Daily Archives: 03/10/2020

શું તમે સાઈકિક છો? (૫) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

કલેયરવોયન્સ અને કલેયરએમ્પથી બાદ હવે સમજીએ ક્લેયરઓડિયન્સ.

અત્યંત સરળ શબ્દોમાં કહીએ તો ‘સામાન્ય વ્યક્તિથી, સામાન્ય સંજોગોમાં, શ્રવણેન્દ્રિય (કાન) દ્વારા ન સાંભળી શકાય તેવા દૂરના અથવા અન્ય લોકમાંથી આવતા હોય તેવા ગેબી અવાજો સાંભળી શકવાની અતીન્દ્રિય શક્તિ એટલે ક્લેયરઓડિયન્સ. જે વ્યક્તિ પાસે આવી શક્તિ હોય તે કહેવાય ક્લેયરઓડિયન્ટ.’

 આસપાસ એક પણ વ્યક્તિ ન હોય અને કોઈ અચાનક તમારું નામ બોલ્યું એવો કોઈ અનુભવ છે?v

 કાનમાં ભમરાનો ગુંજારવ થયા કરતો હોય, ડોક્ટર પાસે જઈએ, એ કહે કે તમને કાનમાં કંઈ તકલીફ નથી – આવું બન્યું છે?

આસપાસના લોકોએ ન સાંભળ્યા હોય તેવા અવાજ અથવા સંદેશ સંભળાય છે?

ચિંતા કરવાની જરૂર નથી. બની શકે કે તમે ક્લેયરઓડિયન્ટ છો. હવે બે વિકલ્પ રહે. જો ભય લાગતો હોય તો એ જ અવાજને આભાર માની, પ્રાર્થના કરી અવાજ બંધ કરાવી શકાય. અથવા એ જ અવાજને વિનંતી કરી શકાય કે તમારી ક્લેયરઓડિયન્સ ક્ષમતા વધુ વિકસાવે જેથી આપ સદૈવ આ માર્ગદર્શન મેળવી શકો. બીજો વિકલ્પ હંમેશા લાભપ્રદ સાબિત થશે, પરિણામરૂપે ખુદની વાઈબ્રેશનલ ફ્રીક્વન્સી વધશે, DNA Upgrade થશે. 90% જેટલાં DNA સામાન્ય રીતે કાર્યરત નથી હોતા, દરેક માટે તે અપગ્રેડેશનની શક્યતાઓ અપરંપાર છે.

અનુભવના અભાવે કોઈને કદાચ પ્રશ્ન એ ઉઠે કે આવી કોઈ શક્તિ હોઈ શકે ખરી? ચોક્કસ હોઈ શકે. અનેક દાખલાઓ નોંધાયેલા છે. થોડા જોઈએ.

ઇતિહાસમાં અતિ પ્રસિદ્ધ કોઈ ક્લેયરઓડિયન્ટ હોય તો તે જોન ઓફ આર્ક છે. 15મી સદીમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ચાલેલા ‘Hundred Years War’ નામક અતિ લાંબા યુદ્ધમાં તે સમયની આ ટીનેજર છોકરીને જે ગેબી અવાજો સંભળાતા તેના આધારે ફ્રેન્ચ લશ્કરને તે માર્ગદર્શન આપતી, પરિણામે ફ્રાન્સ તે લાંબી લડાઈ જીતી ગયું. વર્ષ 1431માં 19વર્ષની ઉંમરમાં જ જોનનું મૃત્યુ થયું. આશરે 500 વર્ષ બાદ 1920માં તેમને ‘Saint of the Catholic Church’ ઘોષિત કરવામાં આવ્યા.

કલેયરઓડિયન્ટ કહી શકાય તેવી વ્યક્તિઓમાં આ શક્તિ વધતાં-ઓછાં પ્રમાણમાં હોઈ શકે. એ સિવાય અનેક વ્યક્તિઓ એવી હોય છે કે જે ધ્યાન દરમ્યાન અથવા કોઈ ખાસ સંજોગોમાં આવા ગેબી અવાજો સાંભળી શકે. આવી વ્યક્તિ પોતાની અતીન્દ્રિય શક્તિઓને અમુક પ્રયત્નો દ્વારા વિકસાવી શકે. ભારતીય લશ્કરમાં એવા બનાવો રેકોર્ડ પર છે કે જેમાં કોઈ ગેબી અવાજ કોઈને સંભળાયો હોય અને જેને પરિણામે જીવનદાન મળ્યું હોય. વિશિષ્ટ સંજોગોમાં આ શક્તિ બહાર આવી હોય તેવું બની શકે. 1971 યુદ્ધ દરમ્યાનનો આવો એક દિલધડક અનુભવ કેપ્ટન નરેંદ્ર ફણસે દ્વારા https://davdanuangnu.wordpress.com/2019/…/29/જીપ્સીની-ડાયરી- ૨૮-કેપ્ટન પર નોંધેલો છે. તે લાંબા અનુભવમાંથી કલેયરઓડિયન્સ વાળો ભાગ નીચે મુજબ છે.

“અમે બન્ને ખુલ્લા મેદાનમાં હતા ત્યાં અચાનક મારા અંતર્મને ગેબી પણ ભૌતિક રીતે અશ્રાવ્ય ગણાય તેવા અવાજમાં હુકમ સાંભળ્યો: જમીન પર પોઝિશન લે. (પોઝિશન લેવાનો અર્થ થાય છે, ગોળીબાર કે બોમ્બથી બચવા માટે જમીન પર ચત્તા પડી જવું અને ચિત્તાની જેમ ઘસડાતા સુરક્ષિત સ્થાન પર જઈ દુશ્મનના ગોળીબારને વળતો જવાબ આપવો). મેં ઠાકુરસાહેબનો હાથ પકડ્યો અને હુકમ આપ્યો, ડાઉન. જેવા અમે બન્ને જમીન પર ચત્તા પડ્યા કે અમે અમારી ઉપરથી ઊડી જતા દુશ્મનના સુપરસોનિક જેટની ગર્જના સાંભળી. તેણે અમારી ચોકી પર ઝીંકેલો 500 પાઉન્ડર બોમ્બ ઠાકુરસાહેબ અને હું જે જગ્યાએ પોઝિશન લઈને પડ્યા હતા, ત્યાંથી વીસેક મીટર પર પડ્યો. ધરતી એવી ધ્રૂજી, જાણે અમારા શરીરની નીચે જ ધરતીકંપનું એપિસેન્ટર હતું. બોમ્બનો જે સ્ફોટ થયો તેના અવાજથી અમારા કાન કલાકો સુધી બહેરા થઈ ગયા. ઠાકુરસાહેબ અને મારા શરીર અને માથા પરથી બોમ્બની કિલો–કિલો વજનની અનેક કરચ સુસવાટા કરતી નીકળી ગઈ. અમે ચાલતા રહ્યા હોત તો અમારા બન્નેનાં શરીરના ફુરચા ઊડી ગયા હોત.”

રસિયા અને અમેરિકાના લશ્કરમાં સાઈકિક સ્પાયનો ઉપયોગ છેક 1978થી થતો આવ્યો છે. અમેરિકાના લશ્કરમાં સાઈકિક સ્પાયનું એક પૂરું યુનિટ ‘સ્ટાર ગેઇટ’ નામથી કાર્યરત હતું.

કોઈ અતિ શક્તિશાળી સાઈકિકની અથવા મહાત્માની હાજરીમાં બીજાં લોકોની ચેતનાનું સ્તર એટલું ઊંચું જઈ શકે કે તેઓ પણ સામાન્ય રીતે ન સાંભળી શકાય તેવા અથવા દૂરના અવાજ સાંભળી શકે. અનેક લોકોની હાજરીમાં બનેલા બે ઉદાહરણ: 2005 જાન્યુઆરીમાં રાજકોટ-મોરબી રોડ પર બેડી ગામ પાસે આવેલ એક સ્કૂલમાં અમારા ગુરુદેવની ઉપસ્થિતિમાં એક મેડિટેશન રિટ્રીટનું આયોજન થયેલું જેમાં આશરે 100 વ્યક્તિએ ભાગ લીધેલો. 25 એકરનાં વિશાળ કોમ્પ્લેક્સમાં શિબિરાર્થીઓ સિવાય કોઈ જ વ્યક્તિનો રહેવાશ ન હતો. રેડીઓ-TV જેવાં કોઈ ઉપકરણો પણ ન હતાં. ધ્યાન શરું થયું. અચાનક ધ્યાનમાં કોઈ નાટક ચાલતું હોય તેવા અવાજો સંભળાયા. થોડી વારમાં બીજું કોઈ સંગીત સંભળાયું. ફરી પાછા કંઈ સંવાદો સંભળાયા. મને લાગ્યું કે આ મારો મનોવ્યાપાર છે. ધ્યાન પૂરું થયું. 5/10 મિનિટ પછી એક સાયન્સના શિક્ષક ઉભા થયા. તેમણે બીજાને પૂછવાનું શરુ કર્યું કે તેમને કોઈ અવાજો સંભળાયા કે નહિ? અંતમાં ખ્યાલ આવ્યો કે ઘણાં લોકોને તે દિવસે વિવિધ અવાજો સંભળાયા હતા.

બીજો આવો બનાવ હજારો માણસોની હાજરીમાં નવસારીમાં 2004 ડિસેમ્બર દરમ્યાન સંસ્કરભારતી સ્કૂલમાં અમારા ગુરુદેવના પ્રવચનો દરમ્યાન બનેલો જેમાં ચાલુ પ્રવચને અચાનક બ્રિટિશ ઉચ્ચારોમાં ઇંગલિશ સંવાદો આવવા લાગ્યા જે રેકોર્ડિંગમાં પણ આવી ગયા છે.

મેડિકલ સાયન્સ સાઈકિક શક્તિઓના અનુભવોને સમજવા અસમર્થ છે. પરિણામે એવું બની શકે કે સાઈકિક અનુભવોને રોગ તરીકે સમજી બેસે. આવી સૌથી વધુ ગૂંચવણ થતી હોય તો તે ક્લેયરઓડિયન્સ બાબતમાં છે. ક્લેયરઓડિયન્ટને મેડિકલ સાયન્સ સ્કિઝોફ્રેનિયાના દર્દી સમજી લેવાની ભૂલ કરે તેમ બની શકે. સ્કિઝોફ્રેનિયામાં પણ વ્યક્તિને બીજાને ન સંભળાય તેવા અવાજ સંભળાતા હોય છે. પરંતુ તે અવાજ કાન દ્વારા સંભળાય છે, કાલ્પનિક હોય છે. સાઈકિકને સંભળાતા કાન અને ગળાની વચ્ચેના ભાગમાંથી સંભળાય છે, મનની અંદર એક સૂક્ષ્મ અવાજ પ્રગટ થાય છે, આજુબાજુના સામાન્ય અવાજોની બહારના શબ્દો અથવા અવાજો સાંભળી શકાય છે.

સાઈકિક લોકો આ અવાજને કંટ્રોલ પણ કરી શકે, માનસિક બીમાર માટે એ શક્ય નથી. ક્લેયરઓડિયન્ટ જે અવાજો સાંભળે છે તે વધારે ટૂંકા હોય, તેના પ્રશ્નોના જવાબમાં પણ હોય, માર્ગદર્શન રૂપે હોય, કરુણાસભર હોય, મૃદુ હોય. સ્કિઝોફ્રેનિયામાં સંભળાતા અવાજો આ પ્રમાણે જ હોય તેમ જરૂરી નથી. કદાચ ડરામણા હોય છે.

આવા અવાજ શા માટે સંભળાય?

મનુષ્યમાત્રને અલગ-અલગ આધ્યાત્મિક પથદર્શક હોય છે. ગુરુ તો પથદર્શક હોય જ પરંતુ એ સિવાય મૃત્યુ પામેલી ઘરની કોઈ વ્યક્તિ પણ સૂક્ષ્મ માર્ગદર્શન આપતી હોય તેવું બને. તે સિવાય કોઈ પણ હિતેચ્છુ (જે સ્થૂળ દેહમાં નથી) આ પ્રમાણે માર્ગદર્શક હોઈ શકે. આ આધ્યાત્મિક માર્ગદર્શકો – સ્પિરિચ્યુઅલ ગાઇડ્સ સતત માર્ગદર્શન આપવાના પ્રયત્નો કરતા રહે. જો અતીન્દ્રિય શક્તિ વિકાસ પામી હોય તો આ માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે.

પોતાનામાં આવી શક્તિ છે અથવા વિકસાવી શકાય તેમ છે તે જોવા માટે ક્લેયરઓડિયન્ટનાં અમુક લક્ષણો તપાસીએ.

1) આસપાસ કોઈ ન હોય અને છતાં એમ લાગે કે કોઈ નામ લઈને બોલાવે છે (ધ્યાન દરમ્યાન આ અનુભવ ઘણાંને થયો હશે)

2) સંગીત પ્રત્યે ખાસ લગાવ હોય

3) અતિ સૂક્ષ્મ અવાજ પણ સાંભળી શકાય

4) કોઈ ગેબી અવાજ દ્વારા વિવિધ સંજોગોમાં માર્ગદર્શન મળતું હોય

5) રેડીઓ ફ્રીક્વન્સી જેવા અવાજો સંભળાતા હોય

6) કોઈ જુદી જ ભાષાના શબ્દો સંભળાતા હોય.

7) જાત સાથે સંવાદો સતત ચાલુ રહેતા હોય. અરીસા સાથે વાતો કરતા હોઈએ

8) ઘોંઘાટ, TVનો મોટો અવાજ વિગેરે અત્યંત તકલીફ આપે

9) કાલ્પનિક મિત્રો હોય જેમની સાથે વાતો પણ કરતા હોઈએ

10) સંગીત દ્વારા બીજી જ દુનિયામાં પહોંચી જતા હોઈએ

11) સંગીતની ધૂન બનાવી શકીએ, ગીત લખી શકીએ

12) એટલાં બધાં લોકો સલાહ માંગતા હોય કે વ્યવસાયિક કાઉન્સેલર બની શકીએ (તાત્પર્ય એ છે કે આવી વ્યક્તિના માધ્યમથી કોઈ બીજી જ શક્તિ માર્ગદર્શન આપી રહી હોય)

13. કાનમાં કંઈ ગણગણાટ ચાલુ રહે. ડોક્ટર કહે કે કાન બરાબર છે, માનસિક સમસ્યા લાગે છે

14. કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે વાંચવા કરતાં સાંભળવું વધુ પસંદ હોય. કોઈ પુસ્તક વાંચવા કરતા ઓડીઓ બુક વધુ પસંદ આવે

15) બીજી વ્યક્તિ જે વિચારતી હોય તે ઘણી વખત શબ્દો દ્વારા સંભળાય

16) ‘આ વાત બીજા લોકો કદાચ નહિ સમજી શકે’ તે સમજણને કારણે વ્યક્તિ મનની વાત મનમાં જ રાખે, કોઈને કહે નહિ

17) વ્યક્તિ સર્જનાત્મક હોય; ઘણાં નવા આઈડિયા આવતા હોય

18) સ્નાન દરમ્યાન ઘણા નવા આઈડિયા આવે

19) સ્નાન દરમ્યાન જાત સાથે બહુ ઊંડું જોડાણ થઈ જાય, ધ્યાનમાં ઊતરી પડાય

20) તે વ્યક્તિના શબ્દો લોકોને બહુ શાંતિપ્રદ લાગે (તેની જાણ બહાર બીજી જ કોઈ શક્તિ તેની પાસે કંઈ બોલાવતી હોય)

21) ઘણી દૂર હોય તેવી વ્યક્તિઓની વાતચીત પણ સંભળાય.

આ લક્ષણો પરથી એમ લાગતું હોય કે આવું કંઈ તો મારામાં છે અને આ શક્તિ વિકસાવવી છે તો શું કરવું તે જોઈએ.

1) લિસનીંગ સ્કિલ વિકસાવવી જોઈએ. ‘સાંભળવું’ તે મોટી કળા છે. બાળક એક ઉંમરે સ્વાભાવિક રીત જ બોલતા શીખી જાય અને અવાજ સાંભળી શકે એટલે સામાન્ય રીતે ખ્યાલ આવતો નથી કે જે શીખવા માટે ખૂબ પ્રયન્ત કરવા જોઈએ તેવી આ કળા છે. ‘કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર ધ્યાનથી સાંભળવું’ અને ફક્ત ‘સાંભળવું’ તે બંને વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. અતીન્દ્રિય રીતે અવાજ સાંભળવા મળે તે મોટા ભાગે અત્યંત મૃદુ અવાજમાં હોય. જો લિસનીંગ સ્કિલ બરાબર ન હોય તો ‘સાંભળ્યા છતાં ન સાંભળ્યું’ જેવી સ્થિતિ થાય.

2) ધ્યાનથી નોંધવું જોઈએ કે મોટા ભાગે અવાજ ક્યાંથી સંભળાય છે – બહારથી કે અંદરથી, જમણી બાજુથી કે ડાબી બાજુથી. સામાન્ય રીતે આંતરિક અવાજ હશે. મોટા ભાગના કિસ્સામાં અવાજ જમણી બાજુથી આવવો જોઈએ. મગજનો તે ભાગ આંતર્સ્ફુરણાનો છે. ડાબો ભાગ વધુ તાર્કિક છે. ક્યાંથી અવાજ આવે છે તે ચોક્કસ ખ્યાલ આવશે તો ભવિષ્યમાં આવા અવાજ વધુ સારી રીતે સાંભળી શકાશે.

3) એ નોંધ લેવાની આદત કેળવવી જોઈએ કે સામાન્ય રીતે અવાજ ક્યારે સંભળાય છે. કોઈ ચોક્કસ સમયે સંભળાય છે? ધ્યાન દરમ્યાન જ સંભળાય છે? ઊંઘમાં સંભળાય છે? સ્નાન સમયે સંભળાય છે? આ પ્રકારની નોંધ લેવાથી જે તે સમયે વધુ સચેત રહી આ પ્રકારના અવાજ સાંભળી શકાશે.

4) જયારે આ અવાજ સંભળાય ત્યારે તે અવાજને, તે સંદેશ આપનાર માર્ગદર્શકને મનોમન ધન્યવાદ આપી તેમનું નામ જાણવા માટે પ્રાર્થના કરવી જોઈએ. કોઈ પ્રશ્ન હોય તો તે પણ પૂછી શકાય. બાદમાં એ નોંધવાનું રહે કે જવાબ આવ્યો? આવ્યો તો ક્યારે આવ્યો અને કઈ રીતે આવ્યો.

5) મોટા ભાગની અતીન્દ્રિય શક્તિ આજ્ઞાચક્ર સાથે સંબંધિત છે. ક્લેયરઓડિયન્સ તેમાં અપવાદ છે. વિશુદ્ધિ ચક્ર સાથે તેનો સંબંધ છે. માટે વિશુદ્ધિ ચક્ર સશક્ત કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. આ કઈ રીતે થઈ શકે તે લેખ ક્રમાંક 13 અને 14માં વિગતવાર ચર્ચા કરેલ છે.

આ સાથે કલેયરઓડિયન્સ વિષે ચર્ચા સમાપ્ત કરીએ છીએ. હવે પછીના લેખમાં એક વધુ સાઈકિક પાવર વિષે વાત કરીશું .

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.