Daily Archives: 06/10/2020

શું તમે સાઈકિક છો? (૮) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

લેખમાળાના પહેલા તબક્કામાં  ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિષે વિગતે સમજ્યા. બીજા તબક્કામાં  ધ્યાનને લગતા વિવિધ પાસાંઓની વિસ્તૃત ચર્ચા કરી. ત્રીજા તબક્કામાં (લેખ 1 થી અત્યાર સુધી) અતીન્દ્રિય શક્તિઓની સમજણ લઈ રહ્યા છીએ. કલેયરવોયન્સ, કલેયરએમ્પથી, કલેયર ઓડિયન્સ બાદ લેખ 6 અને 7 માં સાઈકોમેટ્રી વિષે થોડું જાણ્યું. તેમાં આગળ વધીએ.

ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ વિષે બધાને ખ્યાલ હતો. હવે કોરોનાકાળ ચાલી રહ્યો છે જે દરમ્યાન કોરોના કાળ બની ત્રાટક્યો છે. સરકાર અને મીડિયા દરેકને સ્પર્શનું મહત્ત્વ (અને પરિણામો) ઊંડાણપૂર્વક સમજાવી રહ્યા છે. સ્પર્શ દ્વારા વસ્તુમાં છુપાયેલી ઊર્જા શોધી કાઢવાની અતીન્દ્રિય શક્તિ સમજવા માટેનો શ્રેષ્ઠ સમય બીજો કયો હોઈ શકે? સ્પર્શ ચેપ પ્રવાહિત કરી શકે અને ઊર્જા પણ. કોઈ સંત માથા પર હાથ મૂકીને શક્તિપાત કરે તો કોઈ ધબ્બો મારીને. અલબત્ત, તે સિવાયની પણ શક્તિપાતની પદ્ધતિઓ છે જેના વિષે પછી કોઈ સમયે વાત.

દરેક વ્યક્તિમાં અતીન્દ્રિય શક્તિઓ છુપાયેલી તો હોય જ છે. તે જાગૃત થવાથી અને તેને વિકસાવવાનો નિર્ધાર કરવાથી રસ્તા મળી રહે છે. ત્યાર બાદ આવશ્યક છે કે તે રસ્તા પર ચાલવાનું શરૂ કરીએ, થાક્યા કે કંટાળ્યા વગર આગળ વધતા રહીએ. મંઝિલ એક ને એક દિવસે જરૂરથી આવશે. જો અશિક્ષિત અને અકિંચન શ્રમિકો આકરા તાપમાં અનેક વિઘ્નો વચ્ચે હજારથી પણ વધુ કિલોમીટર ચાલીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા હોય તો તેનાથી વધુ પ્રેરણા કઈ હોઈ શકે?

વિવિધ અતીન્દ્રિય શક્તિઓ વિકસાવવાના રસ્તાઓ અંગે વિગતવાર કોઈ એક લેખમાં સમજીશું. આ શક્તિઓમાંથી સાઈકોમેટ્રી વિકસાવવાનું સૌથી સરળ છે, આનંદપ્રદ રીતે વિવિધ રમતો દ્વારા શીખી શકાય તેમ છે. કિટ્ટી પાર્ટીમાં પણ આ રમતો રમી શકાય. લેખ 9 માં એ વિષે ચર્ચા કરીશું. હાલમાં અન્ય આનુસંગિક પાસાં તપાસીએ જેથી વિષય વધુ સ્પષ્ટ થાય. હવે જયારે ઓનલાઈન સાઇકિક રીડર્સ પણ ઉપલબ્ધ હોય છે ત્યારે તેમની સેવાઓ ક્યા સંજોગોમાં મદદરૂપ થાય તે પણ જાણીએ.

સાઈકોમેટ્રી પ્રક્રિયા કઈ રીતની હોય?

સાઈકોમેટ્રીની સાથે બીજી કોઈ અતીન્દ્રિય શક્તિ આ પ્રકારના સાઇકીકમાં ચોક્કસ હોય. મોટાભાગે સાઇકોમેટ્રિસ્ટની ક્લેયરવોયન્સ શક્તિ વિકસિત હોય. જે વસ્તુ આપવામાં આવે તેના વિશેની વિગતો તેને સામાન્ય રીતે એક ચલચિત્રની માફક દેખાય. વસ્તુના વપરાશકર્તાઓની ઊર્જાની છાપ બધું જ કહી દે. એક કરતાં વધુ વ્યક્તિઓએ ઉપયોગ કર્યો હોય તો તે પણ ખ્યાલ આવી જાય. બીજી અતીન્દ્રિય શક્તિઓ ક્યા પ્રકારે વિકસી છે તે મુજબ માહિતી મળે – ક્લેયરઓડિઅન્ટ હોય તો અવાજ દ્વારા, કલેયરવોયન્ટ હોય તો દૃશ્યો દ્વારા, કલેયરએમપેથ હોય તો પોતે તે વ્યક્તિ વાપરનાર વ્યક્તિ જ હોય તેવી અનુભૂતિ દ્વારા.* .

કોઈ સમયમર્યાદા નથી. ગમે તેટલી જૂની વસ્તુ હોય, માલિકી બદલાતી રહી હોય છતાં બધાંની ઊર્જાની છાપ વસ્તુમાં સચવાયેલી પડી હોય. સાઇકિક જે તે વસ્તુના ભૂતકાળમાં મુસાફરી જ કરી લે. મુસાફરી સેંકડો, હજારો કે લાખો વર્ષ પહેલાંની દુનિયામાં હોઈ શકે. ઊર્જાની છાપ ઉકેલવી તે આ પ્રકારના સાઇકિક માટે કોઈ મોટું કામ નથી – બે દિવસ પહેલાંની છાપ હોય કે બે હજાર વર્ષ પહેલાંની.

આ વિષેનું એક ઉત્તમ ઉદાહરણ:

વાત 2002ની છે. એક સંત વેઈલ્સ (UK)ની મુલાકાત પર હતા. વેઈલ્સમાં આવેલું સેન્ટ ડેવિડ કેથેડ્રલ યુરોપનું પવિત્ર યાત્રાસ્થળ ગણાય છે, 1500 વર્ષ પહેલાં થઈ ગયેલા સેન્ટ ડેવિડનું સ્થળ છે, એ જ નામનું ગામ પણ ત્યાં વસેલું છે. આ સંતની રહેવાની વ્યવસ્થા જે જગ્યાએ થયેલી ત્યાંના અંગ્રેજ એસ્ટેટ મેનેજરના આગ્રહથી તેઓ (સંત) સેન્ટ ડેવિડ કેથેડ્રલ મુલાકાત દરમ્યાન એક ચેપલમાં પણ ગયા. તે ચેપલમાં કાચનાં બારણાંવાળા એક કબાટમાં કોઈ સંતના અસ્થિ રાખેલ હતાં. કબાટ પર એક બોર્ડ મારેલું હતું જેમાં ત્રણ અતિ પ્રાચીન સંતનાં નામ લખેલાં હતાં, વધુમાં લખેલું હતું કે તે અસ્થિ આ ત્રણમાંથી કોઈ એક સંતનાં છે. સદીઓ પહેલાંથી સચવાયેલાં એ અસ્થિ ખરેખર કોનાં હતાં તે સમયના વહેણ સાથે ભુલાઈ ગયેલું. આ સંતને પૂછવામાં આવ્યું કે શું તેમને ખ્યાલ આવી શકે કે આ અસ્થિ ત્રણ નામમાંથી ખરેખર ક્યા સંતનાં છે? તેમણે તરત જ 12મી સદીમાં થઈ ગયેલા એક સંતનું નામ આપ્યું (Saint Caradog) અને તે અંગેની સાબિતી પણ આપી. એ ઘટનાથી અત્યંત પ્રભાવિત થઈ તે અંગ્રેજ એસ્ટેટ મેનેજર ખાસ ભારત આવ્યા, સંતના આશ્રમમાં ઘણો સમય રહ્યા, તેમની સાથે પ્રશ્નોત્તરી દ્વારા આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષી જેના વિષે બાદમાં ‘The Flow of Consciousness’ નામનું પુસ્તક બહાર પડ્યું (https://www.amazon.in/Flow-Consciousness…/dp/B00M9CTGXE). તે સિવાય અમુક અકલ્પનીય ઘટનાઓ ત્યાં બની જેનો ઉલ્લેખ સ્થળ સંકોચના કારણે અહીં કર્યો નથી.

લાગણીઓ:

સાઈકોમેટ્રીનો પાયો ઊર્જા છે, ઊર્જાનો પાયો લાગણીઓ. વધુ તીવ્ર ભાવનાઓ હોય તે સપાટી પર પહેલાં આવે. ઉદાસી, અદેખાઈ, હિંસા, વેરઝેર, ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓની છાપ વધારે રહે. આ લાગણીઓની ઊર્જા સાઇકિકના ધ્યાનમાં પહેલાં આવે. ધારો કે એક ચપ્પુનો ઉપયોગ શાક સમારવામાં થતો હતો. ત્યાર બાદ તે જ ચપ્પુથી ખૂન પણ થયું. તો ખૂન થયું તેને લગતી વિગતો વધુ જલ્દી ધ્યાનમાં આવે. વસ્તુના અનેક ટુકડા કરી નાખીએ તો પણ ઊર્જા અકબંધ રહે; કારણ એ કે ઊર્જા તો અતિ સૂક્ષ્મ અણુઓ અને પરમાણુથી બનેલી હોય જેનો નાશ લગભગ અસંભવ રહે. આ અણુઓ અને પરમાણુઓ તો કરોડોની સંખ્યામાં હોય. દરેક પર લાગણીઓની પ્રિન્ટ છપાઈ ગઈ હોય.

વસ્તુની વાત સ્થળને એટલી જ લાગુ પડે. સ્થળ પર થયેલી ઘટનાઓ, ત્યાં વસેલા માણસોની લાગણીઓની ઊર્જા – બધું જ સાઇકિક વાંચી શકે. ભારતના નિકોબારની જેમ નેટિવ અમેરિકન લોકોની ઇરૉકવોઈસ (Iroquois) નામની એક જનજાતિ – ટ્રાઈબ છે. તે લોકોના વિસ્તારમાં જ્યોર્જ મેકમુલન (George McMullen) નામના એક સાઇકિકને લઈ જાય ત્યારે તે ત્યાંના લોકોએ ભૂતકાળમાં શું વાત કરી છે તે પણ સાંભળી શકતા અને તેનો અર્થ પણ સમજી શકતા.

પાદુકાની ઊર્જાનું વિશેષ મહત્ત્વ છે. પૂરા શરીરની ઊર્જા પગમાં નીચે ઊતરે, પાદુકામાં સૌથી વધુ હોય. શ્રી રામની પાદુકા સિંહાસન પર મૂકી ભરતજીએ રાજ્ય કર્યું. આજની તારીખે સંતોની પાદુકાનું વિશેષ મહત્વ છે. સંતોના પાદુકાપૂજન દ્વારા ગુરુપૂર્ણિમા જેવા કાર્યક્રમ પણ યોજાતા હોય છે. શા માટે? કારણ કે આ પાદુકા ઊર્જાવાન થઈ ગયેલી હોય. સામાન્ય માનવીની પાદુકામાં (ચંપલમાં) તેનાથી ઉલટું હોવાની સંભાવના છે. બધી નકારાત્મક લાગણીઓની/રોગની ઊર્જા ત્યાં સંગ્રહિત થઈ શકે. કોઈ બાયપાસ કરાવેલી વ્યક્તિનાં ચંપલ/બુટ ૨ દિવસ પહેર્યાં બાદ છાતીનો દુઃખાવો થઈ શકે. કોઈ જિજ્ઞાસુ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે (પોતાના જોખમે) !!!

સાઇકોમેટ્રિસ્ટને શું જાણ થઈ શકે?

ધારો કે સાઈકિકને એક પત્ર આપ્યો. તે શું-શું જાણી શકે?

પત્ર લખનાર વ્યક્તિનો અવાજ, તેના શરીરનો બાંધો, શરીરમાં કોઈ ખોડ હોય તો તે, વ્યક્તિ ક્યા પ્રકારનાં કપડાં પહેરે છે/પહેરતી હતી, તેના વિચારો, તેની લાગણીઓ.

તે વ્યક્તિના ઘરની/ઑફિસની/ફેક્ટરીની આજુબાજુમાં શું છે

તે વ્યક્તિ જેના સંપર્કમાં આવતી હોય (કુટુંબીઓ, મિત્રો, સહકર્મીઓ) તેવા લોકો સાથે બનેલી ઘટનાઓ.

વ્યક્તિના પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ.

સાઈકોમેટ્રીના શું ઉપયોગ થઈ શકે?

1) પુરાતત્ત્વને લગતાં સંશોધન માટે. કેનેડાના જ્યોર્જ મેકમૂલને (મૃત્યુ:2008) આ ક્ષેત્રમાં બહુ મદદ કરી છે. ઇજિપ્ત, કેનેડા, મિડલ ઈસ્ટ વિગેરેને લગતી અતિ પ્રાચીન, પ્રાગઐતિહાસિક યુગની માહિતી એકઠી કરવામાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ તેનો ઘણો ઉપયોગ કર્યો છે. ધારો કે કોઈ માટીના પ્રાચીન વાસણનો ટુકડો પુરાતત્ત્વને લગતી શોધખોળ દરમ્યાન મળ્યો. તો જ્યોર્જ તેના પરથી એ પ્રાચીન જમાનાને લગતી અનેક માહિતી આપી શકતા જે બાદમાં સાચી પણ સાબિત થતી.

પોલેન્ડમાં જન્મેલા એક અતિ પ્રસિદ્ધ સાઇકિક સ્ટીફન ઓસોવીસ્કીની શક્તિઓના અનેક કિસ્સા જગજાહેર છે. વોર્શો યુનિવર્સીટીમાં તેની શક્તિઓ ચકાસવા માટે અનેક પ્રયોગ થયેલા. દસ હજારથી પણ વધુ વર્ષ જુના ચક્મકના પથ્થરમાંથી બનેલું શસ્ત્ર તેને આપવામાં આવે તો તેના પરથી પણ પ્રાગઐતિહાસિક યુગના માનવીઓ વિષે બહુ જ વિગતવાર માહિતી આપી શકતા.

2) ખોવાયેલ વ્યક્તિ અથવા વસ્તુ શોધવા માટે.

ડચ સાઇકિક ગેરાર્ડ ક્રોઈઝેટ (Gerard Croiset) આ કાર્ય માટે વિશ્વવિખ્યાત હતા. 1980માં તેમનું અવસાન થયું તે પહેલાં અનેક દેશોના લોકોએ ખોવાયેલી વ્યક્તિ શોધવા માટે તેમની મદદ લીધેલી છે. એક અત્યંત પ્રસિદ્ધિ પામેલો કિસ્સો ડર્ક ઝવેન નામના બાળકનો છે. બહાર રમવા ગયેલો આ છોકરો અમુક સમય પછી પાછો ન આવ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી. બે દિવસ સુધી કોઈ ભાળ મળી નહિ. પોલીસ અધિકારીની સલાહથી બાળકના કાકાએ 115 માઈલ દૂરના શહેરમાં ગ્રેરાર્ડનો ફોન દ્વારા સંપર્ક કર્યો. ગ્રૅરાર્ડને દેખાયું કે એક નાના બંદર પરની એક નાની બોટ પર ડર્ક રમી રહ્યો છે, અચાનક લપસ્યો, પાણીમાં પડ્યો, માથું બોટ પર ટકરાયું, માથાની ડાબી તરફ ઇજા થઈ અને પાણીના વહેણમાં તે તણાયો. ગેરાર્ડે વધુમાં જણાવ્યું કે બાળકની લાશ થોડા દિવસમાં બીજા નાના બંદરમાં મળી આવશે જે પહેલા બંદર સાથે જોડાયેલ છે. કમનસીબે બીજા ત્રણ દિવસ પછી તે પ્રમાણે જ બન્યું, બાળકના માથાની ડાબી તરફ મોટું નિશાન પણ હતું.

3) અનેક લોકો પિતૃદોષ અંગેની વિધિ કરાવે છે. પિતૃની બાકી ઈચ્છા વિષે કોઈ આધારભૂત માહિતી હોતી નથી, ફક્ત કોઈના સૂચનના આધારે સામાન્ય રીતે આ વિધિ કરાવાતી હોય છે. સાઈકોમેટ્રી દ્વારા પોતાના કુટુંબના વડીલો (પિતૃઓ) વિષે ચોક્કસ માહિતી મેળવી તેમની બાકી ઇચ્છાઓ પૂરી કરી શકાય.

4) જીવનના હાલના અથવા ભૂતકાળના લોકો વિષે જાણી શકાય, કોઈ વસ્તુ વિષે જાણી શકાય, વિશ્વયુદ્ધ-2 ચાલુ થયું તે દરમ્યાન નાઝીઓએ પોલેન્ડ પર ચડાઈ કરી અને આશરે 20 લાખ લોકોને મારી નાખેલા. તે સમયે પોલિશ સાઈકિક સ્ટીફન ઓસોવીસ્કીએ પોતાની ક્ષમતા અનેક ખોવાયેલ લોકોને શોધી કાઢવામાં વાપરી. વ્યક્તિનો ફોટો હાથમાં લઈ તે કહેતા કે આ વ્યક્તિ જીવે છે કે મૃત છે અને જીવતી હોય તો ક્યાં છે. કોઈ પણ જાતનું વળતર સ્વીકાર્યા વગર તેમણે આ અમૂલ્ય માનવસેવા કરી. યુદ્ધ પૂરું થયું તે પહેલાં જ તેમનું પણ મૃત્યુ થયું જે આગાહી તેમણે પહેલાં જ કરી હતી.

5) ગૂમ થયેલી વ્યક્તિના વર્તમાન વિષે જાણી શકાય.

6)) ગુના ઉકેલી શકાય. વર્તમાનમાં પણ નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ, અમેરિકા સહિત અનેક દેશોની પોલીસ સાઇકિક ડિટેક્ટિવની સેવા લે છે. જયારે ગુનાની કોઈ કડી મળતી ન હોય ત્યારે સાઇકિક ડિટેક્ટિવ પોતાની સાઈકોમેટ્રી અને અન્ય અતીન્દ્રિય શક્તિઓ કામે લગાડી પોલીસને મહત્ત્વની કડી આપે અને તે પછી ગુનો ઉકેલાઈ ગયો હોય તેવા અનેક કિસ્સા નોંધાયેલા છે.

ગ્રૅરાર્ડ ક્રોઈઝેટે નેધરલેન્ડ સિવાય પણ જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા વિગેરે અનેક દેશોની પોલીસને વિવિધ ગુનાઓ ઉકેલવામાં મદદ કરી છે. મારી એક સાઇકિક મિત્ર બાર્બરા મેકી (

https://www.facebook.com/bmackey1

) હાલમાં પણ વિવિધ દેશોની પોલીસ માટે સાઇકિક ડિટેક્ટિવ તરીકે કાર્ય કરી રહી છે. https://www.barbaramackey.com/… પર વીડિઓ જોઈ શકો છો.

7) હાલના સંજોગોમાં પતિ-પત્ની પણ કોઈ શંકા જાય ત્યારે ડિટેક્ટિવની સેવાઓ લે છે. સાઇકોમેટ્રિસ્ટની સેવાઓ અહીં કામ આવી શકે.

8) કોઈ વ્યક્તિને નોકરીએ રાખતાં પહેલાં તેના વિષે વિસ્તૃત માહિતી મેળવી શકાય.

9) નોકરીએ રાખેલ વ્યક્તિને તો બદલી શકાય. પરંતુ બદલવી બહુ જ મુશ્કેલ પડે તેવી પસંદગી એટલે કે જીવનસાથીની પસંદગીમાં પણ સાઈકોમેટ્રી ઉપયોગી સાબિત થઈ શકે.

10) આ સિવાય પણ કોઈ પણ વ્યક્તિને લગતી મહત્ત્વની માહિતીઓ, તેની આદતો, વિચારધારા, ચારિત્ર્ય વિગેરે વિષે, ખુદ વિષે પણ (અનેક વસ્તુઓ ખુદની ખુદને ખબર હોતી નથી) જાણી શકાય.

11) ઘણી વખત અમુક અગત્યના દસ્તાવેજો ગુમ થઈ જાય છે. તેવા કિસ્સામાં પણ સાઈકોમેટ્રી મદદરૂપ થઈ શકે.

ખુદની આ શક્તિ કઈ રીતે વિકસાવી શકાય, સાઇકિક રીડરની સેવા લઈએ ત્યારે શ્રેષ્ઠ પરિણામ માટે શું ધ્યાન રાખવું જોઈએ, આ શક્તિઓનો સિદ્ધાંત દરેક મનુષ્યને શું શીખ (Learning Points) આપે છે તે આ પછીના લેખમાં સમજીશું. સાઈકોમેટ્રી વિષય તે લેખ સાથે પૂરો કરીશું.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Blog at WordPress.com.