Daily Archives: 17/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૪. પહેલો આઘાત

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું.

મુંબઈમાં કમિશન નહીં આપવાની મારી ટેક હતી તે અહીં તૂટી ગણાય.

જોકે મારું આર્થિક ગાડું તો ચાલ્યું, પણ જિંદગીનો પહેલો આઘાત આ અરસામાં મળ્યો. બ્રિટિશ અમલદાર એટલે શું એ હું કાને સાંભળતો. નજરોનજર જોવાનું મને હવે મળ્યું.

પોરબંદરના માજી રાણાસાહેબને ગાદી મળી તે પૂર્વે મારા ભાઈ તેમના મંત્રી ને સલાહકાર હતા. તે દરમ્યાન તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપ્યાનું તહોમત તેમની ઉપર હતું. આ ફરિયાદ તે સમયના પોલિટિકલ એજન્ટને મળેલી ને તે મારા ભાઈની સામે ભરમાયા હતા. આ અમલદારને હું વિલાયતમાં મળેલો હતો. ત્યાં તેમણે મારી મૈત્રી ઠીક કરી કહેવાય. ભાઈએ વિચાર્યું કે, આ ઓળખાણનો લાભ લઈ મારે પોલિટિકલ એજન્ટને બે શબ્દો કહેવા ને તેમની ઉપર જે ખરાબ અસર પડી હોય તે ભૂંસવા પ્રયત્ન કરવો. મને આ વાત જરાયે પસંદ ન પડી.

ભાઈનું મોં ન મૂકી શક્યો. મારી મરજી વિરુદ્ધ હું ગયો. મને અમલદારની પાસે જવાનો કશો અધિકાર નહોતો. જવામાં મારા સ્વમાનનો ભંગ થતો હતો એની મને શુદ્ધિ હતી. મેં મળવાનો વખત માગ્યો; મને મળ્યો; હું ગયો. જૂની ઓળખાણ કાઢી. પણ મેં તુરત જોયું કે વિલાયત અને કાઠિયાવાડમાં ભેદ હતો; પોતાની ખુરશીએ બેઠેલા અમલદાર અને રજા ઉપર ગયેલ અમલદારમાં પણ ભેદ હતો.

મેં મારું પ્રકરણ ઉખેળ્યું. સાહેબ અધીરા થયા. ‘તારા ભાઈ ખટપટી છે. તારી પાસેથી વધારે વાત સાંભળવા હું નથી માગતો. મને વખત નથી. તારા ભાઈને જો કંઈ કહેવું હોય તો તે રીતસર અરજી કરે.’ આ ઉત્તર બસ હતો, યથાર્થ હતો; પણ ગરજને જ્ઞાન ક્યાંથી હોય? હું તો મારું પ્રકરણ ચલાવી રહ્યો હતો. સાહેબ ઊઠ્યા. ‘હવે તમારે જવું જોઈએ.’

મેં કહ્યું, ‘પણ મારી વાત તો પૂરી સાંભળો.’

સાહેબ ખૂબ ખિજાયા. ‘પટાવાળા, ઇસકો દરવાજા બતાઓ.’

‘હજૂર’ કહી પટાવાળો દોડી આવ્યો. હું તો હજુ કંઈક બકી રહ્યો હતો. પટાવાળાએ મને હાથ લગાડ્યો ને મને દરવાજાની બહાર કાઢ્યો.

સાહેબ ગયા, પટાવાળો ગયો. હું ચાલ્યો, અકળાયો, ખિજાયો. મેં તો ચિઠ્ઠી ઘસડી: ‘તમે મારું અપમાન કર્યું છે, પટાવાળાની મારફતે મારી ઉપર હુમલો કર્યો છે. તમે માફી નહીં માગો તો તમારા ઉપર રીતસર ફરિયાદ કરીશ.’ આ ચિઠ્ઠી મેં મોકલી. થોડી જ વારમાં સાહેબનો સવાર જવાબ આપી ગયો:

‘તમે મારા તરફ અસભ્યપણે વર્ત્યા. તમને જવાનું કહ્યું છતાં તમે ન ગયા, તેથી મેં જરૂર મારા પટાવાળાને તમને દરવાજો દેખાડવા કહ્યું, ને પટાવાળાના કહેવા છતાં તમે કચેરી ન છોડી. તેણે તમને કચેરી બહાર કાઢવા પૂરતું બળ વાપર્યું. તમારે જે પગલાં લેવાં હોય તે લેવા તમે છૂટા છો.’ જવાબની આ મતલબ હતી.

આ સમયે સર ફિરોજશા મહેતા પોતાના કોઈક કેસસર રાજકોટમાં હતા. તેમને મારા જેવો નવો બારિસ્ટર તો ક્યાંથી મળી શકે? પણ તેમને રોકનાર વકીલની મારફતે તેમને કાગળિયાં મોકલી તેમની સલાહ પુછાવી. ‘ગાંધીને કહો, આવા કિસ્સા તો બધા વકીલ બારિસ્ટરના અનુભવમાં આવ્યા હશે. તું નવોસવો છે. તને હજુ વિલાયતની ખુમારી છે. તું બ્રિટિશ સમલદારને ઓળખતો નથી. જો તારે સુખેથી બેસવું હોય ને બે પૈસા કમાવા હોય તો તને મળેલી ચિઠ્ઠી ફાડી નાંખ અને થયેલું અપમાન ગળી જા.

મને આ શિખામણ કડવી ઝેર લાગી. પણ તે કડવો ઘૂંટડો ગળે ઉતાર્યે છૂટકો હતો. હું અપમાન ભૂલી તો ન જ શક્યો, પણ મેં તેનો સદુપયોગ કર્યો. ‘આવી સ્થિતિમાં ફરી કોઈ દિવસ નહીં મુકાઉં, કોઈની સિફારસ આમ નહીં કરું.’ આ નિયમનો કદી ભંગ નથી કર્યો. આ આઘાતે જિંદગીનું સુકાન બદલ્યું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.