અનુસરું છું”

“મારી પાસે અપાર શકયતાઓ છે જેમાંથી હું શ્રેષ્ઠ પસંદ કરું છું.”

“મારું આજ્ઞાચક્ર સંતુલિત અને વિકસિત છે.”

“હું ક્રિયાત્મક કલ્પનાઓ કરી શકું છું.”

વિઝ્યુઅલાઈઝેશન બહુ જ ફાયદાકારક રહેશે. મન શાંત અને સ્થિર કરી જીવનનાં જૂદાં-જૂદાં પાસાં નિહાળો. વિચારો કે ક્યાં બદલાવ જરૂરી છે. કઈ પરિસ્થિતિ આદર્શ અથવા ઇચ્છિત છે. બંધ આંખે એ પરિસ્થિતિ નિહાળો. નજર સમક્ષ એ ચિત્ર બની શકે તેટલી વિગત સાથે લાવો. (જાણે કે: નયનને બંધ રાખીને મેં તમને જોયાં છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.) ધારો કે મર્સીડીસ કાર જોવી છે. તો તેનો રંગ, નવી કારની ફીલ, સ્ટાર્ટ કરીએ ત્યારનો અવાજ, તેના હોર્નનો અવાજ – બધું જ વિઝ્યુઅલાઈઝ કરો, દરરોજ કરો. આ NLP ટેક્નિક આજ્ઞાચક્ર માટે અતિ ઉપયોગી છે.

વિષય ઘણો વિસ્તૃત છે. પરંતુ લેખ 15, 16 અને 17માં આજ્ઞાચક્ર વિષેની તમામ પ્રાથમિક અને ઉપયોગી માહિતીની આપણે ચર્ચા કરી છે. હવે આવતા લેખમાં સહસ્ત્રારચક્ર વિષે જાણીશું.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.