“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
આ પહેલાંની ચર્ચા થોડી યાદ કરીએ તો અત્યાર સુધીમાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ, મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર તથા મણિપુરચક્ર, બાઈનોરલ બિટ્સ વિગેરે વિષે ચર્ચા કરી. આપણી ચક્રયાત્રા હવે મઝધારે પહોંચી. એવું ચક્ર આવ્યું હવે કે જે નીચેનાં ૩ અને ઉપરનાં ૩ ચક્રોને જોડે છે.
કવિઓ અને બૉલીવુડ જે ચક્રની આસપાસ બહુ ફર્યા કરે છે તેવા ચક્ર એટલે કે હૃદયચક્ર / અનાહતચક્ર / હાર્ટ ચક્રની વાત હવે કરીએ. કોઈ વાર એવું લાગે કે બૉલીવુડ આખું આ ચક્રથી જ મોહિત થઇ ગયું છે. “દિલ ચીઝ ક્યા હૈ” તે રેખા સમજાવે અને અમિતાભ કહે કે “કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ”; દિલીપકુમાર દુઃખી હૃદય (ચક્ર)થી કહે કે “દિલ તડપ તડપ કે કહ રહા હૈ આ ભી જા” તો નવા જમાનાનો દિલીપકુમાર પાછો એમ કહે કે “દિલ તો પાગલ હૈ”, બ્રહ્મચારીમાં શમ્મીકપૂર તો દિલમાં ઝરૂખો રાખીને પાછો રાજશ્રીની યાદોને એમાં બેસાડવાની ખ્વાહિશ ધરાવે – સાલું ગૂંચવાઈ જઈએ આ બધામાં. એક અર્થ નીકળે જો કે. કયો? એમ જ કે સારી અને નરસી, કડવી અને મીઠી બધી લાગણીઓનું સ્ટોર હાઉસ અહીં જ છે. બીજો અર્થ એ પણ નીકળે કે આ ચક્ર થોડું તકલાદી હશે, તૂટી જાય વારેઘડીએ. હૃદયભંગ થાય, એક કરતાં વધું વાર પણ થઈ શકે, હાર્ટ એટેક પણ આવી જાય. એક અર્થ એ પણ નીકળે કે આ ચક્રની કેપેસીટી અપાર, ગમે તેટલી યાદો અને વ્યક્તિઓને ભરી શકે એમાં. જો સારી ભરી હોય તો વ્યક્તિ પ્રેમાળ ને નહીંતર કડવી ઝેર. અને જે ભરેલું હોય એમાં એ જ પાછું બહાર આવે ને! એટલે તે વ્યક્તિની સામાજિક સ્વીકૃતિ પણ એ મુજબ. જે આપીએ તે મેળવીએ. કોઈ વાર લોકો જીવનસાથીની ઓળખાણ ‘બિટર હાફ’ તરીકે કરાવે. બેન્કના એક ઓફિસરે પોતાના પત્નીની ઓળખાણ મારી સાથે આ રીતે કરાવેલી અને કમનસીબે એ સાચું હતું ને પરિણામ એ હતું કે એ કડવીબાઈને બિચારાને ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડેલી. હાલમાં જો કે એ બહેન હયાત નથી. સમજવાનું એ કે કડવી યાદો ભરી રાખવાથી હૃદય ચક્ર દૂષિત થાય છે.
નામ મુજબ જ આ ચક્રનું સ્થાન હૃદય એટલે છાતી પાસે છે. વાયુ તત્ત્વ સાથે સંકળાયેલું ચક્ર. શરીરમાં સૌથી વધુ વાયુ/હવા ક્યાં હોય? ફેફસામાં એટલે કે છાતીની આસપાસ. વરસાદ પડી ગયા પછી ધરતીએ જે લીલીછમ ઓઢણી ઓઢી હોય તેવો લીલો રંગ આ ચક્રનો. બીજ મંત્ર છે ‘યં’. શારીરિક રીતે થાયમસ ગ્રંથિ સાથેનું ચક્ર. એવી ગ્રંથિ જેનું કદ નાનપણમાં મોટું હોય અને પછી નાનું. રોગપ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલ આ ગ્રંથિ.
પહેલા લેખમાં આપણે જોયેલું કે પૃથ્વીનાં પણ ચક્રો છે. બ્રિટનમાં આવેલ ગ્લાસનબરી (ચિત્ર જુઓ) નામના સ્થળ પરથી જે અત્યંત શક્તિશાળી લે લાઇન્સ પસાર થાય છે તેને કારણે આ સ્થળને પૃથ્વીનું હૃદયચક્ર ગણવામાં આવે છે. દુનિયાભરના કોસ્મિક ઊર્જા સમજનારા અને રસ લેતા લોકો તથા હિલર્સ અહીં એકત્રિત થાય છે.
જો આગળનાં ચક્રો ઠીકઠાક થઈ ગયાં હોય તો શું થયું હોય? મૂલાધારનું તત્ત્વ ‘ભૂમિ’ છે તે સ્થિર અને ‘ગ્રાઉન્ડેડ’ હોય, સ્વાધિસ્થાન ચક્રનું જલતત્ત્વ રચનાત્મકતા લાવ્યું હોય અને મણિપુરચક્રના અગ્નિએ તે રચનાત્મકતાને સકારાત્મક કાર્ય કરીને દિશા આપી હોય. Fire in the belly રંગ લાવ્યો હોય તો હવે અહીં વાયુ તત્ત્વ છે જે આ બધી જ વસ્તુઓને પ્રેમ, કરુણા, આનંદ જેવી આધ્યાત્મિક લાગણીઓમાં મિશ્રિત કરીને આગળ ધકેલે. વાયુ તો અત્ર-તત્ર-સર્વત્ર છે, પ્રેમની જેમ જ.
હૃદયચક્રનાં લક્ષણો જરા વિસ્તૃત રીતે જોઈએ.
૧) અન્યો પ્રત્યે પ્રેમ -રોમાન્ટિક કે પ્લેટોનિક – જન્મે આ ચક્રમાંથી. સેલ્ફ લવ એટલે કે પોતાની જાત પ્રત્યેનો પ્રેમ પણ અહીંથી જ ઉદ્ભવે.
૨) કરુણા, સહાનુભૂતિ, પોતાને સામેની વ્યક્તિની જગ્યાએ મૂકીને તે પ્રમાણે તેની સાથે વ્યવહાર કરવાની ક્ષમતા અને આદત આ ચક્રને આભારી. અને જો એમ હોય તો ચોક્કસ એ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ ચુંબકીય હોય.
૩) આ ચક્રની યોગ્ય સ્થિતિ પોતાની જાત માટે અને અન્ય લોકો માટે માન જન્માવે છે.
૪) આ ચક્રને એક હીલિંગ સેન્ટર કહી શકાય કારણ કે ક્ષમાની ભાવના અહીંથી વિકસે છે.
હૃદયચક્ર અસંતુલિત હોય ત્યારે શારીરિક અસર તો થાય જ પણ સાથેસાથે લાગણીઓમાં ઉથલપાથલ થઈ જાય. જો પોતાની જાત અને અન્ય સાથે પણ સંબંધ સુધારવાની થોડી પણ અભિલાષા હોય તો આ ચક્ર સુધારવું અને સંતુલિત કરવું ફરજીયાત છે.
એલર્જી, દમ, સ્તન કેન્સર, બ્લડ સર્ક્યુલેશન, બ્લડ પ્રેસર, હૃદયને લગતી બીમારીઓ, ઓછી રોગપ્રતિકારક શક્તિ એટલે કે Immunity , શ્વાસનળીનો સોજો એટલે કે બ્રોન્કાઇટીસ, કફ, થાક, ઇન્ફ્લૂએન્ઝા , ન્યુમોનિયા, શ્વાસોચ્છવાસની સમસ્યાઓ કે ફેફસાને લગતા અન્ય રોગો,નીચેના હાથમાં દુઃખાવો, ધ્રુજારી, ઊંઘને લગતી સમસ્યાઓ, ધુમ્રપાનની આદત, ટૂંકા શ્વાસ, નખ કરડવા – આ બધું જ હૃદયચક્રના વાંધાવચકાઓને આભારી. આયુર્વેદમાં પણ હૃદયને લગતી બીમારીઓને વાયુજન્ય રોગ ગણેલ છે.
કોઈ પણ ચક્ર ઓછું કાર્ય કરતું હોય તો તેનો અર્થ થયો કે ત્યાં અવરોધ છે અથવા તો ઊર્જાનો પ્રવાહ ત્યાંથી બરાબર આગળ વધતો નથી. જો હૃદયચક્રમાં આવું થતું હોય તો આપણી Overall Well Being એટલે કે એકંદર સુખાકારી જોખમાય; શારીરિક તકલીફો તો ખરી પણ સાથેસાથે લાગણીઓ પણ તકલીફ કરે. કોઈ વાર ‘દુઃખી મન મેરે’ જેવી સ્થિતિ રહે, મનોમન આપણી જાતને અને બીજાને પણ કોસતાં રહીએ, ‘કોઈ મને બોલાવશો નહિ’ એવો અવાજ મનમાંથી ઊઠ્યા કરે. જિંદગીમાં સૌથી મહત્ત્વની લાગણી એટલે કે પ્રેમનું બેન્ક બેલેન્સ ઓછું થઈ જાય – બીજા પ્રત્યેનો પ્રેમ તથા મૂળભૂત રીતે તો પોતા પ્રત્યેનો. પરિણામ એ આવે કે વ્યક્તિ ન તો બીજા પર વિશ્વાસ કરી શકે, ના ખુદ પર. કોઈ બીજાના વર્તન સાથે પોતાની ખુશી/નાખુશી ને જોડી લે, બીજા પર અંકુશ લેવાની કોશિશ પણ કરે અને માલિકીહક્ક જતાવે એટલે કે Possessive બની જાય.
ત્રણ પ્રકારની લાગણીઓ સાથે આ ચક્ર બહુ રમ્યા કરે. પ્રેમ, ભય અને નફરત. બધું એક સાથે અસ્તિત્વ ધરાવે તેમ પણ હોય. પરંતુ જે લાગણી આગળ થઈ જાય તે બીજીને દબાવી દે. પ્રેમ આગળ થાય તો ભયને અને નફરતને પાછળ ફેંકી દે. નફરત વધી જાય તો પ્રેમ અને ભય ને પાછળ ધક્કો મારી દે. અને જો ભય હૃદયને ઘેરી વળે તો પ્રેમ અને નફરત બંને સંતાઈ જાય. શું આગળ હોવું જોઈએ તે આપણે નક્કી કરવાનું.
વધારે પડતાં કાર્યરત હૃદયચક્રનાં લક્ષણો શું?
- બીજા પર આધારિત
- પોતાની લાગણીઓને ભોગે બીજાનું ધ્યાન રાખવાની આદત
- સ્વ-અસ્તિત્વને બાજુએ મૂકવાની ટેવ
- સંબંધોમાં યોગ્ય હદ ન જાળવી શકે.
- પોતાના શારીરિક/માનસિક કે અન્ય કોઈ પણ પ્રકારના નુકસાનના ભોગે અને અનિચ્છાએ પણ ‘હા’ કહેવાની આદત.
- તમામ હદ પાર કરીને મદદ કરવાની ટેવ.
આપણી સ્થિતિ જાણવી હોય તો એકાંતમાં જઈ એકદમ શાંત થઈ, થોડા ઊંડા શ્વાસ લઈ નીચેના પ્રશ્નોના પ્રામાણિક જવાબ ‘અંદરથી’ જાણવાની કોશિશ કરી શકાય
૧) શું હું ભૂતકાળના (હવે પૂરા થઈ ગયેલા) સંબંધો સતત યાદ કાર્ય કરું છું?
૨) શું હું જૂની અદાવતો અને જૂના ઘા ગળે વળગાડીને ફર્યા કરું છું?
૩) કોઈનો પણ વિશ્વાસ કરવાનું મારે માટે બહુ અઘરું છે?
૪) શું હું બહુ શરમાળ છું?
૫) મારી લાગણીઓને એક બંધ પટારામાં તાળું મારીને સદા રાખી મૂકું છું? કોઈ સાથે એ વિષે વાત કરવામાં મને તકલીફ પડે છે?
૬) બહુ ફૂંકી ફૂંકીને હું સંબંધ બાંધું છું? નવા સંબંધ બનાવવામાં મને ખચકાટ થાય છે?
૭) શું ચિંતા / માનસિક તાણ મારા વ્યક્તિત્વનું અવિભાજ્ય અંગ બની ગયા છે?
૧૦) શું મને ટેવ પડી છે કે મારી ઘવાતી લાગણીઓને ભોગે પણ બીજાને જ આગળ જવા દઉં અને હું છેલ્લે જ રહું?
મોટાભાગે જવાબ ‘હા’ હોય તો સમજવાનું કે હૃદયચક્રમાં સુધારાની જરૂર તો ખરી.
એક સામાન્ય અવલોકન છે. બધાને નહિ પણ કદાચ મોટા ભાગનાં ને લાગુ પડી શકે. સ્ત્રીઓનું હૃદયચક્ર સામાન્ય રીતે થોડું વધારે અસંતુલિત જોવા મળે છે. ઘા’ તો બધાને લગતા હોય પણ લાગણીશીલ સ્વભાવને કારણે સ્ત્રીઓમાં વધુ ઊંડે સુઘી ઊતરી ગયા હોય અને પછી વર્ષો જૂના ભાડુઆતની જેમ ઘર ખાલી કરતાં ન હોય તેવું કદાચ હોય છે. માટે જયારે આ ચક્રનું ધ્યાન દ્વારા અથવા બીજી કોઈ પણ રીતે હીલિંગ થાય ત્યારે ’સુખમાં એ આંસુ , દુઃખમાં એ આંસુ’ વાળી સ્થિતિ સ્ત્રીઓમાં વધુ ઉદ્ભવે છે તેવું જોવા મળ્યું છે. પરંતુ જે થાય તે સારા માટે. આ આંસુ તો શુદ્ધિકરણની પ્રક્રિયાના હોય છે. આયુર્વેદમાં જેમ પંચકર્મ દરમ્યાન શરીરની અશુદ્ધિઓ બહાર આવે તેમ.
આનાથી વિરુદ્ધ, કોઈ વાર હાસ્ય અને અટ્ટહાસ્ય પણ બહાર આવે છે. એક દાખલો. ભાવનગરમાં એક ધ્યાનશિબિર બાદ એક બહેન ૨/૩ દિવસ સુધી હસતાં જ રહ્યાં અને એમના પતિ મૂંઝાઈ ગયા. મને વાત કરી. મેં જયારે એ બહેન સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યંત રૂઢિચુસ્ત રીતે તેમનો નાનપણમાં ઉછેર થયેલો જ્યાં એમને કહેવામાં આવેલું કે “છોકરીઓએ બહુ હસાય નહિ, મર્યાદામાં રહેવાય”. વિગેરે. જિંદગીભરની હાસ્યની લાગણીઓ એમણે મનમાં કોઈ અગોચર ખૂણે દબાવી રાખેલી કે જે ધ્યાન દરમ્યાન કૂદીને બહાર આવી. હૃદયચક્રના શુદ્ધિકરણ દરમ્યાન લાગણીઓ એ રીતે બહાર આવે જેમ આપણા અંકુશ બહાર છીંક અને ઉધરસ આવે. આ વિષે પછી ચર્ચા કરીશું.
બીજા ચક્રોની જેમ હૃદયચક્રની શુદ્ધિના પણ અનેક રસ્તાઓ છે જે આ પછીના લેખમાં આવરી લઈશું.
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]
જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post