Daily Archives: 13/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૪) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આ પહેલાના લેખોમાં આપણે એ સમજ્યા કે Metaphysics માં શાનો સમાવેશ થાય છે, ઓરા શાને કહેવાય, તેના ફોટોઝ કઈ રીતે લઈ શકાય, તેનો ઉપયોગ શું થાય, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા હોય, કુંડલિની શું છે, આપણે તે ઊર્જાનો આંશિક ઉપયોગ જ કરી શકીએ છીએ, ઈડા, પિંગળા, સુષુમ્ણા નાડીઓ એમ મુખ્ય ત્રણ નાડીઓ વિગેરે. એ પણ આપણે જોઈ ગયા કે દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ છે. છેલ્લા લેખમાં ચક્રો શું છે અને કુલ ૭ ચક્રો છે વિગેરે જાણ્યું. પશ્ચિમમાં હવે ચક્રો વિષે એટલી જાગૃતિ આવી ગઈ છે કે લોકો ચક્રોના ટેટૂઝ (ચિત્ર આપેલ છે) પણ કરાવે છે. આ ચક્રોને એક પછી એક થોડી વિગત સાથે સમજીશું.

શરૂઆત કરીએ મૂલાધાર ચક્રથી.

સૌથી નીચેનું એટલે કે પાયાનું ચક્ર એટલે મૂલાધાર ચક્ર એટલે કે Root Chaka. મૂળ+આધાર=મૂલાધાર. સ્થૂળ શરીર અને પ્રાણશરીર બંનેનો આધાર આ ચક્ર છે. અત્યંત જરૂરી છે કે આ ચક્ર સંતુલિત અને યોગ્ય માત્રામાં ઊર્જા ગ્રહણ કરતું હોય કારણ કે નબળા પાયા પર મજબૂત ઇમારતનું અસ્તિત્વ શક્ય નથી. અને દરેક ભૌતિક (આર્થિક સહિત) વસ્તુઓ પણ આ ચક્ર સાથે જ સંકળાયેલ છે. માટે આ ચક્રની સ્થિતિ પર આપણી ભૌતિક સ્થિતિનો પણ આધાર રહેશે. બોન મેરોને ઊર્જા આ ચક્ર આપે છે, લોહીનું બનવું અને તેની ક્વોલિટી પણ આ ચક્ર પર આધારિત છે, શરીરમાં જે કંઈ આંખોને દેખાઈ શકે તેવું છે તે બધાં જ પર આ ચક્રનો અંકુશ છે.

જ્યાં સ્થૂળ શરીરમાં બે પગ મળે છે તે ભાગ એટલે કે ગુદાદ્વાર અને જનનેન્દ્રિયની વચ્ચેનો ભાગ (જ્યાંથી જરાસંઘના બે ફાડીયાં કરેલાં તે), જેને સીવની, અંગ્રેજીમાં Perenium કહે છે તે ભાગમાં (પ્રાણશરીરમાં) મૂલાધાર ચક્રનું સ્થાન છે. આ પહેલાં આપણે જે જોઈ ગયાં તે નાડીઓ પણ અહીંથી જ નીકળે છે. કુંડલિની શક્તિનું સ્થાન પણ અહીં જ છે. હઠયોગમાં પણ મૂલબંધ નામની એક અતિ મહત્ત્વની ક્રિયા છે જેમાં આ ભાગના સ્નાયુઓને ઉપર ખેંચવાના હોય છે.

દરેક ચક્રોનો એક રંગ હોય છે, મૂલાધાર ચક્રનો રંગ લાલ છે. પૃથ્વી તત્ત્વ  સાથે સાંકળયેલું આ ચક્ર છે

દરેક ચક્રનો એક બીજ મંત્ર હોય છે, આ ચક્રનો મંત્ર लं છે. આ સાથેના ચિત્રમાં બધા ચક્રના મંત્ર આપેલ છે. ઓવરી અને ટેસ્ટિકલ્સ સાથે જોડાયેલું આ ચક્ર છે અને આ બંને ભાગ પર મૂલાધાર ચક્રની સીધી અસર છે.

જો આ ચક્ર ઊર્જા બરાબર ગ્રહણ કરતું હોય તો મનુષ્યમાં એક વિશ્વાસની લાગણી જન્માવે છે, બીજા પર તે જલ્દી વિશ્વાસ કરી શકે છે, સમાજમાં પણ બધા સાથે તે સહજતાથી હળીમળી શકે છે. જો આ ચક્ર સંતુલિત હોય તો વ્યક્તિમાં મજબૂત ઇચ્છાશક્તિ, ,આત્મવિશ્વાસ અને એક જુદા જ પ્રકારની ઊર્જા રહે છે અને એ ઊર્જાને કારણે તેની મજબૂત ઇચ્છાશક્તિની જેમ જ કાર્યશક્તિ પણ ઉચ્ચ રહે છે. પરિણામે જિંદગીમાં સાર્વત્રિક સફળતા મળે છે જે આત્મવિશ્વાસને ફરી વધારે છે.

આનાથી વિરુદ્ધ, જો આ ચક્રમાં તકલીફ હોય તો વ્યક્તિ બીજા પર જલ્દી વિશ્વાસ કરી શકતી નથી, તેને એકલતાની લાગણી રહે છે, કઈં ખાલીપો લાગે છે. આર્થિક ચિંતાઓ રહે છે. અત્યંત થાક, નીરસતા, ‘જિંદગીમાં સારું કઈ છે જ નહિ’ તેવી લાગણી રહે છે. સગાસંબંધી અને મિત્રો સાથેનું કોમ્યુનિકેશન પણ નબળું રહે છે, ભૂખ પણ ઓછી લાગે છે, આર્થિક વિચારો કેન્દ્રસ્થાને રહે છે, આત્મવિશ્વાસનો અભાવ રહે છે, પોતાની ખુશી માટે બાહ્ય પરિબળો પર વધુ આધાર રાખવો પડે છે, identity crisis રહે છે. ડિપ્રેશનનો ભોગ પણ બની શકાય અને અંતિમ તબક્કામાં આપઘાત સુધીના વિચારો આવે કે એ વિચારને અમલમાં મૂકી દઈએ તેવું પણ બને. ઘણાં બધાં આયોજન કરીએ અને અમલ કોઈનો ના કરીએ, દરેક કામને પાછળ ઠેલતાં જઈએ તો સમજવું કે મૂલાધારમાં કંઈ તકલીફ છે. બીમાર તો બધાં પડતાં હોય છે પરંતુ જો બીમારીઓની દોસ્તી આપણી સાથે થોડી વધારે રહેતી હોય, વારેઘડીએ બધું ભુલાઈ જતું હોય, ઊંઘમાં પણ ધાંધિયા થતા હોય, કબજિયાત અથવા અતિસારની સમસ્યા પણ વારંવાર સતાવતી હોય એટલે કે શરીરનું વિસર્જન સંસ્થાનને જ્યારે હોય ત્યારે હડતાલ પર જવાની આદત હોય તો મૂલાધાર ચક્રને દુરસ્ત કરવાનો સમય પાકી ગયો સમજવો. કમરના નીચેના ભાગનો દુખાવો (જે આજકાલ અત્યંત સામાન્ય છે) તે પણ નબળાં મૂલાધાર ચક્રને આભારી છે. કેન્સર, હરસ, ગુપ્તરોગો વિગેરે પણ આ ચક્રની ખરાબી દર્શાવે છે.

ગભરાવાની જરુર નથી, મૂલાધાર ચક્રને સંતુલિત કરવાના અનેક રસ્તાઓ છે, અમુક તો અત્યંત સરળ છે – જો આપણે નિયમિત રીતે કરી શકીએ તો. કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ, આપણા શોખ મુજબની રમત, જો શક્ય હોય તો કુદરતી સ્થળ પર અથવા તો ક્યાંય પણ ચાલવું અને તે પણ ખુલ્લા પગે, બાગકામ – આ બધા અત્યંત સરળ રસ્તાઓ છે કે જેનાથી મૂલાધાર ચક્રને વધુ ઊર્જા ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવી શકાય. જમીન પર બેસવાની આદત કેળવવા થી પણ આ ચક્રને લગતા ઘણા રોગો દવા વગર જ દૂર થઈ શકે છે. પૃથ્વી સાથેનો સંપર્ક વધારવો હંમેશા ફાયદાકારક રહેશે. થોડી વધુ મહેનત કરવાની ઈચ્છા હોય તો અમુક સરળ (અને ફાવટ હોય તો અઘરા) યોગાસનો તો લાભપ્રદ છે જ. પર્વતાસન, સૂર્યનમસ્કાર, સેતુબંધઆસન, બાલાસન, અંજનેયાસન, વીરભદ્રાસન, મલાસન, પદ્માસન (કંઈ ના ફાવે તો સુખાસન એટલે કે જમીન પર પલાંઠી મારીને બેસવું) વિગેરે આસનો આ ચક્ર માટે ઘણા લાભદાયક છે. અને આ સિવાયનો અતિ ઉત્તમ રસ્તો છે ‘નિયમિત ધ્યાન.’ ધ્યાનની અનેક પદ્ધતિઓ છે, તેમાંથી જે સરળ અને અનુભવે અસરકારક લાગે તે અપનાવી શકાય. સાતત્ય જાળવવા એ જરૂરી છે કે ‘કોઈની સાથે એટલે કે સમૂહમાં’ આ પ્રકારની પ્રવૃતિઓ કરીએ, સમાન રસ ધરાવતી વ્યક્તિઓને શોધી કાઢી તેમની સાથે આ અંગે ગ્રુપ બનાવીએ, મૈત્રી કેળવીએ.

એક સાવ સરળ રસ્તો, બધાને વાંચતા જ ગમી જાય તેવો એ છે કે અમુક વસ્તુઓને જેમ કે જરદાળુ, ગાજર, કેરી, નારંગી, પીચ, કોળું વિગેરેને શક્ય હોય તે રીતે અને ઋતુ મુજબ ભોજનનો હિસ્સો બનાવી લઈએ.

એરોમા થેરાપીમાં સુખડ, ગાર્ડનિયા વિગેરે સુગંધના ઉપયોગ દ્વારા આ ચક્ર પર સારવાર આપવામાં આવે છે.

આ સિવાય પણ અમુક વસ્તુઓમાં સુધાર કરવાથી થોડા જ સમયમાં બદલાવ મેહસૂસ થશે. જો માતા સાથેના સંબંધોમાં સુધાર (જરૂર જણાતી હોય તો), મિત્રો અને પાડોશીઓ અને અન્ય સગાસંબંધીઓ સાથેના સંબંધમાં સુધાર, ઘરસજાવટ, ઘરમાં બધી વસ્તુઓની યોગ્ય ગોઠવણી (અને યોગ્ય સ્થળે મુકવાની આદત) વિગેરે પણ મૂલાધાર ચક્રને સંતુલિત કરવામાં અત્યંત મદદરૂપ છે.

સાઉન્ડ થેરાપી પણ મૂલાધાર ચક્ર પર અસરકારક સાબિત થઇ શકે છે. અહીં મેં બે લિંક્સ મુકેલી છે, જેમને રસ હોય તે આ અથવા આ પ્રકારના બીજા સંગીત નો સહારો લઇ શકે છે

(૧)256 Hz Root Chakra Music | Muladhara Chakra Meditation https://www.youtube.com/watch?v=wnE9qNt1-7w

(૨)Meditation/Root Chakra with Tibetan Singing Bowls – https://www.youtube.com/watch?v=-V0IMYlYVZQ

હવે તો અમુક ખાસ પ્રકારના અત્યંત હાઈફાઈ સાઉન્ડ લેબોરેટરીમાં તૈયાર કરેલા સંગીત પણ હોય છે જે કોઈ પણ ચક્રને સંતુલિત કરવામાં અત્યંત મદદરૂપ થાય છે. તે વિષય લંબાણપૂર્વકની ચર્ચા માંગી લે તેવો હોય અહીં વિશેષ વાત કરતો નથી.

વિઝ્યુઅલાઈઝેશન, એફર્મેશન્સ, EFT ( Emotional Freedom Technique ), RET ( Rapid Eye Technology ), વિગેરે કુદરતી અને ઘણી અસરકારક પદ્ધતિઓ છે, જિજ્ઞાસુ મિત્રો ઈન્ટરનેટ પર શોધી શકે છે, અહીં ફક્ત ઉલ્લેખ કરું છું. ક્રિસ્ટલ થેરાપી, પ્રાણિક હીલિંગ, રેકી, કલર થેરાપી વિગેરે થોડી અન્ય પદ્ધતિઓ પણ છે. Reflexology મુજબ પગનાં તળિયાનો સૌથી નીચેનો ભાગ (ચિત્રમાં દર્શાવેલ છે) આ માટેનો પોઇન્ટ છે અને ત્યાં દબાણ લાવવાથી પણ મૂલાધાર ચક્ર સશક્ત બને છે.

આધ્યાત્મિક રીતે જોઈએ તો બાળસહજ અબોધિતા ચિત્ત પર નિયંત્રણ એટલે કે ચિત્તને આધાર આપે છે અને મૂલાધાર ચક્રને મજબૂત કરે છે.

હવે પછીના લેખમાં સ્વાધિષ્ઠાન ચક્ર અંગે ચર્ચા કરીશું


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.