સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૩. આખરે વિલાયતમાં
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી.
મજમુદાર મને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવે; વકીલની જીભ છૂટી હોવી જોઇએ એમ પણ મને કહે; પોતાના વકીલ તરીકેના અનુભવો વર્ણવે; અંગ્રેજી આપણી ભાષા ન કહેવાય, તેમાં ભૂલ તો પડે જ, છતાં બોલવાની છૂટ રાખવી જોઇએ વગેરે કહે. પણ હું મારી ભીરુતા ન છોડી શકું.
માંસ ન ખાવાના મારા આગ્રહ વિષે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા: “અહીં તો(પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લંડમાં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે.”
મેં કહ્યું, “મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે.”
તેઓ બોલ્યા, “એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઇને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઇએ એમ મને લાગે છે.”
મેં કહ્યું, “તમારી સલાહને સારુ હું આભાર માનું છું. પણ તે ન લેવા હું મારા માતુશ્રીની સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઈશ, પણ માંસ તો નહીં જ ખાઉં.”
બિસ્કેનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઇ માંસની કે ન જણાઇ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણપત્રો એકઠાં કરવાની મને ભલામણ થઈ હતી. તેથી આ અગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલોક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો તો માંસ ખાતા છતાંય મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્વાશ (કે વિશ્વાસ?) ન હોય તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય?
દાક્તર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઇની વસ્તુને ન અડકાય; જે પ્રશ્નો કોઇ જોડે ઓળખાણ થતાં હિંદુસ્તાનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્નો અહીં ન પુછાય; વાતો કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબોની સાથે વાત કરતાં ‘સર’ કહેવાનો રિવાજ છે એ અનાવશ્યક છે, ‘સર’ તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે.
પેલી કોટડીમાં પણ હું તો ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોની ચડાઇથી નિદ્રા તો શાની આવી જ શકે? આ દુ:ખની વાત કોઇને કરાય પણ નહીં. કરવાથી ફાયદો પણ શો? હું પોતે જાણતો નહોતો કે ક્યા ઇલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ તેવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઇ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.