Daily Archives: 26/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો (૧૭) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

 મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, તેના આંશિક ઉપયોગની જ આપણી ક્ષમતા, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, ચક્રોનો અર્થ અને તેની સંખ્યા, દરેક વસ્તુ મૂળભૂત રીતે તો એનર્જી જ, બાઈનોરલ બિટ્સ, સોલફ્રેજીઓ ફ્રીક્વન્સી વિગેરે અને મૂલાધારથી આજ્ઞાચક્ર સુધીના 6 ચક્રો વિષેની વિગતવાર ચર્ચા બાદ હવે આપણે આવી પહોંચ્યા છીએ ચક્રશૃંખલાની ટોચ પર, ચક્રોના કૈલાશ શિખર પર, સહસ્ત્રારચક્ર પર.

 ‘માઉન્ટ કૈલાશ’ – એક એવું શિખર કે જેની યાત્રા કરવા માટે, ત્યાં પહોંચવા માટે ફક્ત ભારતના જ નહિ, પરંતુ દુનિયાભરના અધ્યાત્મપ્રેમીઓ તરસતા હોય છે. એક નાયગ્રા ધોધ ત્યાંની હવામાં જ સતત ઊર્જા વહાવતો હોય, જેનું એક ટીપું પણ ઊર્જાથી તરબતર કરી દેતું હોય, એક અનેરી શાંતિ પ્રદાન કરતું હોય કે જેના માટે મનુષ્ય જિંદગીભર તડપ્યો હોય – તેવું આ શિખર જે છે સમગ્ર પૃથ્વીનું સહસ્ત્રારચક્ર. વિશ્વભરમાં સૌધી વધુ ઊર્જાવાન લે લાઇન્સ જ્યાંથી પસાર થાય છે તે છે આ પોઇન્ટ. પહોંચી શકે છે ત્યાં ફક્ત અમુક વીરલાઓ જ જેમની પાસે છે અડગ નીર્ધાર , યોગ્ય દિશાના પ્રયત્નો તથા શારીરિક અને માનસિક તંદુરસ્તીનો સમન્વય. આ બધું જ લાગુ પડે છે મનુષ્યના સહસ્ત્રરચક્રને પણ.

 ચક્રોમાં શિરમોર એવું ચક્ર, સૌથી ઉપરનું, નીચેથી સાતમું એવું આ ચક્ર. સહસ્ત્રારચક્ર, ક્રાઉનચક્ર, શૂન્યચક્ર – આ બધા એના નામ. ચક્રોના મુગટ એટલે કે ક્રાઉન રૂપે સૌથી ઉપર સ્થિત આ ચક્ર જ્યાં વ્યક્તિગત ચેતના મળે વૈશ્વિક ચેતનાને. તેનું સ્થાન જોવું છે? સરળ છે. હાથના અંગુઠા બંને કાનની ટોચ પર મૂકીએ. એ પછી પહેલી આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરને ત્યાંથી એવી રીતે ગોઠવીએ કે માથા પર બંને આંગળી એક બીજાને અડે. એ પોઇન્ટને હવે જરા દબાવીએ. બસ એ જ છે સહસ્ત્રારચક્ર, માથાનાં તાળવાં પર. આધ્યાત્મિક વિકાસનો અનુભવ કરવા, ભૌતિકવાદી જરૂરિયાતોથી આગળ વધવા અને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડાવા માટે સક્ષમ બનાવે આ ચક્ર. એટલું મહત્ત્વનું ચક્ર કે વ્યક્તિની બધી જ મર્યાદાઓને પાર કરાવી શકે. એક વખત એ ચક્રની ઊર્જામાં ડૂબ્યા તો અનુભવી શકીએ આજુબાજુની દરેક વસ્તુ સાથે પરમ આનંદદાયક સાયુજ્ય (state of blissful unity), સંપૂર્ણ સ્પષ્ટતા અને પ્રબુદ્ધ ડહાપણ (enlightened wisdom) આપે આ જ ચક્ર. જો હોય સંતુલિત આ ચક્ર તો પ્રાપ્ત થાય અપાર શાંતિ, આંતરિક ખુશી અને પરમાનંદ . જોઈએ શું બીજું જિંદગીમાં ! જિંદગીની દરેક પ્રવૃત્તિનું અંતિમ ધ્યેય તો આ જ છે ને?

 વાંચીને કદાચ થાય કે જલ્દી સહસ્ત્રારચક્ર સંતુલિત, સશક્ત કરી લઈએ. યાદ રાખવાનું કે કૈલાશ પર્વત પર પહોંચવા માટે જરૂરી છે અડગ નીર્ધાર, યોગ્ય દિશાના પ્રયત્નો, શારીરિક અને માનસિક તંદુરસ્તી અને બીજું ઘણું બધું, અહીં વાત કરીએ છીએ ચક્ર વ્યવસ્થાના કૈલાશની; બધું જ લાગુ પડે અહીં પણ – ડિટ્ટો. જો પહોંચી ગયા અહીં તો કૈલાશ પર્વતથી પણ અનેરી અનુભૂતિ થાય. કૈલાશ પર્વત પરથી તો પાછા આવીશું એક અનેરી અનુભૂતિ અને શાંતિ તથા ખુશી લઈને, દુનિયાના કોલાહલમાં થોડા સમય પછી એ શાંતિ અને ખુશી હણાઈ પણ શકે, ફક્ત યાદો રહી જાય. અહીં એવું નથી, આ તો આપણો ખુદનો કૈલાશ છે, આપણી સાથે જ સદા રહેશે. 24 x 7. જ્યાં જઈએ ત્યાં બધે સાથે ને સાથે. પડછાયો પણ અમુક સમયે સાથ છોડી દે. આ અનુભૂતિ અને શાંતિ તથા ખુશી એમ નહિ કરે, સાથે જ રહેશે.

 અગણ્ય લોકોની ખ્વાહિશ કૈલાશ પહોંચવાની હોય અને છતાં ત્યાં પહોંચી શકે બહુ અલ્પ ભાગ્યશાળીઓ. એ જ કાયદો લાગુ પડે અહીં. સાધનામાર્ગના મોટા ભાગના પ્રવાસીઓ અટકી જાય છે આજ્ઞાચક્ર પાસે. માટે જ જેટલી ચર્ચા આજ્ઞાચક્રની જોવા મળે છે તેટલી સહસ્ત્રારચક્રની નથી હોતી. ધ્યાનની પણ લગભગ તમામ કહી શકાય તેટલી પદ્ધતિઓ આજ્ઞાચક્ર પાસે અટકી જાય. પરંતુ સહસ્ત્રારચક્ર તો બધા ચક્રોનો તાજ છે. તેને જો અવગણવામાં આવે તો તે એક મહાભૂલ – blunder જ છે. આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ તો ખરું જ, પણ બીજા તમામ પરિમાણથી આ ચક્રનું અતિ મહત્વ છે, દરેક ચક્ર સાથે તેનો સંબંધ છે, દુન્યવી વસ્તુઓ અને સૂક્ષ્મ શરીર (subtle body) સાથે સૌથી વધારે સંબંધિત એવા મૂલાધારચક્ર સાથે તો સહસ્ત્રરચક્રનો સૌથી વધુ નાતો છે, એક છે પાયો તો એક છે તાજ.

 ક્રાઉનચક્ર મુખ્યત્વે તો પિચ્યુટરી ગ્લેન્ડ સાથે સંકળાયેલું છે, એ સિવાય તેનો સંબંધ પીનીઅલ અને હાઇપોથેલેમસ સાથે પણ છે. હાયપોથેલેમસ અને પિચ્યુટરી બંને સંયુક્ત રીતે સંપૂર્ણ અંતર્સ્ત્રાવી ગ્રંથિઓ પર નિયંત્રણ કરે. પોતાના સ્થાનની વિશેષતાને કારણે આ ચક્ર મગજ અને સમગ્ર નર્વસ સિસ્ટમ સાથે અત્યંત પ્રભાવી રીતે સંકળાયેલું છે. મેડિકલ સમુદાયમાં શરીરના આટલાં બધાં મહત્વનાં અંગ એટલે કે મગજના ડોક્ટર્સ ઓછા જોવા મળે છે કારણ કે મગજની રચના વધુ જટિલ છે, થોડી વધુ મહેનત કરવી પડે ન્યુરોલોજીમાં. એ જ પ્રમાણે સહસ્ત્રારચક્ર સૌથી વધુ મહત્વનું હોવા છતાં તેના વિષે ચર્ચા પણ ઓછી જોવા મળે અને તેની સાધના કરનારા પણ કવચિત જ જોવા મળે.

 સહસ્ત્રારચક્રનો રંગ જાંબલી – વાયોલેટ છે પરંતુ કોઈ કોઈ જગ્યાએ સફેદ રંગ તરીકે પણ તેનો ઉલ્લેખ થાય છે. કોઈ વખત સોનેરી, સફેદ અથવા પારદર્શક પ્રકાશ તરીકે પણ આ ચક્ર દેખાતું હોય છે. ચક્રના રંગ આમ તો સામાન્ય સમજણ માટે હોય છે, થોડેઘણે અંશે અલગ-અલગ વ્યક્તિઓમાં રંગ અલગ પણ જોવા મળે છે. જ્યારે ક્રાઉનચક્ર પૂર્ણ વિકસિત હોય ત્યારે ઘણી વાર પારદર્શક આભામંડળ જેવું દેખાય. એટલે જ ભગવાનનાં, સંતોનાં ચિત્રોમાં માથા પાછળ એ આભા બતાવવાની પ્રથા છે.

 દરેક ચક્રનો એક બીજ મંત્ર હોય છે. આજ્ઞાચક્રની જેમ સહસ્ત્રારચક્રનો મંત્ર પણ ‘ૐ’ છે.

 ઊર્જાના પ્રવાહનું નિયંત્રણ કરવામાં આ ચક્રની વિશેષ ભૂમિકા છે. બધા જ ચક્રો એકબીજા સાથે જોડાયેલા છે; જ્યારે એક ચક્ર અવરોધ અથવા અસંતુલનનો અનુભવ કરે, , ત્યારે તે બીજા બધાને પણ અસર કરે. તેમાં પણ સહસ્ત્રારચક્રની અસર તો બીજા ચક્રો પર વિશેષ.

 હવે એ જોઈએ કે સંતુલિત સહસ્ત્રારચક્ર શું કરી શકે.

>>> બધી બાબતોમાં સૌંદર્ય અને દૈવત્વ જોવા માટે સમર્થ બનાવે.

>>> બ્રહ્માંડ સાથેનું જોડાણ મજબૂત કરે. વ્યક્તિને દરેક વ્યક્તિ સાથે અને પોતાની આસપાસની દરેક વસ્તુ સાથે એકતા અનુભવવા માટે સક્ષમ બનાવે.

>>> મનુષ્યની ચેતનાને ઉચ્ચ સ્તર પર લાવે.

>>> સંપૂર્ણ સ્પષ્ટતા અને પ્રબુદ્ધ ડહાપણ/જ્ઞાનની ક્ષમતા આપે.

>>> સાતત્ય સાથેની પરમ શાંતિ અને નિજાનંદ આપે.

 એ પણ જોઈએ કે સહસ્ત્રારચક્ર અસંતુલિત હોય તો શું થાય?

ઊર્જા સહસ્ત્રાર ચક્રમાં ઓછી પહોંચતી હોય (underactive chakra) તો વિવિધ શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉભી થઇ શકે, જેમ કે:

>>> ભૌતિકવાદી આવશ્યકતાઓને છોડી દેવાની ક્ષમતામાં અવરોધ

>>> ‘સંતોષ’ અનુભવી ન શકાય જેનાથી નાભિચક્ર પણ દૂષિત થાય અને તેની સાથે સંબંધિત રોગ પણ થાય, આંતરિક પ્રેરણા અને સ્ફુર્ણાનો અભાવ રહે, વ્યક્તિ માનસિક અવઢવમાં રહે.

>>> એકલતા; અન્ય લોકો સાથે સંપર્ક કરવા અથવા સંબંધ બનાવી રાખવા માટે અક્ષમતા

>>> દિશા અભાવ

>>> લક્ષ્યો નક્કી કરવામાં અથવા જાળવવામાં અસમર્થતા

 શારીરિક સમસ્યાઓ:

>>> ન્યુરોલોજીકલ ડિસઓર્ડર

>>> થાઇરોઇડ અને પીનીઅલ ગ્રંથિની વિકૃતિઓ

>>> અલ્ઝાઇમર

>>> માથાનો તીવ્ર દુખાવો, માઇગ્રેઇન્સ

>>> સ્કિઝોફ્રેનિઆ

>>> ભ્રામક વિકારો

>>> અનિદ્રા

>>> આજકાલ કૂદકે ને ભૂસકે વધતી બીમારી એટલે કે હતાશા – ડિપ્રેસન.

>>> અતિશય થાકની લાગણી.

>>> મગજનું કેન્સર

>>> હાડકાંનું કેન્સર

>>> મલ્ટીપલ સ્ક્લેરોસિસ

>>> વાઈ – epilepsy

>>> કોમા

>>> બ્રેઈન સ્ટ્રોક,

>>> અલ્ઝાઇમર્સ,

>>> ઉન્માદ

>>> પાર્કિન્સન

 ક્રાઉન ચક્ર ઓવરએક્ટિવ હોય એટલે કે અતિ વિશેષ પ્રમાણમાં ઊર્જા ગ્રહણ કરતું હોય તો પણ બરાબર નહિ. શું થાય તો?

>>> વ્યક્તિ શારીરિક અને દુન્યવી વસ્તુઓથી/ વાતોથી સંબંધ છોડવા લાગે,

>>> ડિપ્રેસનમાં જઈ શકે,

>>> પોતાની જાતને વિશેષ માનવા લાગે.

>>> શું પવિત્ર છે અને શું અપવિત્ર – તેના વિષે જ વિચાર્યા કરે, ટીકા-ટિપ્પણી કાર્ય કરે.

>>> વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે એટલી બધી જોડાય જાય કે તે વિષે જ વાતો કાર્ય કરે, વિચાર્યા કરે અને એક મનોવૈજ્ઞાનિક કેઈસ બની જાય. સાયકોલોજીની ભાષામાં આ સ્થિતિને ‘spiritual emergency’ તરીકે ઓળખવામાં આવે છે.

>>> કોઈ પણ નવી વસ્તુ સ્વીકારવા માટે વ્યક્તિનું મન બંધ થઈ જાય એટલે કે ‘closed mindedness’ આવી જાય.

>>> પ્રકાશ અને અવાજ પ્રત્યે વધુ પડતી સંવેદનશીલતા આવી જાય, વધુ પ્રકાશ કે અવાજ સહન ન થઈ શકે.

આવા અગત્યના ચક્રને સંતુલિત કરવાના અનેક ઉપાયો છે. સરળ ઉપાયો પણ છે અને કોઈ કોઈ થોડા મહેનત માંગી લે તેવા પણ છે. સાતત્ય સાથે કરવા આવશ્યક. કૈલાશયાત્રા માટે થોડી મહેનત તો કરવી જોઈએ ને ! એ ઉપાયો વિષે ચર્ચા કરશું આ પછીના હપ્તામાં.

(ક્રમશઃ)


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.