Daily Archives: 16/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૭) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ, મૂલાધારચક્ર અને સ્વાધિષ્ઠાનચક્ર વિષે થોડી વિગતવાર ચર્ચા વિગેરે આપણે આ લેખમાળાના પહેલા ૬ ભાગમાં કરી અને ૭માં ભાગમાં મણિપુર ચક્રનું સ્થાન, કાર્ય, મહત્ત્વ પોતાનું ચક્ર સંતુલિત છે કે નહિ તે જાણવાની રીત, બાઈનોરલ બિટ્સ ફ્રિકવંસી વિગેરે જોયું. ધારો કે એમ લાગ્યું કે મારું ચક્ર થોડું સંતુલિત કરવાની જરૂર તો છે તો શું કરવું તે હવે સમજીએ. અને મન હોય તો જરૂરથી માળવે જવાય.

૧) રોજબરોજની ઘરેડમાં થોડો બદલાવ લાવીએ. ચર્ચિલજી તો ક્યારના કહેતા હતા કે “To improve is to change; to be perfect is to change often.” અને જે બદલાવ નથી લાવી શક્યા તેવા કોડાક, નોકિયા, HMT વિગેરેનું શું થયું તે આપણે જાણીએ જ છીએ. આપણે પણ કંઈ નવું કરીએ. એકદમ સામાન્ય લગતી વસ્તુ પણ કરી શકાય. દરરોજનો રસ્તો બદલીએ, નવી જગ્યાએથી ખરીદી કરીએ, જૂદું સંગીત સાંભળીએ; ટૂંકમાં કંઈક નવું અથવા જૂદું જે નવી ઊર્જાનો સંચાર કરશે.

૨) આળસ થોડી ખંખેરીએ. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. કમ સે કમ ૧૦ કામની યાદી બનાવીએ અને એક નક્કી કરેલી સમય મર્યાદામાં પૂરા કરીએ. જે કામ હાથમાં લીધું તે પૂરું કરીને જ રહીએ. આરંભે શૂરા અને પછી બેસૂરા એવું થતું હોય તો સભાનતાપૂર્વક એ ટાળીએ. સામાન્ય જણાતાં કાર્યથી પણ આ થઈ શકે જેમ કે કોઈ પુસ્તક વાંચવું, વહેલાં ઊંઘવું કે જાગવું, શારીરિક વ્યાયામ કરવો, લિફ્ટને બદલે દાદરો વાપરવો, ચાલવાની ઝડપ થોડી વધારવી, જમવાના સમયમાં નિયમિતતા લાવવી, સાંજે વહેલું જમી લેવું. યાદી ઘણી લાંબી થઇ શકે છે. ‘Doing nothing is hard, you never know when you’re done.’

3) પેટને ઓછો ભારે પડે એવો હળવો ખોરાક; હળદર, આદુ, તજ, જીરુંનો વધુ ઉપયોગ; લીંબુ, કેળાં, પીળાં કેપ્સિકમ, અનાનસ વિગેરે પીળા રંગના ફળો વિગેરે ફાયદો કરશે. યાદ રાખીએ કે ‘જેને કોઇ ન પહોંચે તેને તેનું (આ) પેટ પહોંચે.’

4) સૂર્યપ્રકાશ શરીરને મળે તે અત્યંત લાભદાયક રહેશે. સૂર્યના કોમળ તડકામાં ચાલવું કે બાલ્કની અથવા અગાસીમાં સૂર્યપ્રકાશ મળે તે રીતે બેસવું તેનો કોઈ વિકલ્પ નથી. વિટામિન ડી તો મળશે જ પણ સાથે સાથે આ ચક્રનું તત્ત્વ એટલે કે અગ્નિ તત્ત્વ પણ સંતુલિત થશે. ઓછા અગ્નિથી રસોઈ ન થાય અને વધારે અગ્નિ બધું જલાવી દે. બધું સંતુલિત સારું.

૫) ઊંડા શ્વાસની આદત કેળવીએ. ભલે થોડા ઓછા લેવાય. શ્વાસ ગણેલા છે, જલ્દી લઈશું તો જલ્દી જઈશું.

6) ભરી રાખેલો ગુસ્સો એટલે કે ભારેલો અગ્નિ બહાર કાઢી નાખીએ અને એ પણ તાત્કાલિક. આ ગુસ્સાની સીધી અસર લીવર પર છે અને ઘાતક છે. હાથમાં ગરમ કોલસો રાખીને બેસીએ તો શું થાય? ગુસ્સો બહાર કાઢવાનો કદાપિ અર્થ એ નથી કે જેના માટે ગુસ્સો ભરી રાખ્યો હોય તેની સાથે ઝઘડો કરવો. એ આપઘાતનો (કે સંબંધઘાતનો) રસ્તો છે. અનેક રસ્તા બીજા છે. શક્ય હોય તો નૃત્ય, એરોબિક કસરત, સંગીત, લેખન, રુદન, એકલાં એકલાં બંધ ઓરડામાં ચીસો પાડીને, ઓશિકા પર મુક્કા મારીને – એમ કોઈ પણ રીતે કાઢી શકાય છે. કાગળ પર બધા ગુસ્સામિશ્રિત વિચારોને લખી એ કાગળ બાળી નાખવો એ પણ એક અસરકારક રીત છે. આ પ્રકારે ગુસ્સો બહાર નીકળતાં જ નવી ઊર્જા ગ્રહણ કરવાના દ્વાર ખુલી જશે. મન મોટું રાખીએ તો મગજ ઠંડું રહેશે.

7). હવે થોડું અઘરું, માનસિક કસરત છે એટલે. કરીએ તો ફાયદો થશે. ઓસ્કાર વાઈલ્ડ જરા પણ ખોટા નહોતા જયારે કહેતા હતા કે “I am the only person in the world I should like to know thoroughly.” વિચારીએ કે કઈ વસ્તુ માટે/સાથે જીવનમાં સદા સંઘર્ષ રહે છે? શેનો સદા ડર રહે છે? ક્યા અણગમતા સંજોગો વારંવાર સામે આવે છે? થોડું વિચારીએ તો ખ્યાલ આવશે કે આપણી ઊર્જામાં લીકેજ ક્યાંથી છે. એક વાર એ ખ્યાલ આવે પછી નક્કી કરવાનું રહેશે કે મારે શું જતું કરવું જોઈએ? શેનો વિરોધ બંધ કરવો જોઈએ? શું સમજવું જોઈએ કે જેનાથી મારી રૂંધાયેલી ઊર્જાના દ્વાર ખુલ્લા થાય?

8) એક બીજા પ્રકારની માનસિકતા હોય છે. શહાદતની માનસિકતા. ખુદની જરૂરિયાતોને અવગણીને એવા માણસો માટે હંમેશા દોડતા રહેવું કે જેમને એ મદદની કોઈ કિંમત નથી અને પછી એવું વિચારવું કે ‘મેં કેટલું બધું કર્યું તેના માટે, તેને કોઈ કિંમત નથી’ અને આવો વિચાર કરીને દુઃખી થવું તે આ માનસિકતા છે, નાભિચક્ર માટે નુકશાનકારક જ છે. શહાદતનો માર્ગ શૂરાનો ખરો પણ આમ નહિ.

૯) કોઈ પણ પ્રકારના માનસિક જોડાણ એટલે કે એટેચમેન્ટ ઘણી વખત ઊર્જાના પ્રવાહને બ્લોક કરે છે. જોડાણો વ્યક્તિ સાથેના, ખ્યાલો/માન્યતાઓ, યાદો, ભય, અપેક્ષાઓ,જગ્યાઓ, વસ્તુઓ કે ઈચ્છાઓ સાથેના. ઘણી વખત આપણે જૂનું ઘર છોડી શકતા નથી, જૂના કાગળોનો સંગ્રહ કરીએ છીએ, જૂનું વાહન જાનથી પણ પ્યારું હોય છે, જૂનું રાચરચીલું બદલવાની હિંમત કરતા નથી, સ્વર્ગવાસી સ્નેહીજનની યાદ ભૂલી શકતા નથી, જૂનાં કપડાં પણ કબાટમાં ભરી રાખીએ છીએ. આ દરેક સંજોગોમાં નાભિચક્ર કોઈ ને કોઈ રીતે દુષિત થાય છે, ઊર્જા અટકે છે. થોડી જ હિમ્મતની જરૂર છે, એક વખત ફક્ત જૂના કાગળો ફાડીને કે કબાટમાંથી ૧/૨ વર્ષથી પહેર્યા ન હોય તેવા કપડાંનો નિકાલ કરીને પણ જોઈએ તો ખ્યાલ આવશે કે કેવી તાજગી અનુભવાય છે. આવા એટેચમેન્ટ ઊર્જાને શરીરમાં અને મનમાં અવરોધે છે, ઘણી વાર એટલા મોટા અવરોધો ઉત્પન્ન કરે છે જે વ્યસન અથવા તો કુંઠિત વિચારધારામાં કે આદતમાં પરિણામે છે. સંઘર્યો સાપ ક્યાંક બીજે કામ આવતો હશે, અહીં તો કરડી જાય. પૂછીએ ખુદને જ કે “આ માન્યતા/ યાદ/ ઈચ્છા/ વસ્તુ ખરેખર મારા માટે જરૂરી છે?” બસ જેવો આ પ્રશ્નનો જવાબ મળશે, બાકીની પ્રક્રિયા સ્વયંભૂ શરુ થશે.

૧0) સ્વાભિમાન (અભિમાન નહિ) આ ચક્રની આધારશિલા છે. જયારે આપણે પોતાના તન, મન, આત્માની કાળજી લેતા થઈશું ત્યારે કુદરતી રીતે જ ઊર્જા સંતુલિત થઇ જશે. ફરી એક વાર આત્મમંથન કરવું આવશ્યક છે કે મારા જીવનમાં શું બદલાવ લાવવો જરૂરી છે? શું મારે મારી વધુ સંભાળ રાખવાની જરુરુ છે? શારીરિક/માનસિક/સામાજિક કે આધ્યાત્મિક રૂપે. બધું જ જરૂરી છે. મુકેશભાઈ અંબાણીને બીજા નંબરે ઉતારી દઈએ એટલા પૈસા ભેગા કરી લઈએ અને પછી દરરોજ દવાખાનાનાં ચક્કર કાપતાં હોઈએ તો? અબજો રૂપિયા હોય, ઘોડા જેવી તબિયત હોય અને ડિપ્રેશનમાં ઉતરી ગયા હોઈએ, જીવન ઝેર જેવું લાગતું હોય તો? આ બધું જ બરાબર હોય ને સમાજમાં વિજયભાઈ માલીયાની જેમ આબરૂના ચીંથરાં ઉડતાં હોય તો? આ બધું પરરરરરરરફેક્ટ હોય અને એવા વિચાર ઝબકે કે સાલું કંઈખૂટે છે, પરભવનું ભાથું તો કઈ બાંધ્યું જ નહિ તો ? બધું જ સંતુલિત હોવું જોઈએ ને? રુંધાયેલી ઊર્જા કોઈ ને કોઈ રીતે પરેશાન કરશે, ક્યાંક દુઃખાવો કરશે, ક્યાંક જીવન ઢસડાતું હોય તેવી લાગણી આપશે, કાયમ થાકની ફરિયાદ કરાવશે, દુઃખદ ઘટનાઓને ફરી ફરીને નજર સમક્ષ ને મનમાં લાવશે – જાતે જ શોધવાનું રહેશે કે ક્યાં બદલાવ લાવવો જરૂરી છે. આ થઇ જાય તો બીજો તબક્કો નિર્ધારનો છે – જરૂરી પગલાં ભરવા માટેના. એ પણ થઇ ગયો તો ૯૦% કાર્ય થઈ ગયું, હવે તો સાચે જ પગલાં ભરવાના અને એક સુખદ બદલાવ રાહ જોતો હશે. આ પગલાંઓ આપણી જાત પ્રત્યેનો પ્રેમ અને સન્માન દર્શાવે છે અને સ્વયંથી વધુ સ્વયંનું કોઈ ધ્યાન રાખી શકે નહિ તે નિર્વિવાદ છે.

૧૧) ભુજંગાસન, સલભાસન, ધનુરાસન, નૌકાસન, ચક્રાસન, શ્વાનાસન જેવા યોગાસન કરીએ. ભલે થોડો પરસેવો પડે કે વહે.

૧૨) એફર્મેશન: ‘હું કરી શકું છું, હું કરીશ, મારામાં એ શક્તિ છે, હું હિંમતવાન અને મજબૂત છું, હું મારી જાતને પ્રેમ કરું છું, મારી જિંદગીની જવાબદારી મારી છે.’ આ એફર્મેશન જેટલાં રિપીટ થશે એટલાં આ વિચારો અર્ધજાગૃત મનમાં રોપાશે અને અંતે અંકુરિત થશે. અને આ વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદિત વાત છે.

૧૩) વિઝ્યુઅલાઈઝેશન એટલે કે ધારણા: શાંતિ થી બેસીએ. સૂતાં સૂતાં પણ કરી શકાય (ઊંઘતાં ઊંઘતાં નહિ). થોડા શાંત થઈએ. ઊંડા શ્વાસ લઈએ થોડા. આંખ બંધ અને આ પહેલાના લેખમાં આપેલ ટ્રેક સાંભળતાં સાંભળતાં નાભિચક્ર પર ધ્યાન લઇ જઈએ. ઊર્જાનો અનુભવ અલગ અલગ રીતે થઇ શકે. ઉષ્ણતાનો અનુભવ થાય, કઈ સળવળાટ થતો હોય, પેટના સ્નાયુઓ અંદર ખેંચાતા હોય એવું કઈ પણ થઇ થાકે. માનસિક નોંધ લઈએ કે શું થઇ રહ્યું છે. ધારણા કરીએ કે નાભિચક્ર મોટું ને મોટું થઇ રહ્યું છે, સોનેરી પીળા કલરથી આવૃત થઇ રહ્યું છે. ધીરે ધીરે આ અનુભવ પીઠ પાછળ પણ થશે, માનસિક રીતે આ ઊર્જાને શરીરમાં ફેરવવાની કોશિશ કરીએ. બે-ચાર વખતના પ્રયાસમાં જ થોડી સફળતા મળશે જે વધુ પ્રયાસ કરવા માટે પ્રેરણા આપશે, અને જો તેનાથી પ્રેરણા લીધી તો પછી બેડો પાર.

૧૪) ‘રં’ મંત્રનો જાપ કરી શકાય. એક લિંક મુકું છું. એકાંતમાં સાંભળતાં સાંભળતાં તેની સાથે ધ્યાન થઈ શકે. https://youtu.be/QXAxn4iMnnU

૧૫) આ સિવાય પણ ઘણા રસ્તાઓ સર્જનાત્મક રીતે વિચારીને લોકો લે છે, જેમ કે સૂર્યનું ટેટુ નાભિચક્ર પર કરાવીને, ઘરમાં કોઈ નાનુંમોટું ફર્નિચર આ ચક્રના મંત્ર સાથે કરાવીને, બીજમંત્રનું ચિત્ર તરત નજરમાં આવે તેમ રાખીને. આ સાથેના ચિત્રોમાં એ જોઈ શકશો.

આ બધામાંથી જે ફાવે અને ગમે તે પગલાં લઈ શકાય. અને તો જ કામનું. કોઈ દિવસ ના કર્યું હોય તો પણ કરાય. Better late than never બધે લાગું પડે (ખાલી આપણા બોસને ન કહેવાય, નહીંતર એ ભડકે.) કોઈ પણ  જ્ઞાનની સાચી કિંમત તો ત્યારે જ છે ને કે જે જાણીએ તેમાંથી થોડોઘણો પણ અમલ થાય.

હવે પછીના લેખમાં અનાહત/હૃદય ચક્ર અંગે આપણી ચર્ચા રહેશે.


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.