સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૬. ફેરફારો
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
કોઈ એમ ન માને કે નાચ આદિના મારા અખતરા મારો સ્વચ્છંદનો કાળ સૂચવે છે. તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ મૂર્છાના કાળમાંયે હું અમુક અંશે સાવધાન હતો. પાઈએ પાઈનો હિસાબ રાખતો.
દરેક નવયુવક પોતાને મળતા થોડા રૂપિયાનો પણ હિસાબ કાળજીપૂર્વક રાખશે તો તેનો લાભ જેમ ભવિષ્યમાં મને અને પ્રજાને મળ્યો તેમ તે પણ અનુભવશે.
મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઈ શક્યો કે મારે કેટલું ખર્ચ કરવું જોઈએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો.
શરમથી જ કેટલું ખર્ચ કરવું પડતું હતું તે પણ બચે એમ સમજાયું.
અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઈને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યાં કે જ્યાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઈ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હમેશાં, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઈ જાય એવી ગોઠવણ થઈ અને આ ગોઠવણથી હમેશાં આઠદસ માઈલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડ્યો હોઈશ. શરીર ઠીક કસાયું.
મુશ્કેલ હો કે ન હો, પણ લૅટિન તો શીખવું જ. ફ્રેંચ લીધેલું પૂરું કરવું. એટલે બીજી ભાષા ફ્રેંચ એમ નિશ્ચય કર્યો. એક ખાનગી મૅટ્રિક્યુલેશન વર્ગ ચાલતો હતો તેમાં જોડાયો, પરીક્ષા દર છ માસે થાય, મને ભાગ્યે પાંચ માસનો વખત હતો. આ કામ મારા ગજા ઉપરાંત હતું. પરિણામ એ આવ્યું કે સભ્ય બનવામાંથી હું તો અત્યંત ઉદ્યમી વિદ્યાર્થી બન્યો.
મારા કરતાં વધારે સાદાઈથી રહેનારને પણ હું જોતો હતો. મારા પ્રસંગમાં આવા ગરીબ વિદ્યાર્થીઓ ઠીક પ્રમાણમાં આવ્યા હતા. એક વિદ્યાર્થી લંડનના કંગાળ ભાગમાં અઠવાડિયાના બે શિલિંગ ભરી એક કોટડીમાં રહેતો હતો, અને લોકાર્ટની સસ્તી કોકોની દુકાનમાં બે પેનીનાં કોકો અને રોટી ખાઈને ગુજારો કરતો હતો. તેની હરીફાઈ કરવાની તો મારી શક્તિ નહોતી, પણ હું અવશ્ય બેને બદલે એક કોટડીમાં રહી શકું અને અરધી રસોઈ હાથે પણ પકાવી શકું એમ લાગ્યું. આમ કરવાથી હું દર માસે ચાર કે પાંચ પાઉંડમાં રહી શકું. સાદી રહેણીનાં પુસ્તકો પણ વાંચવામાં આવ્યાં હતાં. બે કોટડી કાઢી નાખી અઠવાડિયાના આઠ શિલિંગની એક કોટડી ભાડે લીધી. એક સગડી ખરીદી ને સવારનું હાથે પકાવવાનું શરૂ કર્યું.
જીવન સાદું થવાથી વખત વધારે બચ્યો. બીજી વેળા પરીક્ષામાં બેઠો ને પાસ થયો.
વાંચનાર, પણ એમ ન માને કે સાદાઈથી જીવન રસહીન થયું. ઊલટું, ફેરફારોથી મારી આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી; કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો; જીવન વધારે સારમય બન્યું; મારા આત્માનંદનો પાર ન રહ્યો.