Daily Archives: 11/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૩. મહાપ્રદર્શન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.


એફિલ ટાવર


પેરીસની એક ઝલક


Leo Tolstoy


આ પ્રકરણના થોડા અંશો :

સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિષે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઈચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફીલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એ ટાવર કેવળ લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટ ઊંચુ મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણું યે હતું.

પારીસના પ્રાચીન દેવળો યાદ રહી ગયાં છે. તેમની ભવ્યતા, તેમની અંદર મળતી શાંતિ ન ભુલાય તેવાં છે. નોત્રદામની કારીગરી ને અંદરનું ચિત્રકામ યાદ રહી ગયાં છે. જેમણે લાખો રૂપિયા આવાં સ્વર્ગીય દેવળોમાં નાખ્યા હશે તેમનામાં ઊંડે ઊંડે ઈશ્વરપ્રેમ તો હશે જ એમ લાગેલું.

દેવળમાં પેસતાં જ બહારની અશાંતિ ભુલાઈ જાય. લોકોની વર્તણૂક બદલાઈ જાય. લોકો અદબથી વર્તે. ત્યાં ઘોંધાટ હોય નહીં. કુમારિકા મરિયમની મૂર્તિ આગળ કોઈ ને કોઈ પ્રાર્થના કરતું જ હોય. આ બધો વહેમ નથી પણ હ્રદયની ભાવના છે, એ અસર ત્યારે થઈ ને તે વૃદ્ધિ પામતી ગઈ છે. કુમારિકાની મૂર્તિ સમક્ષ ઘૂંટણે પડીને પ્રાર્થના કરનારા ઉપાસકો આરસના પથ્થરને નહોતા પૂજતા, પણ તેમાં રહેલી તેમની કલ્પનાની શક્તિને પૂજતા હતા. તેથી તેઓ ઈશ્વરનો મહિમા ઓછો નહોતા કરતા પણ વધારતા હતા, એવી અસર મારા મન ઉપર થવાનું ઝાંખુ સ્મરણ મને આજ પણ છે.

એફિલ ટાવર વિષે બે બોલ આવશ્યક છે. એફિલ ટાવર હાલ શો અર્થ સારે છે એ હું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિષે વર્ણનો તો વાંચવામાં આવે જ. તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટૉલસ્ટોય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે, તેના જ્ઞાનનુ પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમ્મસ ચડે છે. ને તેથી તે હવાઈ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટૉલસ્ટૉયે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો.

એફિલ ટાવરમાં કશું સૌંદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે, તે જોવાને હજારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું. ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ, એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે એ તેની ઉપયોગિતા ભલે મનાઓ.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.