Daily Archives: 09/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૧. निर्बल के बल राम

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.


Mohandas K. Gandhi


આ પ્રકરણના થોડા અંશો :

ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનુ કંઇક ભાન તો થયું, પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારુ પૂરતું નથી નીવડતું. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા નથી ભાન હોતું, નથી જ્ઞાન હોતું. નાસ્તિક જયારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માતથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો, ધર્મોના અભ્યાસથી, સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રકટ થાય છે એવું અનુમાન પરિણામ પછી તે કરી લે છે. એવું અનુમાન કરવાનો તેને અધિકાર છે. પણ બચતી વેળા તે જાણતો નથી કે તેને તેનો સંયમ બચાવે છે કે કોણ બચાવે છે. જે પોતાના સંયમબળનું અભિમાન રાખે છે તેનો સંયમ રોળાઈ ગયેલો કોણે નથી અનુભવ્યો ? શાસ્ત્રજ્ઞાન તો એવે સમયે થોથાં સમાન લાગે છે.

ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેંલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું, તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બંને ત્યાં ગયા. અમને બંનેને એક બાઈને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો.

પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્રીઓનાં હોય છે. તે સ્રીઓ વેશ્યા નહીં તેમ નિર્દોષ પણ નહીં. આવા જ એક ઘરમાં અમારો ઉતારો હતો.

રાત પડી. અમે સભામાંથી ઘેર આવ્યા. જમીને પાનાં રમવા બેઠા. વિલાયતમાં સારાં ઘરોમાં પણ આમ મહેમાનોની સાથે ગૃહિણી પાનાં રમવા બેસે. પાનાં રમતાં નિર્દોષ વિનોદ સહુ કરે. અહીં બીભત્સ વિનોદ શરૂ થયો. મારા સાથી તેમાં નિપુણ હતો એ હું નહોતો જાણતો. મને આ વિનોદમાં રસ પડયો, હું પણ ભળ્યો. વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની તૈયારી હતી. પાનાં એક કોરે રહેવાની તૈયારીમાં હતાં. પણ મારા ભલા સાથીના મનમાં રામ વસ્યા, તે બોલ્યા, ‘અલ્યા, તારામાં આ કળજુગ કેવો ! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી. ‘

હું શરમાયો, ચેત્યો. હૃદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો, મારી કોટડીમાં ધ્રૂજતો ધ્રૂજતો પહોંચ્યો. છાતી થડકતી હતી. કાતિલના હાથમાંથી બચીને કોઈ શિકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.

ધર્મ શું છે, ઇશ્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે, તે કંઈ હું તે વખતે જાણતો નહોતો. ઈશ્વરે મને બચાવ્યો એમ લૌકિક રીતે હું તે વખતે સમજ્યો. પણ મને વિવિધ ક્ષેત્રોના એવા અનુભવો થયા છે. ‘ઇશ્વરે ઉગાર્યો’ એ વાક્યનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું એમ જાણું છું.

સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથીં, પણ આપણે ખાઇએ છીએ, પીએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઇ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવે જ અદ્‌ભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિષે મને શંકા જ નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઇએ.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.