Daily Archives: 25/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૧. ખ્રિસ્તી સંબંધો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્સ આદિની ઓળખાણ થઈ. બધાંએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં પણ તેમનું અનુકરણ કર્યું. પાર્થનામાં જેની જે ઈચ્છામાં આવે તે ઈશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઈશ્વર અમારાં હૃદયનાં દ્વાર ખોલો, ઇત્યાદિ તો હોય જ. મારે સારુ પણ પ્રાર્થના થઈ: ‘અમારી વચ્ચે જે નવો ભાઈ આવ્યો છે તેને તું માર્ગ બતાવજે.

મિસ હૅરિસ અને મિસ ગેબ એ બે પીઢ કુમારિકાઓ હતી. મિ. કોટ્સ ક્વેકર હતા. આ બે બાઈઓ સાથે રહેતી. તેમણે મને દર રવિવારે તેમને ત્યાં ચાર વાગ્યાની ચા લેવાને સારુ નોતર્યો. મિ. કોટ્સ મળે ત્યારે દર રવિવારે મારે તેમને અઠવાડિયાની ધાર્મિક રોજનીશી સંભળાવવાનું હોય. શાં શાં પુસ્તકો વાંચ્યાં, મારા મન ઉપર તેમની શી અસર થઈ, એ ચર્ચા કરીએ. આ બાઈઓ પોતાના મીઠા અનુભવો સંભળાવે અને પોતાની પરમ શાંતિની વાત કરે.

મિ. કોટ્સ એક નિખાલસ મનના ચુસ્ત જવાન ક્વેકર હતા. તેમની સાથે મારો સંબંધ ગાઢ થયો. અમે ઘણી વેળા ફરવા પણ જઈએ. તે મને બીજા ખ્રિસ્તીઓને ત્યાં લઈ જાય.

કોટ્સે મને પુસ્તકોથી લાદ્યો. જેમ જેમ તે મને ઓળખતા જાય તેમ તેમ તેમને યોગ્ય લાગે તે પુસ્તકો વાંચવા મને આપે. મેં પણ કેવળ શ્રદ્ધાથી તે તે પુસ્તકો વાંચવા કબૂલ કર્યું. આ પુસ્તકોની અમે ચર્ચા પણ કરીએ.

આવાં પુસ્તકો મેં સને ૧૮૯૩ના વર્ષમાં ઘણાં વાંચ્યાં.

પણ કોટ્સ કંઈ હારે એમ નહોતા. તેમની માયાનો પાર નહોતો. તેમણે મારા ગળામાં વૈષ્ણવની કંઠી જોઈ. તેમને આ વહેમ લાગ્યો ને તે જોઈ દુ:ખ થયું. ‘આ વહેમ તારા જેવાને ન શોભે, લાવ તે તોડું.’

‘એ કંઠી ન તૂટે; માતુશ્રીની પ્રસાદી છે.’

‘પણ તમે તેને માનો છો?’

‘એનો ગૂઢાર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું. પણ જે માળા મને માતુશ્રીએ પ્રેમપૂર્વક પહેરાવી, જે પહેરવામાં મારું શ્રેય માન્યું, તેનો વિના કારણ હું ત્યાગ નહીં કરું. કાળે કરીને તે જીર્ણ થઈ તૂટી જશે ત્યારે બીજી મેળવી પહેરવાનો મને લોભ નહીં રહે. પણ આ કંઠી ન તૂટે.’

કોટ્સ મારી દલીલની કદર ન કરી શક્યા કેમ કે તેમને તો મારા ધર્મને વિષે જ અનાસ્થા હતી.

આ પરિચયોમાં એક ‘પ્લીમથ બ્રધરન’નું કુટુંબ હતું. ‘પ્લીમથ બ્રધરન’ નામનો એક ખ્રિસ્તી સંપ્રદાય છે. કોટ્સે કરાવેલા ઘણા પરિચયો મને સારા લાગ્યા. તે માણસો ઈશ્વરથી ડરનારા હતા એમ લાગ્યું. પણ આ કુટુંબમાં મારી સાથે આવી દલીલ થઈ: ‘અમારા ધર્મની ખૂબી જ તમે ન સમજી શકો.

મને આ દલીલ મુદ્દલ ગળે ન ઊતરી. મેં નમ્રતાપૂર્વક જવાબ વાળ્યો: ‘જો સર્વમાન્ય ખ્રિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામથી મુક્તિ નથી માગતો, હું તો પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહેશે.’

આ પરિચયથી કોટ્સને થયેલો ગભરાટ મેં શાંત પાડ્યો ને ખાતરી આપી કે એક પ્લીમથ બ્રધરની અનુચિત માન્યતાથી હું ખ્રિસ્તી ધર્મ સામે ભરમાઈ જાઉં તેમ નથી. મારી મુશ્કેલીઓ તો બાઇબલ વિષે ને તેના રૂઢ અર્થ વિષે હતી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.