સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ


Pretoria railway station


આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદી ને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. ક્યાં જવુ એના વિચારમાં પડ્યો. કોઇ હોટલ મને સંઘરે એવી મને ધાસ્તી હતી. ૧૮૯૩ની સાલનું પ્રિટોરિયા સ્ટેશન ૧૯૧૪ના પ્રિટોરિયા સ્ટેશન કરતાં જુદું જ હતું. ઝાંખી બત્તીઓ બળતી હતી. ઉતારૂઓ પણ ઘણા નહોતા, મેં બધા ઉતારૂઓને જવા દીધા અને વિચાર્યુ કે, જરા નવરો થાય એટલે ટિકિટ-કલેક્ટરને મારી ટિકિટ આપીશ અને એ મને કોઇ નાનકડી હોટેલ અથવા એવું કોઇ મકાન બતાવે તો ત્યાં જઈશ, અથવા તો રાત સ્ટેશન ઉપર પડ્યો રહીશ. આટલું પૂછવા પણ મન નહોતું વધતુ, કેમ કે અપમાન થવા નો ડર હતો.

સ્ટેશન ખાલી થયું. મેં ટિકિટ-કલેક્ટરને ટિકિટ આપીને પૂછવાનું શરૂ કર્યુ. તેણે વિનયપૂર્વક જવાબ આપ્યા. તેને પડખે એક અમેરિકન હબસી ગૃહસ્થ ઊભો હતો. તેણે મારી સાથે વાત શરૂ કરી :

‘હું જોઉં છું કે તમે તદ્દન અજાણ્યા છો અને તમારે કોઈ મિત્ર નથી. મારી સાથે આવો તો હું તમને એક નાનકડી હોટેલ છે ત્યાં લઈ જાઉં. તેનો માલિક અમેરિકન છે અને તેને હું સારી રીતે ઓળખુ છું. મને લાગે છે કે એ તમને સંઘરશે’.

મને કંઈક શક તો આવ્યો, પણ મેં આ ગૃહસ્થનો ઉપકાર માન્યો અને તેની સાથે જવાનુ કબૂલ કર્યુ.

મને કોટડી આપી. હું તેમાં પેઠો. એકાંત મળ્યે ખાણાની રાહ જોતો વિચારગ્રસ્ત થયો.

મેં ફરી ઉપકાર માન્યો, અને હું ખાણાના ઓરડામાં ગયો. નિશ્ચિત પણે ખાધું.

બીજે દિવસે સવારે વકીલને ત્યાં ગયો. તેમનું નામ એ. ડબલ્યુ. બેકર. તેમને મળ્યો.અહીં રંગભેદ બહુ છે, એટલે ઘર શોધવું સહેલું નથી. પણ એક બાઈને હું જાણું છું. તે ગરીબ છે, ભઠિયારાની સ્રી છે. મને લાગે છે કે એ તમને રાખશે. એને પણ કંઈક મદદ થશે. ચાલો, આપણે તેને ત્યાં જઈએ.’

આમ કહીને મને ત્યાં લઈ ગયા. બાઈની સાથે મિ. બેકરે એક બાજુએ જઈ થોડી વાત કરી અને તેણે મને સંઘરવાનો સ્વીકાર કર્યો. અઠવાડિયાના ૩૫ શિલિંગથી મને ત્યાં રાખ્યો.

મિ. બેકર વકીલ તેમ જ ધર્મચુસ્ત પાદરી હતા. હ્જુ તેઓ હયાત છે ને હાલ કેવળ પાદરીનું જ કામ કરેછે. વકીલાતનો ધંધો છોડી દીધો છે. પૈસેટકે સુખી છે. તેમણે હજુ મારી સાથે પત્રવ્યવહાર કાયમ રાખ્યો છે. કાગળોનો વિષય એકજ હોયછે. જુદી જુદી રીતે ખ્રિસ્તી ધર્મની ઉત્તમતા વિષે પોતાના કાગળમાં મારી સાથે ચર્ચા કરેછે, અને ઇશુને ઈશ્વરના એકમાત્ર પુત્ર તરીકે સ્વીકાર્યા વિના અને તેને તારણહાર માન્યા વિના પરમ શાંતિ મળવાની નથી એ વસ્તુનું પ્રતિપાદન કરેછે.

અમારી પહેલી જ મુલાકાત દરમ્યાન મિ. બેકરે ધર્મ સંબંધી મારી મનોદશા જાણી લીધી. મેં તેમને કહી દીધુ : ‘હું જન્મે હિંદુ છું. એ ધર્મનું પણ મને બહુ જ્ઞાન નથી, બીજા ધર્મોનું ઓછું જ્ઞાન છે. હું ક્યાં છું, હું શું માનું છું, મારે શું માનવું જોઈએ, એ બધું હું જાણતો નથી. મારા પોતાના ધર્મનું નિરીક્ષણ કરવા ઈચ્છું છુ. બીજા ધર્મોનો પણ અભ્યાસ યથાશક્તિ કરવાનો મારો ઈરાદો છે..’

આ બધું સાંભળી મિ. બેકર રાજી થયા અને મને કહ્યું, ‘હું પોતે સાઉથ આફ્રિકા જનરલ મિશનનો એક ડિરેકટર છું. મારે પોતાને ખરચે મેં એક દેવળ બાંધ્યુ છે. તેમાં વખતોવખત હું ધર્મના વ્યાખ્યાનો આપુ છુ. હું રંગભેદ માનતો નથી. મારી સાથે કેટલાક સાથીઓ પણ કામ કરનારા છે. અમે હમેશાં એક વાગ્યે થોડી મિનિટ મળીએ છીએ અને આત્માની શાંતિ તેમજ પ્રકાશ (જ્ઞાનના ઉદય) ને ખાતર પ્રાર્થના કરીએ છીએ. એમાં તમે આવશો તો હું રાજી થઈશ.

મેં મિ. બેકરનો ઉપકાર માન્યો અને એક વાગ્યે તેમના મંડળમાં પ્રાર્થનાને સારુ, બની શકે ત્યાં લગી, જવાનું કબૂલ કર્યુ.

‘ત્યારે આવતી કાલે એક વાગ્યે અહીં જ આવજો અને આપણે સાથે પ્રાર્થના મંદિરમાં જઈશું.’

મિ. બેકરની મિત્રાચારીનો શો અર્થ હોઈ શકે ? એમના ધર્મબંધુઓ પાસેથી હું શું મેળવીશ ? મારે ખ્રિસ્તી ધર્મના અભ્યાસમાં ક્યાં સુધી જવું ? હિંદુ ધર્મ નું સાહિત્ય કયાંથી મેળવવું ? તે જાણ્યા વિના ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ મારાથી કેમ જાણી શકાય ? એક જ નિર્ણય કરી શકાશે : મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાત પણે કરવો, અને મિ. બેકરના સમુદાયને, તે તે વખતે ઈશ્વર સુઝાડે તે જવાબ આપી દેવો. મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યા લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો. આમ વિચાર કરતાં હું નિંદ્રાવશ થયો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: