“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
એવો કોઈ અનુભવ થયો છે અથવા એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ કે સંત તમારી શારીરિક કે માનસિક સમસ્યા કે વિચારો તેમને જણાવ્યા વગર જ જાણી લે? તમારી ભાવના જાણી લે? તમારી અત્યંત અંતરંગ શારીરિક સ્થિતિ પણ જાણી લે? ડોક્ટર પાસે જઈએ તો પણ કહેવું તો પડે કે પગમાં દુખે છે કે પેટમાં કે માથાંમાં. આ વ્યક્તિ તો એવી હોય કે જે વગર બતાવ્યે જ જાણી લે.
સદ્ભાગ્યે મને સંત-મહાત્માઓ તથા સામાન્ય જીવનમાં પ્રવૃત્ત દેશ-વિદેશના લોકોનો આવો અનુભવ પ્રાપ્ત થયો છે, જે વિષે આગળ ચર્ચા કરીશું. આ એક એવી અતીન્દ્રિય શક્તિ – ESP(Extra Sensory Perception) છે કે વ્યક્તિ બીજી વ્યક્તિના શારીરિક- માનસિક સ્પંદનો તથા વિચારો એ રીતે અનુભવે જાણે તે ખુદ એ જ વ્યક્તિ હોય. આ સાઈકિક શક્તિને કહેવાય ક્લેયરએમ્પૅથી; એ શક્તિ ધરાવનાર વ્યક્તિને કહેવાય ક્લેયરએમ્પૅથ અથવા ફક્ત એમ્પૅથ. ક્લેયરએમ્પૅથ અત્યંત સંવેદનશીલ હોય; કોઈ શારીરિક રીતથી , કોઈ ભાવનાત્મક રીતથી તો કોઈ બંને રીતથી. સંવેદનશીલતા એટલી બધી હોય જાણે કે તેમનામાં બીજી વ્યક્તિનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે.
ક્લેયરએમ્પૅથીની ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, સામાન્ય સમજણ માટે એમ કહી શકાય કે કલેયરએમ્પૅથી એટલે *એવી ક્ષમતા, એવી સંવેદનશીલતા કે જેને કારણે અન્ય કોઈના પ્રત્યક્ષ સંપર્ક અથવા સંદેશની ગેરહાજરીમાં તેની શારીરિક અનુભૂતિઓ, વિચારો અને લાગણીઓને જાણે પોતાના જ છે તે પ્રમાણે કોઈ પણ જાતના ઉદ્દેશ્ય વગર અનુભવવા.
મનહર ઉધાસજીએ ગાયેલી એક ગઝલના શબ્દો છે “નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે, તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયાં છે”. ઉચ્ચ કક્ષા પર પહોંચેલ કલેયરએમ્પૅથ એવું કહી શકે “નયનને બંધ રાખીને મેં જયારે તમને જાણયાં છે, તમે જાણો છો તેના કરતાં પણ વધારે તમને જાણયાં છે”.
મારી સાથે 2૦11માં બનેલી એક ઘટના દ્વારા આ વિષે વધુ સમજીએ. લેખ 43માં ઇંગ્લેન્ડના નોર્ફોકમાં રહેતાં એક ક્લેયરવોયન્ટ મહિલા વિષે ઉલ્લેખ કરેલો જેમણે FB પરનો મારો 2005ના વર્ષનો ફોટો જોઈ, 6 વર્ષ પછી 2011માં મારા ચહેરામાં શું બદલાવ છે તેનું આબેહૂબ વર્ણન કરેલું. હું ત્યારે વડોદરામાં હતો, તે ઇંગ્લેન્ડમાં હતાં, ભૌગોલિક અંતર તેમને નડેલું નહિ. એ થઈ તેમની ક્લેયરવોયન્સ શક્તિ. તેમની જ ક્લેયરએમ્પૅથીની વાત હવે કરીએ.
તે દિવસે અમારી ચેટ આગળ વધી, અચાનક તેમણે પૂછ્યું “જીતુ, તને જઠરના વાલ્વની કોઈ સમસ્યા છે?” મને એવી કોઈ સમસ્યા ન હોવાથી મેં પહેલાં તો ના કહી પરંતુ તરત જ યાદ આવ્યું કે મારા જઠરના વાલ્વની કુદરતી સ્થિતિસ્થાપકતા ઓછી છે, મને 1995માં એસિડ રિફ્લક્સની તકલીફ થઈ હતી, 2 મહિના બહુ જ હેરાન થયો હતો, તે સમયે જામનગર રહેતો હતો, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસે અમદાવાદ આવવું પડ્યું હતું, એન્ડોસ્કોપી કરવી પડેલી (જે ત્યારે નવી સારવાર હતી) અને ત્યાર બાદ એ સમસ્યા હલ થઈ હતી. એ પછી જઠર સંબંધી કોઈ તકલીફ થઈ ન હતી. અહીં આ સન્નારી 16 વર્ષ પછી એટલે કે 2૦11માં પણ મારા શરીરની અંદરની એકદમ બારીક સ્થિતિ એટલાં અંતરેથી ઇંગ્લેન્ડમાં અનુભવતાં હતાં – એવી સ્થિતિ કે જે હું ખુદ પણ ભૂલી ચુક્યો હતો.
ક્લેયરએમ્પૅથી અત્યારના યુગમાં વ્યાપક પ્રમાણમાં વિકસિત થવા લાગી છે. આપણે ત્યાં આ વિષે જાગૃતિ ઓછી છે. અમેરિકામાં તો ‘અમેરિકન એમ્પૅથ એસોસિએશન’ નામની વિધિસર સ્થપાયેલી સંસ્થા છે જે એમ્પૅથ તરીકે લાઇસન્સ પણ આપે છે (ચિત્ર મૂકેલું છે), અનેક આનુસંગિક કર્યો કરે છે, એમ્પૅથને લાયક કાર્ય અપાવવામાં મદદ પણ કરે છે, એમ્પૅથનું Employment Exchange! તમામ શક્યતાઓ છે કે આપણામાંથી અનેક લોકો થોડી-ઘણી માત્રામાં આ પ્રકારની શક્તિ ધરાવતા હશે કારણ કે 2017, 2018 દરમ્યાન આ અંગેની મારી FB પોસ્ટ બાદ ઘણા લોકોએ પોતાના આ પ્રકારના અનુભવો જણાવેલ. માટે પહેલાં એમ્પૅથની લાક્ષિણકતાઓ સમજીએ.
1. સંવેદનશીલતા ખૂબ વધુ હોય, બીજાનાં સ્પંદનો તરત જ ઉઠાવી લે, ખાસ કરીને વિરુદ્ધ લિંગની વ્યક્તિનાં. કોઈ વખત આ માત્રા એટલી વધી જાય કે એક જ દેહમાં વ્યક્તિ પુરુષ અને સ્ત્રી બંને તરીકે જીવતી થઈ જાય. વિરુદ્ધ લિંગની વ્યક્તિની અત્યંત આંતરિક શારીરિક બાબતો અને માનસિક લાગણીઓનો પણ તેમને અનુભવ થાય. એવું કહી શકાય કે આવી વ્યક્તિમાં પુરુષ અને સ્ત્રીનું સહઅસ્તિત્વ બહુ સ્પષ્ટ રૂપે અનુભવાય, જાણે શરીરના બે ભાગ થઈ ગયા હોય, એક પુરુષનો અને એક સ્ત્રીનો. ધ્યાન દરમ્યાન પણ તેમને આવા અનુભવ થઈ શકે અને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં પણ. આ ક્ષમતાને કારણે આવી વ્યક્તિને વિરુદ્ધ લિંગની વ્યક્તિના શરીર અને લાગણીનો બહુ ઊંડો ખ્યાલ આવી શકે, જો કે તેઓ ભાગ્યે જ આ અનુભવો કોઈ પાસે વ્યક્ત કરે કારણ કે જેને આવા અનુભવ ન હોય તે વ્યક્તિ તો આવી વાત કરનાર વ્યક્તિને પાગલમાં જ ખપાવી દે ને !
જે બ્રિટિશ સન્નારીની વાત આગળ થઈ છે તેમને મેં એક ધ્યાન સૂચવેલું. તેમણે પોતાનો અનુભવ અતિ વિસ્તારથી મને લખેલો જેમાંથી અમુક ભાગ અહીં મુકું છું જેથી આ બંને લિંગનાં સહઅસ્તિત્વ વિષે વધુ ખ્યાલ આવે. તેમણે લખેલું: “my head suddenly felt ‘wet’, like water or some liquid had been poured over me, although it only reached to the level of my ears, with a feeling of air rushing through my ears. My face felt like it was beginning to change, contort, (shape shift) then my upper torso became male, a man’s chest, although lower half remained me/female. This sensation faded and i was left with swirling colours of purples, green, white & gold again.”
2 આવી વ્યક્તિ સારી શ્રોતા હોય.
3. લોકો પોતાની અંતરંગ વાતો તેમની પાસે બેઝિઝક વ્યક્ત કરતા હોય.
4. ખોરાકની ઊર્જાનો પણ આવી વ્યક્તિને ખ્યાલ આવે. 3 પ્રકારની ઊર્જાનું મિશ્રણ ખોરાકમાં હોય – અન્નની, રસોઈ બનાવનારની અને પીરસનારની. અત્યંત સ્વાદિષ્ટ ખોરાક બનેલો હોય પરંતુ ઊર્જામાં તકલીફ હોય તો આવી વ્યક્તિને એ ખોરાક પસંદ ન આવે.
5. આવી વ્યક્તિને ખોરાકનો સ્વાદ અથવા ઉષ્ણતામાન, જેમ કે ચા કે આઇસ્ક્રીમનું ગરમી/ઠંડી, મરચાંની તીખાશ વિગેરે ગળા સિવાયના અન્ય ભાગો જેમ કે કપાળ, કાન, ચહેરા પર કોઈ જગ્યાએ અને માથાંનાં તાળવાંમાં અનુભવાય.
5. જે કામમાં તેમને આનંદ ન આવતો હોય તેનું ગમે તેટલું આર્થિક વળતર મળતું હોય, તેમને એમ જ લાગતું હોય કે જિંદગીનો સમય વેડફાઈ રહ્યો છે.
6. મોલ, થીએટર, શોપિંગ સેન્ટર જેવી જગ્યાઓ જ્યાં બહુ જ લોકો એકઠા થતાં હોય તેવી જગ્યા એમ્પૅથને પસંદ પડે નહિ કારણ કે વિવિધ લોકોના વિવિધ પ્રકારના સ્પંદનો એક સાથે તે અનુભવે.
7. તેઓ કલાપ્રેમી હોય.
8. જે વ્યક્તિનાં સ્પંદનો કેચ થઈ ગયા હોય તે વ્યક્તિ જેવું જ વર્તન કોઈ વખત એમ્પૅથનું થઈ જાય, ભલે પછી પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધનું હોય. મારી નજર સામે બનેલ એક પ્રસંગ દ્વારા આ વાત સમજીએ. હું અને મારા એક એમ્પૅથ મિત્ર સહકુટુંબ પેકેજ ટૂરમાં ચારધામ યાત્રા પર નીકળ્યા. પેકેજ ટૂરમાં બાકીના લોકો દિલ્હીથી જૉડાવાના હતાં. એક મોટી સંસ્થાના યુનિયન લીડર અને તેમના પત્ની દિલ્હી સ્ટેશન પર મળ્યા. લડાયક નેતાના તમામ ગુણ તે ભાઇશ્રીમાં હતા જે શરૂઆતમાં 15 મિનિટમાં જ ટૂર મેનેજર સાથે થયેલા તેમના સંવાદોથી ખ્યાલ આવી ગયો. મારા એમ્પૅથ મિત્ર એકદમ શાંત સ્વભાવના છે. બોલ્યા કે આ લોકો સાથે આખી ટૂર કેમ નીકળશે, દરેક વસ્તુમાં વાંધા પાડવાનો સ્વભાવ હોય તેમ લાગે છે. દિલ્હી હોટેલમાં ટૂર મેનેજર અમને લઈ ગયો. સાંજે ટૂરની બસ ઉપાડી. અચાનક જ થોડા કલાકો બાદ ટૂર મેનેજર સાથે મારા એમ્પૅથ મિત્રને બોલાચાલી થઈ ગઈ, સમગ્ર ટૂર દરમ્યાન કોઈ ને કોઈ મુદ્દા પર ચાલુ રહી, તેમનો અસંતોષ અનેક બાબતો પર ચાલુ રહ્યો જયારે પેલા યુનિયન નેતા સમગ્ર ટૂર દરમ્યાન એકદમ શાંત રહ્યા. પરત આવતી વખતે અમે હરિદ્વાર વધુ રોકાવાના હતા, ટૂર બસ અને અન્ય યાત્રીઓ રવાના થઈ ગયા, અમે એકલા પડ્યા અને અચાનક મારા એ મિત્ર એકદમ શાંત થઈ ગયા જે તેમનો મૂળભૂત સ્વભાવ હતો. ત્યાર બાદ એમણે મને એ વાત કહી કે તેમના અંકુશમાં ન હોય તે રીતે તેમને ગુસ્સો આવતો હતો અને જેવા પેલા નેતાથી જૂદા પડ્યા એટલે ફરી પાછા એમના મૂળ સ્વભાવમાં આવી ગયા. બીજા લોકોની ભાવના કે સ્વભાવ કામચલાઉ રીતે એમ્પૅથમાં ટ્રાન્સફર થઈ જાય તેનો આ ઉત્તમ દાખલો છે.
9. એમ્પૅથનો ઝુકાવ એનર્જી હીલિંગ, વૈકલ્પિક સારવાર પદ્ધતિ, મેટાફિઝિક્લ વિષયો વિગેરે તરફ હોય. કોઈ પણ અલૌકિક ઘટનાઓ તેમને આકર્ષે. કોઈ પણ વસ્તુનું આશ્ચર્ય તેમને ભાગ્યે જ થાય કારણ કે કહેવાતા બુદ્ધિના સીમાડાઓ તેમને નડે નહિ, દુનિયા જેને ચમત્કાર અથવા અશક્ય કહે તેવી વાતનો પણ એમ્પૅથ સીધે-સીધો છેદ ઉડાડી દે નહિ.
10. આવા લોકોમાં સર્જનત્મકતા જોવા મળે; ગાયન, નૃત્ય, અદાકારી, ચિત્રકામ, લેખનકાર્ય કે અન્ય કોઈ પણ રીતે તેમની સર્જનાત્મકતા બહાર આવેલી હોય, તેમની કલ્પના શક્તિ પણ તીવ્ર હોય.
11. કુદરત સાથે પ્રેમ હોય, કુદરતના ખોળે તેઓ ખીલી ઉઠે.
12. ‘મી ટાઈમ’ એટલે કે અમુક સમયનું એકાંત તેમને માટે અત્યંત આવશ્યક હોય.
13. હિંસા, કરૂણ દ્રશ્યો વિગેરે TV પર જોવા પણ તેમને માટે તકલીફદાયક હોય.
14. અનેક પ્રકારની માહિતી અને જ્ઞાન મેળવવાની તેમની કોશિશ હોય. પરિણામે ‘Information Overload’ જેવી સ્થિતિમાં પણ પહોંચી જાય.
15. તેમના પોતાના મૂળ સ્વભાવ કરતાં ક્યારે કોની ભાવનાઓ અને વિચારો તેમણે કેચ કરેલા છે તે મુજબ તેમનું વર્તન રહે. પરિણામે બીજા લોકોને એમ્પૅથ ધૂની લાગે, મૂડી લાગે. કોઈ વખત અતિ શાંત તો કોઈ વખત અતિ વાચાળ જણાય.
16. કોઈ પણ જાતની બિમ્બાઢાળ દિનચર્યા, સામાજિક કે કાયદાના બંધનમાં રહેવું વિગેરે તેમને આંતરિક રીતે પસંદ પડે નહિ, મુક્ત પંખીની જેમ વિચરવું વધુ પસંદ આવે.
17. બીજી વ્યક્તિઓ તેમને મળવા આવે તે લાંબા સમય સુધી જાય નહિ અથવા ફોન કરે તો લાંબો સમય છોડે નહિ. ઊર્જાના ઓટોમેટિક આદાનપ્રદાનને કારણે સામેની વ્યક્તિને બને તેટલો આ સંપર્ક લંબાવવાની ઈચ્છા રહે. એમ્પૅથનું શરીર કુદરતી રીતે જ હીલિંગ કરતું રહે.
જો એમ લાગતું હોય કે આવા થોડાં-ઘણાં લક્ષણો તો પોતાનાંમાં છે, તો ચોક્કસ તે વ્યક્તિ પણ નાની-મોટી એમ્પૅથ છે અથવા ભવિષ્યમાં બનશે એમ કહી શકાય. આવી વ્યક્તિએ પોતાની સાથે બનતી વિશિષ્ટ ઘટનાઓની નોંધ રાખવી જરૂરી. એ સાથે જ ખુદ ફરતી સંરક્ષણ. દીવાલ ઉભી કરવી અત્યંત જરૂરી. અન્યથા વિવિધ લોકોનાં કુદરતી રીતે જ તેમના તરફ ખેંચાઈ જતાં શારીરિક સ્પંદનો અને લાગણીઓ તકલીફ ઉભી કરી શકે. માટે જ ક્લેયરએમ્પૅથને ‘સાઈકિક સ્પોન્જ’ પણ કહેવામાં આવે જે ગમે ત્યાંથી કચરો ખેંચી લે.
ક્લેયરએમ્પૅથની અન્ય લાક્ષણિકતાઓ, પ્રકારો, તેણે શું સાવચેતી રાખવી જોઈએ, કઈ રીતે તેમની કુદરતી ભેટનો ઉપયોગ પોતાના તથા અન્યોના લાભાર્થે થઈ શકે વિગેરે હવે પછીના લેખમાં જોઈશું.