ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૦ – સગુણ ઉપાસક અને નિર્ગુણઉપાસક – માના બે દીકરા
3. બારમા અધ્યાયમાં ભક્તિતત્વની સમાપ્તિ કરવાની છે. સમાપ્તિનો સવાલ અર્જુને પૂછ્યો. પાંચમા અધ્યાયમાંના જીવનના આખાયે શાસ્ત્રનો વિચાર પૂરો થતાં જેવો સવાલ અર્જુને પૂછ્યો હતો તેવો જ તેણે અહીં પણ પૂછ્યો છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કે ‘ કેટલાક સગુણનું ભજન કરે છે ને કેટલાક નિર્ગુણની ઉપાસના કરે છે, તો એ બંનેમાંથી હે ભગવાન, તને કયો ભક્ત પ્રિય છે ? ‘
4. ભગવાન શો જવાબ આપે ? કોઈ મા હોય અને તેના બે દીકરાની બાબતમાં કોઈ સવાલ પૂછે તેવું જ આ થયું. માનો એક દીકરો નાનો હોય. તે માને ખૂબ પ્રેમ ને લાડથી વળગતો હોય. માને જોતાંની સાથે તે હરખાઈ જાય. મા જરા આઘીપાછી નજર બહાર જાય એટલે તે બેબાકળો થઈ જાય. માથી આઘો તે જઈ જ શકતો નથી. તેને જરાયે છોડી શક્તો નથી. માનો વિયોગ એ નાના દીકરાથી સહેવાતો નથી. માની હાજરી ન હોય તો આખો સંસાર તેને સારૂ શૂન્ય જેવો થઈ જાય છે. આવો એ માનો એક નાનો બાળક છે. બીજો મોટો દીકરો છે. તેના દિલમાં પણ માને સારૂ પાર વગરનો પ્રેમ ભરેલો છે. પણ તે સમજણો થયો છે. માથી તે આઘો રહી શકે છે. વરસ કે છ મહિના સુધી માને મળવાનું કે તેનું દર્શન કરવાનું ન થાય તોયે તેને ચાલે છે. તે માની સેવા કરવાવાળો છે. બધી જવાબદારીનો ભાર માથે લઈ તે કામ કરે છે. ઉદ્યોગમાં ગૂંથાયેલો હોવાથી માનો વિયોગ તે સહન કરી શકે છે. લોકોમાં તે માન્ય થયેલો છે. અને બધે ઠેકાણે તેની ખ્યાતિ થયેલી સાંભળીને માને સુખ થાય છે. આવો એ માનો બીજો દીકરો છે. આવા આ બે દીકરાની માને તમે સવાલ પૂછો તો તે શો જવાબ દેશે ? તેને તમે કહો, ‘ હે મા, આ બે દીકરામાંથી એક જ અમે તને આપવાના છીએ. પસંદ કરી લે. ‘ મા શો જવાબ આપશે ? કયા દીકરાને તે સ્વીકારશે ? ત્રાજવાનાં બે પલ્લાંમાં બંન્ને બેસાડી તે શું તેમને તોળવા બેસશે ? આ માની ભૂમિકા તમે ધ્યાનમાં લો. કુદરતી રીતે તે શો જવાબ આપશે ? તે બિચારી મા કહેશે, ‘ વિયોગ થવાનો જ હોય તો મોટા દીકરાનો વેઠીશ. ‘ નાનાને તેણે છાતીએ વળગાડેલો છે. તેને તે દૂર કરી શકતી નથી. નાનનું વધારે ખેંચાણ ધ્યાનમાં રાખી મોટો આઘો થાય તો ચાલશે એવો કંઈક જવાબ તે આપી છૂટશે. પણ માને વધારે વહાલો કયો એ સવાલનો આ જવાબ નહીં ગણી શકાય. કંઈક કહેવું જોઈએ એટલા ખાતર આટલા ચાર શબ્દ તેણે કહ્યા. પણ એ શબ્દોને ફોડી ફોડીને તેમાંથી અર્થ કાઢવાનું બરાબર નહીં થાય.
5. પેલા સવાલનો જવાબ આપતાં પેલી માને મૂઝવણ થાય તેવી જ આબેહૂબ મૂંઝવણ ભગવાનના મનમાં થઈ છે. અર્જુન કહે છે ‘ હે ભગવાન, એક તારા પર અત્યંત પ્રેમ રાખનારો, તારૂં સતત સ્મરણ કરનારો છે. તેની આંખોને તારી ભૂખ છે, પોતાના કાનથી તને પીવાની તેને તરસ છે, હાથપગ વડે તે તારી સેવા કરે છે, તારી પૂજા કરે છે; આવો એક આ તારો ભક્ત છે. બીજો સ્વાવલંબી, સતત ઈન્દ્રિયનિગ્રહ કરવાવાળો, સર્વ ભૂતહિતમાં મશગૂલ, રાત ને દહાડો સમાજની નિષ્કામ સેવા કરવામાં તારૂં પરમેશ્વરનું જાણે કે તેને સ્મરણ પણ થતું નથી; આવો અદ્વૈતમય થયેલો તારો આ બીજો ભક્ત છે. આ બેમાંથી તને કયો પ્રિય છે તે મને કહે.’ પેલી માએ જેવો જવાબ આપ્યો હતો તેવો જ આબેહૂબ જવાબ ભગવાને આપ્યો છે. પેલો સગુણ ભક્ત મને વહાલો છે અને પેલો બીજો પણ મારો જ છે. ભગવાન જવાબ આપતાં મૂંઝાય છે. જવાબ આપવાને ખાતર તેઓ આપી છૂટ્યા છે.
6. અને ખરેખર વસ્તુસ્થિતિ એવી જ છે. અક્ષરશઃ બંને ભકતો એકરૂપ છે. બંન્ની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. પાંચમા અધ્યાયમાં કર્મની બાબતમાં જે અર્જુનનો સવાલ છે તે જ અહીં ભક્તિની બાબતમાં તેણે પૂછ્યો છે. પાંચમા અધ્યાયમાં કર્મ અને વિકર્મ બંનેની સહાયથી માણસ અકર્મની ભૂમિકાએ પહોંચે છે. એ અકર્મ દશા બે રૂપે પ્રગટ થાય છે. એક રાત ને દિવસ અખંડ કામ કરતો છતો લેશમાત્ર કર્મ ન કરનારો એવો કર્મયોગી અને બીજો ચોવીસ કલાકમાં એક પણ કર્મ ન કરતો છતો આખા વિશ્વની ઊથલપાથલ કરનારો એવો સંન્યાસી, એમ બે રૂપે અકર્મદશા પ્રગટ થાય છે. એ બેની તુલના કેવી રીતે કરવી ? વર્તુળની એક બાજુ સાથે બીજીની સરખામણી કરી જુઓ. બંને એક જ વર્તુળની બાજુ છે. એની તુલના કેવી રીતે થાય ? બંને બાજુ સરખી લાયકાતવાળી છે, એકરૂપ છે. અકર્મ ભૂમિકાના વિવેચનમાં ભગવાને એકને સંન્યાસ અને બીજાને યોગ નામ આપ્યું છે. શબ્દ બે છે પણ બંનેનો અર્થ એક જ છે. સંન્યાસ અને યોગ એ બે વચ્ચેનો સવાલ આખરે સહેલાપણાના મુદ્દા પર ઉકેલ્યો છે.
7. સગુણ – નિર્ગુણનો સવાલ પણ એવો જ છે. એક જે સગુણભક્ત છે તે ઈન્દ્રિયો દ્વારા પરમેશ્વરની સેવા કરે છે. બીજો જે નિર્ગુણભક્ત છે તે મનથી વિશ્વનું હિત ચિંતે છે. પહેલો છે તે બહારની સેવામાં મશગૂલ દેખાય છે પણ અંદરથી એકસરખું ચિંતન કરે છે. બીજો છે તે પ્રત્યક્ષ કંઈ સેવા કરતો દેખાતો નથી પણ અંદરથી મહાસેવા કાયમ ચાલુ રાખે છે. આ પ્રકારના બે ભક્તોમાંથી ચડિયાતો કયો ? રાત ને દિવસ કર્મ કરતો હોવા છતાં પણ લેશમાત્ર કર્મ ન કરનારો તે સગુણ ભક્ત છે. નિર્ગુણ ઉપાસક અંદરથી સર્વના હિતનું ચિંતન કરે છે, સર્વના હિતની ફિકર રાખે છે. આ બંને ભક્તો અંદરથી એકરૂપ જ છે. બહારથી કદાચ જુદા દેખાતા હોય એમ બને. તે બંને સરખા છે. પરમેશ્વરના લાડકા છે. પણ સગુણભક્તિ વધારે સુલભ છે. જે જવાબ પાંચમા અધ્યાયમાં આપ્યો છે તે જ અહીં પણ આપ્યો છે.