Daily Archives: 21/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૮. પ્રિટોરિયા જતાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


Durban to Pretoria


ડરબનમાં રહેતાં ખ્રિસ્તી હિંદિઓના સંબંધમાં પણ હું તુરત આવ્યો. ત્યાંની કોર્ટના દુભાષિયા મિ. પૉલ રોમન કૅથલિક હતા. તેમની ઓળખાણ કરીને પ્રૉટેસ્ટન્ટ મિશનમાંના શિક્ષક મરહૂમ મિ. સુભાન ગૉડફ્રેની પણ ઓળખાણ કરી.

આમ, હું પરિચયો કરી રહ્યો હતો તેવામાં પેઢીના વકીલ તરફથી કાગળ મળ્યો કે, કેસને સારુ તૈયારી થવી જોઇએ ને અબ્દુલ્લા શેઠે પોતે પ્રિટોરિયા જવું જોઇએ અથવા કોઇને ત્યાં મોકલવો જોઇએ.

આ કાગળ અબ્દુલ્લા શેઠે મને વંચાવ્યો ને પૂછ્યું, ‘તમે પ્રિટોરિયા જશો?’ મેં કહ્યું, ‘મને કેસ સમજાવો તો હું કહી શકું. અત્યારે તો હું ન જાણું કે ત્યાં શું કરવાનું છે.’ તેમણે તેમના મહેતાઓને કેસ સમજાવવામાં રોક્યા.

મેં જોયું કે મારે તો એકડે એકથી શરૂ કરવું પડશે. આ કેસનો આધાર ચોપડાઓ ઉપર છે. નામાનું જ્ઞાન હોય તે જ કેસ સમજી શકે.

નામાની ચોપડી ખરીદી ને વાંચી ગયો. કઈંક આત્મવિશ્વાસ આવ્યો. કેસની સમજણ પડી. મેં જોયું કે અબ્દુલ્લા શેઠ નામ લખી ન જાણતા, પણ વ્યાવહારિક જ્ઞાન એટલું બધું મેળવી લીધું હતું કે નામાના કોયડા ઝપાટાબંધ ઉકેલી શકે. મેં તેમને જણાવ્યું, ‘હું પ્રિટોરિયા જવા તૈયાર છું.’

તમે ક્યાં ઊતરશો?’ શેઠે પૂછ્યું.

‘તમે જ્યાં કહો ત્યાં,’ મેં જવાબ આપ્યો.

‘ત્યારે હું મારા વકીલને લખીશ. તે તમારે સારુ ઉતારાનો બંદોબસ્ત કરશે.

સાતમે કે આઠમે દહાડે હું ડરબનથી રવાના થયો. મારે સારુ પહેલા વર્ગની ટિકિટ કઢાવી.

નાતાલની રાજધાની મૅરિત્સબર્ગમાં ટ્રેન નવેક વાગ્યે પહોંચી. અહીં પથારી આપવામાં આવતી હતી. કોઇ રેલવેના નોકરે આવીને પૂછ્યું, ‘તમારે પથારી જોઇએ છે?’

મેં કહ્યું, ‘મારી પાસે મારી પથારી છે.’

તે ચાલ્યો ગયો. દરમ્યાન એક ઉતારુ આવ્યો. તેણે મારી સામે જોયું. મને ભાતીગર જોઇ મૂંઝાયો. બહાર નીકળ્યો. એક બે અમલદારોને લઈ આવ્યો. કોઇએ મને કંઈ ન કહ્યું. છેવટે એક અમલદાર આવ્યો. તેણે કહ્યું, ‘આમ આવો. તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’

મેં કહ્યું, ‘મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.’

પેલે જવાબ આપ્યો, ‘તેની ફિકર નહીં. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’

‘હું કહું છું કે, મને આ ડબામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારું છું.’

અમલદાર બોલ્યો, ‘એમ નહીં બને. તમારે ઊતરવું પડશે, ને નહીં ઊતરો તો સિપાહી ઉતારશે.’

મેં કહ્યું, ‘ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું.’

સિપાહી આવ્યો. તેણે મારો હાથ પકડ્યો ને મને ધક્કો મારીને નીચે ઉતાર્યો. મારો સામાન ઉતારી લીધો. મેં બીજા ડબામાં જવાની ના પાડી.

આ મોસમ શિયાળાની હતી. દક્ષિણ આફ્રિકાનો શિયાળો ઊંચાણના ભાગોમાં બહુ સખત હોય છે. મૅરિત્સબર્ગ ઊંચા પ્રદેશમાં હતું તેથી ટાઢ ખૂબ લાગી. મારો ઓવરકોટ મારા સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ન ચાલી. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો.

મેં મારો ધર્મ વિચાર્યોઃ ‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરી દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’

આવો નિશ્ચય કરી બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.

સવારના પહોરમાં મેં જનરલ મૅનેજરને ફરિયાદનો લાંબો તાર કર્યો. દાદા અબદુલ્લાને પણ ખબર આપ્યા. અબદુલ્લા શેઠ તુરત જનરલ મૅનેજરને મળ્યા. જનરલ મૅનેજરે પોતાના માણસોના વર્તનનો બચાવ કર્યો, પણ જણાવ્યું કે મને વગર હરકતે મારે સ્થળે પહોંચાડવા સ્ટેશન-માસ્તરને ભલામણ કરી છે. અબદુલ્લા શેઠે મૅરિત્સબર્ગના હિંદુ વેપારીઓને પણ મને મળવા ને મારી બરદાસ કરવા તાર કર્યો ને બીજાં સ્ટેશનોએ પણ તેવા તારો મોકલ્યા. તેથી વેપારીઓ મને સ્ટેશન ઉપર મળવા આવ્યા. તેમણે પોતાની ઉપર પડતાં દુઃખોનું વર્ણન મારી પાસે કર્યું અને મને કહ્યું કે તમારા પર વીત્યું તે કંઇ નવાઈની વાત નથી. પહેલા બીજા વર્ગમાં હિંદીઓ મુસાફરી કરે તેને અમલદારો તેમ જ મુસાફર તરફથી અડચણ તો પહોંચે જ. આવી વાતો સાંભળવામાં દિવસ ગયો. રાત પડી ટ્રેન આવી. મારે સારુ જગ્યા તૈયાર જ હતી. જે પથારીની ટિકિટ લેવા મેં ડરબનમાં ના પાડી હતી તે મૅરિત્સબર્ગમાં લીધી. ટ્રેન મને ચાર્લ્સટાઉન લઈ ચાલી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.