ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૬૯ – દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે
10. દેહ એટલે જ હું વી જે ભાવના બધે ઠેકાણે ફેલાઈ રહેલી છે તેને લીધે કશોયે વિચાર ન કરતાં આ દેહને વધારવાને માટે માણસે તરેહતરેહનાં સાધનો નિર્માણ કર્યાં છે. એ જોઈને મનમાં ડર લાગે છે. આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબૂત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે. પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી, ક્યાં સુધી સાચવી રખાશે ? બહુ તો મરીએ ત્યાં સુધી. મરણની ઘડી આવી એટલે એક ક્ષણભર પણ દેહ ટકાવી શકાતો નથી. મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે. આ તુચ્છ દેહને સારૂ તરેહતરેહનાં સાધનો માણસ નિર્માણ કરે છે. આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે. હવે તો માણસે કહેવા માંડ્યું છે કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી. માણસનો આ દેહ જાણે ઘણો કીમતી ! તેને બચાવવાને સારૂ માંસ ખાઓ ! જાનવરના શરીરની કિંમત ઓછી. શા સારૂ ઓછી ? માણસનો દેહ કીમતી શાથી ઠર્યો ? કયાં કારણોસર કીમતી સાબિત થયો ? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે. સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતાં નથી. પણ માણસ તેમ કરતો નથી. માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કીમતી છે. પણ જે કારણસર માણસનો દેહ કીમતી સાબિત થાય છે તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે. અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે. પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે. એટલા જ કારણસર મનખાદેહને દુર્લભ કહ્યો છે. પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઈમારત ઊભી કેમ રહેશે ? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે. જે ડાળ પર હું બેઠો હોઉં તેને જ કાપવાની હું કોશિશ કરૂં તેવું એ થયું.
11. વૈદકશાસ્ત્ર તો વળી તરેહતરેહના ચમત્કારો કરતું જાય છે. જાનવરો પર વાઢકાપ કરીને તેમનાં શરીરમાં, જીવતાં પશુઓનાં શરીરોમાં રોગનાં જંતુ પેદા કરવામાં આવે છે અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે ! જીવતાં જાનવરોના આવા હાલહવાલ કરી, તેમને આમ રિબાવી જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે. અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે ! પેલાં જાનવરોનાં શરીરોમાં રોગનાં જંતુ નિર્માણ કરી, તેની રસી બનાવી, તે કાઢી લઈ માણસોનાં શરીરોમાં મૂકવામાં આવે છે ! આવા તરેહતરેહના ભીષણ પ્રયોગો કરવામાં આવે છે. જે દેહને સારૂ આ બધું ચાલે છે તે તો ક્ષણવારમાં ફૂટી જનારા કાચના જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાયે ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે. પણ છેવટે અનુભવ શો થાય છે ? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે એવી પ્રતીતિ થાય છે. તે છતાં દેહને વધારવાના માણસોના પ્રયાસો ચાલુ છે.
12. કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારૂં થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ, એ વાત તરફ માણસ જરાયે જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત તે જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાવી શકાય એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે. પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પર વળગાવેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે અને આ શરીર પાછું પહેલાંના જેવું ત્યાંનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝિલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું ? શરીર આટલું બધું, લચી પડે તેમ વધારવાથી ફાયદો શો ? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે. તે સાધનને બરાબર કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું. યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન , ‘ યંત્રાભિમાન ’ જેવું કંઈ હોય ખરૂં કે ? તો પછી આ દેહયંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારૂ ન હોય ?
13. ટૂંકમાં, દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે. પણ ના. એ કપડું સુંવાળું જોઈએ, તેના પર વેલબુટ્ટા, ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજુરી કરાવું છું. એ બધું શા સારૂ ? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી ? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત કે ? એ તેનાથી બને એવું નહોતું કે ? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાંનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત. પણ ઈશ્વરે માણસોને એકરંગી રાખ્યાં છે. તેના પર જરા બીજા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઊડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવદેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવું તેવું છે ? એ અસાધારણ સૌંદર્યને નીરખવું એટલું જ માણસનું કામ છે. પણ તે ભુલાવામાં પડ્યો. કહે છે જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલાં તારા મનનો રંગ મરી ગયો પછી તને આ કૃત્રિમ રંગોની હોંસ થવા માંડી. તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહ શણગારવાને છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હ્રદય સુંદર બનાવવું એ બધું આઘું રહી ગયું છે.