Daily Archives: 22/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૩) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

વિશુદ્ધિચક્રને સંતુલિત કરવાના થોડા વધુ ઉપાયો જોઈએ. ફરી યાદ કરાવી દઉં કે વાંચવાથી માહિતી મળશે, કરવાથી ફાયદો થશે. માનસિક પરિશ્રમનો સમય હવે આવી ગયો છે, લાગણીઓ અને વિચારોને નિહાળવાની, સમજવાની અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં પ્રયત્ન સાથે તેમને ફેરવવાની જરૂર રહેશે. શારીરિક સ્નાન વિના ચેન પડતું નથી, સાંજે બીજી વખત પણ કરીએ છીએ. પણ માનસિક સ્નાન??? એ કરીશું તો જ સાચી ચક્રશુદ્ધિ, સંતુલન કે સશક્તિકરણ થશે.

ઉપાયોમાં આગળ વધીએ.

૧૫. ચક્રનો રંગ આસમાની છે. આ રંગનાં કપડાં, રૂમાલ, સ્કાર્ફ, પેન, મોજાં, વિગેરેનો વધુ ઉપયોગ કરી શકાય. ઘરમાં/ઓફિસમાં નજરે પડે તે રીતે મુખ્ય રંગ આસમાની હોય તેવા પેઈન્ટિંગ્સ રાખી શકાય. આ રંગની બોટલમાં ભરેલું પાણી પીવામાં વાપરી શકાય. લેપટોપ સ્ક્રીનમાં આ રંગનું પ્રાધાન્ય હોય તેવું ચિત્ર મૂકી શકાય. ટૂંકમાં, જ્યાં શક્ય હોય ત્યાં આ રંગ અત્ર-તત્ર-સર્વત્ર ગોઠવી શકાય.

૧૬. ગાયન વિષે લેખ ૧૩માં વાત કરી. તેમાં થોડું વિશેષ. ગીત ગાવું અથવા ગણગણવું તે તો લાભદાયક છે જ, પરંતુ જો એમ લાગતું હોય કે ‘મને જરા પણ નથી ફાવતું, આ મારું કામ નહિ’ તો ‘સા રે ગ મ પ ધ ની સાં’ એટલે કે સાત સૂરની સરગમનો અભ્યાસ હાર્મોનિયમ પર અથવા તો યુ ટ્યુબના સહારે કરવો જોઈએ. વિશુદ્ધિચક્ર સુધરવાની ગેરંટી. સંગીત સાંભળવાની મજા પણ ત્યાર બાદ અનેરી હશે. નીચે બે લિંક્સ આપી છે. તે અથવા બીજી ઘણી લિંક્સ જાણકાર મિત્રો આપી શકશે. (રિયાઝ કરતી વખતે પાડોશીઓનો ખ્યાલ રાખવો જરૂરી !!!)

૧૭. આકાશ: આ ચક્રનું તત્ત્વ આકાશ છે. ‘આસમાન સે આયા ફરિસ્તા (અથવા પરી)’ એમ માની આકાશ સામે થોડો સમય નિયમિત જોવાની આદત કેળવવી જોઈએ. આ ચક્ર તો સંતુલિત થશે જ પરંતુ સાથેસાથે વિચારોની તીવ્રતા પણ ઘટશે. (બધી બલા આ વિચારોએ જ ઊભી કરી છે ને !) જો સૂર્યના કોમળ તડકા સમયે આ કાર્ય કરીએ તો આંખોને પણ ખૂબ લાભ થશે. મારી એક અમેરિકન ડૉક્ટર મિત્રને ૬૧ વર્ષની ઉંમરે આ પ્રમાણે કરવાથી નબળી આંખોમાં સંપૂર્ણ સુધારો આવી ૨૦/૨૦ વિઝન આવી ગઈ છે. (સાવચેતી: ઘરમાં બધાને કારણ કહી પછી આકાશદર્શનની પ્રેક્ટિસ કરવી, જેથી આપણી માનસિક તંદુરસ્તી વિષે કોઈને શંકા ન જાય !!!)

૧૮. સંવાદ સાથે જોડાયેલું ચક્ર છે. સાંભળવાની – બોલવાની ક્રિયા બાળક એક ઉંમર સાથે સ્વયંભૂ કરવા માંડે છે. આ કારણે સંવાદ (બોલવું – સાંભળવું બંને) એક કળા છે તે વાત કદાચ ધ્યાનમાં આવતી નથી અને તેથી જ મોટે ભાગે લોકો આ કળા સુધારવા માટે કોઈ સભાન પ્રયત્ન કરતા નથી. પરિણામે યોગ્ય રીતે વિચારો વ્યક્ત કરવામાં તકલીફ પડે છે, કાં તો બફાટ કરીએ છીએ અથવા ચુપકીદીનો સહારો લેવો પડે છે (અથવા બીજા કોઈ કહી દે છે કે “હવે ચૂપ રહો”) કે પછી અભિવ્યક્તિ ખોટી રીતે થાય છે. ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, શું બોલવું, કેટલું બોલવું, – આ બધું સમજવા માટે એ આવશ્યક છે કે સંવાદની કળા યોગ્ય રીતે વિકસિત કરવી અને સાથેસાથે સામેવાળી વ્યક્તિને સાંભળવા માટે પણ સભાન પ્રયત્નો કરવા. મોટે ભાગે પૂરી વાત સાંભળ્યા પહેલા જ મનમાં તૈયાર હોય છે કે હવે મારે શું બોલવું. જવાબ આપવા માટે સાંભળવાને બદલે સમજવા માટે સાંભળવું જરૂરી છે. યોગ્ય સંવાદોના અભાવે ઘણી વખત મિત્રો, ધંધા/નોકરીના સાથીદારો કે કુટુંબીઓ પાસે – સર્વત્ર હાહાકાર મચાવી દઈએ, લોકો આપણી હાજરી માણે નહિ, ફક્ત અણગમા સાથે સહન કરે. મોઢે તો વિવેક ખાતર પૂછે કે “કેમ છો?’. મનમાં એક કહે કે “છો કેમ (અહીં)?”

શ્વાસ લીધા વગર બોલવાની ઘણા લોકોને આદત હોય છે. યાદ રાખવું જોઈએ કે સામેની વ્યક્તિને પણ બોલવું હોય. આ પહેલાંના લેખમાં વાત થઈ એમ દીર્ઘ શ્વાસ લેવાની આદત અહીં ફાયદો કરે છે. શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે, બાદમાં સ્વાભાવિક રીતે થાય. છેક પેટ સુધી ઊંડા શ્વાસ લેવાની આદત કેળવવાથી શારીરિક ફાયદા તો અનેક થાય અને શાંતિ મળે. (ખુદને અને બીજાને પણ !!!)

દિવસ દરમ્યાન શ્વાસની ઝડપ જે તે વખતની લાગણી મુજબ બદલ્યા કરે. એક આદત તરીકે સવારે ઊઠયા પછી ૫/૧૦ મિનિટમાં જ બે વસ્તુ નોંધવી જોઈએ – ૧ મિનિટમાં કેટલા શ્વાસ થાય છે અને અને ૧ મિનિટમાં નાડીના ધબકારા કેટલા છે. આથી પહેલાં તો આ વિષયમાં સભાનતા આવશે અને બીજું, દરરોજ કરતાં કોઈ દિવસ મોટો ફેરફાર હોય તો ખ્યાલ આવી જશે કે શારીરિક/માનસિક સ્વાસ્થ્યમાં કઈં ગડબડ છે; એ પ્રમાણે કાળજી લઈ શકાશે.

૧૯. વિચારોનું અવલોકન અને નોંધ: અન્ય લોકોની હાજરીમાં જે વિચારો આવે તે જરૂરી નથી કે આપણા જ હોય. આસપાસના લોકોના વિચારોનાં આંદોલનનો પ્રભાવ તેમાં પડે. ખુદના સાચા વિચાર જાણવા માટે એકાંતમાં વિચારોનું અવલોકન અને તેની નોંધથી ખ્યાલ આવશે કે ‘હું ક્યાં ફરું છું (અને મૉટે ભાગે ક્યાં ફર્યા કરું છું)’. અને એ ખ્યાલ આવ્યા બાદ જ પોતાની લાગણીઓને અને તેની પાછળનાં કારણોને પણ સાચી રીતે સમજી શકાશે. કોમ્પ્યુટર કી બોર્ડ વાપરવું વધારે પસંદ હોય તો અમુક પ્રોગ્રામ પણ પ્રાપ્ય છે ( જેમ કે Evernote ) જ્યાં વિચારોને મુક્ત રીતે વહેતા કરી શકાશે, નોંધી શકાશે અને રોજબરોજની કાર્યસૂચિ પણ રાખી શકાશે.

૨૦. આભાર માનીએ જિંદગીનો. ઘણી વખત ચિંતાઓ ઘેરી વળે, નિરાશા જન્મે, લોકો અને જિંદગી પ્રત્યે પણ ફરિયાદ ઉભી થાય. ‘મારી સાથે જ આવું કેમ’ તેવી લાગણી ઉભી થાય. આવા સમયે વિશુદ્ધિચક્રને બહુ ખરાબ લાગે ! બરાબર કામ ન કરે.

યાદ રાખીએ કે દરેક ફરિયાદની સામે કોઈ ને કોઈ આભારનું કારણ હોઈ શકે. જેમ કે ટેક્સ બહુ ભરવાનો આવ્યો; ફરિયાદને બદલે એમ વિચાર આવે “આહા, કેટલી બધી આવક થઇ આ વર્ષે”, તો સંતાપ ખુશીમાં ફેરવાઈ જાય. જિંદગીમાં બહુ તકલીફ છે એવી ફરિયાદ કરીએ, ૫૦ કારણ ફરિયાદના શોધી કાઢીએ અને ભગવાન કહે “જિંદગી તો આવી જ રહેવાની છે, આવી જા ઉપર” તો મને તો જવાનું ન ગમે. તમને પણ આમ કહે તો શું કરો? જાતને પૂછવાનું. જો ‘ન ગમે’ એવો જવાબ મળે તો જિંદગીનો, પરિસ્થિતિઓનો, વ્યક્તિઓનો આભાર માનવાનું શીખવું જરૂરી. ફરિયાદના બદલે ફરી ફરીને યાદ કરી, દરરોજ કોઈ ને કોઈ રીતે આભાર માનવા માટેનાં કારણો શોધી ડાયરીમાં નોંધીએ. ફક્ત આ આદત કેળવવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો, લોકો સાથેના સંબંધોમાં સુધારો, નવા સંબંધોનો વિકાસ, વધુ સારી ઊંઘ, સ્વાભિમાન (self-esteem)માં વધારો, માનસિક તાણમાં ઘટાડો અને બીજા અનેક ફાયદા થાય છે જે અનેક પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે. વિવિધ દેશોમાં આ વિષયનું મહત્ત્વ સમજીને વાર્ષિક Thanks Giving Day ની ઉજવણી થાય છે. ભારતમાં પણ હવે ગોવામાં આ દિવસ ઉજવવાનું શરૂ થયું છે.

૨૧. વિઝ્યુઅલાઈઝેશન: ન્યુરો-લિંગ્વિસ્ટીક પ્રોગ્રામિંગ (NLP)ની આ એક મહત્વની તરકીબ છે જે અર્ધજાગૃત મન પર ઊંડી અસર કરે. હવે તો સર્વવિદિત છે કે મનુષ્યની વર્તણુક પર ૯૦%થી પણ વિશેષ અસર અર્ધજાગૃત મનની હોય છે.

એકાંતમાં બેસી, થોડા દીર્ઘ શ્વાસ લઈ સ્થિર થયા બાદ એવી ધારણા કરીએ કે આસમાની રંગના કિરણો પહેલાં તો શરીર પર અને પછી ગળા પર આવી રહ્યાં છે, વિશુદ્ધિચક્રને શુદ્ધ કરી રહ્યાં છે, તમામ અવરોધો દૂર કરી રહ્યાં છે, વધુ પડતી ઊર્જા આવતી હોય તો તેના પ્રવાહને સંતુલિત કરી રહ્યાં છે, શ્વાસોચ્છ્વાસ સાથે ધીરેધીરે એ જ રંગની ઊર્જાનો એક ફુગ્ગો બની ગળા અને ગળા પાછળ એટલે કે ડોકમાં ગોઠવાઈ ગયો છે, બધું સ્વચ્છ કરી રહ્યો છે, અશુદ્ધિઓ કાળા રંગની વરાળ બનીને બહાર નીકળી રહી છે અને થોડી વાર પછી આ ભાગ એકદમ પારદર્શક અને નિર્મળ બની ગયો છે. આ પ્રક્રિયા કરતી વખતે ‘હં’ મંત્રનું ઉચ્ચારણ કરી શકો છો.

ગળાની પાછળના ભાગ પર પણ ધ્યાન આપવું બહુ જરૂરી છે. Medulla oblongata નામનો મગજનો એક અતિ મહત્ત્વનો ભાગ છે જે કરોડરજ્જુ સુધી નર્વસ સિસ્ટમના સંદેશ પહોંચાડે છે; શ્વાસોચ્છ્વાસ અને રુધિરાભિસરણ પ્રક્રિયા પણ તેના અંકુશમાં છે. પ્રાણશરીરની રીતે જોઈએ તો અહીંથી ઊર્જા ઉપર લઈ જવામાં થોડો સમય લાગે છે કારણ કે ઊર્જાની સર્કિટ આ ભાગ પાસે તૂટે છે. ધ્યાન વિષે ભવિષ્યમાં વાત કરીશું ત્યારે તે વિગતવાર સમજીશું

૨૨. નીચે મુજબના એફર્મેશન્સ કરવા જોઈએ.

o હું અત્યંત સરળતાથી વાતચીત કરું છું.

o હું મારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે જણાવી શકું છું.

o હું હંમેશા યોગ્ય શબ્દોનો જ ઉપયોગ કરું છું.

o હું અન્ય લોકો સાથે આત્મવિશ્વાસથી વાતચીત કરું છું.

o હું હંમેશા સત્ય બોલું છું, સરળતાથી બોલું છું.

o મારી વાતો લોકો ધ્યાન દઈ સાંભળે છે.

o મને મૌનમાં પણ આનંદ આવે છે.

o ક્યાં બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કઈ રીતે બોલવું – આ બધાં જ પર મારો સંપૂર્ણ અંકુશ છે.

o હું બહુ સારો શ્રોતા છું.

o હું મારી લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરી શકું છું.

o હું બહુ પ્રભાવી રીતે જાહેર વ્યક્તવ્ય આપી શકું છું.

o મારા વિચારો સકારાત્મક છે.

o બધા જ કંડિશનિંગથી હું મુક્ત છું.

૨૩. હવે થોડી હિંમત સાથેનું એક કાર્ય. પહેલાં તો નોંધ કરી લઈએ કે કઈ કઈ વસ્તુ મારી અંદર મેં છેક ઊંડે સુંધી ધરબી દીધી છે કે જેને હું કોઈ દિવસ બહાર કાઢતી/કાઢતો નથી. યાદ કરી નાનામાં નાની વસ્તુ નોંધીએ. ઇન્દ્રિયજન્ય ભૂખતરસ પણ નિઃસંકોચ નોંધીએ. આપણી જાત સમક્ષ જ પહેલાં તબક્કામાં તો તમામ આવરણો હટાવી દેવાનાં છે. દેખાય છે તેટલી સામાન્ય પ્રક્રિયા નથી. ભાવનાઓનું ઘોડાપૂર ધસી આવે તેવું પણ બને, એ ભાવનાઓ રડાવે, હસાવે, ગુસ્સાથી મગજની નસો ખેંચી નાખે, આત્મગ્લાનિ સપાટી પર લઈ આવે, પોતાની જાતને જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકે એવું પણ બને. બધું જ થવા દઈએ, પાટાપિંડી કરતાં પહેલાં ડોક્ટર ગુમડાને દબાવી પસ બહાર કાઢે છે તેમ.

કોઈ એવી વ્યક્તિ/મિત્રને યાદ કરીએ જે નિ:સ્પૃહ રીતે આ સાંભળી શકે કે વાંચી શકે. એવું કોઈ યાદ આવે તો અતિ ઉત્તમ. તેની પાસે જઈ આ વાતો વાંચીએ/કહીએ. યાદ આવે નહિ અથવા હિંમત સાથ છોડી દે તો આ લખાણ ચીરા કરી અગ્નિને સમર્પિત કરી દઈએ. દરેક અનુભવોની, લાગણીઓની, વિચારોની, શારીરિક કામનાઓની એક ઊર્જા હોય છે. તેનું રૂપાંતર આ પ્રક્રિયા દ્વારા અલગ પ્રકારની ઊર્જામાં થઈ જશે અને આપણી સાથે જોડાયેલી આ ઊર્જા વિઘટિત થઈ જશે. લાગણીઓની તીવ્રતા મુજબ જરૂર પડે તો આ પ્રકારનું જ લખાણ/પ્રક્રિયાનું પુનરાવર્તન પણ કરીએ.

અંતમાં, એક વાત યાદ રાખીએ કે મૃત્યુનો અનુભવ તો લેવાનો જ છે, થોડો અનુભવ જિંદગીનો પણ લઈએ; મુક્ત બનીને – ન ચિંતા , ન ભય, ન ગુસ્સો, ન શરમ, ન સંકોચ અને વિગેરે વિગેરે. વિશુદ્ધિચક્ર સંપૂર્ણ સંતુલિત કરવા માટેનો આ રામબાણ ઉપાય.

આવતાં સપ્તાહમાં આજ્ઞાચક્ર વિષે જાણીશું.

ક્રમશઃ


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.