Daily Archives: 05/10/2020

શું તમે સાઈકિક છો? (૭) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખમાળાના ત્રીજા તબક્કામાં વિવિધ સાઈકિક પાવર્સ વિષે સમજણ મેળવી રહ્યા છીએ. કલેયરવોયન્સ, કલેયરએમ્પથી, કલેયરઓડિયન્સ બાદ છેલ્લા લેખમાં સાઈકોમેટ્રી વિષે વાત કરી રહ્યા હતા, તેને આગળ ધપાવીએ.

ન્યુરોસાયન્સ મુજબ મગજને જેટલું કષ્ટ આપીએ, કોઈ નવી ભાષા શીખીએ, કંઈ નવું જાણીએ તેટલું ફાયદાકારક છે, જ્ઞાનતંતુઓ મજબૂત થાય, મોટી ઉંમરે પણ મગજ સાબૂત રહે, અલ્ઝાઇમરની શક્યતાઓ ઘટી જાય. તો ચાલો, મગજને થોડું કસીએ.

નીચેના પ્રશ્નો વિષે વિચારી ગંભીરતાપૂર્વક માનસિક રીતે જવાબ તૈયાર કરીએ.

૧) એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી ભાષા જાણતી હોઈ શકે? જાણવાનો મતલબ ઓછામાં ઓછી એટલી જાણકારી કે પોતાની માતૃભાષાના પુસ્તકનું બીજી ભાષામાં સરળતાથી અને ઝડપથી ભાષાંતર કરી શકે.

૨) બીજી ભાષા શીખવા માટે આશરે કેટલો સમય લાગે?

૩) કોઈ વ્યક્તિ વધુમાં વધુ કેટલા પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન ધરાવી શકે? એ રીતે આત્મસાત થઈ શકે કે તે ગ્રંથોનો કોઈ પણ સંદર્ભ ક્યા પાનાં પર છે તે પણ કહી શકે? તે સંદર્ભ વિષે ગ્રંથ પર નજર પણ કર્યા વગર કલાકો સુધી પ્રવચન આપી શકે?

૪) વ્યક્તિ જે ગ્રંથોનું જ્ઞાન ઉપરોક્ત રીતે ધરાવે તે ગ્રંથો તેણે વાંચ્યા જ ન હોય કે સાંભળ્યા જ ન હોય તે સંભવ છે?

૫) મુન્નાભાઈ 𝐌𝐁𝐁𝐒 ફિલ્મમાં મેડિકલ કોલેજના ડીન ડો. આસ્થાનાને બંને હાથથી એક સાથે બોર્ડ પર લખતા જોયા છે. પરંતુ બંને હાથથી એક સાથે લખતાં-લખતાં જુદા-જુદા પ્રશ્નોના જવાબ પ્રરીક્ષામાં આપી શકાય?

સ્પીડ બ્રેકર: આગળ વાંચતાં પહેલાં ઉપરોક્ત પ્રશ્નોના માનસિક જવાબ તૈયાર કરીએ.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વમાં સૌથી વધુ ભાષા જાણવાનો રેકોર્ડ લાઈબીરિયાના ઝલાડ યુસુફ ફૈઝ નામની વ્યક્તિને નામે છે. ૫૯ ભાષા તે જાણે છે. બની શકે કે કોઈ વિભૂતિ એવી પણ હોય કે જેનો ઉલ્લેખ ગિનિસ બુકમાં ન હોય, પરંતુ તેની ઉપલબ્ધિ વધુ હોય. એવી જ વાત હવે કરવાની છે. જેનો ઉલ્લેખ હવે થવાનો છે તેમની થોડી ઉપલબ્ધિઓ પર નજર નાખીએ. ઉપરોક્ત પ્રશ્નોના જવાબ તેમાં જ સમાયેલ છે.

૧) શ્રીમદ રાજચંદ્રજી રચિત ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ નામક પુસ્તકનું ભાષાંતર આ વિભૂતિએ સરળતાથી, કોઈ પણ ડીક્ષનેરી કે વ્યક્તિની સહાય વગર ૧૪૨ ભાષામાં કર્યું છે. આશરે ૩ વર્ષના સમયગાળામાં તેમણે ૧૪૨ દેશોનો પ્રવાસ અને આ ભાષાંતર કર્યાં છે.

૨) બીજી ભાષા શીખવા માટે તેમણે કોઈ પ્રયાસ કર્યો નથી, સિવાય કે જે તે દેશનો પ્રવાસ. જે મિનિટે તેમણે બીજા દેશની ભૂમિ પર પગ મૂક્યો, ફ્લાઈટમાંથી નીચે ઊતર્યા એટલે એ ભાષા તેમને બોલતાં-લખતાં આવડી ગઈ છે, એ ભાષામાં ઉપરોક્ત પુસ્તકને ભાષાંતરિત કરી એ દેશ છોડ્યો છે. અનેક ભાષાઓ એવી છે કે જે તેમણે કદી સાંભળી પણ ન હતી. વિવિધ દેશોમાં તેમણે તે દેશની ભાષામાં પ્રવચન પણ આપ્યાં છે. આ થયું સ્થળ (𝐏𝐥𝐚𝐜𝐞) સાઈકોમેટ્રીનું એક જીવંત ઉદાહરણ.

૩) તેઓ ૧૫૦૦ પ્રાચીન ગ્રંથોનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. સેંકડો વર્ષ પહેલાં પ્રબુદ્ધ સંતો દ્વારા લખાયેલ આ ગ્રંથોમાંથી કોઈ પણ સંદર્ભ પર પાનાં નંબર સાથે બધું જ યાદ હોય અને તેના પર પ્રવચન આપ્યાં હોય તેવો તેમનો કિસ્સો છે.

૪) ઉપરોક્ત ગ્રંથો તેમણે કદી વાંચ્યા નથી. પૂર્વજન્મની સ્મૃતિના આધારે આ ગ્રંથોનું જ્ઞાન કુદરતી રીતે જ તેમને આત્મસાત થયું છે.

૫) વિદ્યાર્થી અવસ્થામાં પરીક્ષા આપતી વખતે બંને હાથનો ઉપયોગ કરી જુદા-જુદા પ્રશ્નોના જવાબ તેમણે અલગ-અલગ કાગળ પર એક સાથે આપ્યા છે.

૬) આજ સુધીમાં ૩૦૦૦૦ પ્રવચન આપ્યાં છે જેમાંથી ૧૦, સાઈટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે

એક જ વ્યક્તિ અને આટલી બધી ઉપલબ્ધી! કેટલું આશ્ચર્યજનક છે ! અધધધ થઈ જવાય તેવા પ્રકારની કલ્પનાતીત ઉપલબ્ધિ ધરાવનાર એક જ માનવદેહમાં વ્યક્તિની ઉંમર કેટલી હોઈ શકે? જવાબ છે: ફક્ત ૪૦ વર્ષ. કોણ હશે આ? આગળ જાણીશું.

ઘણી વખત એવું બને કે નજીકમાં જ કોઈ આવી વિશિષ્ટ વ્યક્તિ/સંત/મહાત્મા હોય અને આપણને ખ્યાલ જ ન હોય. અથવા કોઈ પાસેથી વાત સાંભળી હોય તો પણ આ વિષયની માહિતીના અભાવે અને શંકા-કુશંકાને કારણે તે વાતમાં રસ લીધો ન હોય.

આ વિશિષ્ટ વિભૂતિ કોણ છે, ક્યાં છે તે વિષે જાણીને વધુ આશ્ચર્ય અને આનંદ થશે. જો તેમના વિષે ખ્યાલ નહિ હોય તો નવાઈ પણ લાગશે કે આવી સિદ્ધિ ધરાવનાર વિભૂતિ ગુજરાતમાં જ હોવા છતાં તેમના વિષે ખબર કેમ નથી. તેઓ છે: શ્રી ફુલચંદ શાસ્ત્રીજી. ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં જ તેમનો જન્મ અને નિવાસ છે. વિશેષ માહિતી 𝐡𝐭𝐭𝐩𝐬://𝐰𝐰𝐰.𝐟𝐮𝐥𝐜𝐡𝐚𝐧𝐝𝐬𝐡𝐚𝐬𝐭𝐫𝐢.𝐜𝐨𝐦/ પરથી મેળવી શકાશે. તેમનો એક ઇન્ટરવ્યૂ આ લિંક પર છે. 𝐡𝐭𝐭𝐩𝐬://𝐰𝐰𝐰.𝐲𝐨𝐮𝐭𝐮𝐛𝐞.𝐜𝐨𝐦/𝐰𝐚𝐭𝐜𝐡?𝐯=𝐓𝐈𝐎- 𝐊𝟎𝐜𝐎𝐌𝐣𝐨

લેખની શરૂઆતના પ્રશ્નોના જે જવાબ ધારેલા હોય અને ઉપરની હકીકતમાં ફર્ક હોય તો એક વસ્તુ શીખવાની રહે. દરેક નવી માહિતી માટે દિલ અને દિમાગ ખુલ્લાં રાખવાં જોઈએ – કોઈ દિવસ ન સાંભળી હોય, તર્કસંગત ન લગતી હોય તેવી માહિતી હોય તો પણ. નવી માહિતી દર વખતે સાચી જ હોય તેવું જરૂરી નથી પરંતુ જીંદગીભરમાં જે જાણ્યું છે, તે વિશ્વના અગાધ જ્ઞાનસાગરનું ટીપું માત્ર છે તે ખ્યાલ વિકાસ પામશે તો ઘણું નવું જાણી શકીશું, શીખી શકીશું; બેધ્યાનપણે જો અભિમાન-ઈગો ઘર કરી ગયો હશે તો તે થોડો નબળો પડી શકશે, ચક્રોની/ નાડીઓની સ્થિતિ સુધરશે, ‘મને જ આવડે, મને જ આવડે; તે જ અજ્ઞાનતા’ તેવું આત્મદર્શન સંભવ બનશે.

સાઈકોમેટ્રી સંદર્ભમાં એક વાચક તરફથી અમુક જીજ્ઞાશા વ્યક્ત થઈ છે. તમામ મુદ્દા સુસંગત અને મહત્ત્વના છે જેની ચર્ચા થકી વિષય વધારે સ્પષ્ટ થઈ શકશે. તે વિગતવાર જોઈએ.

૧) ઘણી વાતો અનુભવાતી હોવા છતાં તેનું આધ્યાત્મિક કારણ ખબર હોતી નથી. કદાચ એટલે જ ‘ધરતીનો છેડો ઘર’ કે ‘ 𝐡𝐨𝐦𝐞 𝐬𝐰𝐞𝐞𝐭 𝐡𝐨𝐦��’ કહેવાતું હશે.

જ્યાં સુધી ઘરમાં શાંતિ હોય ત્યાં સુધી આ હકીકત એકદમ સાચી છે. ઘરની ઊર્જાનો એક લિટ્મસ ટેસ્ટ છે. દંપતી ઘરમાં તથા ઘર બહાર – બંને જગ્યાએ – શાંતિથી રહી શકે તો ઘરની ઊર્જા સારી છે. કોઈ કિસ્સામાં એવું જોવા મળે છે કે દંપતી ઘરની બહાર એકદમ આનંદથી રહી શકે, ફરવા જાય ત્યાં પણ આનંદ કરી શકે, પરંતુ ઘરમાં આવ્યા બાદ અકળામણ થાય. આ સંજોગો ખાસ કરીને ત્યારે ઊભા થાય જયારે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય. રોજ કંકાસને કારણે ઘરની ઊર્જા સારી રહી ન હોય. જેવા ઘર બહાર નીકળે એટલે આંતરિક વિરોધ શમી જાય. પ્રાચીન કાળમાં કોપભવનનો ખ્યાલ હતો તે આ સિદ્ધાંતના આધારે જ ઉદ્ભવ્યો હશે જેથી દુષિત ઊર્જા એક જ જગ્યા પર રહે, ઘરમાં અન્ય જગ્યાએ તકલીફ ન કરે. ખાસ કરીને બેડરૂમ અને રસોડું એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ સંજોગોમાં કલહ ન થવો જોઈએ.

૨) વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની વિધિને આ વાત સાથે સંબંધ ખરો?

દરેક સ્થળ અને વસ્તુમાં તેનો ઉપયોગ જેના દ્વારા થયેલ હોય તે વ્યક્તિઓની, ત્યાં જે પ્રસંગ બનેલા હોય તેની ઊર્જા હોય. જેમ કે કોઈ જગ્યા પર અપમૃત્યુ થયેલ વ્યક્તિની ઊર્જા હોય, ત્યાં રહી ચૂકેલ વ્યક્તિના સ્વભાવની ઊર્જા હોય, તેના રોગની ઊર્જા હોય. આ ઊર્જા નવી રહેવા આવનાર વ્યક્તિને અસર પહોંચાડી શકે. વ્યક્તિ જેટલી વધુ સંવેદનશીલ તેટલી વધુ અસર. એક ઘટના પરથી સમજી શકાશે. મારા એક અતિ સંવેદનશીલ મિત્ર અને હું એક બીજા મિત્રના ઘરે ગયા. જેના ઘરે ગયા તે મિત્ર બહુ વખતથી ડિપ્રેસનમાં હતા જેને કારણે ઘરનું વાતાવરણ પણ અત્યંત ઉદાસીન હતું, બધા ચિંતિત હતા. આશરે ૨ કલાક પછી અમે ત્યાંથી વિદાય લીધી. તે પછી થોડી જ વારમાં મારા સંવેદનશીલ મિત્રની જીભ પર ચાંદાં પડી ગયાં, જે ૧/૨ દિવસ પછી જતાં રહ્યાં. જેના ઘરે ગયા હતા તે મિત્રના પુત્રનો બીજા દિવસે ફોન આવ્યો કે તમે લોકો ગયા પછી ઘરનું વાતાવરણ એકદમ ફરી ગયું, એનર્જી ફરી ગઈ, જાદુઈ લાકડીની જેમ બધા ખુશખુશાલ થઈ ગયા. મતલબ એ થયો કે તકલીફવાળી ઊર્જા ઘરમાંથી સંવેદનશીલ મિત્ર તરફ પ્રવાહિત થઈ. ત્યાર બાદ તો ૧૫ વર્ષથી એ ઘરમાં ધ્યાનકેન્દ્ર ચાલે છે તેથી ત્યાંની ઊર્જા સદંતર ફરી ગઈ છે.

આ પ્રકારની ઊર્જા કોઈ સ્થળમાં હોય તો તેને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રની વિધિનું પ્રાવધાન છે.

૩) કેટલીક વસ્તુઓ જૂની/બિન-ઉપયોગી થઈ જાય તો પણ તેનો નિકાલ કરવાની ઇચ્છા થતી નથી. તેમની સંચિત ઊર્જા આ માટે કારણભૂત હશે?

જી, હા. ચોક્કસ સંચિત ઊર્જાનું જ પરિણામ. લેખ 6 માં દર્શાવેલું કે જાણતાં-અજાણતાં બીજા કોઈના ઘરે/ઓફિસે પણ કોઈ એક ખાસ સોફા કે ખુરશી પર દરેક વખતે બેસી જઈએ છીએ. કારણ એ જ છે કે અગાઉની મુલાકાત દરમ્યાન ત્યાં બેઠાં ત્યારથી આપણી ઊર્જા તે જગ્યાએ સચવાયેલી પડી હોય. ઊર્જા સ્પર્શથી પ્રવાહિત થઈ હોય, લાગણીઓથી થઈ હોય (𝐄𝐦𝐨𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐀𝐭𝐭𝐚𝐜𝐡𝐦𝐞𝐧𝐭), વિચારથી થઈ હોય (જરૂર પડશે તો ક્યા લેવા જાશું પાછા?) અન્ય રીતે થઈ હોય. તે ઊર્જા જે-તે વસ્તુનો નિકાલ કરતા વ્યક્તિને રોકે. એક વાર નિકાલ કરી શકે તો નવી ઊર્જાની જગ્યા ઊભી થાય જે માનસિક હળવાશના રૂપમાં વ્યક્તિને મહેસૂસ થાય.

૪) અમુક પૌરાણિક/ધાર્મિક સ્થળોમાં શાંતિ મળતી હોય છે, એનું કારણ પણ એ જ હોઈ શકે?

ચોક્કસ એ જ કારણ હોય. ડો. મસારુ ઈમોટોના પાણી પરના પ્રયોગો  પરથી વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકેલું છે કે દરેક સ્થળની ઊર્જા જુદી હોય. આશ્રમની જુદી હોય અને કોર્ટ કે યુદ્ધભૂમિની જુદી હોય. કોર્ટ કે હોસ્પિટલમાં જતાં જ જુદી અનુભૂતિ થાય, ડિસ્કો ક્લબમાં જુદી ફીલ આવે. ઘરમાં પણ ધ્યાનખંડમાં શાંતિ વધુ મળે. વિવિધ શહેર અને દેશની ઊર્જા પણ અલગ-અલગ હોય. લેખ 6 માં ઉલ્લેખ કરેલો કે લદ્દાખમાં દેશભક્તિની ઊર્જા એટલી હદે મેહસૂસ થાય કે દેશભક્તિની ભાવનાને તાત્કાલિક બૂસ્ટર ડોઝ મળે. આધ્યાત્મિક ઊર્જા પણ તેટલી જ મેહસૂસ થાય. માઉન્ટ કૈલાશની ઊર્જા વિષે તો બધા જાણે જ છે! આથી વિરુદ્ધ, મુંબઈમાં ગીચ વસ્તીને કારણે વૈચારિક પ્રદુષણ હોય. તેથી ત્યાં અકળામણ અનુભવાય. કોઈ ઉતાવળ ન હોય તેવો ત્યાં ફરવા ગયેલો માણસ પણ સ્થાનિક વ્યક્તિની જેમ ઝડપથી ચાલવા લાગે કારણ કે સામુહિક વિચારોની ઊર્જા તેને પ્રભાવિત કરે. (પ્રશ્ન 𝟓માં વિશેષ વાત).

૫) કોઈ જગ્યા એક વ્યક્તિને માફક આવતી નથી, જયારે કેટલાકને એ જ જગ્યા ફળદાયી નીવડે છે. તો શું એક જગ્યા એકને માટે ઊર્જાવાન અને બીજાને માટે નકારાત્મક બની શકે?

દરેક સ્થળની એક મૂળભૂત ઊર્જા હોય જેમાં તમામ બાંધકામનો સામાન, બાંધકામ કરનાર વ્યક્તિઓની ઊર્જા, વાસ્તુશાસ્ત્રના નિયમો વિગેરેનું મિશ્રણ હોય. પુનઃવેચાણ (𝐑𝐞𝐬𝐚𝐥𝐞) સમયે મકાનમાં પહેલાં રહેલ વ્યક્તિઓની અને ત્યાં થયેલ પ્રવૃત્તિઓની ઊર્જા પણ હોય. વેચનાર વ્યક્તિ કઈ ભાવનાથી, ક્યા સંજોગોમાં વેચે છે તે ભાગ ભજવે. મજબૂરીને કારણે મકાન વેચવું પડ્યું હોય તો દુઃખની લાગણી પણ હોય. લેણદારને સોંપવું પડ્યું હોય તો ગુસ્સો/નફરત હોઈ શકે. જયારે સરકારે નવો કાયદો ઘડ્યો કે દેવાદાર પાસેથી ગીરો મિલ્કતનો કબ્જો બેન્ક લઈ શકે ત્યારે જામનગરમાં તેવા સંજોગો ઉપસ્થિત થયેલા. તે દેવાદાર એટલો ગુસ્સે હતો કે મકાન ખાલી કરતાં પહેલાં તેણે ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ પણ તોડી નાખેલાં, બીજી ઘણી તોડફોડ કરેલી. આમ એક થઈ સ્થળની મૂળભૂત ઊર્જા.

ત્યાર બાદ વાત આવી જે વ્યક્તિ ખરીદે છે, રહેવા આવે છે તેના પર. તે ક્યા પ્રકારના રંગો ઘરમાં વાપરે છે, ફર્નિચરની ગોઠવણી ક્યા પ્રકારે કરે છે, ક્યા પ્રકારનું સંગીત વગાડે છે, ઘરમાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ કેટલાં છે, તેનો વપરાશ કેટલો છે, ઊર્જા સંદર્ભે વ્યક્તિની સંવેદનશીલતા કેટલી છે, ઘરમાં કેવું વાતાવરણ છે, ક્યા પ્રકારની પ્રવૃત્તિ થાય છે (જેમ કે કોઈ ફોજદારી વકીલ ઘરમાંથી ઓફિસનું કામ કરતાં હોય, કોઈ નિયમિત ધ્યાન કરતું હોય, કોઈ નેતાના ઘરમાં રાજકીય કાવાદાવા ઘડાતા હોય), રહેનાર વ્યક્તિઓના વિચારો કેવા છે, ઘરમાં નકામી વસ્તુઓ ભરી છે કે નહિ, અરીસાઓની ગોઠવણ કેમ છે વિગેરે અનેક પરિબળોની અસર રહે.

હવે અસર થાય નવા આવનાર વ્યક્તિનાં ચક્રોની સ્થિતિ મુજબ. વ્યક્તિની માફક દરેક સ્થળનાં, પ્રદેશનાં અને પૃથ્વીનાં પણ ચક્ર હોય. મકાનનાં પણ ચક્ર હોય. ધારો કે મકાનનું હૃદય ચક્ર દુષિત છે, રહેવા આવનાર વ્યક્તિનું પણ હૃદયચક્ર નબળું છે, તો તેને માટે જોખમ થઈ શકે. જો એ વ્યક્તિનું હૃદયચક્ર બરાબર હોય અને બીજું કોઈ ચક્ર કદાચ નબળું હોય, તો તેને વાંધો આવે નહિ. એક ઉદાહરણથી સમજીએ. મારા એક મિત્રને યુવાનવયે છાતીનો દુખાવો રહેવા લાગ્યો. આશરે એક મહિના સુધી દર્દ સહન કર્યા બાદ તે ચેક-અપ માટે ગયો. ડોક્ટરને કાર્ડિયોગ્રામમાં ઓછી તીવ્રતાનો હાર્ટ એટેક દેખાયો. દવાઓ લખી આપી. તે મિત્રે દવાઓ લીધી નહિ. તે ‘સમર્પણ ધ્યાન’ નામક ધ્યાન પદ્ધતિ સાથે જોડાયેલો હતો અચાનક તેના પર તે ધ્યાન પદ્ધતિના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો ફોન આવ્યો (સ્વામીજી આશરે ૫૦૦ કિલો મીટર દૂર બીજા શહેરમાં હતા) અને કહ્યું: “તારા મકાનનું હૃદયચક્ર દૂષિત છે, પરિણામે હાલમાં તારું હૃદયચક્ર પણ નબળું પડ્યું છે, તને તકલીફ થઈ શકે, તાત્કાલિક તે મકાન ખાલી કર.” (આ થયો કલેયરવોયન્સ અને સાઈકોમેટ્રીનો સંયુક્ત પ્રભાવ.) ત્રણ દિવસમાં મારો મિત્ર બીજે રહેવા જતો રહ્યો, કોઈ દવા વગર જ સ્વસ્થ થઈ ગયો. એ વાતને આજે ૧૮ વર્ષ વીતી ગયા છે. આ કિસ્સામાં એમ બની શકે કે કોઈ અત્યંત મજબૂત હૃદયચક્રવાળી વ્યક્તિ ત્યાં રહેવા આવે તો તેને કોઈ તકલીફ ન થાય. અહીં એક અત્યંત રસપ્રદ વાત એ છે કે મારા તે મિત્રના પાડોશમાં રહેતા એક નિષ્ણાત જ્યોતિષીએ તેને પહેલાં જ કહેલું કે તેની કુંડળીના ગ્રહોની સ્થિતિ મુજબ આ મકાન તેને તકલીફ ઊભી કરી શકે.

આ પ્રમાણે એક વ્યક્તિને એક જગ્યા માફક ન આવે અને બીજાને આવે તે પાછળ અનેક પરિબળો કારણભૂત હોઈ શકે.

સાઈકોમેટ્રી અંગેના વિશેષ મહત્ત્વના મુદ્દા લેખ 8 માં ચર્ચીશું. આજે અહીં વિરામ લઈએ.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Blog at WordPress.com.