Daily Archives: 15/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૬) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

મણિપુરચક્રમાં પ્રવેશ કરતાં પહેલાં અત્યાર સુધી જે ચર્ચા કરી તે જરા યાદ કરી લઈએ. મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા વિગેરે આપણે જાણ્યું. એ પણ જોયું કે દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ છે. મૂલાધારચક્ર અને સ્વાધિષ્ઠાનચક્ર વિષે થોડી વિગતવાર ચર્ચા કરી. તો હવે એક કદમ આગળ ચાલીએ.

હવે આવ્યું મણિપુરચક્ર. નીચેથી ત્રીજું ચક્ર. નાભિચક્ર તરીકે પણ ઓળખાય કારણકે નાભિથી થોડે જ ઉપર એનું સ્થાન. ઇંગ્લિશમાં Solar અથવા Navel Plexus કહેવાય. સ્વાદુપિંડ એટલે કે Pancreas સાથે સંબંધિત ચક્ર. પાંચ મહાભૂતમાંનું એવું તત્ત્વ જે કદી અશુદ્ધ ન થાય તેવું અગ્નિતત્ત્વ તે આ ચક્રનું તત્ત્વ. રંગ પણ અગ્નિનો જ એટલે કે પીળો. રત્નોમાં પોખરાજ સાથે દોસ્તી. પોખરાજ પહેરો તો ફાયદો કરે. નાસપતિની, લવન્ડરની સુગંધ પસંદ કરે. કેળાં, મકાઈ, દ્રાક્ષ, લીંબુ, અનાનસ એ બધું ગમે.

પૂરા શરીરમાં ઊર્જા પહોંચાડવાનું કાર્ય આ ચક્ર કરે છે. સત્તા, ઊર્જા, આત્મબળ, આનંદ, આંતરિક સંતુલન, જાતનો સ્વીકાર, તાકાત, કાર્ય, પૈસા, સામાજિક અસ્તિત્વ, જીવનશક્તિ( vitality ) બધું જ આ ચક્રની સ્થિતિ પર અવલંબે છે. સંતોષ એટલે કે તૃપ્તિની લાગણી સાથે સંકળાયેલ આ ચક્ર છે. પૂરા વિશ્વનું ઐશ્વર્ય હોય અને છતાં અસંતોષ હોય તો ચોક્કસ આ ચક્રમાં વાંધો છે. પતિ-પત્નીના સંબંધો પણ આ ચક્રની સ્થિતિ પર મહદઅંશે આધારિત છે.

ચેતાતંત્રનું એટલે કે નર્વસ સિસ્ટમનું એક બહુ જ મોટું જંક્શન એટલે મણિપુરચક્ર. અનેક જ્ઞાનતંતુઓ આડાંઅવળાં થઈ અહીં ભેગા થાય. તેમાંથી મોટા ભાગના ઓટોનોમસ નર્વસ સિસ્ટમના એટલે કે સ્વાયત ચેતાતંત્રના. અહીંથી પછી જુદી જુદી શાખાઓ પડે જે અલગ અલગ સ્નાયુઓ અને ગ્રંથિ તરફ ફંટાય. કુદરતની કરામત કેવી છે કે ઓટોનોમસ સિસ્ટમ પોતાની રીતે ચાલ્યા કરે ને કેટલાં બધાં પર નિયંત્રણ રાખે! હૃદયના ધબકારા, પાચનતંત્ર, શ્વાસોચ્છ્વાસ અને બીજું ઘણું બધું. અમુક સ્વયંસંચાલિત ક્રિયાઓ જેવી કે ઉધરસ, છીંક વિગેરે પણ આ સિસ્ટમના અંકુશમાં. જાતીય ઉત્તેજના પણ આના પર આધારિત. બહારથી આવતી ઊર્જાનું ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ જેવા અતિ મહત્વના કાર્ય પર પણ આ ચક્રનો ઈજારો.

શું એવું લાગે છે કે મારામાં ગજબનો આત્મવિશ્વાસ છે, સ્વાભિમાન છે (અભિમાન નહિ) જિંદગીની કોઈ પણ લડાઈ જીતી જ લઈશ એવો માનસિક ભાવ છલોછલ ભરેલો છે? કોઈએ મને પ્રોત્સાહિત કરવાની જરૂર નથી પડતી પણ હું અનેકને પ્રેરણારૂપ બનું છું અને પ્રોત્સાહિત કરું છું? દરેક સંબંધોમાં હું એક તંદુરસ્ત મર્યાદા જાળવી શકું છું. મારું પાચનતંત્ર પણ પરફેક્ટ છે, પથરા પણ પચાવી લઉં છું. જો આવું બધું હોય તો જંગ જીત્યો રે મારો કાણિયો. સમજવાનું કે મારું મણિપુર ચક્ર ચોખ્ખુંચણાક, એકદમ સંતુલિત અને તંદુરસ્ત છે અને પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યું છે.

આવું બધું કદાચ ન પણ હોય, સામાન્ય રીતે તો નથી હોતું. ઘણા કારણો હોઈ શકે. અમુક આદતો, વધારે પડતી શિસ્તવાળું બાળપણ, માનસિક, શારીરિક કે જાતીય ત્રાસ સહન કર્યો હોય, આપણી શક્તિઓને રોકે તેવા શબ્દો નાનપણથી સાંભળ્યા હોય, આમ જ કરવું જોઈએ અથવા ન જ કરવું જોઈએ એવું સજ્જડ કંડિશનિંગ થયું હોય એવા સંજોગોમાં શક્ય છે કે નાભિચક્રમાં તકલીફ હોય.

સુખ અને દુઃખ બંને તો એક જ સિક્કાની બે બાજુઓ છે, બંને પ્રકારની ઘટનાઓ જિંદગીનો હિસ્સો છે અને બધા એમાંથી પસાર થયાં જ હોઈએ, કોઈ વાર આને કારણે નાભિચક્ર દૂષિત પણ થાય, એને કરવાનું છે એટલું કામ બરાબર કરે નહિ, આળસુ થઈને બેસી જાય – જેમ આપણે પણ ઘણી વાર કેટલાં બધાં કામ બાકી હોય તો પણ સોફા પર ધબ કરીને બેસી જઈએ છીએ. આમ હોય તો પણ કંઈ વાંધો નહિ. દરેક વખતે આદર્શ પરિસ્થિતિમાં જ હોઈએ એવું ન પણ બને. તેના માટે પ્રયત્ન તો કરી જ શકીએ, સૌથી પહેલાં તો ઇચ્છાશક્તિ હોવી જોઈએ. કોઈ બદલાવ રાતોરાત ન આવે. ચક્રને બગડતાં પણ વર્ષો લાગ્યાં છે. સુધારવામાં થોડો સમય તો લાગે ને ! પણ સુધારો થાય જરૂર જો આપણે કટિબદ્ધ હોઈએ જરૂરી પગલાં લેવાં માટે.

મોટેભાગે તો આ ચક્ર થોડેઘણે અંશે સુધારો માંગતું જ હોય. માટે ધ્યાન આપવું અત્યંત જરૂરી. જો નાણાકીય વ્યવસાય જેવા કે બેન્કિંગ સાથે જોડાયેલા હોય તો વધારે. બેન્કના કેશિયરે ખાસ ખ્યાલ રાખવાનો. જે કરન્સી આપણા હાથમાંથી પસાર થતી હોય તેના વાઈબ્રેશન હોય, કેવા ભાવ સાથે અને કોના હાથમાંથી છુટ્ટી પડી છે તે મુજબના દોષ એ ગ્રહણ કરે અને આગળ ધકેલે. દા.ત. કકળતી આંતરડીએ ગરીબ માણસે વકીલને કે ડોક્ટરને એ પૈસા આપ્યા હોય તો એ વાઈબ્રેશન્સ પણ એમાં હોય. કોઈ સાચા સંતે એક 10 રૂપિયાની નોટ પણ આશીર્વાદ સાથે આપી હોય તો એ મેળવનારની જિંદગી ફરી ગઈ હોય તેવું પણ બને. હવે સમજાય છે કે આપણા વડીલો બોણી આપવા માટે નવી જ નોટોનો આગ્રહ શા માટે રાખતા? કારણ કે બોણી થકી આપણે શુભેચ્છાઓ આપવા માંગતા હોઈએ, ખરાબ વાઈબ્રેશનને આગળ ધપાવવાનો જરા પણ ઈરાદો ન હોય.

ચક્રનું અસંતુલન બે પ્રકારનું હોઈ શકે. ચક્ર વધુ અથવા ઓછું કાર્ય કરતું હોય.

જો ચક્ર ઓછું કાર્ય કરતું હોય તો વ્યક્તિ ઊર્જાવિહિન, વધુ પડતી ધીમી, નિષ્ક્રિય હોય, પોતાના વિચારોને યોગ્ય રીતે અથવા યોગ્ય જગ્યાએ અભિવ્યક્ત ન કરી શકતી હોય, આત્મવિશ્વાસની કમી હોય, પોતાની જાતને જ પ્રેમ ન કરી શકતી હોય, પોતાના જ શરીર અને સ્વભાવ પ્રત્યે અણગમો હોય, સાચી અથવા કાલ્પનિક આર્થિક મુશ્કેલીઓ હોય, ‘મારી સાથે જ આમ કેમ’ એવી લાગણી – ઇંગ્લિશમાં જેને વિકટીમ સાઇકોલોજી કહે છે તે હોય.

શારીરિક રીતે જોઈએ તો ભૂખ ઓછી લગતી હોય, લીવર-પેટ-બરોળ-પિત્તાશય એટલે કે ગોલ બ્લેડર એમ પેટ અને પાચનતંત્ર સાથે સંબંધિત કોઈ અવયવમાં વાંધાવચકા હોય, આયુર્વેદની ભાષામાં કહીએ તો મંદાગ્નિ હોય. ભારત દેશનો અને તેમાં પણ ગુજરાતનો ખાસ એવો મહારોગ ડાયાબિટીસ પણ આ ચક્રની અશુદ્ધિને આભારી છે.

જો નાભિચક્ર વધારે પડતું કાર્યશીલ હોય એટલે કે અગ્નિ અતિશય પ્રબળ હોય તો તોછડાઈ, અભિમાન, આક્રમકતા, ગુસ્સો, પ્રતિક્રિયાત્મકતા ( Reactiveness ), વ્યાકુળતા વિગેરે જે તે વ્યક્તિને ભેટમાં મળેલ હોય, વ્યક્તિત્વ બહિર્મુખી હોય. આપણા ઉપરી અધિકારી સાથે વધુ પડતો સંઘર્ષ રહેતો હોય, કાયદાના ઢાંચામાં રહેવામાં તકલીફ પડતી હોય તો સમજવું કે ક્યાંક આ ઊર્જા અટકે છે. સ્વપ્રેમ પણ વધારે પડતો રહે છે, ઇંગ્લિશમાં જેને Narcist કહે તેવું વ્યક્તિત્વ રહે છે, અરીસામાં વારેવારે જોવાનું મન થાય છે, શારીરિક રીતે જોઈએ તો ભૂખ અતિશય લાગે – આયુર્વેદ જેને તીક્ષ્ણાગ્નિ કહે છે તે સ્થિતિ, એસીડીટી કે અલ્સર જેવા રોગ હોય શકે.

એકાંતમાં શાંતિથી બેસીને થોડું વિચારીએ અને પૂરતું ધ્યાન આપીને ફક્ત માનસિક નહિ પણ કાગળ પર પણ નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે હા/ના લખીને નોંધીએ. આ સમયે ઉદ્ભવતી લાગણીઓ અને શારીરિક સંવેદનાઓની પણ નોંધ લઈએ.

૧) શું મને ભૂખ લગતી નથી અથવા તો વારેવારે ભૂખ લાગે છે?

૨) શું વધુ પડતી નબળાઈ અનુભવું છું?

૩) શું કોઈ પણ પ્રકારના નાનાંમોટાં વ્યસનનો ગુલામ છું?

૪) શું મારું શરીર વધારે પડતું ઠંડું અથવા ગરમ રહે છે?

૫) પેટ ફૂલીને ગોળો થઇ ગયું છે, પાચનતંત્રના રોગો મારા દોસ્ત છે?

૬) આત્મવિશ્વાસના નામે ધાંધિયા છે?

૭) મારું સ્વાભિમાન તળિયે બેઠું છે?

૮) મારી વાત ભારપૂર્વક કહેવામાં મને અચકાટ થાય છે એટલે કે શું હું Assertive નથી?

૯) મને અસુરક્ષિતતાની લાગણી છે?

૧૦) જે કાર્ય કરું તેમાં હંમેશ કોઈના અનુમોદનની અપેક્ષા રાખું છું?

૧૧) બીજા પર અંકુશ લઈ લેવાની મારી વૃત્તિ છે?

૧૨) મારા હિત માટે બીજાનો ઉપયોગ કરી લેવાની વૃત્તિ છે?

૧૩) કોઈની હાંસી ઉડાવવાનું મન થાય છે?

૧૪) દરેક વસ્તુમાં મને ટીકા કરવાનું મન થાય છે?

૧૫) ‘હું જ સાચો/સાચી’ એવી મનોવૃત્તિ છે?

૧૬) કોઈએ આપેલો તટસ્થ ફીડબેક પણ મને પચાવવો અઘરો લાગે છે?

૧૭) શું હું Angry Youngman ( અથવા Angry Oldy )ની કક્ષામાં આવું છું?

જો ઘણાબધા જવાબ હકારાત્મક હોય તો સમજવાનું કે નાભિચક્રને વ્યવસ્થિત કરવાની જરૂર છે. બીજું કઈ નહિ તો શારીરિક રીતે તો કરવું જ જોઈએ ને! પહેલું સુખ તે જાતે નર્યા (બાકી જીવતા જ મર્યા). વ્યવસ્થિત કરવું મતલબ તેને પૂરું ખોલવાનું છે, શુદ્ધ કરવાનું છે, સંતુલિત કરવાનું છે. પહેલાં નિદાન થાય અને પછી ઉપચાર કરવા માટેનો વિચાર અને યોગ્ય પગલાં લેવાં માટેની ઇચ્છાશક્તિ હોય તો દરેક વસ્તુ સરળ છે. અનેક રસ્તાઓ છે.

આ તબક્કે થોડી વાત ‘Binaural Beats’ નામની સાઉન્ડ થેરાપીની કરી લઈએ. આ એક વિશિષ્ટ પ્રકારની થેરાપી છે જેમાં જમણો અને ડાબો કાન બે સહેજ જુદા જુદા આવર્તન સાંભળે છે અને તેનું રૂપાંતર એક જ સ્વરમાં કરે છે. 1000 હર્ટ્ઝ (Hz) કરતાં ઓછી ફ્રિક્વન્સી હોવી જોઈએ તે જરૂરી છે. એક દાખલો લઈએ. એક કાનમાં ૨૦૦ Hz ફ્રિક્વન્સી સાંભળે અને બીજો ૨૧૦ Hz. તો આ બંનેનો તફાવત એટલે કે ૧૦ Hz મગજમાં નોંધાય. વિદેશોમાં ધ્યાનના ફાયદાઓ બહોળી રીતે પ્રચલિત થયા બાદ મગજ પર તેની કઈ રીતની અસર છે તેનો અભ્યાસ કરી તેના લાભ લોકગ્રાહ્ય રીતે લેવા માટે આ પ્રકારનું સંગીત અનેક પ્રયોગો બાદ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં કોઈ ખલેલ ના પહોંચે તેમ હોય ત્યાં અને ત્યારે અને હેડફોનના ઉપયોગ સાથે બાઈનોરલ બિટ્સ સાંભળવા જોઈએ. કોઈ મહેનત વગર ધ્યાનના ફાયદા ઉઠાવી લેવાની આ રીત છે, સરળતાને કારણે ઘણાને આ વધુ માફક આવે.

જુદાજુદા હર્ટઝના અવાજના કંપન એટલે કે Frequency વિવિધ ચક્રો પર અસર કરે. 528 HZ ફ્રિક્વન્સી હોય તો મણિપુર ચક્ર પર લાભદાયી અસર થાય. આ જ ફ્રિક્વન્સીથી DNA રીપેરીંગ પણ થાય. સદીઓ પહેલાં પણ યુરોપનાં દેવાલયોમાં આ ફ્રિક્વન્સી પ્રચલિત હતી પરંતુ હાલમાં માયામી, અમેરિકાના ડો. લિઓનાર્ડ હોરવિત્ઝ દ્વારા વિશ્વભરમાં આ ફ્રિક્વન્સી પર ધ્યાન ખેંચાયું છે. એક લિંક આપું છું જેનો સહારો લઈને ધ્યાન કરી શકાય. રેકોર્ડિંગ તો લાંબું છે પરંતુ પૂરો ફાયદો ઉઠાવવા માટે કમ સે કમ ૨૦ મિનિટ અથવા થોડું વધુ સાંભળવું જોઈએ. હેડ ફોન સાથે. વાહન ચલાવતી વખતે નહિ.

આ સિવાય પણ ખૂબ જ ઊંચા વાઈબ્રેશન્સ ધરાવતી એક લિંક મૂકું છું, આશરે ૪ મિનિટનું રેકોર્ડિંગ છે, બંધ આંખે સાંભળ્યા બાદ માથાના તાળવા પર ધ્યાન કરવાની / નજર ત્યાં રાખવાની કોશિશ કરવાની છે, આંખ બંધ જ રાખવાની છે, જ્યાં સુધી અનુકૂળ હોય અને ફાવે ત્યાં સુધી કરી શકાય. શરીરમાં જે થાય તે થવા દેવાનું છે, જો હાસ્ય કે રુદનની લાગણી બહાર આવતી હોય તો તે પણ આવવા દેવાની છે. ટૂંકમાં કહીએ તો જાતે કંઈ કરવાનું નથી નથી ને આપમેળે જે થાય તે રોકવાનું નથી. https://www.youtube.com/watch?v=uZfFkFQwRPY

આ ચક્રના સંતુલન માટે બીજું શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ? આવતા લેખમાં એ વાત કરીશું.


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.