Daily Archives: 10/10/2020

ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિગેરે (૧) – જિતેદ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

જીવંત તથા નિર્જીવ તેમ તમામ વસ્તુઓનો ઓરા હોય વિગેરે. વધુ આગળ જઈએ તે પહેલા એક સવાલ એ થાય કે દરેક વસ્તુનો ઓરા શા માટે હોય.

ઉપરોક્ત સવાલ નો જવાબ મેળવવા માટે સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શબ્દો યાદ કરીએ. તેમના શબ્દો છે :

“Everything is energy and that’s all there is to it. Match the frequency of the reality you want and you cannot help but get that reality. It can be no other way. This is not philosophy. This is physics”.

કોઈ પણ શંકા વગર વિજ્ઞાન દ્વારા એ પ્રતિપાદિત થઇ ચૂકયું છે કે કોઈ પણ પદાર્થ ઘન (સોલિડ) નથી, દરેક વસ્તુ એનર્જીની બનેલી છે, વિભાજીત કરીશું એટલે મળશે એટોમ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન વિગેરે. સરળ ભાષામાં સમજી શકાય કે આ એનર્જી એટલે જ electromagnetic waves .

એક આડવાત. સમાજમાં પ્રચલિત સામાન્ય માન્યતા કદાચ એવી છે કે અધ્યાત્મ અને વિજ્ઞાનને કોઈ સ્નાન-સૂતકનો સંબંધ નથી અથવા તો અધ્યાત્મ એ બૌધિક્ક સ્તરથી નીચે છે. સાચું એ છે કે અધ્યાત્મ ત્યાંથી શરુ થાય જ્યાં બૌદ્ધિક સરહદ પુરી થાય. અને ખરેખર તો આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ મોટા વૈજ્ઞાનિકો હતા. આજે પણ મોટા ભાગના વૈજ્ઞાનિકો આધ્યાત્મિક હોય છે પછી એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોય કે આપણા જ માનીતા અને વંદનીય અબ્દુલ કલામ. અનેક પ્રખ્યાત વિજ્ઞાનીકોએ પુરી જિંદગી અધ્યાત્મના ગૂઢ રહસ્યોને અને ખાસ કરીને તો વૈશ્વિક ચેતના (કોસ્મિક એનર્જી)ની સાથે સંકળાયેલા રહસ્યોને વૈજ્ઞાનિક રીતે સમજવામાં કાઢી નાખી છે છે જેમાંના અમુક પ્રખ્યાત નામ છે; ડો.દિપક ચોપરા, ડો.વિલિયમ ટીલર, ડો.ફ્રેડ ટ્રેવિસ, ડો.રૂપર્ટ સ્કેલડ્રેક, ડો.ગેરી સ્ક્વાર્ટઝ વિગેરે. આ વિષય પર થોડું વિસ્તૃત એટલા માટે કહી રહ્યો છું કે આપણી આ લેખમાળાની બધી જ ચર્ચાને એનર્જી સાથે જ સંબંધ છે. આપણી પુરી જિંદગી આમ તો એનર્જી પર જ આધારિત છે. જેટલી એનર્જી સારી તેટલો ઓરા સારો, શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી, પર્સનાલિટી સારી, અવાજની ક્વોલિટી સારી, જીવનના સંજોગો સારા, વિપરીત સંજોગોને સહન કરવાની શક્તિ સારી, આત્મવિશ્વાસ સારો, રચનાત્મકતા સારી, વિચારો સારા …. અને આવું તો અગણિત.

ઓરા એ આપણી ફરતું એક સુરક્ષા કવચ છે, કારણ કે સારો ઓરા આપણને અનેક જોખમ સામે સુરક્ષિત રાખે અને અકસ્માત જેવી ઘટનાઓથી પણ અનેક વાર સાંગોપાંગ બચાવી લે,

ઓરા સારો કરવા માટે શું કરવું જોઈએ તે અને એ સિવાયની વિસ્તૃત ચર્ચા યોગ્ય તબક્કે કરીશું, અત્યારે પારિભાષિક શબ્દો સમજવા માટે આગળ વધીએ.

કુંડલિની:

આ વિષે વધુ વાત કરીએ એ પહેલા એક ચીજ સ્પષ્ટ કરી લઈએ. કુંડલી અને કુંડલિની બંને જુદી વસ્તુ છે. ઘણા લોકો આ બંનેને એક સમજે છે. પરંતુ એમ નથી. જન્મના ગ્રહોની સ્થિતિને આધારિત જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બને તે કુંડલી. અહીં આપણે જે પારિભાષિક શબ્દની વાત કરીએ છીએ તે છે ’કુંડલિની’.

શરીરની મૂળભૂત પ્રાણશક્તિ ( basic life force ) એટલે કુંડલિની – એમ સરળ શબ્દોમાં કહી શકાય. જન્મ સાથે જ કુદરતી રીતે જ પ્રાપ્ત આ શક્તિનો એક બહુ જ નાનો ભાગ (કદાચ ૫ થી ૭ %) વાપરીને આપણે જિંદગી પુરી કરી નાખીએ છીએ. એવું માનવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવી મહાવિભૂતિઓ પણ ૧૦%થી વધુ આ શક્તિનો ઉપયોગ કરી શકી નથી. આ તો એવું થયું કે આપણી પાસે એક શક્તિનો મહાસાગર છે જેમાંથી આપણે સામાન્ય રીતે એક આચમન જ લઇ શકીએ છીએ. એક અતિ રસપ્રદ વાત એ છે કે આ વસ્તુને DNA સાથે એકદમ સરખાવી શકીએ કારણ કે આપણા જીન્સનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો એટલે કે Genealogists ૨%થી પણ ઓછા DNA વિષે જાણી શક્યા છે અને બાકીના ૯૮%થી પણ વધારે DNA ને તેઓ Junk DNA કહે છે. માટે જ પશ્ચિમના આધ્યાત્મિક જગતમાંથી DNA Activation નો ખ્યાલ ઉત્પન્ન થયો છે જે આમ તો કુંડલિની શક્તિને જાગૃત કરવાનો જ પ્રયાસ છે.

યોગશાસ્ત્ર મુજબ આ શક્તિ કરોડરજ્જુના નીચેના છેડા પાસે, સૌથી નીચેના ચક્ર પાસે સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે, અને જયારે તેને જાગૃત કરવામાં આવે ત્યારે ધીરે ધીરે પ્રાણશરીરના સાત ચક્રોને ભેદતી આગળ વધે છે. આપણી પાસે જે શક્તિઓનો છુપાયેલો ખજાનો છે તે વધુ ને વધુ ખૂલતો જાય છે અને પરિણામ દેખાય છે સર્વાંગી પ્રગતિના રૂપમાં. કુંડલિની માટે અંગ્રેજીમાં serpentine power શબ્દ વાપરવામાં આવે છે. તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં એટલે કે ચીન, જાપાન, ગ્રીસ, ઈજીપ્ત વિગેરેમાં કોઈ ને કોઈ નામથી કુંડલિની શક્તિનો ઉલ્લેખ છે.

કુંડલિની જાગૃતિ કઈ રીતે થઇ શકે, તેના ફાયદાઓ શું છે, એ પ્રક્રિયા દરમ્યાન કેવા અનુભવો થઇ શકે, શું સાવચેતી રાખવી જોઈએ, એ પ્રક્રિયા કેટલો સમય ચાલે વિગેરે અનેક આનુસંગિક મુદ્દાઓ છે જેનો સમાવેશ ભવિષ્યમાં કરીશું. હાલમાં પારિભાષિક શબ્દોને સમજવા તરફ આગળ વધીએ. આ સાથેના ચિત્રો દ્વારા થોડો ખ્યાલ આવશે કે કુંડલિનીનું સ્થાન ક્યાં છે અને કુંડલિની જાગૃતિ દરમ્યાન એનર્જીની ઉર્ધ્વગતિ કઈ રીતે થઇ શકે. ચિત્રોમાં નાડી અને ચક્રો પણ દર્શાવેલ છે જેના વિષે ચર્ચા બાદમાં કરીશું. એ વસ્તુ પણ સમજીએ કે આ કુદરતી શક્તિ એ જ છે કે જેની રતિક્રિયા દરમ્યાન નીચે તરફ ગતિ બને છે જયારે ઉર્ધ્વગતિ આધ્યાત્મિકતાના નવાં નવાં શિખરો તરફ લઇ જાય છે અને તે સ્થિતિને કુંડલિની જાગૃતિ કહીએ છીએ.

હવે પછેની ચર્ચામાં આપણે ચક્રો તથા નાડી વિષે વાત કરીશું.


(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.