સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૪. બારિસ્ટર તો થયા—પણ પછી?
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
જે કામ—બારિસ્ટર થવા—ને સારુ હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિષે કંઈક લખવાનો સમય આવ્યો છે.
બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ’ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. એવા બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ’ખાણાં ખાવાં’, એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું.
વિદ્યાર્થીઓને સારુ એક જાતનું ખાણું ને ’બેન્ચરો’ (વિદ્યામંદિરના વડાઓ)ને સારુ બીજું ને ભારે ખાણું હોય. મારી સાથે એક પારસી વિદ્યાર્થી હતા તે પણ અન્નાહારી બન્યા હતા. અમે બંનેએ અન્નાહારના પ્રચારાર્થે બેન્ચરના ખાણામાંથી અન્નાહારીને ખપતા પદાર્થોની અરજી કરી. તે અરજી મંજૂર રહી, એટલે અમને બેન્ચરના તેબલ ઉપરથી ફળાદિ અને બીજાં શાક મળવા લાગ્યાં.
આ ખાણાંપીણાંથી બારિસ્ટરીમાં શો વધારો થઈ શકે એ હું ન ત્યારે જોઈ શક્યો, ન પાછળથી. એવો એક સમય હતો ખરો કે જ્યારે આ ખાણામાં થોડા જ વિદ્યાર્થીઓ હતા ને તેઓ તથા બેન્ચરો વચ્ચે વાર્તાલાપ થતો ને ભાષણો પણ થતાં. આમાંથી તેઓ વ્યવહારજ્ઞાન મેળવી શકતા, સારી માઠી પણ એક પ્રકારની સભ્યતા કેળવતા, અને ભાષણ કરવાની શક્તિ વધારતા. આ બધું મારા વખતમાં તો અશક્ય જ હતું. બેન્ચરો તો છેટે અસ્પૃશ્ય થઈ બેઠા હોય. આ જૂના રિવાજનો પાછળથી કશો અર્થ ન રહ્યો. છતાં તે પ્રાચીનતાપ્રેમી—ધીમા—ઇંગ્લંડમાં રહી ગયો.
કાયદાનો અભ્યાસ સહેલો હતો. બારિસ્ટરો વિનોદમાં ’ડિનર (ખાણાના) બારિસ્ટર’ તરીકે જ ગણાતા. સહુ જાણતા કે પરીક્ષાની કિંમત નહીં જેવી હતી. મારા સમયમાં બે પરીક્ષાઓ હતી : રોમન લૉ અને ઇંગ્લંડના કાયદા. બે કકડે અપાતી આ પરીક્ષાનાં પુસ્તકો મુકરર હતાં. પણ તે તો ભાગ્યે જ કોઈ વાંચે.
પણ મેં તેને બોજારૂપ કરી મૂકી. મને લાગ્યું કે મારે અસલ પુસ્તકો વાંચી જ જવા જોઈએ. ન વાંચવામાં મને છેતરપિંડી લાગી. તેથી મેં તો અસલ પુસ્તકો ખરીદી ઠીક ખર્ચ કર્યું. ’રોમન લૉ’ લૅટિનમાં વાંચી જવાનો નિશ્ચય કર્યો. વિલાયતની મૅટ્રિક્યુલેશનમાં હું લૅટિન શીખેલો તેનો અહીં ઉપયોગ થયો. આ વાચન વ્યર્થ ન ગયું. દક્ષિણ આફ્રિકામાં રોમન ડચ લૉ પ્રમાણભૂત હોય છે. તે સમજવામાં મને જસ્ટિનિયનનું વાચન બહુ ઉપયોગી થઈ પડ્યું.
પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧નો દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિંલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો.
પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડ્યું એમ લાગ્યું.
આ વ્યથાના વર્ણનને સારુ નોખું પ્રકરણ જોઈએ.