“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખમાળાના આ પહેલાંના ચાર ભાગમાં આપણે એ જાણ્યું કે Metaphysics માં શાનો સમાવેશ થાય, ઓરા કોને કહેવાય, તેના ફોટોઝ કઈ રીતે લઈ શકાય, તેનો ઉપયોગ શું થાય, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા હોય, કુંડલિની શું છે, સામાન્ય રીતે આપણે તે ઊર્જાનો આંશિક ઉપયોગ જ કરીએ છીએ અને તેનો વધુ ઉપયોગ થઇ શકે, ઈડા, પિંગળા, સુષુમ્ણા નાડીઓ એમ મુખ્ય ત્રણ નાડીઓ, ૭ ચક્રો વિગેરે. એ પણ આપણે જોયું કે દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ છે. છેલ્લા લેખમાં મૂલાધાર ચક્ર વિષે થોડી વિગતથી ચર્ચા કરી.
ચક્રયાત્રાને આગળ વધારીએ. મૂલાધારથી તરત ઉપરનું ચક્ર એટલે સ્વાધિષ્ઠાન ચક્ર – ઇંગ્લીશમાં કહીએ તો Sacral Plexus. જાતીય અવયવોથી થોડાં જ સેન્ટિમીટર ઉપર, પેડુ એટલે કે pelvis પાસે તેનું સ્થાન છે. તમામ પ્રકારના દુન્યવી આનંદો સાથે સંકળાયેલું ચક્ર તે આ ચક્ર. ઊર્જાને અહીંથી ઉપર જવામાં થોડો સમય લાગે અને માટે સમાજનો એક મોટો વર્ગ જેની આસપાસ જિંદગીભર રમ્યા કરે કે રમવાનું પસંદ કરે તે આ ચક્ર. પ્રજનનતંત્ર અને કામભાવના જેના પર આધારિત છે તે આ ચક્ર. જિંદગીની દરેક વસ્તુઓનો ‘સ્વાદ’ લેવાનું ચક્ર એટલે સ્વાધિષ્ઠાન ચક્ર.
નાનાં હતાં ને નારંગી રંગની નાની નાની પીપર આવતી, બહુ ગમતી, યાદ છે? રંગ પણ બહુ ગમતો અને એનો સ્વાદ લીધા જ કરવાનું મન થતું. યાદ કરીએ તો અત્યારે પણ મોઢામાં પાણી આવી જાય. બસ એ રંગ એટલે કે નારંગી રંગ આ ચક્રનો. અને જે તત્ત્વ આપણું જીવન છે તેમ કહીએ છીએ તે તત્ત્વ એટલે કે જળ આ ચક્રનું તત્ત્વ છે અને મંત્ર છે ‘વં’. આપણા *શરીરમાં આશરે ૭૦% હિસ્સો પાણીનો એટલે કે જળતત્ત્વ છે. આ ચક્રનું મહત્ત્વ તેના પરથી સમજી શકાશે.
આ લેખમાળામાં પહેલાં આપણે એ જોઈ ગયા કે ચક્ર ઢાલનું કામ કરે છે ને તે શક્ય હોય ત્યાં સુધી સ્થૂળ શરીરને બચાવે અને એક હદ આવે ત્યારે હાથ ઊંચા કરી દે. કોઈ પણ જાતનું વ્યસન, કમરની નીચેના ભાગમાં દર્દ, વારંવારના ગર્ભપાત, કિડનીને લગતા રોગ, માસિકધર્મને લગતા રોગ, પ્રોસ્ટેટ, ગર્ભાશયને લગતા રોગ, અંડાશયને લગતા રોગો વિગેરે તમામ ઉપદ્રવો સૂચવે છે કે સ્વાધિષ્ઠાન ચક્ર થોડું વધારે થાકી ગયું છે, રમવાની ના પડે છે.
જો સ્વાધિષ્ઠાન ચક્ર સંતુલિત હોય તો વ્યક્તિ એકદમ તેજસ્વી, આઝાદ પંખી જેવી, સર્જનાત્મક શક્તિથી ભરેલ અને ખુશ હશે, પોતાની જાતનો અને બીજાનો પણ ખુલ્લા મને સ્વીકાર કરતી હશે, પરિવર્તનને હસતાં હસતાં આવકારતી હશે, સ્વસુધારણા માટે પણ તૈયાર હશે અને તેની અભિવ્યક્તિ પણ સારી હશે.
હવે આગળની વાત કરીએ એ પહેલાં ‘કન્ડિશનિંગ’ વિષે થોડું સમજીએ. નાનપણથી સાંભળીએ કે ‘આ સારું કહેવાય-આ ખરાબ. આ સાચું ને આ ખોટું.’ અરરર, આવું કરાય? કેવું કર્યું એણે તો? માતા-પિતા, વડીલો, શિક્ષકો, પાડોશીઓ અને બીજા ઘણા પાસેથી જુદી જુદી વાતો અને બોધ સાંભળીએ. બહુ જ નાની ઉમરથી સાંભળ્યું હોય કે ખુલીને બોલાય નહીં, લાગણીઓ અમુક હદ સુધી જ વ્યક્ત કરી શકાય, છોકરો હોય તો તે રડી ના શકે (આસપાસમાં ઘણી વખત સાંભળવા મળશે કે માતા કે પિતા દીકરાને કહેતા હોય કે ‘રડે છે શું, છોકરો છે કે છોકરી?’) અને ભૂખ-તરસ જેટલી જ કુદરતી બીજી શારીરિક જરૂરિયાત એટલે કે કામેચ્છા વિષે તો વાત થતી હશે? છી છી છી છી છી ! અજ્ઞાત મન આ બધું રેકોર્ડ કરે જેની અસર પછી જિંદગીભર રહે, આપણા નિર્ણયો એના પર આધારિત રહે, આપણે દરેક વાત અને વ્યક્તિની સ્વયંની મુલવણી એના પરથી કરતા રહીએ, સાચું-ખોટું, સારું-ખરાબ એવા તારણ પણ એના પર કાઢતા રહીએ. . આને કહેવાય ‘કન્ડિશનિંગ’ કે જેની અસર સ્વાધિષ્ઠાન ચક્ર પર થાય, થાય અને થાય જ.. દબાયેલી લાગણીઓ અને ઈચ્છાઓ સ્વાધિષ્ઠાન ચક્રની ઊર્જાને પ્રભાવિત કરે અને કરી મૂકે તેને અસંતુલિત.
જ્યારે આ ચક્ર પર જાગૃત રીતે કામ કરીએ એટલે કે તેને સંતુલિત કરવાના પ્રયત્નો કરીએ ત્યારે તૈયાર રહેવાનું કે અનેક દબાયેલી લાગણીઓ બહાર આવશે, અપરાધ ભાવના એટલે કે guilt અને શરમ પણ બહાર આવશે. પરંતુ જે થાય તે સારા માટે, આપણું સાચું અને સંપૂર્ણ વ્યક્તિત્વ બહાર આવશે અને એક અનેરી શાંતિ મળશે જે ચહેરા પર પણ દેખાઈ આવશે, લોકો પૂછવાનું ચાલુ કરશે કે “બોસ/મેમ, શું છે, ચમકો છો આજકાલ તો.”
ખબર કેમ પડે કેમ મારું સ્વાધિષ્ઠાન ચક્ર કેવું છે? થોડા મુદ્દા આ માટે ચકાસવાના. એકાંતમાં જઈ, શાંત થઈ પોતાની જાતને જ થોડા પ્રશ્નો પૂછવાના અને જવાબ મેળવવાની કોશિશ કરવાની. એક વારમાં જવાબ ના મળે તો થોડા દિવસ દરરોજ એ જ પ્રશ્ન ખુદને કરવાના. શું હું સર્જનાત્મક છું એટલે કે એક ઢાંચાની બહાર (Out of the box ) વિચારી શકું છું? સ્વપ્રેરિત એટલે કે સેલ્ફ-મોટીવેટેડ છું? મારી જાતીય ઈચ્છાઓ તંદુરસ્ત છે (અતિશય વધુvઅથવા તો અતિશય ઓછી નહીં)? મારી જાતને પૂરતું – ના વધુ, ના ઓછું – મહત્ત્વ આપું છું? જિંદગીના બધા સ્વાદ કોઈ પણ પ્રકારની અપરાધ ભાવના વગર માણી શકું છું? મારી લાગણીઓ મને વારંવાર ગૂંચવતી નથી ને? કોઈ મને ચાહતું નથી અથવા તો મારો સ્વીકાર કરતું નથી એવી લાગણીથી ઘેરાયેલ છું?
છેલ્લા બે પ્રશ્નોના જવાબ ના અને બાકીનાના જવાબ હા હોય તો સબ સલામત. નહીંતર પછી આ ચક્રને સંતુલિત કરવા કોઈ પ્રયત્ન કરવા છે કે નહીં તે જાતે જ નક્કી કરવાનું. પ્રયત્ન ના કરીએ તો ચાલે પણ પછી પરિણામો માટે તૈયાર રહેવાનું.
જયારે આ ચક્ર નબળું હોય ત્યારે જાતીય શક્તિ ઘટી જાય, હોર્મોન્સનું ઉપ્તાદન ઘટી જાય અને એક તબક્કે જાતીય જીવન પ્રત્યે ઉદાસીનતા એટલે કે frigidity અથવા તે માટેની અશક્તિ એટલે કે impotence આવી શકે. માનસિક રીતે જિંદગી રસવિહીન બની શકે, વ્યક્તિ પોતાને ‘નકામી’ ગણવા માંડે. જો આ ચક્ર વધું કાર્યરત હોય તો જાતીય ગ્રંથિઓ વધું માંગણીઓ કરે, વળગાડ એટલે કે obsession જેવી સ્થિતિ આવી શકે, પરિણામે હતાશા પણ જન્મી શકે, વ્યક્તિ મોટા ભાગે કાલ્પનિક દુનિયામાં જીવતો થઈ જાય અને તેના વિચારો આ દિશામાં ફંટાયા જ કરે.
જો એમ લાગે કે આ ચક્રને સુધારવાની થોડીઘણી જરૂર છે અને ચાલો થોડા પ્રયત્નો કરીએ તો સર્વ પ્રથમ તો પોતાની જાતની પૂરી સંભાળ લેવાની રહેશે. એ યાદ રાખવું પડશે કે સ્વના શરીર અને મન સિવાયનું કોઈ પણ અંત સુધી સાથે નહીં હોય. પૂરતી ઊંઘ, યોગ્ય માત્રામાં આરોગ્યપ્રદ ખોરાક અને થોડા લાંબા સ્નાન ઘણા મદદરૂપ રહેશે. કોઈ કોઈ દિવસ સ્પામાં જઈએ તો પણ ખોટું નહીં, ભલે કોઈ દિવસ ગયા ના હોઈએ કે મોંઘું લાગે. જળતત્ત્વ સાથે સંકળાયેલ ચક્ર છે માટે પાણી તમામ રીતે ફાયદો કરશે – વધુ પીવાથી, નદીકિનારે કે સમુદ્રકિનારે ટહેલવાથી કે સ્નાન માટે પૂરતો સમય આપવાથી. સર્જનાત્મકતા બહાર આવે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચોક્કસ રીતે ફાયદો કરશે. સંગીત-નૃત્ય વિગેરે પણ બેશક ફાયદાકારક છે. જાતને પ્રેમ કરવો જોઈશે અને તો જ કોઈને પણ પ્રેમ કરી શકીશું. ન ખુદની ટીકા, ન બીજા કોઈની. પોતાની અને બીજાની સારી વસ્તુના/વાતના વખાણ થઈ શકે તો અતિ ઉત્તમ. એક પ્રયત્ન ખુબ લાભદાયક છે. એક વાર શાંતિથી બેસીને પોતાના જ તમામ સારા ગુણોને એક નોટબુકમાં લખીએ. અચંબિત થઈ જવાય એટલું લખાશે. એ પછી પોતાને જ પ્રેમપત્ર લખીએ. લખતી વખતે જ અનેક ભાવનાઓ બહાર કૂદી આવશે. બની શકે તો કોઈ વિશ્વાસુ નજીકની વ્યક્તિને કહીએ કે એ પ્રેમપત્ર દરરોજ આપણને મોકલે (જેથી આ પ્રક્રિયા વારંવાર થાય અને અચેતન મન પર તેનું રેકોર્ડિંગ થાય).
તંત્ર શબ્દને સમાજમાં ઘણી ખોટી રીતે લેવાયેલ છે અને એ વિષય વિસ્તૃત ચર્ચા માંગી લે તેવો છે. વધુ વાત એ અંગે નથી કરવી પરંતુ એટલું જરૂર કહેવું છે કે તાંત્રિક સેક્સ – પોતાના જોડીદાર સાથે કે ફક્ત એકલા (હા, એકલા પણ આ શક્ય છે)- આ ચક્રને સંતુલિત કરવામાં અત્યંત અસરકારક છે. આ ચક્રને જ નહિ પરંતુ કોઈ પણ અસ્તિત્વને સંપૂર્ણ બનાવવા માટે તંત્રની પ્રક્રિયાઓ અત્યંત અસરકારક છે.
લેખ ૪માં જણાવેલું તેમ વિઝ્યુઅલાઈઝેશન, એફર્મેશન્સ, EFT ( Emotional Freedom Technique ), RET ( Rapid Eye Technology ), ક્રિસ્ટલ થેરાપી, પ્રાણિક હીલિંગ, રેકી, કલર થેરાપી વિગેરે ઘણી પદ્ધતિઓ પણ છે. Reflexology મુજબ પગનાં તળિયાના સૌથી નીચેના ભાગથી થોડે ઉપર (લેખ ૪માં ચિત્ર આપેલ છે) આ માટેનો પોઇન્ટ છે.
શીર્ષાસન, સર્વાંગાસન, ચક્રાસન વિગેરે યોગાસનો જેમાં ઊર્જાનો પ્રવાહ ઊલટો થઈ ઉપરનાં ચક્રો તરફ જાય છે તે અને તે સિવાય ભુજંગાસન, સુપ્તબદ્ધ કોણાસન, ત્રિકોણાસન, નટરાજાસન, હનુમાનાસન વિગેરે યોગાસનો અને ઊંડા શ્વાસ પણ લાભદાયક છે જ. અને નિર્વિવાદ રૂપે નિયમિત ધ્યાન તો પૂરી દુનિયા બદલી શકે છે.
એક રસ્તો છે જાતીય શક્તિનો સર્જનાત્મક અને આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર કરવાનો. આપણા તંત્રયોગમાં, ચીનના તાઓશાસ્ત્રમાં આ માટેની પદ્ધતિઓ છે કે જેથી આ શક્તિ ઉપરના ચક્રોમાં પહોંચી અસ્તિત્વના ઊંચા શિખરો સર કરાવી શકે. નીચે મુજબ પ્રયોગ કરી શકો છો. એક વાર યાદ અપાવી દઉં કે સાતત્ય આ માટે આવશ્યક છે.
૧)કોઈ શાંત જગ્યાએ બેસો. ધ્યાન માટેનું સંગીત પણ ચાલુ કરી શકો છો. આ ચક્ર માટે અહીં એક લિંક મૂકું છું. એ અથવા બીજું કોઈ પણ હળવું ધ્યાનને યોગ્ય સંગીત વગાડી શકો છો. આ બાઈનોરલ બિટ્સ નામનું એક વિશિષ્ટ સંગીત છે જેનો સાચો લાભ લેવા માટે હેડફોનનો ઉપયોગ જરૂરી છે. https://youtu.be/19Uj5cFkuQA
૨) આંખ બંધ કરી, બે-ચાર ઊંડા શ્વાસ લઇ સ્વાધિષ્ઠાન ચક્રના સ્થાન પર માનસિક રીતે નજર લઇ જાઓ.
૩)બંધ આંખે નજર/ધ્યાન એ જ જગ્યા પર કેન્દ્રિત કરો.
૪) થોડી સમય પછી એ જગ્યા પર ઉષ્ણતાનો અનુભવ થશે અથવા કંઈ સળવળાટ થતો જણાશે.
૫) ધારણા કરો કે એક પાઇપ દ્વારા એ ઊર્જા ઉપર ચડી રહી છે. પ્રયત્ન કરો કે એ ઊર્જા આગળના ભાગમાંથી તથા કમરના ભાગમાંથી એક સાથે ઉપર ચડી રહી હોય.
૬) ધીરે ધીરે એક એક ઇંચ સુધી ધ્યાન ઉપર લો, ખ્યાલ આવશે કે ઊર્જા ઉપર ચડી રહી છે, ક્યાં ફરી રહી છે. એવી ધારણા પણ કરી શકો છો કે સ્ટ્રો દ્વારા એ ઊર્જાને તમે ઉપર ખેંચી રહ્યા છો.
૭) ગળા અથવા ડોક પાસે ઊર્જા થોડી રોકાશે, ત્યાંથી ઉપર કદાચ શરૂઆતમાં નહીં જાય કારણ કે પ્રાણશરીરની જે ઇલેક્ટ્રિક સર્કિટ છે તે બે જગ્યાએ કપાય છે, એક મૂલાધાર અને સ્વાધિષ્ઠાન વચ્ચે ને ત્યાર બાદ વિશુદ્ધિ ચક્ર એટલે કે ડોક પાસે. કશો વાંધો નહીં. જો બે-ચાર વખતના પ્રયત્નોમાં પણ આ પ્રમાણે ઊર્જાનો પ્રવાહ અનુભવ કરી શકાય તો એ મોટી સિદ્ધિ છે.
૮) આ પ્રકારની ક્રિયા અનુકૂળ હોય તે રીતે દિવસમાં એક થી વધું વખત પણ કરી શકાય.
અંતમાં સૌથી મહત્ત્વની વાત. જો સભાનપણે અને ધીરેધીરે એ ખ્યાલ મગજમાં ઉતારી શકીએ કે ‘કઈ સારું નથી કે ખરાબ નથી, કઈ સાચું નથી કે કઈ ખોટું નથી; ફક્ત એ મતમતાંતર છે, રામને જે સારું લાગે તે શ્યામને ખરાબ લાગતું હોય તો તે ફક્ત અલગ મત છે, તો આપણે સમયાંતરે તમામ કન્ડિશનિંગમાંથી બહાર આવી શકીશું જેની સ્વાધિષ્ઠાન પર લાભદાયી અસર જ રહેશે, અનેક પ્રકારના માનસિક દ્વંદ્વમાંથી આપણે કદાચ બહાર નીકળી જઈશું.
હવે પછીના લેખમાં મણિપુર ચક્ર અંગે આપણી ચર્ચા રહેશે.
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]
જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post