“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
ચક્રયાત્રામાં ઘણા ઉપર, છેક છઠ્ઠા ચક્ર સુધી હવે પહોંચ્યા. પર્વત પર શરૂઆતમાં ઝડપથી ચડીએ, જેમ ઉપર જઈએ તેમ આજુબાજુનો નજારો માણતાં-માણતાં ધીરે-ધીરે ચડીએ અને અંતે જયારે ચઢાણ પૂરું થાય ત્યારે એક અનેરો આનંદ અને સંતોષ થાય. તેમ હવેનાં બંને ચક્રો અત્યંત શાંતિથી સમજવાની જરૂર છે. વિશુદ્ધિચક્ર સમયે જોયું કે હવેનાં ચક્રોમાં વિચારો અને લાગણીઓને વધુ સંબંધ છે. દરેક વિચારોની દૂરગામી અસર છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર તો ખરી જ પરંતુ બીજા જન્મમાં પણ.
ધારણા કરીએ કે કેટલું સારું હોય જો દૂર દૂર સુધી, દુન્યવી આંખોથી ન જોઈ શકાય તેવું જોઈ શકીએ (Clairvoyance), શારીરિક કાનથી ન સાંભળી શકાય તેવા, દુનિયાના બીજા છેડેથી પણ આવતા અવાજો સાંભળી શકીએ(Clairaudience), બીજાની અવ્યક્ત લાગણીઓ અને શારીરિક/માનસિક સ્પંદનો અનુભવી શકીએ (Clairempathy) અને આવું ઘણું કરી શકીએ જેને સામાન્ય રીતે ચમત્કાર કે સિદ્ધિ ગણવામાં આવે છે. (ખરેખર ચમત્કાર નથી, સાઈકિક શક્તિઓ છે) આપણી પાસે અલ્લાઉદ્દીનનો કોઈ જાદુઈ ચિરાગ થોડો છે કે આવું બધું શક્ય બને ! ખરેખર તો જાદુઈ ચિરાગ દરેક પાસે છે જ. પરંતુ ચિરાગ કામ તો જ કરે જો એને નિયમિત સાધનાથી ચમકાવીએ. સામાન્ય રીતે તો એવું જોવા મળે છે કે આ ચિરાગને ચમકાવવાની વાત તો દૂર રહી, બધા એ ચિરાગનો ઉપયોગ કચરો ભરવામાં કરે છે, ત્યાં ઉકરડો બની જાય. એવી જગ્યામાં જે રહેતા હોય તે માંદા તો પડે જ ને, આજે નહિ તો કાલે. (આ કચરા વિષે આ લેખમાં જ આગળ વાત કરીશું). આ ચિરાગનું નામ છે ‘આજ્ઞાચક્ર’. ઇંગ્લીશમાં કહીએ તો ‘Third Eye Chakra’ અથવા ‘Braw Chakra’.
જેને શિવનેત્ર અથવા ત્રીજી આંખ કહીએ તે સ્થાન એટલે કે બંને આંખોની વચ્ચે આજ્ઞાચક્રનું સ્થાન છે. એવું સ્થાન છે આ કે જે આંતરિક ખોજ તો કરાવે પરંતુ સાથેસાથે ઉચ્ચ ચેતનાના સ્થાનો તરફ દોરી જાય. માટે એને ‘બીજી દુનિયાનો દરવાજો’ પણ કહેવાય છે. ચિકિત્સા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો અહીં પીનીઅલ ગ્રંથિ આવેલ છે જેના વિષે હજી આધુનિક વિજ્ઞાન થોડું જ જાણે છે, વધુ જાણવાના પ્રયત્નો કરી રહ્યું છે; આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો એટલે કે ઋષિમુનિઓને હજારો વર્ષ પહેલાં પણ આ સ્થાન એટલે કે આજ્ઞાચક્ર વિષે તલસ્પર્શી જ્ઞાન હતું.
આજ્ઞાચક્ર એટલે એવું સ્થાન કે જ્યાં લગભગ તમામ સાધનાપદ્ધતિ અટકી જાય. વિશ્વભરની લગભગ બધી જ ધ્યાનપદ્ધતિઓ આજ્ઞાચક્ર સુધીનાં અથવા આજ્ઞાચક્રનાં ધ્યાન વિષે છે. જવલ્લે જ કોઈ ધ્યાન પદ્ધતિ તેનાથી ઉપરના ચક્ર એટલે કે સહસ્રારચક્ર વિષે હોય. એવું કહેવાય છે કે સહસ્ત્રારચક્રનું ધ્યાન એ જ કરાવી શકે કે જે તેનાથી પણ ઉપર જઈ ચુક્યા હોય અને જેમને પોતાના ગુરુની આ પ્રકારનું ધ્યાન કરાવવા માટે આજ્ઞા હોય. સામાન્ય રીતે આવા મહાસિઘ્ધ ગુરુઓ સમાજમાં નહિ પણ હિમાલય જેવી જગ્યાએ હોય અને તેથી સમાજમાં પ્રચલિત ધ્યાનપદ્ધતિઓ મોટા ભાગે આજ્ઞાચક્ર પાસે થોભી જાય છે.
જયારે આજ્ઞાચક્ર પૂરું કાર્યરત હોય ત્યારે મગજનો ડાબો અને જમણો બંને ભાગ એક સાથે કાર્ય કરે. એટલે કે યીન અને યાંગ, શિવ અને શક્તિ બંને પૂર્ણ સંયોજન સાથે કાર્ય કરે. ડાબા મગજની તર્કશક્તિ અને વિશ્લેષણશક્તિ સાથે જમણા મગજની રચનાત્મકતા અને લાગણીઓના ઝરણામાં દરેક વસ્તુને ભીંજાવવાની આદતનો સમન્વય થાય. આવી વ્યક્તિ આત્માના અવાજ મુજબ કાર્ય કરે, ટેલિપથી અને બીજી અનેક અતીન્દ્રિય શક્તિઓ પણ મેળવી શકે અને તેનાથી નીચેના ચક્રોની શુદ્ધિ અને સંતુલન આપમેળે થાય. માટે જ આજ્ઞાચક્રનું ધ્યાન અન્ય ચક્રોની (સહસ્ત્રારચક્ર સિવાયનાં) તુલનામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.
આત્મનિરીક્ષણ માટે નીચેના પ્રશ્નોના જવાબ જાતે જ મેળવીએ.
૧) કાનમાં તકલીફ, ડિપ્રેશન, આંચકી, બ્રેઈન ટ્યુમર, કમરની તકલીફો, નર્વસ સિસ્ટમને લગતા કોઈ પણ રોગો, એલર્જી, સતત ચિંતા, મસ્તકમાં લોહીનું અસંતુલિત પરિભ્રમણ, મોતિયો, અતિ થકાન, ત્રાંસી આંખ, દાંતનો દુખાવો, હોર્મોન્સમાં અસંતુલન, અનિદ્રા, નર્વસ બ્રેકડાઉન, સાઈનસ, શરીરના અંગોમાં ધ્રુજારી, ચિંતાને કારણે થતો માથાનો દુઃખાવો, સ્મૃતિભ્રંશ એટલે કે Amnesia, ચક્કર, ડિસ્લેક્સિયા એટલે કે વાંચવા-લખવામાં થતી તકલીફ – આમાંથી મને શું લાગુ પડે છે?
૨) કોઈ પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની મારી ક્ષમતા ઓછી છે?
૨) વિપરીત સંજોગોમાં માનસિક શાંતિ જાળવવી મારે માટે મુશ્કેલ છે?
૩) હું બહુ જલ્દી અપસેટ થઈ જાઉં છું?
૪) કોઈ પણ વાત પર બહુ જ જલ્દી લાગણીઓથી દોરવાઈને હું પ્રતિભાવ આપું છું?
૫) વાસ્તવિકતાથી ભાગી, દીવાસ્વપ્નોમાં રાચું છું?
૬) સતત વિચારોમાં ખોવાયેલ રહું છું?
આજ્ઞાચક્રની ઊર્જામાં અવરોધ હોય ત્યારે આવું બધું બની શકે. વધારામાં અંતરાત્માનો અવાજ ન સાંભળી શકીએ.
સૌથી વધુ અસંતુલિત ચક્ર જોવા મળતું હોય તો તે આજ્ઞાચક્ર. શુદ્ધ કરવા માટે ખરા દિલના પ્રયત્નો માંગી લે. જે ગુસ્સો આપણે વ્યક્ત ન કરી શક્યા હોઈએ અને ભૂલ્યા પણ ન હોઈએ તે ગુસ્સો આજ્ઞાચક્રમાં સંગ્રહિત થાય. ગુસ્સો વધતીઓછી માત્રામાં કોઈ સંજોગોમાં આવ્યો હોય. દુર્વાસા ઋષિ ગમે ત્યાં ગુસ્સો કરી શકતા. બધા માટે એ શક્ય નથી. ઘણી વાર ગુસ્સો ગળી જઈએ. પછી એ વાત ભૂલી જવી જોઈએ, તેમ ન કરીએ તો લાગ્યા ભોગ. એ બધો ગુસ્સારૂપી કચરો ભેગો થાય આજ્ઞાચક્રમાં, અવરોધ ઉભો કરે ચક્રને ઊર્જા મેળવવામાં. અને પછી વારો આવે પરિણામો ભોગવવાનો. જૈન ધર્મમાં ‘મિચ્છામિ દુક્કડમ’ વ્યવસ્થા આ માટે એક અતિ ઉત્તમ પ્રથા છે. માફી આપો અને માફ કરી દો. વર્ષમાં એક વાર તો કચરો સાફ થાય. ખરેખર તો આ દરરોજ કરવાની પ્રક્રિયા છે.
ગુસ્સો મનમાં ભરી રાખવાથી કઈ હદે નુકશાન થઈ શકે તે સમજવા એક સત્ય ઘટના જોઈએ. એક આધ્યાત્મિક સંપ્રદાયના એક રાજ્યના મુખ્ય પદાધિકારી સંન્યાસીને છાતીમાં અત્યંત દુ:ખાવો થતો હતો. સંપ્રદાયની પોતાની જ હોસ્પિટલ, અસંખ્ય ડોક્ટર્સ અને આધુનિક સાધનો હોવાં છતાં કંઈ નિદાન થઈ શકતું ન હતું. અંતે બીજા એક મહાસિદ્ધ મહાત્માશ્રીની મદદ લીધી. એ મહાત્માશ્રીએ વાતચીત દ્વારા જાણ્યું કે આ સંન્યાસીના મનમાં એક વિશેષ વ્યક્તિ પ્રત્યે અમુક કારણોસર ખૂબ જ ક્રોધ ભરેલો હતો. મહાત્માશ્રીએ પોતાની અતીન્દ્રિય શક્તિથી એ જાણ્યું કે જે વ્યક્તિ પર સંન્યાસીને ક્રોધ હતો તે વ્યક્તિને તે સમયે હાર્ટ એટેક આવેલો. જે તે જગ્યાએ ફોન કરી તપાસ કરતાં એ વાત સાચી નીકળી. ક્રોધને કારણે જે વ્યક્તિથી આ સંન્યાસી માનસિક રીતે જોડાયેલા હતા તે વ્યક્તિની શારીરિક પીડા/તકલીફ આસંન્યાસીને ૧૦૦૦ માઈલ દૂર થતી હતી. તાત્પર્ય એ છે કે માફી આપવાનું શીખવાથી ફાયદો સ્વયંનો છે. ઘણા લોકો ગર્વથી એમ કહેતા હોય છે, “હું તો એને (કોઈ પણ હોઈ શકે) છોડીશ નહિ.” જો આવી મનોવૃત્તિ હોય તો સમજી શકીશું કે આજ્ઞાચક્રની દશા (અને પછી આ વ્યક્તિની અવદશા) શું થાય !
જેમ સ્ત્રી અને પુરુષનું શારીરિક રૂપ જૂદું છે તેમ તેમની માનસિકતા પણ જૂદી છે. પ્રકૃતિ જ અલગ છે ત્યારે ચક્રમાં અસંતુલનના પ્રકાર પણ થોડા અલગ છે. અપવાદો ચોક્કસ હોઈ શકે પરંતુ મહદ અંશે આ લાગુ પડે. પુરુષોમાં બીજું ચક્ર એટલે કે સ્વાધિષ્ઠાનચક્ર અસંતુલિત હોવાની સંભાવના વધારે. સ્ત્રીઓમાં હૃદયચક્ર અને આજ્ઞાચક્ર. (મને અભયવચન આપવા પ્રાર્થના !!!) તેના કારણો પણ છે. આપણી સામાજિક વ્યવસ્થા મુજબ પોતાનું ઘર એટલે કે પિયર છોડીને નવી જ જગ્યા અને લોકો અપનાવવાના હોય, ત્યાં સુમેળ સાધવાનો હોય. લાગણીશીલ સ્વભાવને કારણે હૃદયચક્ર ચારણી થયેલું હોય, સંજોગો ધારણા મુજબના ન પણ હોય. પછી મનમાં ગુસ્સાનો જ્વાળામુખી ભભૂકે, ગુસ્સો નજીકની વ્યક્તિઓ પર હોય ત્યારે ‘ન કહી શકાય, ન સહી શકાય’ તેવી પરિસ્થિતિ હોય ત્યારે દાવાનળ અંદર જ ભડકે, ભડકતો રહે અને મૂળભૂત પ્રેમની લાગણીઓને ધીરેધીરે જલાવીને રાખમાં પરિવર્તિત કરે, એ રાખનો કચરો આજ્ઞાચક્રમાં ભરાય. આવું અવારનવાર પણ બને. કડવી વાતો વારંવાર યાદ કરી આ કચરાને ખાતર અને પાણી અપાય. આજ્ઞાચક્ર કચરો ભરવાની ગાડી હોય તેમ બધેથી કચરો ઠલવાય. બહેનપણીઓ ભેગી થાય – કિટ્ટી પાર્ટીમાં કે ઓટલા પાર્ટીમાં, ફોનમાં વાત કરીને પણ પોતપોતાનો કચરો ઠાલવે. આ કચરાની ખાસિયત એ કે તે ફુગની જેમ વધે. એકબીજાને આપવાથી ઓછો થવાને બદલે પોતાનો પોતાની પાસે જ રહે અને બીજાનો મળે જેથી પોતાનો કચરો ઘાટો થાય. (ઊર્જાનો નિયમ છે કે જ્યાં ધ્યાન જાય ત્યાંથી અને તે પ્રકારની ઊર્જા આવે.) અમદાવાદમાં પીરાણાનો ડુંગર ઉભો થઈ ગયો આમ ને આમ કચરા ભરીને. એવું જ કાંઈક થાય. પછી ઘાટા થઇ ગયેલા અવરોધો તોડવા બહુ અઘરા. સુદર્શનચક્ર મોકલ્યું હોય તો તે પણ કદાચ પાછું આવે. અંતે ઘનઘોર વાદળ છવાયાં હોય અને કાળું ડિબાંગ આકાશ થઈ જાય તેવું જ આજ્ઞાચક્ર થઈ જાય, જયારે વરસી પડે ત્યારે વાદળ ફાટ્યું હોય તેવી તબાહી મચે, ૩ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ પડી જાય. શક્તિસ્વરૂપા તાંડવનૃત્ય કરે અને સહનશક્તિનું સ્વરૂપ ધ્રુજતા અને દબાયેલા અવાજે જવાબ આપે. (જાણે રાગ ધ્રુજારી !!!) અથવા ગહન મૌનમાં સરી પડે. સોક્રેટિસ મહાશય મહાન ફિલોસોફર આમ જ થયેલા. એક ખાસ યાદ રાખવાનું કે આ ભારેલો અગ્નિ શરીરમાં એસિડિટી ઉભી કરે.
સ્ત્રી કુટુંબની ધરી છે, કુટુંબની સ્થિતિનો આધાર જ એના હાથમાં છે. સ્ત્રીઓએ ધ્યાન કરવું અત્યંત જરૂરી છે એવું સાંભળ્યું હશે. શા માટે? સમજવાની કોશિશ કરીએ. હથેળીમાંથી અને ખાસ તો આંગળીઓનાં ટેરવાંમાંથી સતત ઊર્જાનો પ્રવાહ વહેતો હોય. એ ઊર્જાનો પ્રવાહ સ્પર્શ કરીએ તે દરેક વ્યક્તિ અથવા વસ્તુને સ્વાભાવિક રીતે જ અસર કરે? રસોઈને પણ અસર કરે? લોટ બાંધતી વખતે તો વધારે અસર કરે ને? કારણ કે સૌથી વધુ સ્પર્શ આ સમયે થાય. ઘરમાં જે કોઈ રસોઈ બનાવતું હોય તેના આજ્ઞાચક્રનાં ઘનઘોર વાદળાં મનમાં ને મનમાં અથવા બહાર વરસતાં હોય તો આંગળીઓનાં ટેરવાં પણ એ જ ઊર્જા વહાવે ને? એ જ ઊર્જા રસોઈમાં પણ જાય? આખા ઘરને પ્રસાદ મળે!!! પરિણામ બહુ સરળતાથી સમજી શકાય તેવું છે. આઘા ઘરમાં આ જ ઊર્જા પ્રવાહિત થાય. પછી જે કંઈ થાય તે વિચારવાનું કે ધારવાનું આપ પર છોડું છું. તે સ્ત્રીને ગુસ્સો હોઈ શકે પરંતુ એવી ઇચ્છા જરા પણ ન હોય કે કુટુંબના સભ્યોને નુકસાન પહોંચે. પરંતુ તેની જાણ બહાર નુકસાન તો પહોંચે.
અમુક અપવાદો બાદ કરતાં હજી સુધી તો રસોડાની સામ્રાજ્ઞિ સ્ત્રી જ રહી છે. મસાલાની એક બ્રાન્ડનું નામ ‘કિચન સમ્રાટ’ છે. ખરેખર એ ‘કિચન સામ્રાજ્ઞી ‘ હોવું જોઈએ, કારણ કે તમામ પ્રકારના મસાલા, રસોઈના કે લાગણીના, છાંટવાનો ઈજારો ૯૯% કિસ્સાઓમાં તો સામ્રાજ્ઞિઓ પાસે જ આજે પણ છે. આ સામ્રાજ્ઞિ જો ધ્યાન કરે તો આજ્ઞાચક્ર શુદ્ધ અને સંતુલિત થાય, આંગળીઓના ટેરવાની ઊર્જા બદલી જાય, એ ઊર્જા આખા ઘરમાં અને ઘરના સભ્યોમાં પ્રવાહિત થાય અને કુટુંબના દરેક સભ્યોની અંતમાં પ્રગતિ થાય.
અહીં અટકીએ. આજ્ઞાચક્રને સંતુલિત કરવાના ઉપાયો આવતે રવિવારે જોઈશું. તે દરમ્યાન એક સૂચન. જો શક્ય હોય તો એ મનોમંથન અને આત્મનિરીક્ષણ કરીશું કે મારા આજ્ઞાચક્રમાં કોઈ બેઠું છે? જો બેઠું છે તો એ વ્યક્તિને માફ કરવી છે? ચાલો નથી કરવી, તો પછી તેનાં પરિણામો ભોગવવાં છે?
ક્રમશઃ
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]
જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post