Daily Archives: 07/06/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૯. અસત્યરૂપી ઝેર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

ચાળીસ વર્ષ પૂર્વે વિલાયત જનારા પ્રમાણમાં થોડા હતા. તેમનામાં એવો રિવાજ પડી ગયો હતો કે પોતે પરણેલા હોય તોપણ કુંવારા ગણાવું. તે મુલકમાં નિશાળમાં કે કૉલેજમાં ભણનારા કોઈ પરણેલા ન હોય. વિવાહિતને વિદ્યાર્થીજીવન ન હોય. આપણામાં તો પ્રાચીન કાલમાં વિદ્યાર્થી બ્રહ્મચારીને નામે જ ઓળખાતો. આ જમાનામાં જ બાળવિવાહનો ચાલ પડ્યો છે. વિલાયતમાં બાળવિવાહ જેવી વસ્તુ છે જ નહીં એમ કહી શકાય. તેથી હિંદી જુવાનોને પોતે પરણેલા છે એમ કબૂલ કરતાં શરમ થાય. વિવાહ છુપાવવાનું બીજું એક કારણ એ કે, જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે ફરવા-હરવા અને ગેલ કરવા ન મળે. આ ગેલ ઘણે ભાગે નિર્દોષ હોય છે.

હું પણ પાંચ છ વર્ષ થયા પરણેલો હોવા છતાં અને એક દીકરાનો બાપ છતાં, મને કુંવારા તરીકે ગણાવતાં ન ડર્યો ! એમ ગણાવ્યાનો સ્વાદ તો મેં થોડો જ ચાખ્યો. મારા શરમાળ સ્વભાવે, મારા મૌને મને ખૂબ બચાવ્યો. હું વાત ન કરી શકું છતાં મારી સાથે વાત કરવાને કઈ છોકરી નવરી હોય ? મારી સાથે ફરવા પણ કોઈ છોકરી ભાગ્યે જ નીકળે.

જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઈ જાય. આ વિવેકને વશ થઈ આ ઘરધણી બાઈની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઈ ગઈ.

એક ટેકરીની ટોચે અમે આવી ઊભાં. પણ ઊતરવું કેમ ? પોતાના ઊંચી એડીના બૂટ છતાં આ વીસપચીસ વર્ષની રમણી વીજળીની જેમ ઉપરથી ઊતરી ગઈ. હું તો હજી શરમિંદો થઈ ઢોળાવ કેમ ઊતરાય એ વિચારી રહ્યો છું. પેલી નીચે ઊભી હસે છે; મને હિંમત આપે છે; ઉપર આવી હાથ ઝાલી ઘસડી જવાનું કહે છે ! હું એવો નમાલો કેમ બનું ! માંડમાંડ પગ ઘસડતો, કાંઈક બેસતો ઊતર્યો. અને પેલીએ મશ્કરીમાં ’શા…બ્બા…શ’ કહી મને શરમાયેલાને વધુ શરમાવ્યો. આવી મશ્કરીથી મને શરમાવવાનો તેને હક હતો.

તમે અજાણ્યા લાગો છો. તમે કાંઈક મૂંઝવણમાં છો. તમે કંઈ ખાવાનું હજી નથી મંગાવ્યું !’

હું પેલો વાનીઓનો ખરડો વાંચી રહ્યો હતો ને પીરસનારને પૂછવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે મેં આ ભલી બાઈનો ઉપકાર માન્યો અને કહ્યું, ’આ ખરડો હું સમજતો નથી ને હું અન્નાહારી હોઈ કઈ વસ્તુઓ નિર્દોષ છે એ મારે જાણવું રહ્યું.’

પેલી બાઈ બોલી, ’ત્યારે લો તમને મદદ કરું ને ખરડો હું સમજાવું. તમારાથી ખાઈ શકાય એવી વસ્તુઓ હું તમને બતાવી શકીશ.’

મેં તેની મદદ સાભાર સ્વીકારી. અહીંથી અમારો સંબંધ થયો તે હું જ્યાં સુધી વિલાયતમાં રહ્યો ત્યાં સુધી અને ત્યાર બાદ પણ વરસો લગી નભ્યો. તેણે લંડનનું પોતાનું ઠેકાણું આપ્યું ને મને દર રવિવારે પોતાને ત્યાં ખાવા જવાને નોતર્યો. પોતાને ત્યાં બીજા અવસર આવે ત્યારે પણ મને બોલાવે, ચાહીને મારી શરમ મુકાવે, જુવાન સ્ત્રીઓની ઓળખાણ કરાવે ને તેમની સાથે વાતો કરવા લલચાવે. એક બાઈ તેને ત્યાં જ રહેતી. તેની સાથે બહુ વાતો કરાવે. કોઈ વેળા અમને એકલાં પણ છોડે.

પ્રથમ મને આ બધું વસમું લાગ્યું. વાતો કરવાનું ન સૂઝે. વિનોદ પણ શું કરાય ? પણ પેલી બાઈ મને પાવરધો કરતી રહે. હું ઘડાવા લાગ્યો. દર રવિવારની રાહ જોઉં. પેલી બાઈની સાથે વાતો પણ ગમવા લાગી.

હવે હું શું કરું ? મેં વિચાર્યું : ’જો મેં આ ભલી બાઈને મારા વિવાહની વાત કરી દીધી હોત તો કેવું સારું ? તો તે મારા કોઈની સાથે પરણવાની વાત ઇચ્છત ? હજુ પણ મોડું નથી. હું સત્ય કહી દઉં તો વધારે સંકટમાંથી ઊગરી જઈશ.’ આમ ધારી મેં તેને કાગળ લખ્યો. મને યાદ છે તે પ્રમાણે તેનો સાર આપું છું :

’આપણે બ્રાઈટનમાં મળ્યાં ત્યારહ્તી તમે મારા પર પ્રેમ રાખતાં આવ્યાં છો. જેમ મા પોતાના દીકરાની સંભાળ રાખે તેમ તમે મારી સંભાળ રાખો છો. તમે તો એમ પણ માનો છો કે મારે પરણવું જોઈએ અને તેથી તમે મારો પરિચય યુવતીઓની સાથે કરાવો છો. આવો સંબંધ વધારે આગળ જાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે હું તમારા પ્રેમને લાયક નથી. તમારે ઘેર આવતો થયો ત્યારે જ મારે તમને કહેવું જોઈતું હતું કે હું પરણેલો છું. હિંદુસ્તાનના વિદ્યાર્થીઓ જે પરણેલા હોય છે તે આ દેશમાં પોતાના વિવાહની વાત પ્રગટ નથી કરતા એમ હું જાણું છું. તેથી મેં પણ એ રિવાજનું અનુકરણ કર્યું. હવે જોઉં છું કે મારે મારા વિવાહની વાત મુદ્દલ છુપાવવી નહોતી જોઈતી. મારે એક દીકરો પણ છે. આ વાત તમારી પાસે ઢાંક્યાને સારુ મને હવે બહુ દુઃખ થાય છે. પણ સત્ય કહી દેવાની હવે મને ઈશ્વરે હિંમત આપી, તેથી મને આનંદ થાય છે. મને તમે માફ કરશો ? જે બહેનની સાથે તમે મારો પરિચય કરાવ્યો છે તેની સાથે મેં કશી અયોગ્ય છૂટ લીધી નથી તેની ખાતરી આપું છું. મારાથી છૂટ ન જ લેવાય એનું મને સંપૂર્ણ ભાન છે. પણ તમારી ઈચ્છા તો સ્વાભાવિકપણે જ મારો કોઈની સાથે સંબંધ બંધાયેલો જોવાની હોય. તમારા મનમાં આ વસ્તુ આગળ ન વધે તે ખાતર પણ મારે તમારી પાસે સત્ય પ્રગટ કરવું જોઈએ.

લગભગ વળતી ટપાલે પેલી વિધવા મિત્રનો જવાબ આવ્યો. તેમાં તેણે જણાવ્યું :

’તમારો ખુલ્લા દિલનો કાગળ મળ્યો. અમે બંને રાજી થયાં ને ખૂબ હસ્યાં. તમારા જેવું અસત્ય તો ક્ષંતવ્ય જ હોય. પણ તમે તમારી હકીકત જણાવી એ ઠીક જ થયું. મારું નોતરું કાયમ છે. આવતે રવિવારે તમારી રાહ અમે જોઈશું જ, ને તમારા બાળવિવાહની વાતો સાંભળીશું, ને તમારા ઠઠ્ઠા કરવાનો આનંદ પણ મેલવીશું. આપણી મિત્રતા તો જેવી હતી તીવી જ રહેશે એ ખાતરી રાખજો.’

આમ મારામાં અસત્યનું ઝેર ભરાઈ ગયું હતું તે મેં કાઢ્યું અને પછી તો ક્યાંયે મારા વિવાહ વગેરેની વાતો કરતાં હું મૂંઝાતો નહીં.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

Blog at WordPress.com.