Monthly Archives: July 2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૪. કારકુન અને ’બેરા’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મહાસભાને ભરાવાને એક બે દિવસની વાર હતી. મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાના દફતરમાં જો મારી સેવાનો સ્વીકાર થાય તો મારે સેવા કરવી ને અનુભવ મેળવવો.

જે દિવસે અમે આવ્યા તે જ દિવસે નાહીધોઇને મહાસભાના દફતરમાં ગયો. શ્રી ભૂપેન્દ્રનાથ બસુ અને શ્રી ઘોષળ મંત્રી હતા. ભૂપેનબાબુની પાસે પહોંચ્યો ને સેવા માગી. તેમણે મારી સામે જોયું ને બોલ્યા:

‘મારી પાસે તો કંઇ કામ નથી, પણ કદાચ મિ. ઘોષળ તમને કઇંક સોંપશે. તેમની પાસે જાઓ.’

હું ઘોષળબાબુ પાસે ગયો. તેમણે મને નિહાળ્યો. જરા હસ્યા ને પૂછયું:

‘મારી પાસે તો કારકુનનું કામ છે. તે કરશો?’

મેં જવાબ આપ્યો: ‘જરૂર કરીશ. મારી શક્તિ ઉપરાંત નહીં હોય તે બધું કરવા હું આપની પાસે આવ્યો છું.’

‘નવજુવાન, એ જ ખરી ભાવના છે.’

સ્વયંસેવકો તેમની પડખે ઊભા હતા તેમની તરફ જોઈ બોલ્યા:

‘તમે જુઓ છો કે આ જુવાન શું કહે છે?’

પછી મારા તરફ વળીને બોલ્યા:

‘ત્યારે આ રહ્યો કાગળનો ઢગલો ને આ મારી સામે ખુરશી. તે તમે લો.

પડેલો ઢગલો તો મેં તુરત પૂરો કર્યો.

અમારી વચ્ચે ઠીક ઠીક ગાંઠ બંધાઈ. મને બપોરના ખાણામાં પોતાની સાથે જ રાખ્યો. ઘોષળબાબુના બટન પણ ‘બૅરા’† ભીડતો. એ જોઈ ‘બૅરા’નું કામ મેં જ લઈ લીધું. મને તે ગમતું. વડીલો તરફ મારો આદર ખૂબ હતો. આવી સેવા પ્રત્યે મનમાં મુદ્દલ અભાવ ન થયો. મને જે લાભ થયો તેની તો કિંમત અંકાય તેમ નથી.

થોડા જ દિવસમાં મહાસભાના તંત્રની મને ખબર પડી. ઘણા આગેવનોની ભેટ થઈ. ગોખલે, સુરેન્દ્રનાથ, વગેરે યોદ્ધાઓ આવજા કરે. તેમની રીતભાત હું જોઇ શક્યો. વખતની જે બરબાદી થતી હતી તેનું દર્શન પણ મને થયું. અંગ્રેજી ભાષાનું પ્રાબલ્ય પણ પણ જોયું. તેથી ત્યારે પણ દુઃખી થયો. એકથી થાય તે કામમાં એકથી વધારે રોકાતા હતા તે મેં જોયું, ને કેટલાંક અગત્યનાં કામ કોઇ જ નહોતું કરતું એ પણ જોયું.

મારું મન આ બધી સ્થિતિની ટીકા કર્યા કરતું હતું. પણ ચિત્ત ઉદાર હતું તેથી જે થાય તેમાં સુધારો અશક્ય હશે એમ માની લેતું હતું, ને કોઇના પ્રત્યે અણગમો નહોતો થતો.


†અંગ્રૅજી ‘બૅરર’ શબ્દનો અપભ્રંશ. અંગસેવા કરનાર, ખિદમતગાર. કલકત્તામાં હરકોઇ ઘરનોકરને માટે ‘બૅરા’ શબ્દ વપરાય છે.


‘Clerk And Bearer’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૩. દેશમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આમ દેશ જવા વિદાય થયો. રસ્તામાં મોરેશિયસ આવતું હતું. ત્યાં સ્ટીમર લાંબો વખત રોકાઇ હતી. તેથી મોરેશિયસમાં ઊતર્યોને ત્યાંની સ્થિતિનો ઠીક અનુભવ લીધો. એક રાત ત્યાંના ગવર્નર, સર ચાર્લ્સ બ્રૂસને ત્યાં પણ ગાળી હતી.

હિંદુસ્તાન પહોંચ્યા પછી થોડો સમય ફરવામાં ગાળ્યો. આ સને ૧૯૦૧ની સાલ હતી. એ વર્ષની મહાસભા કલકત્તે હતી. દીનશા એદલજી વાચ્છા પ્રમુખ હતા. મારે મહાસભામાં તો જવાનું હતું જ. મહાસભાનો મારો આ પહેલો અનુભવ હતો.

મુંબઈથી જે ગાડીમાં સર ફિરોજશા નીકળ્યા તે જ ગાડીમાં હું ગયો હતો. તેમની સાથે મારે દક્ષિણ આફ્રિકા વિષે વાત કરવાની હતી. મને જોઈને સર ફિરોજશા બોલ્યાઃ ‘ગાંધી, તમારું કામ સરવાનું નથી. તમે કહેશો તે ઠરાવ તો અમે પાસ કરી દઈશું, પણ આપણા દેશમાં જ આપણને શા હક મળે છે? હું તો માનું છું કે જ્યાં લગી આપણા દેશમાં આપણને સત્તા નથી ત્યાં લગી સંસ્થાનોમાં તમારી સ્થિતિ સુધરી નહીં શકે.’

હું તો આભો જ થઈ રહ્યો. સર ચીમનલાલે ટાપશી પૂરી. સર દીનશાએ મારી સામે દયામણી નજરે જોયું.

મેં સમજાવવા કઈંક પ્રયત્ન કર્યો. પણ મુંબઈના બેતાજ બાદશાહને મારા જેવો શું સમજાવી શકે? મને મહાસભામાં ઠરાવ રજૂ કરવા દેશે એટલાથી મેં સંતોષ માન્યો.

‘ઠરાવ ઘડીને મને બતાવજે હોં, ગાંધી!’ સર દીનશા વાચ્છા મને ઉત્તેજન દેવા બોલ્યા.

મેં ઉપકાર માન્યો. બીજે સ્ટેશને જેવી ગાડી ઊભી રહી તેવો હું ભાગ્યો ને મારા ડબ્બામાં પેસી ગયો.

કલકત્તે પહોંચ્યા. શહેરીઓ પ્રમુખ વગેરે નેતાઓને ધામધૂમથી લઈ ગયા. મેં કોઈ સ્વયંસેવકને પૂછ્યું, ‘મારે ક્યાં જવું?’

તે મને રિપન કૉલેજમાં લઈ ગયો.

પણ અહીંની ગોઠવણ જરા તપાસીએ.

સ્વયંસેવકો એકબીજા સાથે અથડાય. જે કામ જેને સોંપો તે તેનું ન હોય. તે તુરત બીજાને બોલાવે; બીજો ત્રીજાને. બાપડો પ્રતિનિધિ તો નહીં ત્રણમાં, નહીં તેરમાં ને નહીં છપ્પનના મેળમાં.

જેવા સ્વયંસેવકો તેવા જ પ્રતિનિધિ. તેમને પણ તેટલા જ દહાડાની તાલીમ. પોતાના હાથે પોતે કશું જ ન કરે. બધી વાતમાં હુકમ. ‘સ્વયંસેવક, આ લાવો ને તે લાવો’ ચાલ્યા જ કરે.

અખા ભગતના ‘અદકેરા અંગ’નો પણ ઠીક અનુભવ થયો. આભડછેટ ઘણાને લાગે. દ્રાવિડી રસોડું તો સાવ નિરાળું. આ પ્રતિનિધિઓને ‘દૃષ્ટિદોષ’ પણ લાગે! તેમને સારુ કોલેજના કમ્પાઉન્ડમાં સાદડીઓનું રસોડું બાંધવામાં આવ્યું હતું. માણસ ગૂંગળાઇ જાય એટલો તેમાં ધુમાડો. ખાવાનું પીવાનું બધું તેમાં. રસોડું એટલે તિજોરી. ક્યાંયથી ઉઘાડું ન જ હોવું જોઇએ!

મને આ વર્ણધર્મ અવળો લાગ્યો.

ગંદકીનો પાર નહોતો. બધે પાણી જ પાણી થઈ રહ્યું હતું. પાયખાનાં થોડાં જ હતાં. તેની દુર્ગંધનું સ્મરણ મને હજુ પજવે છે.

મેં જોયું કે આવી ગંદકીમાં જો મહાસભાની બેઠક જો વધુ વખત ચાલુ રહે તો અવશ્ય રોગચાળો ફાટી નીકળે.


‘In India Again’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૨. દેશગમન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે.

મેં સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી. ઘણી મુસીબતે એ માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું. મને આ શરત કઠણ લાગી, પણ પ્રેમપાશથી હું બંધાયેલો હતો :

કાચે રે તાંતણે મને હરજીએ બાંધી
જેમ તાણે તેમ તેમની રે
મને લાગી કટારી પ્રેમની.

આ મીરાંબાઈની ઉપમા થોડેઘણે અંશે મને લાગુ પડતી હતી. પંચ પણ પરમેશ્વર જ છે. મિત્રોના બોલને હું તરછોડી નહોતો શકતો. મેં વચન આપ્યું ને રજા મેળવી.

નાતાલના હિંદીઓએ મને પ્રેમામૃતથી નવડાવી મૂક્યો. ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીંમતી ભેટો આવી.

આ વખતની ભેટોથી ને સભાઓનાં દૃશ્યથી હું અકળાયો. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી.

આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય ?

વળી, આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ એને મળેલી વસ્તુ પણ મારી સેવાને અંગે હતી, એટલે તેને નોખી તારવી ન શકાય.

જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટ જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.

હું કદાચ ભેટો જીરવી શકું. પણ મારાં બાળકોનું શું ? સ્ત્રીનું શું ?

મારાથી આ વસ્તુઓ ન જ રખાય એવા નિર્ણય ઉપર હું આવ્યો.

ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાળકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો.

બાળકો તો તુરત સમજ્યા. ’અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતા ?’ આમ તેઓ બોલ્યા.

હું રાજી થયો. ’ત્યારે બાને તમે સમજાવશો ને ?’ મેં પૂછ્યું.

’જરૂર, જરૂર. એ અમારું કામ. એને ક્યાં એ દાગીના પહેરવા છે ? એ તો અમારે સારુ રાખવા ઈચ્છે. અમારે એ ન જોઈએ, પછી એ શાની હઠ કરે ?’

પણ કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું.

’તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું ? એમને તો ખપ આવશે ? અને કોણ જાણે કે કાલે શું થશે ?

મેં હળવેથી કહ્યું : ’છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે ? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે ? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો ?’

’જાણ્યા તમને. મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના ? મને સુખે નથી પહેરવા દીધું એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા ? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો ! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શો હક ?’

’પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે ?’ મેં પૂછ્યું.

’ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી એ સેવામાં નહીં ગણાતું હોય ? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરીઓ કરાવી તેનું શું ?’

આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. ઘણી વાતોમાં હું જેવી તેવી સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી ને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ, મારી ઈચ્છા મુજબ અથવા ટ્રસ્ટીઓની ઈચ્છા મુજબ, થાય એ શરતે તે બેંકમાં મુકાઈ. એ ઘરેણાં વેચવા નિમિત્તે ઘણી વેળા હું પૈસા એકઠા કરી શક્યો છું. આજે પણ આપત્તિફાળા તરીકે તે મોજૂદ છે ને તેમાં વૃદ્ધિ થતી ગઈ છે.

આ પગલાને વિષે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાઈને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યા છીએ.

જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું.


‘Return To India’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૧. શહેરસુધરાઈ-દુકાળફાળો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સમાજનું એક પણ અંગ અવાવરુ રહે એ મને હમેશાં ખૂંચ્યું છે. પ્રજાના દોષો ઢાંકીને તેનો બચાવ કરવો અથવા દોષો દુર કર્યા વિના હકો મેળવવા એ મને હમેશાં અરુચતું લાગ્યું છે. તેથી દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ ઉપરનું એક તહોમત, જેમાં કંઇક વજુદ હતું, તેનો ઈલાજ કરવાનું કાર્ય મારા ત્યાંના વસવાટના આરંભકાળમાં જ યોજ્યું હતું.

મને કેટલાક કડવા અનુભવો પણ થયા.

આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે, હિંદી સમાજમાં ઘરબાર સ્વચ્છ રાખવાની અગત્યનો ઓછાવત્તા પ્રમાણમાં સ્વીકાર થયો.

પણ હજુ સમાજની વૃતિને બીજી એક દિશામાં ખીલવવાનું બાકી રહેતું હતું. આ સંસ્થાનવાસીઓએ ભારતવર્ષ પ્રત્યેનો પોતાનો ધર્મ પણ પ્રસંગ આવ્યે સમજવાનો અને પાળવાનો હતો. ભારતવર્ષ તો કંગાળ છે. લોકો ધન કમાવાને સારું પરદેશ વેઠે છે. તેમની કમાણીનો કંઇક ભાગ ભારતવર્ષને આપત્તિને સમયે મળવો જોઈએ. સન ૧૮૫૭માં દુકાળ હતો ને પાછો બીજો સખત દુકાળ ૧૮૯૯માં પડ્યો. આ બન્ને દુકાળને સમયે દક્ષિણ આફ્રિકાથી સારી મદદ ગયેલી. પહેલા દુકાળ વખતે જે રકમ એકઠી થઇ શકી હતી તેના કરતાં બીજા દુકાળ વખતે ઘણી સારી રકમ થઇ હતી. આ ઉઘરાણામાં અંગ્રેજોની પાસે પણ અમે ફાળો માંગેલો. અને તેમના તરફથી સારો જવાબ મળ્યો હતો. ગિરમિટિયા હિંદીઓએ પણ પોતાનો ફાળો ભર્યો હતો.

આમ, આ બે દુકાળ વખતે જે પ્રથા પાડી તે હજુ સુધી કાયમ છે. અને આપણે જોઈએ છીએ કે, ભારતવર્ષમાં સાર્વજનિક સંકટને સમયે દક્ષિણ આફ્રિકા તરફથી સારી રકમો ત્યાં વસતા હિંદીઓ હમેશાં મોકલે છે.

આ રીતે, દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સેવા કરતાં હું પોતે ઘણી વસ્તુઓ એક પછી એક અનાયાસે શીખી રહ્યો હતો. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતાં જોવામાં આવે છે. તેને અંત જ હોતો નથી. જેમ જેમ તેમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યા કરે છે, સેવાના પ્રસંગો જડ્યા કરે છે.


‘Sanitary Reform And Famine Relief’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૦. બોઅર યુદ્ધ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સને ૧૮૯૭થી ‘૯૯ દરમ્યાનના જિંદગીના બીજા અનેક અનુભવો છોડીને હવે બોઅર યુદ્ધ ઉપર આવું છું. આ યુદ્ધ જ્યારે થયું ત્યારે મારી પોતાની લાગણી કેવળ બોઅરો તરફ હતી. પણ આવી બાબતમાં વ્યક્તિગત વિચારો મુજબ કામ કરવાનો અધિકાર મને હજુ પ્રાપ્ત નથી થયો એમ હું માનતો હતો. આ બાબતની ગડમથલનું સૂક્ષ્મ નિરીક્ષણ મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં કર્યું છે, તેથી અહીં કરવા નથી ઇચ્છતો. જિજ્ઞાસુને તે ઇતિહાસ વાંચી જવા સૂચવુ છું. અહીં તો એટલું જ કહેવું બસ છે કે, બ્રિટિશ રાજ્ય તરફની મારી વફાદારી મને તે યુદ્ધમાં ભાગ લેવા બળાત્કારે ઘસડી ગઇ. મને લાગ્યું કે, જો હું બ્રિટિશ રૈયત તરીકે હકો માગી રહ્યો હતો, તો બ્રિટિશ રૈયત તરીકે બ્રિટિશ રાજ્યના રક્ષણમાં ભાગ આપવાનો મારો ધર્મ હતો. આખરે લડાઇમાં સેવા કરવા દેવાની અમે સરકારને અરજી કરી. જવાબમાં સરકારે ઉપકાર માન્યો. પણ અમારી સેવાની તે વેળા જરૂર નહોતી એમ અમને જણાવવામાં આવ્યું.

બોઅરોની તૈયારી, દૃઢતા, વીરતા, ઈત્યાદી ધાર્યા કરતાં વધારે તેજસ્વી નીવડ્યાં. સરકારને ઘણા રંગરૂટોનો ખપ પડ્યો, અને અંતે અમારી માગણીનો સ્વીકાર થયો.

ટુકડીમાં લગભગ ૧,૧૦૦ જણ હતા. તેમાં લગભગ ૪૦ મુખી હતા. બીજા ત્રણસેંક સ્વતંત્ર હિંદીઓ ભરતીમાં દાખલ થયા હતા. બાકીના ગિરમીટિયા હતા. દા. બૂથ પણ અમારી સાથે હતા. ટુકડીએ કામ સરસ કર્યું, જોકે તેને દારૂગોળાની બહાર કામ કરવાનું હતું અને તેને ‘રેડ ક્રોસ'[૧] નું રક્ષણ હતું. છતાં ભીડને સમયે દારૂગોળાની હદની અંદર કામ કરવાની તક પણ અમને મળી.

આ દિવસોમાં બધાને ઘણી વાર દહાડાની વીસપચીસ માઇલની મજલ કરવી પણતી; અને એક વખત તો ઘાયલોને ડોળીમાં ઊંચકીને તેટલા માઇલ ચાલવું પડ્યું હતું. જે ઘાયલ થયેલ યોદ્ધાઓને અમારે આમ ઊંચકીને જવાનુ હતું તેમાં જનરલ વુડગેટ વગેરે પણ હતા.

છ અઠવાડિયાંને અંતે અમારી ટુકડીને વિદાયગીરી આપવામાં આવી. સ્પિયાંકોપ અને વાલક્રાન્ઝની હાર પછી લેડીસ્મિથ વગેરે સ્થળોને બોઅરોના ઘેરામાંથી મહાવેગે મુક્ત કરવાનો વિચાર બ્રિટિશ સેનાપતિએ માંડી વાળ્યો હતો, અને ઈંગ્લેંડથી તથા હિંદુસ્તાનથી બીજા વધારે લશ્કરની રાહ જોવાનો તથા ધીમે કામ લેવાનો નિશ્ચય કર્યો હતો.

અમારા નાનકડા કામની તે વેળા તો બહુ સ્તુતિ થઇ.

હિંદી કોમ વધારે સંગઠિત થઇ. હું ગિરમીટિયા હિંદીઓના પ્રસંગમાં ઘણો વધારે આવી શક્યો. તેમનામાં વધારે જાગૃતિ આવી. અને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, મદ્રાસી, ગુજરાતી, સિંધી બધા હિંદી છીએ એ લાગણી વઘારે દૃઢ થઇ. સહુએ માન્યું કે હવે હિંદીઓ ઉપરનાં દુ:ખ દૂર થવાં જ જોઇએ. ગોરાઓની વર્તણૂકમાં પણ તે વખતે તો ચોખ્ખો ફેરફાર જણાયો.

લડાઇમાં જે ગોરાઓનો પ્રસંગ પડ્યો તે મીઠો હતો. હજારો ‘ટોમી’ઓના સહવાસમાં અમે આવ્યા. તેઓ અમારી સાથે મિત્રભાવે વર્તતા ને અમે તેમની સેવા સારુ હતા એ જાણી ઉપકાર માનતા.

મનુષ્યસ્વભાવ દુ:ખને સમયે કેવો પીગળે છે એનું એક મધુર સ્મરણ અહીં નોંધ્યા વિના ન રહી શકાય. અમે ચીવલી છાવણી તરફ જતા હતા. આ એ જ ક્ષેત્ર હતું જ્યાં લોર્ડ રોબર્ટસના પુત્ર લેફ્ટનન્ટ રોબર્ટસને મરણઘા વાગ્યો હતો. લેફ્ટનન્ટ રોબર્ટસના શબને લઇ જવાનું માન અમારી ટુકડી પામી હતી. વળતે દહાડે તાપ સખત હતો. અમે કૂચ કરી રહ્યા હતા. સહુ તરસ્યા હતા. પાણી પીવાને સારુ રસ્તામાં એક નાનકડો ઝરો હતો. કોણ પહેલાં પાણી પીએ ? ‘ટોમી’ઓ પી રહ્યા પછી આપણે પીશું એમ મેં ધાર્યું હતું. ‘ટોમી’ઓએ અમને જોઇ તુરત અમને પહેલાં પાણી પીવા દેવા આગ્રહ માંડ્યો, ને અમે ઘણી વાર સુધી અમારી વચ્ચે ‘તમે પહેલાં, અમે પછી’ એવી મીઠી તાણતાણ ચાલી.


[૧] એટલે લાલ સ્વતિક. યુદ્ધમાં આ ચિહ્નવાળા પટ્ટા શુશ્રષાનાં કામ કરનારને ડાબે હાથે બાંધે છે. શત્રુ પણ તેમને ઇજા ન કરી શકે તેવા નિયમ હોય છે. વધુ વિગત માટે જુઓ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ‘ ખંડ ૧, પ્ર. ૯‘The Boer War’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૯. સાદાઈ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ઘર વસાવ્યું તેવો જ મેં ખરચ ઓછું કરવાનો આરંભ કર્યો. ધોબીનું ખરચ પણ વધારે લાગ્યું.એટલે ધોવાનો સરંજામ વસાવ્યો.ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યો. પત્નીને પણ શીખવ્યું. કંઇક બોજો તો વધ્યો જ, પણ નવું હતું એટલે વિનોદ થતો.

મારો પહેલો હાથે ધોયેલો કૉલર તો હું કદી ભૂલું તેમ નથી. એમાં આર વધારે ચડેલ ને ઈસ્તરી પૂરી ગરમ નહોતી. વળી, કૉલર દાઝી જવાની બીકે ઈસ્તરી બરોબર દાબી નહીં, તેથી તે અક્કડ તો બન્યો પણ તેમાંથી આર ખર્યા કરતો હતો !

આવે હાલે હું કોર્ટમાં ગયો ને બારિસ્ટરોને મજાક કરવાનું સાધન બન્યો. પણ મારામાં આવી મજાક સહન કરવાની શકિત તે કાળે પણ ઠીક હતી.

આ સ્વાવલંબનની ખૂબી હું મિત્રોને ન સમજાવી શક્યો.

મારે કહેવું જોઈએ કે છેવટે ધોબીના ધંધામાં મારા કામપૂરતી કુશળતા મેં મેળવી લીધી હતી, અને ધોબીના ધોણ કરતા ઘરનું ધોણ મુદ્લ ઊતરતું નહોતું. ગોખલેની પાસે સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેની પ્રસાદીરૂપ એક ઉપરણો હતો. એ ઉપરણો ગોખલે અતિશય જતનથી રાખતા અને ખાસ પ્રસંગે જ વાપરતા. જોહાનિસબર્ગમાં તેમના માનમાં જે ખાણું આપવામાં આવ્યું હતું તે મેળાવડાનો પ્રસંગ મહત્વનો હતો. દક્ષિણ આફ્રિકામાં આ તેમનું મોટામાં મોટું ભાષણ હતું. તેથી તે પ્રસંગે તેમને પેલો ઉપરણો વાપરવો હતો. તે ચોળાયેલો હતો ને તેને ઈસ્તરી કરવાની જરૂર હતી.ધોબી મેળવી તેની પાસે તુરત ઈસ્તરી કરાવવી એ અસંભવિત હતું. મારી કળાનો ઉપયોગ કરવા દેવાની મેં માગણી કરી.

‘તારી વકીલાતનો હું વિશ્વાસ કરું, પણ આ ઉપરણા ઉપર તારી ધોબીકળાનો ઉપયોગ કરવા હું ન દઊ. એ ઉપરણાને તું ડાઘ પાડે તો ? એની કિમત તું જાણે છે ?’ આમ કહી અતિ ઉલ્લાસથી પ્રસાદીની કથા મને સંભળાવી.

મેં વિનય કર્યો ને ડાઘ ન પડવા દેવાની ખોળાધરી આપી. મને ઈસ્તરી કરવાની રજા મળી. મારી કુશળતાનું મને પ્રમાણપત્ર મળી ચૂક્યું ! હવે મને જગત પ્રમાણપત્ર ન આપે તો શું થયું ?

પ્રિટોરિયામાં હું એક વેળા એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યો. તેણે મારી હજામત કરવાની ઘસીને ના પાડી , ને ના પાડવામાં જે તિરસ્કાર બતાવ્યો તે વધારાનો. મને દુ:ખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીધ્યો ને અરીસાની સામે ઊભા રહી વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા; પણ પાછળના કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. કોર્ટમાં હસાહસ.

‘તારે માથે ઉંદર ફરી ગયા છે?’

મેં કહ્યું: ‘ના; મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વધારે પ્રિય છે.’

આ જવાબથી મિત્રોને આશ્વર્ય ન થયું ખરું જોતાં પેલા હજામનો કશો દોષ ન હતો. જો તે શ્યામવર્ણ લોકોના વાળ કાપે તો તેની કમાણી જાય. આપણે ક્યાં આપણા અસ્પૃશ્યોના વાળ ઊંચવર્ણા હિંદુઓના હજામ પાસે કપાવા દઈએ છીએ ? એનો બદલો મને દક્ષિણ આફ્રિકામાં એક નહીં પણ અનેક વેળા મળ્યો છે; અને આપણા દોષનું એ પરિણામ છે એવી મારી સમજ હોવાથી મને એ વાતનો કદી રોષ નથી ચડ્યો.

સ્વાવલંબન અને સાદાઈના મારા શોખે આગળ જતાં જે તીવ્ર સ્વરૂપ પકડ્યું તેનું વર્ણન તો તેને સ્થળે આવશે. તે વસ્તુનું મૂળ તો અસલથી જ હતું. તેને ફાલવાને સારુ માત્ર સિંચનની આવશ્યકતા હતી. તે સિંચન અનાયાસે જ મળી રહ્યું.


‘Simple Life’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૮. બ્રહ્મચર્ય—૨

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચારો કર્યા પછી સને ૧૯૦૬ની સાલમાં વ્રત લીધું. વ્રત લેતાં લગી મેં ધર્મપત્ની સાથે મસલત નહોતી કરી; પણ વ્રતને સમયે કરી. તેના તરફ્થી મને કશો વિરોધ ન થયો.

આ વ્રત લેતાં તો મને બહુ ભારે પડ્યું.

આજે વીસ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ કરતાં મને સાનંદાશ્ચર્ય થાય છે.

વળી, હવે બ્રહ્મચર્યનો મહિમા હું વધારે ને વધારે સમજવા લાગ્યો. વ્રત મેં ફિનિક્સમાં લીધું.

બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન. આ જ્ઞાન મને શાસ્ત્ર મારફત નહોતું થયું. એ અર્થ મારી આગળ ધીરે ધીરે અનુભવસિધ્ધ થતો ગયો. તેને લગતાં શાસ્ત્રવાક્યો મેં પાછળથી વાંચ્યાં. બ્રહ્મચર્યમાં શરીરરક્ષણ, બુધ્ધિરક્ષણ અને આત્માનું રક્ષણ છે એ હું વ્રત પછી દિવસે દિવસે વધારે અનુભવવા લાગ્યો. કેમ કે, હવે બ્રહ્મચર્યને એક ઘોર તપશ્ચર્યારૂપ રહેવા દેવાને બદલે તેને રસમય બનાવવાનું હતું; તેની જ ઓથે નભવું રહ્યું હતું. એટલે હવે તેની ખૂબીઓનાં નિત્ય નવાં દર્શન થવા લાગ્યાં.

પણ જો આમ હું આમાંથી રસ લૂંટતો હતો તો તેની કઠિનતા નહોતો અનુભવતો એમ પણ કોઈ ન માને. આજે છપ્પન વર્ષ પૂરાં થયાં છે, ત્યારે પણ તેની કઠિનતાનો અનુભવ તો થાય જ છે. તે અસિધારાવ્રત છે એમ વધારે ને વધારે સમજું છું. નિરંતર જાગૃતિની આવશ્યકતા જોઉં છું.

બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું. તેથી હવે પછીના મારા ખોરાકના પ્રયોગો કેવળ અન્નાહારની દ્રષ્ટિએ નહીં, પણ બ્રહ્મચર્યની દ્રષ્ટિએ થવા લાગ્યા. ખોરાક ઓછો, સાદો, મસાલા વિનાનો, ને કુદરતી સ્થિતિમાં ખાવો જોઈએ એ મેં પ્રયોગો કરી અનુભવ્યું. બ્રહ્મચારીનો ખોરાક વનપક ફ્ળ છે એમ મારે અંગે તો મેં છ વર્ષનો પ્રયોગ કરીને જોયું. જ્યારે હું સુકાં અને લીલાં વનપક ફ્ળ ઉપર જ રહેતો ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફ્ળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું. દૂધાહારને અંગે તે કષ્ટસાધ્ય બન્યું છે. ફ્ળાહારમાંથી દૂધાહાર ઉપર કેમ જવું પડ્યું એનો વિચાર યોગ્ય સ્થળે થશે. અહીં તો એટલું જ કહેવું બસ છે કે, બ્રહ્મચારીને સારુ દૂધનો આહાર વિધ્નકર્તા છે એ વિષે મને શંકા નથી. આમાંથી કોઈ એવો અર્થ ન કાઢે કે બ્રહ્મચારીમાત્રે દૂધનો ત્યાગ કરવો ઘટે છે. ખોરાકની અસર બ્રહ્મચર્ય ઉપર કેટલી પડે છે એ વિષયને અંગે ઘણા પ્રયોગોની આવશ્યકતા છે. દૂધના જેવો સ્નાયુ બાંધનારો ને એટલી જ સહેલાઈથી પચનારો ફળાહાર હજુ મારે હાથ નથી લાગ્યો, નથી કોઈ વૈદ, હકીમ કે દાક્તર તેવાં ફળ કે અન્ન બતાવી શક્યા. તેથી, દૂધને વિકાર કરનારી વસ્તુ જાણતાં છતાં, હું તેના ત્યાગની ભલામણ હાલ કોઈને નથી કરી શક્તો.

બાહ્ય ઉપચારોમાં જેમ ખોરાકની જાતની અને પ્રમાણની મર્યાદા આવશ્યક છે તેમ જ ઉપવાસનું સમજ્વું. ઈંદ્રિયો એવી બળવાન છે કે તેને ચોમેરથી, ઉપરથી અને નીચેથી એમ દશે દિશાએથી, ઘેરવામાં આવે ત્યારે જ અંકુશમાં રહે છે. ખોરાક વિના તે કામ નથી કરી શકતી એ સહુ જાણે છે. એટલે, ઈંદ્રિયદમનના હેતુથી ઈચ્છાપૂર્વક કરેલા ઉપવાસની ઈંદ્રિયદમનમાં બહુ મદદ મળે છે, એ વિષે મને શંકા નથી. કેટલાક લોકો ઉપવાસ કરતાં છતાં નિષ્ફ્ળ જાય છે તેનું કારણ એ છે કે, ઉપવાસ જ બધું કરી શકશે એમ માની તેઓ માત્ર સ્થૂળ ઉપવાસ કરે છે ને મનથી છપ્પનભોગ આરોગે છે; ઉપવાસ દરમ્યાન, ઉપવાસ છૂટ્યે શું ખાઈશું એના વિચારોનો સ્વાદ લીધાં કરે છે, ને પછી ફરિયાદ કરે છે કે, નથી સ્વાદેંદ્રિયનો સંયમ થયો ને નથી થયો જનનેંદ્રિયનો ! ઉપવાસની ખરી ઉપયોગિતા ત્યાં જ હોય જયાં માણસનું મન પણ દેહદમનમાં સાથ આપે. એટલે કે, મનને વિષયભોગ પ્રત્યે વૈરાગ આવ્યો હોવો જોઈએ. વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે. ઉપવાસદિ સાધનોની મદદ જોકે ઘણી છતાં પ્રમાણમાં થોડી જ હોય છે. એમ કહી શકાય કે ઉપવાસ કરતો છતો મનુષ્ય વિષયાસક્ત રહી શકે છે ખરો. પણ ઉપવાસ વિના વિષયાસક્તિનો જડમૂળથી નાશ સંભવતો નથી. તેથી બ્રહ્મચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે.

બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફ્ળ જાય છે, કેમ કે તેઓ ખાવાપીવામાં, જોવા ઈત્યાદિમાં બ્રહ્મચારીની જેમ રહેવા માગતા છતાં બ્રહ્મચર્યનું પાલન ઈચ્છે છે. આ પ્રયત્ન ઉષ્ણઋતુમાં શીતઋતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, ભોગીના અને ત્યાગીના, જીવન વચ્ચે ભેદ હોવો જ જોઈએ. સામ્ય હોય છે તે ઉપરથી દેખાતું જ. ભેદ ચોખ્ખો તરી આવવો જોઈએ. આંખનો ઉપયોગ બંને કરે. પણ બ્રહ્મચારી દેવદર્શન કરે, ભોગી નાટકચેટકમાં લીન રહે. બંને કાનનો ઉપયોગ કરે. પણ એક ઈશ્વરભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે. બંને જાગરણ કરે. પણ એક જાગ્રતાવસ્થામાં હ્દયમંદિરમાં બિરાજતા રામને વીનવે, બીજો નાચરંગની ધૂનમાં સૂવાનું ભાન ભૂલી જાય. બંને જમે. પણ એક શરીરરૂપી તીર્થક્ષેત્રને નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજો સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેને દુર્ગધિત કરી મૂકે. આમ બંનેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે; અને એ અંતર દિવસે દિવસે વધે, ઘટે નહીં.

બ્રહ્મચર્ય એટલે મનવચનકાયાથી સર્વ ઈન્દ્રિયોનો સંયમ. આ સંયમને સારુ ઉપર પ્રમાણે ત્યાગોની આવશ્યકતા છે એમ હું દિવસે દિવસે જોતો ગયો. આજે પણ જોઈ રહ્યો છું. ત્યાગના ક્ષેત્રને સીમા જ નથી, જેમ બ્રહ્મચર્યના મહિમાને નથી. આવું બ્રહ્મચર્ય અલ્પ પ્રયત્ને સાધ્ય નથી. કરોડોને સારુ તો એ હંમેશાં કેવળ આદર્શરૂપે જ રહેશે. કેમ કે, પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપોનું નિત્ય દર્શન કરશે, પોતાનામાં ખૂણેખોચરે છુપાઈ રહેલા વિકારોને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મળ્યો કે ઈચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી. વિચારમાત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે મનને વશ કરવું. અને મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાંયે કઠિન છે. આમ છતાં જો આત્મા છે, તો આ વસ્તુ પણ સાધ્ય છે જ. આપણને મુશ્કેલીઓ આવી નડે છે તેથી એ અસાધ્ય છે એમ કોઈ ન માને. એ પરમ અર્થ છે. અને પરમ અર્થને સારુ પરમ પ્રયત્નની આવશ્યક્તા હોય એમાં શું આશ્ચર્ય ?

પણ આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી એ મેં દેશમાં આવીને જોયું. ત્યાં લગી હું મૂર્છામાં હતો એમ કહી શકાય. ફ્ળાહારથી વિકાર જડમૂળથી નાબૂદ થાય એમ મેં માની લીધેલું, ને હું અભિમાનથી માનતો કે હવે મારે કંઈ કરવાપણું નથી.

પણ આ વિચારના પ્રકરણને પહોંચવાને વાર છે. દરમ્યાન એટલું કહી દેવું આવશ્યક છે કે, ઈશ્વરસાક્ષાત્કાર કરવાને અર્થે મેં વ્યાખ્યા આપી છે તેવા બ્રહ્મચર્યનું જેઓ પાલન ઈચ્છે છે, તેઓ જો પોતાના પ્રયત્નની સાથે જ ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખનારા હોય, તો તેમને નિરાશ થવાનું કશું કારણ નથી.

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवजै रसो प्यस्य परं दृष्ट्वा निवर्तते ।। *

તેથી, રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે, એ વસ્તુનો સાક્ષાત્કાર મેં હિંદુસ્તાનમાં જ કર્યો.

* નિરાહારીના વિષયો તો શાંત થાય છે, પણ રસ નથી શમતા; રસ પણ ઈશ્વરદર્શનથી શમે છે. -‌ ગીતા, અ૦ ૨. શ્લો૦ ૫૯.


‘Brahmacharya – II’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૭. બ્રહ્મચર્ય—૧

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

હવે બ્રહ્મચર્ય વિષે વિચાર કરવાનો સમય આવ્યો છે.

મારે પત્નીની સાથે કેવો સંબંધ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય.

સંયમપાલનની મુશ્કેલીઓનો પાર નહોતો. નોખા ખાટલા રાખ્યા. રાત્રે થાકીને જ સૂવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રયત્નનું બહુ પરિણામ તુરત ન જોઈ શક્યો. પણ આજે ભૂતકાળની ઉપર આંખ ફેરવતાં જોઉં છું કે એ બધા પ્રયત્નોએ મને છેવટનું બળ આપ્યું.

અંતિમ નિશ્ચય તો છેક ૧૯૦૬ની સાલમાં જ કરી શક્યો. તે વખતે સત્યાગ્રહનો આરંભ નહોતો થયો. તેનું મને સ્વપ્ન સરખુંયે નહોતું. બોઅર યુદ્ધ પછી નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયો. એ વેળા હું જોહાનિસબર્ગમાં વકીલાત કરતો હતો. પણ મને લાગ્યું કે મારે તે ‘બળવા’ને અંગે પણ મારી સેવા નાતાલ સરકારને અર્પવી જોઈએ. મેં તે આપી. તે કબૂલ થઈ. કઠણ કૂચો કરતાં મેં જોયું કે, જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિત્તૈષણાનો ત્યાગ કરવો જોઈએ. અને વાનપ્રસ્થધર્મનું પાલન કરવું જોઈએ.

‘બળવા’માં તો મારે દોઢ મહિનાથી વધુ ન રોકાવું પડ્યું. પણ આ છ અઠવાડિયાં મારી જિંદગીનો અતિશય કીંમતી કાળ હતો. વ્રતનું મહત્ત્વ હું આ વેળા વધારેમાં વધારે સમજ્યો. મેં જોયું કે વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. આજ લગી મારા પ્રયત્નોમાં ઘટતી સફળતા ન મળી, કેમ કે હું નિશ્ચયવાન નહોતો. મને મારી શક્તિનો અવિશ્વાસ હતો. મને ઈશ્વરકૃપાનો અવિશ્વાસ હતો. અને તેથી મારું મન અનેક તરંગો ને અનેક વિકારોને વશ વર્તતું હતું. મેં જોયું કે વ્રતથી ન બંધાવામાં મનુષ્ય મોહમાં પડે છે. વ્રતથી બંધાવું એ વ્યભિચારમાંથી નીકળી એક પત્નીનો સંબંધ બાંધવા જેવું છે. ‘હું પ્રયત્ન કરવામાં માનું છું, વ્રતથી બંધાવા નથી માગતો.’ એ વચન નિર્બળતાની નિશાની છે ને તેમાં સૂક્ષ્મ રીતે ભોગની ઈચ્છા છે. જે વસ્તુ ત્યાજ્ય છે તેનો સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે?


‘Brahmacharya – I’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૬. સેવાવૃત્તિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મારો ધંધો ઠીક ચાલતો હ્તો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.

એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનુ આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.

એવું કંઈક શુશ્રૂષાનું કામ હમેશાં કરું તો કેવું સારું ! દા. બૂથ સેન્ટ એડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હંમેશા જે આવે તેને મફત દવા આપતા. બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે દા. બૂથના હાથ નીચે એક બહુ નાની ઈસ્પિતાલ ખૂલી. આ ઈસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ. ને હું આ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો થયો.

રોજ સવારના ત્યાં જવાનું રહેતું. આવતાં જતાં તેમજ ઈસ્પિતાલમાં કામ કરતાં હમેશાં લગભગ બે કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ.

આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઇ વેળા ઘાયલોની શુશ્રૂષાના કામમાં ને બીજા દરદીઓની માવજત કરવામાં મને ખૂબ ખપ લાગ્યો.

બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા બે પુત્રો થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો અને હજુ તાવે છે.

છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. દાકતર ઘેર નહીં. દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તોપણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદ્ભાગ્યે મેં આ વિષય ‘માને શિખામણ’માંથી સુક્ષ્મ રીતે વાંચી લીધો હતો. તેથી મને ગભરાટ ન થયો.

મેં જોયું કે, પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બંનેએ બાળકોના ઉછેરનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ.

આ વિચારો જે સમજુ દંપતી કરશે, તે તો કદી દંપતીસંગને વિષયવાસના સંતોષવાનું સાધન નહીં બનાવે; પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે.


‘Spirit Of Service’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૫. બાળકેળવણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

સન ૧૮૨૭ના જાનેવારીમાં હું ડરબન ઊતર્યો ત્યારે મારી સાથે ત્રણ બાળક હતાં. મારો ભાણેજ દશેક વર્ષની ઉંમરનો, મારો મોટો દીકરો નવ વર્ષનો, અને બીજો દીકરો પાંચ વર્ષનો. આ બધાને ક્યાં ભણાવવા ?

ગોરાઓને સારુ જે નિશાળો હતી તેમાં હું મારા છોકરાઓને મોકલી શકતો હતો, પણ તે કેવળ મહેરબાની અને અપવાદ દાખલ. બીજાં બધાં હિંદી બાળકો ત્યાં ભણી શકે તેમ નહોતું. હિંદી બાળકોને ભણાવવા સારુ ખ્રિસ્તી મિશનની નિશાળો હતી. તેમાં હું મારાં બાળકોને મોકલવા તૈયાર નહોતો. ત્યાં અપાતી કેળવણી મને ગમતી નહોતી. ગુજરાતી દ્વારા તો ત્યાં શિક્ષણ મળે જ ક્યાંથી ? અંગ્રેજી દ્વારા જ મળે, અથવા બહુ પ્રયાસ કરીએ તો અશુદ્ધ તામિલ કે હિંદી દ્વારા. આ અને બીજી ખામીઓ હું જીરવી શકું તેમ નહોતું.

હું પોતે બાળકોને ભણાવવા થોડૉ પ્રયત્ન કરતો, પણ તે અત્યંત અનિયમિત હતો. ગુજરાતી શિક્ષક મને અનુકૂળ આવે તેવો હું ન શોધી શક્યો.

હું મૂંઝાયો.

મારો વ્યવહાર બાળકો સાથે કેવળ ગુજરાતીમાં જ રહેતો. જે કેળવણી બાળકો સુવ્યવસ્થિત ઘરમાં સહેજે પામે છે તે છાત્રાલયોમાં ન પામી શકે. તેથી મોટે ભાગે તેઓ મારી સાથે જ રહ્યાં.

મારા આ પ્રયોગો અપૂર્ણ હતા. બાળકોને હું પોતે આપવા માગતો હતો એટલો સમય નહોતો આપી શક્યો. તેથી અને બીજા અનિવાર્ય સંજોગોને લઇને હું ઈચ્છું તેવું અક્ષરજ્ઞાન હું તેમને ન આપી શક્યો.

જે અનુભવજ્ઞાન તેઓ પામ્યા છે, માતાપિતાનો જે સહવાસ તેઓ મેળવી શક્યા છે, સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને શીખવા મળ્યો છે, તે જો મેં, તેઓને ગમે તે રીતે નિશાળે મોકલવાનો આગ્રહ રાખ્યો હોત તો તેઓ ન પામત.

મારા મોટા દીકરાને વિશે હું જે દુખદ પરિણામ જોઉં છું તે મારા અધકચરા પૂર્વકાળનો પ્રતિધ્વનિ છે એમ મને હમેશાં ભાસ્યું છે. તે કાળે તેની ઉંમર જેને મેં દરેક રીતે મારો મૂર્છાકાળ, વૈભવકાળ માન્યો છે તેનું તેને સ્મરણ રહે, તેવડી હતી. તે કેમ માને કે :

તે મારો મૂર્છાકાળ હતો ?

તે કાં ન માને કે, તે મારો જ્ઞાનકાળ હતો અને તે પછી થયેલાં પરિવર્તનો અયોગ્ય અને મોહજન્ય હતાં ?

તે કાં એમ ન માને કે, તે કાળે હું જગતના ધોરી માર્ગે જતો હતો અને તેથી સુરક્ષિત હતો, અને ત્યાર પછી કરેલા ફેરફારો મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની હતા ?

જો મારા દીકરા બારિસ્ટર ઈત્યાદિ પદવી પામ્યા હોત તો શું ખોટું થાત ?

મને તેમની પાંખ કાપવાનો શો અધિકાર હતો ?

મેં કાં તેમને પદવીઓ લેવા દઈ મનગમતો જીવનમાર્ગ પસંદ કરવાની સ્થિતિમાં ન મૂક્યા ?

આવી દલીલ મારા કેટલાક મિત્રોએ પણ મારી પાસે કરી છે.

મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું.

છતાં, મારા અખતરાનું છેવટનું પરિણામ તો ભવિષ્યમાં જ જણાય. આ વિષયને અહીં ચર્ચવાનું તાત્પર્ય તો એ છે કે, મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિનો અભ્યાસી, ગૃહકેળવણી અને નિશાળની કેળવણીના ભેદનું, અને પોતાની જિંદગીમાં માબાપોએ કરેલાં પરીવર્તનોની પોતાનાં બાળકો ઉપર થતી અસરનું, યત્કિંચિત્ માપ કાઢી શકે.

બાળકોને મારી સાથે રાખ્યા છતાં જો મેં સ્વમાન જતું કર્યું હોત, બીજાં હિંદી બાળકો ન પામી શકે તે મારાંને વિશે મારે ન ઈચ્છવું જોઈએ એ વિચારને મેં ન પોષ્યો હોત, તો હું મારા બાળકોને અક્ષરજ્ઞાન આપી શકત ખરો. પણ ત્યારે તેઓ જે સ્વતંત્રતા અને સ્વમાનનો પદાર્થપાઠ શીખ્યા તે ન શીખી શકત. અને સ્વતંત્રતા અને અક્ષરજ્ઞાન વચ્ચે જ પસંદગી રહી છે, ત્યાં કોણ કહેશે કે સ્વતંત્રતા અક્ષરજ્ઞાન કરતાં હજારગણી વધારે સારી નથી ?

જે નવજુવાનોને મેં ૧૯૨૦ની સાલમાં સ્વતંત્રતાઘાતક નિશાળો ને કૉલેજો છોડવાનું નિમંત્રણ કર્યું, અને જેઓને મેં કહ્યું કે, સ્વતંત્રતાને ખાતર નિરક્ષર રહી જાહેર રસ્તા પર પથ્થર ફોડવા તે ગુલામીમાં રહીને અક્ષરજ્ઞાન મેળવવા કરતાં સારું છે, તેઓ હવે મારા કથનનું મૂળ કદાચ સમજી શકશે.


‘Education Of Children’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.