Daily Archives: 19/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૬. નાતાલ પહોંચ્યો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

વિલાયત જતાં વિયોગ દુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો ચાલી ગઈ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ મુંબઈ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રાપ્તિ થઈ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી.

દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટ મારફતે મારે ટિકિટ કઢાવવાની હતી. પણ સ્ટીમરમાં કૅબીન ખાલી ન મળે. જો આવેળા ચૂકું તો મારે એક માસ લગી મુંબઈમાં હવા ખાવી પડે તેમ હતું.

તેના વડા માલમને મળ્યો. તેને પૂછતાં તેણે મને નિખાલસપણે જવાબ આપ્યો: ‘અમારે ત્યાં આટલી ભીડ ભાગ્યે જ હોય છે. પણ મોઝામ્બિકના ગવર્નર-જનરલ આ સ્ટીમરમાં જાય છે, તેથી બધી જગ્યા પુરાઈ ગઈ છે.’

‘ત્યારે શું તમે કોઈ રીતે મારે સારુ જગ્યા ન જ કાઢી શકો?’

માલમે મારી સામે જોયું. તે હસ્યો ને બોલ્યો, ‘એક ઉપાય છે. મારી કૅબીનમાં એક હીંચકો ખાલી હોય છે. તેમાં અમે ઉતારુને લેતા નથી, પણ તમને હું એ જગ્યા આપવા તૈયાર છું.’ હું રાજી થયો. માલમનો આભાર માન્યો.

પહેલું બંદર લામુ હતું. ત્યાં પહોંચતા લગભગ તેર દિવસ થયા. રસ્તામાં કપ્તાનની સાથે ઠીક મહોબત જામી.

લામુ બંદર આવ્યું. ત્યાં સ્ટીમર ત્રણ ચાર કલાક રોકાવાની હતી. હું બંદર જોવા નીચે ઊતર્યો. કપ્તાન પણ ગયો હતો. તેણે મને કહ્યું, અહીંનું બારું દગાખોર છે. તમે વહેલા પાછા વળજો.

સ્ટીમર ઊપડવાની પહેલી સીટી થઈ. હું ગભરાયો. કપ્તાન ઉપરથી જોઈ રહ્યો હતો. તેણે પાંચ મિનિટ સ્ટીમર થોભાવવા કહ્યું. સ્ટીમરની પાસે એક મછવો હતો તેને દસ રૂપિયા આપી મારે સારુ એક મિત્રે ભાડે કર્યો, ને તે મછવાએ પેલી હોડીમાંથી મને ઊંચકી લીધો.

લામુથી મોમ્બાસા ને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. ઝાંઝીબરમાં તો બહુ જ રોકાવાનું હતું ‌- આઠ કે દસ દિવસ. અહીં નવી સ્ટીમરમાં બદલવાનું હતું.

કપ્તાનના પ્રેમનો કંઈ પાર નહોતો. આ પ્રેમે મારે સારુ ઊલટું સ્વરૂપ પકડ્યું. તેણે મને પોતાની સાથે સહેલ કરવા જવા નોતર્યો.આ સહેલનો મર્મ હું મુદ્દલ નહોતો સમજ્યો. કપ્તાનને શી ખબર કે હું આવી બાબતોમાં છેક અજાણ્યો હોઈશ? અમે તો હબ્સી ઓરતોના વાડામાં પહોંચ્યા. એક દલાલ અમને ત્યાં લઈ ગયેલો. દરેક એક એક કોટડીમાં પુરાયા. પણ હું તો શરમનો માર્યો કોટડીમાં પુરાઈ જ રહ્યો. હું તો જેવો અંદર દાખલ થયો હતો તેવો જ બહાર નીકળ્યો.મેં ઈશ્વરનો પાડ માન્યો કે પેલી બહેનને જોઈ મને વિકાર સરખો પણ પેદા ન થયો. મને મારી નબળાઈ તરફ તિરસ્કાર ઊપજ્યો કે હું કોટડીમાં પુરાવાની જ ના પાડવાની હિંમત ન કરી શક્યો.

આ મારી જિંદગીની આવા પ્રકારની ત્રીજી કસોટી હતી. કેટલાયે જુવાનિયા પ્રથમ નિર્દોષ હોવા છતાં ખોટી શરમથી દોષમાં પડતા હશે. મારું બચવું મારા પુરુષાર્થને આભારી નહોતું. જો મેં કોટડીમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે પુરુષાર્થ ગણાત. મારા બચવાને સારુ મારે તો પાડ કેવળ ઈશ્વરનો જ માનવો રહ્યો છે. પણ આ કિસ્સાથી મારી ઈશ્વર ઉપરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કઈંક શીખ્યો.

ઝાંઝીબારમાં એક અઠવાડિયું ગાળવાનું હતું. તેથી હું એક મકાન ભાડે લઈ શહેરમાં રહ્યો.

ઝાંઝીબારથી મોઝામ્બિક ને ત્યાંથી માસની લગભગ આખરે નાતાલ પહોંચ્યો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.