સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૯. વધુ હાડમારી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


Clip_1


Clip_2


Clip_3


ચાર્લ્સટાઉન ટ્રેન છેક સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટૅન્ડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી.મને કેવળ અજાણ્યો જાણી કહ્યું, ‘તમારી ટિકિટ તો રદ થઈ છે.’ મેં યોગ્ય જવાબ આપ્યો. ટિકિટ રદ થઈ છે એમ કહેવાનું કારણ તો જુદું જ હતું. ઉતારુઓ બધા સિગરામની અંદર જ બેસે. પણ હું તો ‘કુલી’ ગણાઉં, અજાણ્યો લાગું, તેથી મને ગોરા ઉતારુઓની પાસે બેસાડવો ન પડે તો સારું, એવી સિગરામવાળાની દાનત. સિગરામની બહાર, એટલે હાંકનારને પડખે ડાબી અને જમણી બાજુએ, એમ બે બેઠકો હતી. તેમાંથી એક બેઠક ઉપર સિગરામની કંપનીનો એક મુખી ગોરો બેસતો. એ અંદર બેઠો અને મને હાંકનારની પડખે બેસાર્યો. હું સમજી ગયો કે આ કેવળ અન્યાય જ છે, અપમાન છે. પણ અપમાનને પી જવું યોગ્ય ધાર્યું. મારાથી બળજોરી કરીને અંદર બેસી શકાય એવું તો નહોતું જ.

ત્રણેક વાગ્યે સિગરામ પારડીકોપ પહોંચ્યો. હવે પેલા ગોરા મુખીને હું જ્યાં બેઠો હતો ત્યાં બેસવાની ઇચ્છા થઈ. તેને બીડી પીવી હતી. જરા હવા પણ ખાવી હશે. એટલે એણે મેલું સરખું ગૂણિયું પડ્યું હતું તે પેલા હાંકનારની પાસેથી લઈ પગ રાખવાના પાટિયા ઉપર પાથર્યું ને મને કહ્યું, ‘સામી, તું અહીયાં બેસ, મારે હાંકનારની પાસે બેસવું છે.’ આ અપમાન સહન કરવા હું અસમર્થ હતો. તેથી મેં બીતાં બીતાં તેને કહ્યું, ‘તમે મને અહીં બેસાડ્યો એ અપમાન મેં સહન કરી લીધું; મારી જગ્યા તો અંદર બેસવાની, પણ તમે અંદર બેસીને મને અહીં બેસાડ્યો. હવે તમને બહાર બેસવાની ઇચ્છા થઈ છે અને બીડી પીવી છે, તેથી તમે મને તમારા પગ આગળ બેસાડવા ઇચ્છો છો. હું અંદર જવા તૈયાર છું, પણ હું તમારા પગની પાસે બેસવા તૈયાર નથી.’

આટલું હું માંડ કહી રહું તેટલામાં તો મારા ઉપર તમાચાનો વરસાદ વરસ્યો અને પેલાએ મારું બાવડું ઝાલીને મને ઘસડવા માંડ્યો. મેં બેઠકની પાસે પીતળના સળિયા હતા તે ઝોડની જેમ પકડી રાખ્યા, અને કાંડું ખડે તોયે સળિયા નથી છોડવા એમ નિશ્ચય કર્યો. મારા ઉપર વીતી રહી હતી તે પેલા ઉતારુઓ જોઇ રહ્યા હતા. પેલો મને ગાળો કાઢી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો, ને મારી પણ રહ્યો હતો, પણ હું ચૂપ હતો. પેલો બળવાન અને હું બળહીન. ઉતારુઓમાંના કેટલાકને દયા આવી અને તેમનામાંના કોઇ બોલી ઊઠ્યા: ‘અલ્યા એ, એ બિચારાને ત્યાં બેસવા દે; તેને નકામો માર નહીં. તેની વાત સાચી છે. ત્યાં નહીં તો તેને અમારી પાસે અંદર બેસવા દે.’ પેલો બોલી ઊઠ્યો: ‘કદી નહીં.’ પણ જરા ભોંઠો પડ્યો ખરો. તેથી મને તેણે મારવાનું બંધ કર્યું, મારું બાવડું છોડ્યું. બે ચાર ગાળો તો વધારે દીધી, પણ એક હૉટેન્ટૉન નોકર પેલી બાજુએ હતો તેને પોતાના પગ આગળ બેસાડ્યો અને પોતે બહાર બેઠો.

રાત પડી. સ્ટૅન્ડરટન પહોંચ્યા. કેટલાક હિંદી ચહેરા જોયા. મને કંઈક શાંતિ વળી.સવારે મને ઈસા શેઠના માણસો સિગરામ પર લઈ ગયા. મને યોગ્ય જગ્યા મળી. કોઈ જાતની હાલાકી વિના તે રાત્રે જોહાનિસબર્ગ પહોંચ્યો.

મેં હોટલમાં જવાનો વિચાર કર્યો. બે ચાર હોટેલનાં નામ જાણી લીધાં હતાં. ગાડી કરી, ગ્રેન્ડ નેશનલ હોટેલમાં હાંકી જવા તેને કહ્યું. ત્યાં પહોંચતાં મૅનેજરની પાસે ગયો. જગ્યા માગી. મૅનેજરે ક્ષણ વાર મને નિહાળ્યો. વિવેકની ભાષા વાપરી, ‘હું દિલગીર છું, બધી કોટડીઓ ભરાઇ ગઈ છે.’ આમ કહી મને વિદાય કર્યો! એટલે મેં ગાડીવાળાને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાને હાંકી જવાને કહ્યું. ત્યાં તો અબદુલ ગની શેઠ મારી રાહ જ જોઈ રહ્યા હતા. તેમણે મને વધાવી લીધો. હોટેલમાં મારા ઉપર વીતેલી વાત તેમને કહી બતાવી. તેઓ ખડખડ હસી પડ્યા. ‘હોટેલમાં તે વળી આપણને ઊતરવા દે કે?’

મેં પૂછ્યું: ‘કેમ નહીં?’

‘એ તો તમે જ્યારે તમે થોડા દિવસ રહેશો ત્યારે જાણશો.

આ અબ્દુલ ગની શેઠનો પરિચય આપણે આગળ જતાં વધારે કરવો પડશે. તેમણે કહ્યું, ‘આ મુલક તમારા જેવાને સારુ નથી. જુઓને, તમારે કાલે પ્રિટોરિઆ જવું છે. તેમાં તમને તો ત્રીજા વર્ગમાં જ જગ્યા મળશે. ટ્રાન્સવાલમાં નાતાલ કરતાં વધારે દુઃખ. અહીં આપણા લોકોને પહેલા કે બીજા વર્ગમાં ટિકિટ આપતા જ નથી.’

મેં કહ્યું, ‘તમે એનો પૂરો પ્રયત્ન નહીં કર્યો હોય.’

અબદુલ ગની શેઠ બોલ્યા, ‘અમે કાગળવહેવાર તો ચલાવ્યો છે, પણ આપણા માણસો ઘણા પહેલાબીજા વર્ગમાં બેસવા ઇચ્છે પણ શાના?’

મેં રેલવેના કાયદા માગ્યા. તે જોયા. તેમાં બારી હતી. ટ્રાન્સવાલના અસલી કાયદાઓ બારીકીથી નહોતા ઘડાતા. રેલવે ધારાનું તો પૂછવું જ શું હોય?

મેં શેઠને કહ્યું, ‘હું તો ફર્સ્ટ ક્લાસમાં જ જઈશ. અને તેમ નહીં જવાય તો પ્રિટોરિયા અહીંથી સાડત્રીસ જ માઇલ છે ત્યાં હું ઘોડાગાડી કરીને જઈશ.’

હું ફ્રોકકોટ, નેકટાઇ વગેરે ચડાવીને સ્ટેશને પહોંચ્યો. માસ્તરની સામે ગીની કાઢીને મૂકી અને પહેલા વર્ગની ટિકિટ માગી.

તેણે કહ્યું, ‘તમે જ મને ચિઠ્ઠી લખી છે કે?’

મેં કહ્યું, ‘એ જ હું. મને તમે ટિકિટ આપશો તો હું આભારી થઈશ. મારે પ્રિટોરિયા આજે પહોંચવું જોઇએ.’

સ્ટેશન-માસ્તર હસ્યો. તેને દયા આવી. તે બોલ્યો, ‘હું ટ્રાન્સવાલર નથી. હું હોલૅન્ડર છું. તમારી લાગણી સમજી શકું છું. તમારા તરફ મારી દિલશોજી છે. હું તમને ટિકિટ આપવા ઈચ્છું છું. પણ એક શરતે—જો તમને રસ્તામાં ગાર્ડ ઉતારી પાડે અને ત્રીજા વર્ગમાં બેસાડે તો તમારે મને સંડોવવો નહીં, એટલે કે, તમારે રેલવે ઉપર દાવો ન કરવો.

હું તો પહેલા વર્ગના ડબામાં બેઠો. ટ્રેન ચાલી. જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ડ ટિકિટ તપાસવા નીકળ્યો. મને જોઇને જ ચિડાયો. આંગળી વતી ઇશારો કરીને કહ્યું: ‘ત્રીજા વર્ગમાં જા.’ મેં મારી પહેલા વર્ગની ટિકિટ બતાવી. તેણે કહ્યું: ‘તેનું કંઇ નહીં; જા ત્રીજા વર્ગમાં.’

આ ડબામાં એક જ અંગ્રેજ ઉતારુ હતો. તેણે પેલા ગાર્ડને ધમકાવ્યો: ‘તું આ ગૃહસ્થને કેમ પજવે છે? તું જોતો નથી કે એની પાસે પહેલા વર્ગની ટિકિટ છે? મને તેના બેસવાથી જરાયે અડચણ નથી.’ એમ કહીને તેણે મારી સામું જોયું અને તેણે કહ્યું: ‘તમે તમારે નિરાંતે બેઠા રહો.’

ગાર્ડ બબડ્યો: ‘તમારે કુલીની જોડે બેસવું હોય તો મારે શું?’ એમ કહીને ચાલતો થયો.

રાતના આઠેક વાગ્યે ટ્રેન પ્રિટોરિયા પહોંચી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: