Daily Archives: 21/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૨) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

આજે વાત કરીશું વિશુદ્ધિચક્રને સશક્ત કરવાના ઉપાયોની. એ પહેલાં એક વાત: મારું વિશુદ્ધિચક્ર કદાચ ખુલવાનો પ્રયત્ન કરી રહ્યું છે, લગભગ એક મહિનાથી ગળામાં અટકેલા શબ્દો બહાર આવવા કૂદાકૂદ કરી રહ્યા છે. આજે માર્ગ આપી દઉં છું. શબ્દો છે; “હે સુજ્ઞ વાચકો, આપ લેખમાળા વાંચો છો, પ્રોત્સાહક પ્રતિભાવ પણ આપો છો ત્યારે એક વાત કહેવી છે. ઉપાયો વાંચવાથી માહિતી મળશે પરંતુ અમલમાં મૂકવાથી ફાયદો થશે, ફાયદાઓની હારમાળા થશે. આ સ્વઅનુભવસિદ્ધ વાત છે. છેલ્લા ૨૧ વર્ષ દરમ્યાન આશરે ૭૦૦૦ કલાકનું ધ્યાન, તેનાથી ત્રણ ગણા સમયનું અધ્યયન, હજારો માણસોનો પ્રત્યક્ષ સંપર્ક, અનેક લોકોના કાઉન્સેલિંગથી મળેલો જીવંત અનુભવ, એ બધાથી ઉપર અમારા ગુરુદેવ અને હિમાલયના પરમસિધ્ધ યોગી (સમર્પણ ધ્યાનના પ્રણેતા) એવા પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના આશીર્વાદ – આ બધાનો આ લેખમાળામાં સમન્વય છે તેવું મારું નમ્ર પરંતુ દ્રઢ્ઢપણે માનવું છે. ‘સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય.’ અને હવે અહીં પરસેવો પાડવાનો સમય આવી ગયો છે – શારીરિક કરતાં પણ વધુ તો માનસિક. ‘કરે તે ચરે’ એમ માનીને પોતાની પ્રકૃતિને ફાવે તે ઉપાય શરુ કરવા માટે મારુ નમ્ર સૂચન છે.” (ચક્ર શુદ્ધ થઈ ગયું, ગળામાં ભરાયેલ શબ્દો અંતે બહાર આવી ગયા !!!)

આપણી વૈચારિક ચક્રયાત્રા હવે અત્યંત અગત્યના તબક્કામાં પ્રવેશી ચુકી છે. વિશુદ્ધિચક્રમાં તકલીફ એ આમજનતાની કહાની છે. કોઈ પણ પ્રકારની આત્મગ્લાનિ (Guilt) આ ચક્રને નબળું પાડી દે અને આ આત્મગ્લાનિ ભારત જેવા દેશમાં, જ્યાં પાપ-પુણ્યના ખ્યાલો ગળથુંથીમાંથી મળેલા હોય ત્યાં વધારે જોવા મળે છે. શરીર અને મનને ગમ્યું હોય / ન ગમ્યું હોય અથવા કૌટુંબિક, સામાજિક કે અન્ય – કોઈ ને કોઈ કારણોસર કાર્ય કર્યું હોય / કરવું પડ્યું હોય કે ન કરી શક્યા હોઈએ અને અર્ધજાગૃત કે જાગૃત મનમાં ખ્યાલ હોય કે ‘આ તો ખોટું છે, પાપ છે’ એટલે આત્મગ્લાનિ ઉદ્ભવે તે સ્વાભાવિક છે. પરિણામરૂપે વિશુદ્ધિચક્રની ખરાબી અને પીઠના મધ્ય ભાગમાં દુખાવો ભેટમાં મળે.

ઉપાયો વિષે હવે વાત કરીએ. શરૂઆતમાં એવા સરળ ઉપાયો લઈએ જે કરવા માટે ફક્ત ઇચ્છાશક્તિની અને થોડો સમય આપવાની જરૂર પડે. એ પછી આગળ એવા ઉપાયો પણ ચર્ચીશું જેમાં મનોમંથનની, આત્મનિરીક્ષણની અને કદાચ એક બંધ કોચલામાંથી બહાર આવવા માટે થોડી હિંમતની પણ જરૂર પડી શકે.

૧) મંત્ર: સર્વસરળ ઉપાય. મંત્ર પવિત્ર શબ્દો અથવા અવાજોથી બનેલા છે જે ચેતનાની ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવામાં સહાય કરે છે. આ ચક્રનો મંત્ર છે ‘હં’. તેના જાપ કરી શકાય.

આ લિંકનો ઉપયોગ કરી શકો છો. આ બીજમંત્રનું લંબાણપૂર્વક ઉચ્ચારણ કરવાની પ્રેક્ટિસ કરવાથી વધુ ફાયદો થશે. દા.ત. “હ્હહાઅઆહમ્મમ્મમમ.” એક અતિ પ્રાચીન બૌદ્ધમંત્ર ‘ओं मणिपद्मे हूं’ છે. જેના માટે આ લિંક જોઈ શકો છો.

૨) આહારમાં કિવિફ્રૂટ, સફરજન, લીંબુ, નાશપતી, પ્લમ, પીચ, અંજીર અને જરદાળુ લાભદાયી.

૩) સાઉન્ડ હીલિંગ થેરાપી આ ચક્રને શુદ્ધ કરવા માટે મહત્ત્વની છે. તિબેટના સિંગિંગ બાઉલ્સ (Singing Bowls) , હજારો વર્ષ જૂનું અને મૂળભૂત રૂપે ઇન્ડોનેશિયાનું વાજીંત્ર નામે ગોન્ગ્સ (Gongs) અને આશરે ૩૦૦ વર્ષ પહેલાં જ બ્રિટનમાં વિક્સાવેલું ટ્યૂનિંગ ફોર્ક્સ (Tuning Forks) એક વિશેષ પ્રકારના અવાજનાં આવર્તનો ઉત્પન્ન કરે છે જે વિશુદ્ધિ ચક્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વાજીંત્રોનાં ચિત્ર તથા ઉપયોગી લિંક્સ અહીં મુકેલ છે.

સિંગિંગ બાઉલ્સ :  https://www.youtube.com/watch?v=9rNfKW1hARY

ગોન્ગ્સ:  https://www.youtube.com/watch?v=kXRuiSC4gqM

ટ્યૂનિંગ ફોર્ક્સ:  https://www.youtube.com/watch?v=kirNGxzedKc

૪) ગાયન: બહુ નજાકતથી, પ્રેમથી વિશુદ્ધિચક્ર ખોલવાનો ઉત્તમ માર્ગ છે ગાયન. જરૂરી નથી કે ગળું રફીસાહેબ કે લતાજી જેવું હોય. જેવું હોય તેને વિકસિત તો કરી જ શકાય. જાહેરમાં ગાવામાં સંકોચ થતો હોય તો એકલા એકલા ગવાય. આમ પણ સામાન્ય રીતે બધા ‘બાથરૂમ સિંગર’ તો હોય જ છે. દબાયેલો અવાજ તો બહાર આવશે પણ સાથે આત્માનો દબાયેલો અવાજ પણ બહાર આવશે.

5) મસાજ: ગળા પાસે યોગ્ય રીતે કરાયેલ મસાજથી એ જગ્યાએ અવરોધિત ઊર્જા છુટ્ટી પડે. ‘યોગ્ય રીતે’ શબ્દ અહીં મહત્ત્વનો છે. જો એવી વ્યક્તિ ન મળે તેમ હોય તો વૈકલ્પિક રીતે હેન્ડ મસાજરનો ઉપયોગ થઈ શકે જેથી ઉચિત માત્રામાં અને યોગ્ય જગ્યાએ મસાજ થાય. (જીવનસાથી પાસે આ કાર્ય ન કરાવવું હિતાવહ !!!)

6) બહુ ઝડપથી બોલવું કે લાગણીઓના આવેશથી બોલવું – તે બંને અસંતુલિત વિશુદ્ધિચક્રની નિશાની છે. સંતુલિત કરવા માટે ઊંડા શ્વાસની આદત કેળવવી જોઈએ. શ્વાસ પેટ સુધી અંદર જવો જોઈએ, નહિ કે ફક્ત છાતી સુધી. આ આદત કેળવાશે તો ચક્ર શુદ્ધ થશે, આત્મવિશ્વાસ પણ વધશે અને બીજા અનેક ફાયદા થશે. સામાન્ય રીતે લોકો મિનિટમાં ૧૨ થી ૨૦ શ્વાસ લે છે જયારે નિયમિત ધ્યાન કરનાર વ્યક્તિના શ્વાસ મિનિટના ૩ થી ૪ સુધી અને ધ્યાન દરમ્યાન તો મિનિટના ફક્ત એક જેટલા ધીમા પડી શકે છે. અને જેટલાં શ્વાછોસ્વાસ ઓછાં એટલાં વિચારો પણ ઓછાં.

7) યોગ: મત્સયાસન, સિંહાસન, સર્વાંગાસન, ભુજંગાસન, ઉષ્ટ્રાસન, સેતુબંધાસન જેવા આસનથી વિશુદ્ધિ ચક્ર વધુ કાર્યશીલ થાય છે, જયારે શીર્ષાસન, વિપરીતકર્ણીઆસન, યોગમુદ્રા, શશાંકાસન અને હલાસન આ ચક્રને સંતુલિત કરે છે. કોઈ જાણકાર પાસેથી શીખીને યોગ્ય રીતે કરવા જરૂરી છે. નહીંતર ‘લેવાને બદલે દેવા’ થઇ શકે. ગળું ઉપરનીચે, ડાબેજમણે અને બંને દિશામાં ગોળ ફેરવવાથી પણ લાભ છે. આ ક્રિયા અત્યંત ધીરે કરવાની છે (શમ્મી કપૂરની જેમ ઝાટકા માર્યા વગર). જાલંધરબંધ (એક યોગિક ક્રિયા) અને ઉજ્જાયી પ્રાણાયામ ખાસ ફાયદો કરે છે.

8) એકાંતમાં સમય વિતાવવો ફાયદાકારક. એકાંતમાં બધી જ વસ્તુ બાજુએ મૂકીને પોતાનો અંતરનો અવાજ સાંભળવાનો છે. સાંભળીશું તો વ્યક્ત કરીશું ને ! ફક્ત એ સાંભળવાથી પણ આ ચક્રને ફાયદો થાય. કેવી રીતે? જયારે ભીડભાડમાં હોઈએ ત્યારે બીજાના વિચારોનાં આંદોલન આપણને પ્રભાવિત કરે અને એ વિચારો દ્વારા દોરવાઈ જઈએ, ભીતરી અવાજ તો સંભળાય જ નહિ. એક દાખલો. કદાચ બધાએ નોંધ લીધી હશે કે જયારે મુંબઈ જેવા મહાનગરમાં જઈએ જ્યાં બધાં દોડતાં જ હોય ત્યાં કઈં ઉતાવળ ન હોય તો પણ આપણે ઝડપથી ચાલવા માંડીએ. એ બતાવે છે કે સામૂહિકતાનો પ્રભાવ કેટલો પડે. અને આ કારણથી જ દરેક સાધનામાં સામુહિક અભ્યાસ પર વિશેષ ભાર મુકવામાં આવે છે કે જેથી, બધાંનાં સયુંકત આંદોલન એકબીજાને મદદ કરે અને ધાર્યાં પરિણામ સુધી પહોંચાડે.

9) જે કારણોથી ચક્રમાં ખરાબી થાય છે તેને દૂર કરવાની કોશિશ કરીએ, જેમ કે:

– ભાઈબહેનના આંતરિક સંબંધો સુધારવાની જરૂર હોય તો તે.

– કોઈની ખોટી ચાંપલૂશી ના કરીએ અને સારું હોય તેના ચોક્કસ વખાણ કરીએ.

– બની શકે ત્યાં સુધી જૂઠું બોલવાનું ટાળીએ.

– આદત ક્યારેક એવી હોય કે કોઈ જ કારણ વગર ઘણી વાત છુપાવતાં હોઈએ. એવી આદત હોય તો તે દૂર કરવા પર ધ્યાન આપીયે.

૧૦) શક્ય હોય તો ઇજિપ્તના પિરામિડની યાત્રા કરીએ. તેને વિશ્વનું વિશુદ્ધિ ચક્ર ગણવામાં આવે છે અને ત્યાંથી પસાર થતી લે લાઇન્સ (Lay Lines) આ ચક્રને ખોલવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

11) ટીકા કરવાની આદત હોય તો છોડીએ. તે માટે અમુક વિચારો લાભદાયી થશે. ધારો કે ટીકા કરવી હોય કે ‘જે તે વ્યક્તિ જૂઠું બોલે છે’ તો તરત વિચાર કરીએ કે ‘શું હું કોઈ દિવસ જૂઠું બોલી/બોલ્યો જ નથી?’ બીજો વિચાર એ પણ કરીએ કે ‘મારી કોઈ પ્રિય વ્યક્તિએ આ જ રીતે, આ જ કામ કર્યું હોય તો શું હું એની ટીકા કરીશ?’ દરેક ટીકાત્મક વિચાર સાથે આ પ્રકારની વિચારધારાને જોડવાથી ધીરેધીરે ટીકા કરવાની આદત છૂટી શકે.

૧૨) ‘જજમેન્ટ લેવાની ટેવ છોડીએ. આદત મુજબ કોઈ વિષે જજમેન્ટ લેવાની ઈચ્છા થઇ જાય તો તરત જાગૃત રીતે વિચારીએ કે “શું હું દરેક વિષયમાં દુધે ધોયેલ છું?’ ધીરેધીરે જેવી આ પ્રકારની વિચારધારાની આદત પડશે તો જજમેન્ટ લેવાની ટેવમાંથી (તેના નુકસાન જોતાં કુટેવ કહેવું કદાચ વધારે યોગ્ય રહેશે) કોઈ ને કોઈ દિવસે છૂટકારો મળી જશે.

૧૩) આત્મગ્લાનિ દૂર કેમ કરવી? ક્રિશ્ચિઆનિટીમાં વિચારોની અસર વિષે સારો એવો અભ્યાસ સદીઓથી છે. માટે જ કેથોલિક ચર્ચમાં ‘કન્ફેશન બોક્સ’ રાખવામાં આવે છે જ્યાં જઈ વ્યક્તિ આત્મગ્લાનિ ઉત્પન્ન કરતાં પોતાના વિચારો/કૃત્ય વ્યક્ત કરી માનસિક સંતાપમાંથી મુક્તિ મેળવી શકે.

ગયા લેખમાં વાત થઈ તે મુજબ ઘણીબધી વાતો લોકો શરમેધરમે પાતાળમાં ધરબી રાખે છે અને પરિણામે અનેક દૂરોગામી ઘાતક પરિણામો આવે છે. આવી દરેક વસ્તુ ચહેરા પર છાપ છોડતી જાય અને મુખારવિંદ (!) જોઈને જ ઘણું બધું વાંચી શકાય. ઘણી વાર તો જે લાગણી/કામના છેક અંદર રાખી હોય તે સ્પ્રિંગની જેમ બહાર આવવા મથતી હોય, મોટી ઉંમરે હાર્ટ એટેક આવેલા હૃદયને પણ અવગણીને મોતિયાનાં ઓપેરેશન કરાવેલી આંખોમાંથી બહાર ઢોળાઈને વ્યક્તિની ચકળવકળ થતી નજરને કારણે વધુ હાંસીપાત્ર બનાવે અને જે ‘ધારેલી ઇમેજ’ સાચવવા વ્યક્તિ મથતી હોય તે ઇમેજના તો ચૂરેચૂરા કરી નાખે. થોડી હિંમત દાખવી કોઈએ ચર્ચની જેમ આવા ખુલ્લા દિલનાં મિત્રમંડળો બનાવવાની જરૂર છે જ્યાં લોકો આવી શકે અને પોતાની જાતને મનથી દિગંબર કરી શકે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ચર્ચનાં કન્ફેશન બોક્સનો લાભ લઇ શકાય. થોડી સવલત ઈન્ટરનેટને કારણે લોકોને મળી શકે છે જેથી પોતાની ઓળખાણ આપ્યા વગર વ્યક્તિ ભીતરનો ખાનગી ખૂણો ખાલી કરી શકે. અહીં આવી બે સાઇટ્સની લિંક આપી છે.

https://www.secret-confessions.com/

http://www.confessions4u.com/

૧૪) કેથાર્સીસ: સ્પષ્ટ વાતચીત કરી શકીએ નહીં ત્યારે આપણા શરીરમાં ઘણી બધી જગ્યાએ ઊર્જા અવરોધિત થાય. હાસ્ય કે ચીસો દ્વારા આ બ્લોક થયેલી ઊર્જાને છુટ્ટી કરી શકાય. લાફિંગ ક્લબમાં પણ જઈ શકાય, પેટ પકડીને હસાવે એવી ફિલ્મ કે નાટક પણ જોઈ શકાય અને ઓશીકામાં મોઢું દબાવીને ચીસો પણ પાડી શકાય. પરિણામ લાભદાયી જ રહેશે. ધ્યાન દરમયાન આ પ્રક્રિયા ઘણી વખત કુદરતી રીતે જ થાય છે. એક ધ્યાનશિબિર દરમ્યાન ગુજરાતના એક ખ્યાતનામ પત્રકાર તેમના પિતાશ્રીને લઇ મારી પાસે આવ્યા અને કહયું કે મારા પિતાશ્રીને કઈ કહેવું છે. તેમના પિતાશ્રીએ કહ્યું કે શિબિરમાં વિશુદ્ધિચક્રના દિવસથી જ તેમનો અવાજ બંધ થઈ ગયેલો અને છતાં તેમને ખૂબ જ આંતરિક આનંદ આવતો હતો તેમ જ છેલ્લે દિવસે તે ફરીથી બોલવા લાગ્યા. એટલે કે કોઈ એવી પ્રક્રિયા થઈ ગઈ કે જેને કારણે તેમના વિશુદ્ધિચક્રમાંની ઊર્જા શિબિર દરમ્યાન જ શુદ્ધ થઇ ગઈ.

આ ચક્ર આધ્યાત્મિક રીતે તો મહત્વનું ખરું જ પણ વ્યક્તિની રોજબરોજની જિંદગીના દરેક પાસાંઓને અસરકર્તા છે, તેથી તેને શુદ્ધ કરવાના ઉપાયોની થોડી વિસ્તૃત ચર્ચા રચનાત્મક વિચારો સાથે જરૂરી લાગે છે અને માટે વિશુદ્ધિચક્ર અહીં અધૂરું મુકું છું, આવતા રવિવારે તેને શુદ્ધ કરવાના, સંતુલિત કરવાના અને સશક્ત કરવાના બાકીના ઉપાયોની ચર્ચા કરીશું.

ક્રમશ:


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.