Daily Archives: 15/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨. સંસારપ્રવેશ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

વડીલ ભાઇએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કિર્તિનો અને હોદ્દાનો પુષ્કળ લોભ હતો. તેમનુ હ્રદય બાદશાહી હતુ. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી.

જ્ઞાતિનો ઝગડો ઊભો જ હતો. બે તડ પડી ગયા હતાં. એક પક્ષે મને તુરંત નાતમાં લઇ લીધો. બીજો પક્ષ ન લેવા તરફ ચુસ્ત રહ્યો. નાતમાં લેનાર પક્ષને સંતોષવા ખાતર રાજકોટ લઈ જતાં પહેલાં ભાઈ મને નાસિક લઈ ગયા. ત્યાં ગંગાસ્નાન કરાવ્યુ, ને રાજકોટમાં પહોંચતા નાત જમાડી.

આ કામમાં મને રસ ન પડ્યો.

જે તડથી હું નાતબહાર રહ્યો તેમાં પ્રવેશ કરવા મેં કદી પ્રયત્ન ન કર્યો. ન મેં નાતના કોઈ પણ શેઠ પ્રત્યે મનમાંયે રોષ કર્યો. મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોનાર પણ તેમાં હતા. તેઓની સાથે નમીને ચાલતો. નાતના બહિષ્કારના કાયદાને સંપૂર્ણ માન આપતો.

મારા આ વર્તનનું પરિણામ એ આવ્યુ કે નાત તરફથી મને કદી કશો ઉપદ્રવ થયાનુ મને યાદ નથી. એટલુ જ નહી પણ, જોકે હું હજુ આજે પણ નાતના એક વિભાગથી કાયદેસર બહિષ્કૃત ગણાઉં છું છતાં તેમના તરફથી મેં માન અને ઉદારતા જ અનુભવ્યા છે. તેઓએ મને મારા કાર્યમાં મદદ પણ કરી છે, અને નાત પરત્વે હું કંઈ પણ કરૂ એવી મારી પાસેથી આશા સરખી નથી કરી. આ મીઠું ફળ કેવળ અપ્રતિકારને આભારી છે એમ મારી માન્યતા છે.

સ્રીની સાથેનો મારો સંબંધ હજુ હું ઈચ્છુ તેવો ન થયો. મારો દ્વેષી સ્વભાવ વિલાયત જતાં પણ હું ન મૂકી શક્યો. દરેક વાતમાં મારી ખાંખદ ને મારો વહેમ જારી રહ્યાં.

છોકરાઓની કેળવણી વિષે પણ મારે સુધારા કરવાં હતા. વડીલ ભાઈને છોકરા હતાં ને હું પણ એક બાળક મૂકી ગયો હતો તે હવે ચાર વર્ષનો થવા આવ્યો હતો. આ બાળકોને કસરત કરાવવી, તેમને મજબૂત કરવાં, ને મારો સહવાસ આપવો, એમ ધારણા હતી, આમાં ભાઈની સહાનુભુતિ હતી. થોડે ઘણે અંશે હું આમા સફળતા મેળવી શક્યો.

ખાવામાં પણ સુધારા કરવા જોઈએ એ તો સ્પષ્ટ હતું. ઘરમાં ચાકોફીને તો સ્થાન મળી ચુક્યું હતું.ચાકોફીને બદલે કોકો, પણ બદલો તો નામનો હતો, ચાકોફીમાં કોકોનો ઉમેરો જ થયો. બૂટમોજાંએ તો ઘર ઘાલ્યુ જ હતું. મેં કોટપાટલૂનથી ઘર પુનિત કર્યુ !

આમ ખરચ વધ્યું. નવીનતાઓ વધી. ઘેર ધોળૉ હાથી બંધાયો. પણ ખરચ લાવવુ ક્યાંથી ?

મિત્રની સલાહ એમ પડી કે મારે થોડો વખત મુંબઈ જઈ હાઈકોર્ટનો અનુભવ લેવો તથા હિંદુસ્તાનના કાયદાનો અભ્યાસ કરવો, ને કંઈ વકિલાત મળે તો મેળવવા કોશિશ કરવી. હું મુંબઈ જવા ઊપડયો.

ઘર માંડ્યુ. રસોઈયો રાખ્યો. રસોઈયો મારા જેવોજ હતો. બ્રાહ્મણ હતોં. મેં તેને નોકરની જેમ તો રાખ્યો જ નહીં. આ બ્રાહ્મણ નહાય પણ ધુએ નહીં, ધોતિયુ મેલું, જનોઈ મેલીં, શાસ્રનો અભ્યાસ ન મળૅ. વધારે સારો રસોઈઓ ક્યાંથી લાવું ?

મારે રવિશંકરના શિક્ષક થવાનું રહ્યુ, વખત તો પુષ્કળ હતો. અરધુ રવિશંકર રાંધે ને અરધુ હું. હું પોતે પંગતભેદ તો પાળતો જ નહોતો. રવિશંકરને પંગતનો આગ્રહ નહોતો. એટલે અમારો મેળ ઠીક જામ્યો. માત્ર આટલી શરત-આથવા કહો મુસીબત હતી : રવિશંકરે મેલની ભાઈબંધી છોડવાના ને રસોઈ સાફ રાખવાના સમ ખાધા હતા !

મારાથી ચાર પાંચ માસથી વધારે મુંબઈ રહેવાય તેમ હતુ જ નહીં, કેમકે ખર્ચ વધતું જાય ને આવક કંઈ જ નહીં.

આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.