Monthly Archives: February 2009

સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ – (106)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૬ – સાધનાની પરાકાષ્ઠા, તેનું જ નામ સિદ્ધિ

19. સારાંશ કે જીવનનું ફલિત હાથમાં આવે એમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. ફળત્યાગનું તત્વ પોતાની મર્યાદાઓ પણ બતાવે છે. એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, કયું છોડવું, અને કયું ક્યારે બદલવું એ બધું બરાબર સમજાશે.

20. પણ વિચાર કરવાને હવે બીજો જ એક વિષય લઈએ. ક્રિયાઓ પૂરેપૂરી ખરી પડેલી હોય એવી જે છેવટની સ્થિતિ છે તેના તરફ સાધકે ધ્યાન રાખવું કે ? ક્રિયા થતી ન હોય છતાં જ્ઞાનીને હાથે કર્મ થતું રહે એવી જે જ્ઞાની પુરૂષની સ્થિતિ છે તેના તરફ સાધકે નજર રાખવી ખરી કે ? ના. આમાં પણ ફળત્યાગની કસોટી જ વાપરવી. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે આપણને જે જોઈએ છે તે, તે તરફ નજર ન રાખીએ તોયે આવી મળે છે. જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્માવસ્થા, તેનો પણ લાભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે તને આવી મળશે. સંન્યાસ વસ્તુ એવી નથી કે એકાએક બે ઉપર પાંચ મિનિટ થાય એટલે આવીને ઊભી રહે; સંન્યાસ એ વસ્તુ યાંત્રિક નથી. એ તારા જીવનમાં કેમ વિકાસ પામતી જશે તેની તને ખબર પણ નહીં પડે. તેથી મોક્ષની ફિકર છોડી દે.

21. ભક્ત ઈશ્વરને હંમેશ આમ જ કહે છે કે, “ આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ, પેલું અંતિમ ફળ મારે નથી જોઈતું. મુક્તિ એટલે એક જાતની ભુક્તિ જ નથી કે ? મોક્ષ એ પણ એક ભોગ છે, એક ફળ છે. આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળત્યાગની કાતર ચલાવ. પણ એમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી. કાતર તૂટી જશે ને ફળ વધારે મજબૂત થશે. મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતો શોધતો તારી સામે આવીને ખડો થાય. સાધકે સાધનામાં જ રંગાઈ જવું. मा ते संगोस्त्वकर्मणि — ‘ મા હો રાગ અકર્મમાં, ’ અકર્મદશાની,મોક્ષની આસક્તિ રાખ મા, એમ ભગવાને પહેલાં જ કહ્યું હતું. હવે ફરીથી છેવટે ભગવાન કહે છે,

अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।
‘ હું તને સર્વ પાપોથી છોડાવાશ, નચિંત થા ’

મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર રાખ. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે. મોક્ષનિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો હોય છે તેના ગળામાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે છે.

22. જ્યાં સાધનાની પરાકાષ્ઠા થાય છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઊભી રહે છે. જેને ઘેરે પહોંચવું છે તે ‘ ઘર, ઘર ’ એવા જાપ જપતો ઝાડ નીચે બેસી રહેશે તો ઘર આઘું રહેશે ને તેને જંગલમાં પડી રહેવાનો વારો આવશે. ઘરનું રટણ કરતાં કરતાં રસ્તામાં આરામ લેવા થોભશે તો છેવટના આરામથી અળગો રહેશે. મારે ચાલવાનું કામ ચાલુ રાખવું જોઈએ. પછી ઘર એકદમ સામે આવશે. મોક્ષના આળસુ સ્મરણથી મારી મહેનતમાં, મારી સાધનામાં સિથિલતા પેદા થશે અને મોક્ષ આઘો જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને સતત સાધનામાં મંડયા રહેવું એ જ મોક્ષને પાસે લાવવાનો ઈલાજ છે. અકર્મસ્થિતિ, આરામ વગેરેની ઈચ્છા ન રાખો, માત્ર સાધના પર પ્રેમ રાખશો તો મોક્ષ અચૂક સધાશે. જવાબ જવાબની બૂમો માર્યા કરવાથી દાખલાનો જવાબ આવતો નથી. મને જે રીતે આવડતી હશે તે જ એક પછી એક પગલું લેતા લેતા જવાબ લાવી આપશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ ઊભો છે. સમાપ્તિના પહેલાં સમાપ્તિ કેવી રીતે થાય ? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે ? સાધકની અવસ્થામાં સિદ્ધાવસ્થા કેવી ? પાણીમાં ડૂબકાં ખાતાં ખાતાં સામી પારની મોજ નજર સામે રાખ્યે કેમ ચાલશે ? તે વખતે એક પછી એક વામિયાં નાખતાં નાખતાં આગળ જવામાં જ બધું ધ્યાન પરોવવું જોઈએ. બધી શક્તિ રોકવી જોઈએ. સાધના પૂરી કર. દરિયો ઓળંગી જા. મોક્ષ આપોઆપ આવી મળશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ફળત્યાગનો એકંદર ફલિતાર્થ – (105)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૫ – ફળત્યાગનો એકંદર ફલિતાર્થ

17. ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેનો અર્થ નીકળે છે –
1. રાજસ અને તામસ કર્મોનો સમૂળગો ત્યાગ.
2. એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.
3. સાત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.
4. સાત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.
5. સતત ફળત્યાગપૂર્વક એ સાત્વિક કર્મો કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં ક્રિયામાત્ર ખરી જશે.
6. ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.
7. સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજપ્રાપ્ત નથી તે ગમે તેટલું સારૂં લાગે તો પણ આઘું રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.
8. સહજપ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

18. પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. માણસ પહેલાં કુટુંબનો સ્વીકાર કરે છે. પોતાના વિકાસને માટે તે પોતાને કુટુંબના બંધનમાં નાંખે છે. ત્યાં તે ઘણી જાતના અનુભવ લે છે. પણ કુટુંબના બંધનમાં પેઠા પછી કાયમનો તેમાં જકડાઈ રહેશે તો તેનો વિનાશ થશે. કુટુંબમાં રહેવાનું જે પહેલાં ધર્મરૂપ હતું તે જ અધર્મરૂપ થશે. કારણકે તે ધર્મ બંદન કરવાવાળો થયો. બદલાનારો ધર્મ આસક્તિ રાખી છોડશે નહીં તો સ્થિતિ ભયાનક થશે. સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસાંમાં ક્ષયનાં જંતુ અજાણતા દાખલ થઈ જશે તો પણ આખા જીવનને કોરી ખાશે. સાત્વિક કર્મમાં જો આસક્તિનાં જંતુ બેસાવધપણે પેસવા દઈએ તો સ્વધર્મ સડવા માંડશે. એ સાત્વિક સ્વધર્મમાંથી પમ રાજસ તેમ જ તામસ બદબો છૂટશે. કુટુંબ એ બદલાનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. તેવું જ રાષ્ટ્રધર્મનું સમજવું. રાષ્ટ્રદર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. એથી આત્મવિકાસ અટકી જશે. ચિત્તમાં આસક્તિ ઘર કરી જશે અને સરવાળે અધઃપાત થશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ – (104)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૪ – સાધકને સારૂ સ્વધર્મની પાડેલી ફોડ

13. સારાંશ, રાજસ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં ; અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે, પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. ભલે એ દોષ થતો. એ દોષ તું ટાળવા જશે તો બીજા અસંખ્ય દોષ ગળે વળગશે. તારૂં નાક ચીબું છે તેવું જ રહેવા દે. તે કાપીને રૂપાળું કરવા જઈશ તો વધારે બિહામણું અને કારમું દેખાશે. તે જેવું છે તેવું જ સારૂં છે. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાનાં નથી. તે કરવાનાં, પણ તેમનાં ફળનો ત્યાગ કરવાનો છે.

14. બીજી એક વાત કહેવાની છે. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય તે આપણે સારૂં કરી શકીશું, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરીશ મા. આપમેળે આવી મળે તેટલું જ કર. દોડધામ કરી બીજું નવું વહોરી લઈશ મા. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે, તે ગમે તેટલું સારૂં હોય તોયે તેને આઘું રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપ્રાપ્ત આવી મળેલું કર્મ છે તેની બાબતમાં જ ફળત્યાગ સંભવે છે. આ કર્મ સારૂં છે, પેલું કર્મ સારૂં છે, એવા લોભમાં પડીને માણસ ચારેકોર દોડાદોડ કરે તો ફળત્યાગની વાત કેવી ? જીવનનો ચૂંથાડો થઈ જશે. ફળની આશાએ જ તે આ પરધર્મરૂપ કર્મો કરવા તાકશે અને ફળ પણ હાથ નહીં લાગે. જીવનમાં ક્યાંયે સ્થિરતા નહીં મળે. તે કર્મોની આસક્તિ ચિત્તને વળગી જશે. સાત્વિક કર્મોનો લોભ થાય તો તે લોભ પણ દૂર કરવો જોઈએ. પેલાં નાના પ્રકારનાં સાત્વિક કર્મો કરવા જઈશ તો તેમાં રાજસપણું ને તામસપણું દાખલ થશે. તેથી તને તારો જે પ્રવાહપ્રાપ્ત સાત્વિક સ્વધર્મ આવી મળ્યો હોય તેનું જ તું આચરણ કર.

15. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સ્વકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે, કયું કર્તવ્ય મને આવી મળેલું છે, એ બધું સ્વધર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જ જાય છે. તમારામાં तमेपणुं જેવું કંઈક છે અને તેથી તમે तमे છો. હરેક જણની કંઈક ને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં જ છે. બકરી રહીને જ તેણે પોતાનો વિકાસ કરવો જોઈએ. બકરી કહે કે ‘ હું ગાય થઈશ ’ તો તે બને એવું નથી. આપમેળે આવી મળેલા બકરીપણાનો ત્યાગ તેનાથી થઈ શકે એવો નથી. તે માટે તેને પોતાને મળેલું શરીર છોડવું પડે; નવો ધર્મ, નવો જન્મ લેવો પડે. પરંતુ આ જન્મે પેલું બકરીપણું છે તે જ પવિત્ર છે. પેલી બળદ અને દેડકીની વાર્તા છે ને ? દેડકી વધી વધીને કેટલું વધે ? તેના શરીરના વધવાને પણ હદ હોય છે. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી એ યોગ્ય નથી. તેથી પરધર્મને ભયાવહ કહ્યો છે.

16. વળી સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય એવો ભાગ અને બીજો ન બદલાય એવો ભાગ છે. આજનો હું કાલે નથી. કાલનો હું પરમ દિવસે નથી. હું હંમેશ બદલાતો રહું છું. નાનું બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ સંવર્ધન છે. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજસેવા કરીશ. પૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ પલટાવાવાળો છે તો બીજો કેટલોક પલટાવાવાળો નથી. આ જ વાતને પહેલાંની શાસ્ત્રીય સંજ્ઞાઓ આપીને કહેવી હોય તો આપણે એમ કહીશું કે, “ માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણદર્મ બદલાતો નથી. આશ્રમધર્મો બદલાય છે. ” આશ્રમધર્મ બદલાય છે તેનો અર્થ એ કે હું બ્રહ્મચારીપદ સાર્થક કરી ગૃહસ્થ બનું છું, ગૃહસ્થનો વાનપ્રસ્થ થાઉં છું અને વાનપ્રસ્થનો સંન્યાસી થાઉં છું. આશ્રમ બદલાય છે તો પણ વર્ણધર્મ બદલી શકાતો નથી. મારી નૈસર્ગિક મર્યાદા મારાથી છોડી શકાય નહીં. તે પ્રયત્ન ફોગટ છે. તમારામાંનું ‘ तमे ’ પણું તમારાથી ટાળી શકાય એવું નથી, એ ક્લપના પર વર્ણધર્મની યોજના થયેલી છે. વર્ણધર્મનો ખ્યાલ સુંદર છે. વર્ણધર્મ તદ્દન અટળ છે કે ? બકરીનું જેવું બકરીપણું, ગાયનું જેવું ગાયપણું, તેવું જ શું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ છે કે ? વર્ણધર્મ એટલો પાકો નથી એ વાત હું સ્વીકારૂં છું. પણ એ વાતનો સાર પકડવાનો છે. વર્ણધર્મ સામાજિક વ્યવસ્થાને માટે એક યુક્તિ તરીકે વપરાય છે ત્યારે તેમાં અપવાદ રહેવાનો જ. એવો અપવાદ ગૃહીત કરવો જ પડે. એ અપવાદ ગીતાએ પણ ગૃહીત માનેલો છે. સારાંશ કે આ બે પ્રકારના ધર્મ ઓળખી બીજા ધર્મ રૂડા તેમ જ મનમોહક લાગે તો પણ તેમને ટાળજો.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

ક્રિયામાંથી છૂટવાની સાચી રીત – (103)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૩ – ક્રિયામાંથી છૂટવાની સાચી રીત

7. તો સવાલ એ થાય છે કે બધી ક્રિયામાં દોષ હોય તો બધી ક્રિયા કેમ ન છોડી દેવી ? આનો જવાબ પહેલાં એક વાર આપ્યો છે. સર્વ કર્મોનો ત્યાગ કરવાનો ખ્યાલ ઘણો સુંદર છે. એ વિચાર મોહક છે. પણ આ અસંખ્ય કર્મોને છોડવાં શી રીતે ? રાજસ તેમ જ તામસ કર્મો છોડવાની જે રીત છે તે જ સાત્વિક કર્મો છોડવાની બાબતમાં અખત્યાર કરવાની છે ? સદોષ એવાં જે સાત્વિક કર્મો તેમને કેવી રીતે ટાળવાં ? વાતની ખૂબી એવી છે કે ईन्द्राय तक्षकाय स्वाहा એવું દુનિયામાં માણસ કરવા બેસે છે ત્યારે ઈંદ્ર અમર હોવાથી નથી મરતો તે નથી જ મરતો, પરંતુ તક્ષક પણ મરતો નથી ને તે ઊલટો જબરો થઈ જાય છે. સાત્વિક કર્મમાં પુણ્ય છે અને થોડો દોષ છે. પણ થોડો દોષ છે માટે દોષની સાથે પુણ્યની પણ આહુતિ આપવા જશો તો પુણ્યક્રિયા ચવડ હોવાથી નહીં જ મરે, પણ દોષક્રિયા માત્ર વધતી જશે. આવા ભેળસેળિયા વિવેકહીન ત્યાગથી પુણ્યરૂપી ઈંદ્ર તો નથી જ મરતો, પરંતુ દોષરૂપી તક્ષક મરે એમ હતું તે પણ મરતો નથી. તો પછી તેમના ત્યાગની રીત કઈ ? બિલાડી હિંસા કરે છે માટે તેનો ત્યાગ કરશો તો પચી ઉંદર હિંસા કરશે. સાપ હિંસા કરે છે તેને દૂર કરશો તો સેંકડો જીવો ખેતીની હિંસા કરશે. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ થવાથી હજારો માણસો મરશે. આથી ત્યાગ વિવેકયુક્ત હોવો જોઈએ.

8. ગોરખનાથને મછંદરનાથે કહ્યું, ‘ આ છોકરાને ધોઈ લાવ. ’ ગોરકનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો ને તેને વાડ પર સૂકવવા નાખ્યો. મછંદરનાથે કહ્યું, ‘ છોકરાને ધોઈ આણ્યો કે ? ’ ગોરખનાથ બોલ્યા, ‘ તેને ઝીંકીને ધોઈને સૂકવવા નાખ્યો છે. ’ છોકરાને ધોવાની આ રીત કે? કપડાં દોવાની ને માણસોને ધોવાની રીત એક નથી. તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ અને સાત્વિક કર્મોનો ત્યાગ એ બેમાં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિવેકહીન વર્તનથી કંઈક નવું જ ईदं तृतीयं થઈ જાય છે. તુકારામે કહ્યું છે ને કે –

त्यागे भोग माझ्या येतील अंतरा । मग मी दातारा काय करूं ।।

ત્યાગથી જો મારા અંતરમાં ભોગ પ્રગટે તો હે દાતાર, મારે કરવું શું ? નાનોસરખો ત્યાગ કરવા જઈએ તો મોટો ભોગ છાતી પર ચડી બેસે છે. એટલે તે નાનો સરખો ત્યાગ પણ એળે જાય છે. જરા અમસ્તા ત્યાગને માટે મોટાં મોટાં ઈન્દ્રભવન ઊભાં કરવાં તેને બદલે પેલી છાપરી સી ખોટી હતી ? તે જ પૂરતી છે. લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઊભો કરવો તેને બદલે પહેરણ ને બંડી પહેરવાં વધારે સારાં. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે તેની રીત જુદી બતાવી છે. તે બધાં સાત્વિક કર્મો કરવાનાં ખરાં પણ તેમનાં ફળને તોડી નાખવાનાં છે. કેટલાંક કર્મો સમૂળગાં છોડી દેવાનાં હોય છે, કેટલાંક ફળ તોડી નાખવાનાં હોય છે. શરીર પર બહારથી ડાઘ પડે તો ધોઈ કઢાય. પણ કુદરતે આપેલી ચામડીનો રંગ કાળો હોય તો તેને ચુનો લગાડયે શું થાય ? તે કાળા રંગને છે તેવો જ રહેવા દે તેના તરફ જોવાનું જ માંડી વાળ. તેને અમંગળ કહીશ મા.

9. એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામડે જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, અહીંથી મર્યા વગર હવે છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે હોળી સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “ અલ્યા, કેમ આપઘાત કરે છે ? ” પેલાએ કહ્યું, “ આ દુનિયા અમંગળ છે તેથી. ” પેલા ગૃહસ્થે કહ્યું, “ તારૂં આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી, એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે ! અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું ? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગંધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગંદ મારશે તેનો તો કંઈ વિચાર કર ! ” પેલા માણસે ત્રાસીને કહ્યું, “ આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ ? ”

10. સારાંશ કે અમંગળ, કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ, બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરૂદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે એને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

11. ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. દાખલા તરીકે ધારો કે એકાદ ઠેકાણે ખૂબ ઘોંઘાટ થાય છે અને તેને બંધ પાડવો છે. ત્યાં એકાદ સિપાઈ આવે છે અને બૂમાબૂમ બંધ કરવાને માટે પોતે મોટેથી બૂમો પાડવા માંડે છે. ત્યાં થતી બોલચાલ બંધ કરવાને મોટેથી બોલવાનું તીવ્ર કર્મ તેને કરવું પડયું. બીજો કોઈક આવશે તે આવીને માત્ર ઊભો રહેશે ને આંગળી ઊંચી કરશે. તેટલાથી જ લોકો ચૂપ બેસી જશે. ત્રીજો એકાદ માત્ર ત્યાં હાજર હશે તેટલાથી જ બધા શાંત બેસી જશે. એકને તીવ્ર ક્રિયા કરવી પડી, બીજાની ક્રિયા કંઈક સૌમ્ય હતી અને ત્રીજાની સૂક્ષ્મ થઈ. ક્રિયા ઓછી થતી ગઈ પણ લોકોને શાતં પાડવાનું જે કામ તે સમાન થયું. જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઈષ્ટતમ હોય તે કર્મ. કર્મની પહેલી, બીજી વિભક્તિ હોય છે અને ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે એ વાત બરાબર સમજી લો. કોઈક માણસ ગુસ્સે થાય છે તો ખૂબ બોલીને અગર બિલકુલ ન બોલીને પોતાનો ગુસ્સો બતાવે છે. જ્ઞાની પુરૂષ લેશમાત્ર ક્રિયા કરતો નથી. પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતી જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. તે જ્ઞાની પુરૂષનું અસ્તિત્વ હોય એટલે થયું. તેના હાથપગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજી વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે એટલે ક્રિયા શૂન્યરૂપ થઈ જાય છે અને અનંત કર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલાં તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સુક્ષ્મમાંથી શૂન્ય એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. પણ પછી અનંત કર્મ આપોઆપ થતું રહેશે.

12. ઉપર ઉપરથી કર્મ દૂર કરવાથી તે દૂર થતું નથી. નિષ્કામતાપૂર્વક કર્મ કરતાં કરતાં ધીરે ધીરે તેનો અનુભવ થતો જશે. બ્રાઉનિંગ નામના અંગ્રેજ કવિએ ‘ ઢોંગી પોપ ’ નામની એક કવિતા લખી છે. તે પોપને એક માણસે પૂછયું, “ તું વેશ શું કામ કરે છે ? આ બધા ઝભ્ભા શાને સારૂ ? આ ઉપરનો ડોળ શા માટે ? આ ગંભીર મુદ્રા શા સારૂ ? ” ત્યારે તેણે કહ્યું, “ આવું બધું હું શું કામ કરૂં છું તે જાણવું છે ? તો સાંભળ. આ નાટક કરતાં કરતાં શ્રદ્ધાનો સ્પર્શ ખબર ન પડે એ રીતે થઈ જવાનો સંભવ છે. ” તેથી નિષ્કામ ક્રિયા કરતા રહેવું. ધીમે ધીમે નિષ્ક્રિયત્વ પચતું જશે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 11

પ્રશ્ન:- (11) બ્રહ્મને પોતાની અભિન્ન અહંકારનું જે અનુસંધાન થાય છે તે જ આ મહાવિસ્તીર્ણ સંસારરૂપે બ્રહ્મમાં સ્ફુરે છે. અને તે બ્રહ્મમય હોવાને લીધે અનંત છે. બ્રહ્મને પોતાની અભિન્ન અહંકારનું અનુંસંધાન થાય છે. એટલે શું ?

પ્રત્યુત્તર:- (11) બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું અનુસંધાન થવું તેમાં આપણે સૃષ્ટિ ઉત્પત્તિમાં જોઈ ગયા છે કે વિશુદ્ધ બ્રહ્મમાં સૃષ્ટિ નથી. બ્રહ્મ જ્યારે માયોપહિત બને ત્યારે જગત કારણ થાય છે. તો પ્રથમ બ્રહ્મમાં સર્ગના આરંભમાં એકોહં બહુસ્વામ આ જે સ્ફુરણ થવું ઇક્ષણ થવું પોતે પોતામાં રહેલી અભિન્ન માયા શક્તિ ને તેમાં રહેલા ભોગ મોક્ષ જેનું પ્રયોજન સિદ્ધ નથી થયું તેવા વાસનાગત જીવો તથા તેના કર્મ સંસ્કારો અને તેનું ફલ આપવાના ભાવવાળું થવું ત્યારે તે તરફ ઇક્ષણ કરીને પછી સંકલ્પ કરવો કે હું એકમાંથી બહુરૂપે બનું. આ અભિન્ન અહંકારનું અનુસંધાન છે. પછી તેજ અહંકારથી તેજ અહંકારનો વિસ્તાર આ સામે દેખાતો મહાવિસ્તીર્ણ સંસાર તે બ્રહ્મમાં જ સ્ફુરેલો છે અને તે ઇશ્વર અભિન્ન નિમિતોપાદાન કારણ રૂપે અને બ્રહ્મના વિવર્તરૂપે પ્રથમ આ અહંકાર સ્ફુરે છે.અને સંસાર મહાવિસ્તીર્ણ છે. આ અહંકરાનો જ વિસ્તાર છે. અને બ્રહ્મરૂપ અધિષ્ઠાનમાં સ્ફુરેલો હોવાથી જેમ રજુમાં અવિદ્યાથી સ્ફુરેલો સાપ રજુમય જ હોય છે. તેમ બ્રહ્મમાં સ્ફુરેલો આ મહાવિસ્તીર્ણ સંસાર પણ બ્રહ્મનું જ વિવર્ત હોવાથી બ્રહ્મમય જ છે. અને બ્રહ્મમય હોવાને લીધે અનંત છે. સાખ્યમાં પુરુષે તથા પ્રકૃતિને પણ અનાદિ અનંત બંનેને માનેલ છે. અહીં પરમાત્મા બ્રહ્મની સાથે રહેલી અભિન્ન માયા જે અર્નિવચનિય છે અને તેથી સ્ફુરેલો સંસારપણ અભિન્ન છે. સાગર તથા સાગરના તરંગ ભિન્ન નથી. તેમ સાગર અનંત છે મોજા પણ તરંગ થતા અનંત છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને પોતાની વિભુતિનું વર્ણન કરતા કહે છે અર્જુન મારી વિભુતીનો વિસ્તાર કેટલો બધો છે કે હું પણ જાણતો નથી. સમુદ્રમાં મોજા કે તરંગ કેટલા ઉપડશે નાશ પામશે, કયા સુધી તે કહી ન શકાય તેમ જેમ અગ્નિમાંથી સ્ફુલિંગો ઉત્પન્ન થતા જ રહે તેમ સંસાર પણ અનંત તથા અપાર છે.

જ્ઞાનમાર્ગમાં જેને જ્ઞાન થાય છે તેને માયા સાંત દેખાય છે. પરંતુ સાધારણ અન્યોને માટે તો અનંત છે. પરમાત્માના જ્ઞાનને કે રહસ્યને પામનારા મૌન જ થઈ જાય છે કારણ કે રહસ્ય રહસ્ય જ રહી જાય છે. બ્રહ્મની પાર કોઈ જઈ નથી શકતું. બ્રહ્મનું જ્ઞાન કરનારા પણ રહસ્યમાં ડૂબી જાય છે. પોતાના વ્યક્તિત્વને ખોઈ નાખે છે. પરંતુ રહસ્યનો કોઈ પણ પાર નથી પામતા. અનંત તે અનંત રહે છે. બ્રહ્મ અનંત છે તેનો સંસાર પણ અનંત છે. અને તે બ્રહ્મમાં અહંકાર પણ કલ્પિત જ સ્ફુરેલો છે, કલ્પિત અહંકારનું અનુસંધાન કરે છે. તેથી કલ્પિત કોઈ પણ વસ્તુ હોય તો અધિષ્ઠાનથી અભિન્ન જ હોય છે. તો અહંકારનો વિસ્તાર આ સંસાર છે. તેથી તે પણ બ્રહ્મથી અભિન્ન જ છે અને અનંત છે. પુરી રજુ જ સર્પરૂપે દેખાય છે તેમ બ્રહ્મ જ જગતરૂપે દેખાય છે. તેથી બ્રહ્મમય જ છે. શ્રુતિમાં પ્રમાણ આપ્યું છે. સર્વં ખલવિદંબ્રહ્મ નિશ્ચય આ સઘળું બ્રહ્મ છે. સર્પને અસલરૂપમાં જુવો તો રજુ જ છે. સર્પનો બાધ કરીને જુવો તો પણ રજુ જ છે. બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું જે અનુસંધાન થાય છે. તે જ આ મહાવિસ્તીર્ણ સંસારરૂપે સ્ફુરે છે. અને તે બ્રહ્મમય હોવાને લીધે અનંત છે બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું અનુસંધાન થાય છે. એટલે શું તે પ્રશ્ન પુર્ણ.

ૐૐ ૐ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Tags: | Leave a comment

અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 10

પ્રશ્ન:-(10) દૃષ્ટા અને દૃશ્યની મધ્યમાં રહેવું એટલે શું ?

પ્રત્યુત્તરઃ-(10) મારા પ્યારા પ્યારા વહાલા વહાલા ભક્તો. પ્રશ્ન ખુબ જ મહત્વનો છે કારણ કે આપણે કયારેક ક્યારેક દૃષ્ટા તથા દૃશ્યની વાત કરતા હોઈએ છીએ કે આત્મા દૃષ્ટા છે. જગત દૃશ્ય છે. ઠીક વાત છે. પરંતુ દૃષ્ટા તથા દૃશ્યનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું હોતું નથી. આ વિષય ઉપર લખાણ કરું તો ઘણું લાંબુ થાય. ચોપડો ભરાય જાય છતાં સંક્ષિપ્તમાં તેનું સ્વરૂપ કહીશ કારણ કે દૃષ્ટા ને દૃશ્ય સમજાયું ન હોય ત્યાં સીધી મધ્યની વાત કરવી વ્યર્થ છે તેથી સંક્ષિપ્તમાં પહેલા દૃષ્ટા કોણ છે પતંજલી યોગદર્શનમાં સુત્ર આપે છે સાધન પાદ યોગ સૂત્ર ..20..

દૃષ્ટા દ્રશિમાત્ર: શુદ્ધોડપિ પ્રત્યયાનુપશ્ય:

શબ્દાર્થ = દૃષ્ટા = દૃષ્ટા. દ્રશીમાત્ર જોવાની શક્તિમાત્ર છે. શુદ્ધ: અપિ નિર્મલ અને નિર્વિકાર હોવા છતાં પણ પ્રત્યય અનુપશ્ય ચિત્તની વૃત્તિઓને અનુસાર જોવાવાળો છે.

અન્વયાર્થ : દૃષ્ટા જોવાની શક્તિ માત્ર છે. નિર્વિકાર હોય પણ ચિતની વૃત્તિઓને અનુસાર જોવાવાળો છે.

અહીં સૂત્રમાં દ્રશી શબ્દનો જે પ્રયોગ કર્યો છે તેનો અભિપ્રાય તે છે કે જોવું તે જોનારાનું વિશેષણ છે. જોવાની શક્તિરૂપ વિશેષણથી રહિત છે. કેવલ જ્ઞાનમાત્ર છે તેમ કહેવાનો હેતુ છે. જોવું તે તેનો ધર્મ નથી. જોવાની શક્તિ માત્ર ધર્મી છે. તેમાં કોઈ પરિણામ થતું નથી. દિપકના દૃષ્ટાંતથી કે વિધુતનો ગોળો પ્રકાશતો હોય તેમ પ્રકાશ માત્ર છે. પછી દિપક નાનો હોય કે મોટો હોય પરંતુ પ્રકાશરૂપ હોય છે. એવી રીતે દરેક પ્રાણીઓની અંદર આત્મા પ્રકાશરૂપમાં છે. જ્ઞાન તે કોઈ આત્માનો ધર્મ કે ગુણ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. શિવ સ્વરૂપ છે. પ્રત્યયાનુપશ્યઃ ચિતની વૃત્તિઓને અનુસાર જોવાવાળો. બુદ્ધિની વૃત્તિઓ ત્રીગુણમય હોવાથી પરિણામી છે. આત્મા પરિણામ પામતો નથી. વૃત્તિમાં વિષયનું જ્યારે પ્રતિબિંબ પડે ઉપરાગપણું થાય ત્યારે પદાર્થ જ્ઞાત થાય અને ન પડે ત્યારે અજ્ઞાત થાય. મતલબ કે આ જોવું અને આ ન જોવું તેવો વહેવાર તે આત્માનો નથી. તે વૃત્તિઓનો છે. આત્મા તો એક સરખારૂપમાં પ્રકાશે. સાક્ષિરૂપમાં કેવળ સાક્ષિ બનીને જ રહે છે. બુદ્ધિને પણ પ્રકાશ કરનાર આત્મા છે. તેથી બુદ્ધિને પણ જાણે છે. બુદ્ધિના પરિણામરૂપ વૃત્તિ છે. તે તો માત્ર પદાર્થને જ પ્રકાશે છે. જાણે છે, તેથી આત્મા તો બુદ્ધિને તેની વૃત્તિને અને પદાર્થને સઘળાને પ્રકાશતો હોવાથી સઘળાનો પ્રકાશક તથા જાણનાર છે. પરંતુ જોવું ન જોવું તે વૃત્તિનો ધર્મ છે. સુત્રમાં દ્રશીમાત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે તેમાં કહેવાનો હેતુ તે છે કે તે ચૈતન્યમાત્ર છે.

દરેક ધર્મોથી રહિત એટલેકે ત્રણ ત્રણ કે બુદ્ધિના કોઈ ધર્મ તેમાં નથી. તેવો વિશુદ્ધ છે. જ્ઞાનસ્વરૂપ પુરુષ છે તેને જ દૃષ્ટા કહેવાય છે. જો કે પુરુષે જ્ઞાનસ્વરૂપ છે. તો પણ તે બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબિત હોવાથી તે બુદ્ધિના ધર્મભુત જે જ્ઞાન છે તે જ્ઞાનનો આધાર પ્રતિત થાય છે. દેખાય છે. તેથી ભ્રાંતિ થાય છે કે જ્ઞાન તે આત્માનો ગુણ છે. અને જેવું બુદ્ધિવૃત્તિનું પરિણામ થાય તેવો તદાકારી થાય. તેથી પ્રત્યયાનુંપશ્ય કહ્યો છે. ચૈતન્ય પુરુષ ન તો બુદ્ધિ ના સમાન ધર્મવાળો છે કે ન વિરુદ્ધ ધર્મવાળો છે. તે બુદ્ધિના ધર્મથી વિલક્ષણ સ્વરૂપવાળો છે. બુદ્ધિને જ વિષય જ્ઞાત અજ્ઞાત થાય છે તેથી બુદ્ધિ પરિણામી છે. અને સદાકાલ બુદ્ધિ અને તેની વૃત્તિઓ અને વિષય સહિત જ્ઞાત હોવાથી પુરુષ અપરિણામી છે. આ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરી શકાય પરંતુ અહીં જ દૃષ્ટાનું સ્વરૂપ સમજી લેશો કે દૃષ્ટા શું છે ? સાક્ષિ શબ્દનો પ્રયોગ તો કરતા હોઈએ પણ સાક્ષિનું લક્ષણ શું તે પણ જાણવું જોઈએ. હવે સંક્ષિપ્તમાં દૃષ્ટાનું સ્વરૂપ જોશું. સાધન પાદ યોગ સૂત્ર 18.

પ્રકાશક્રિયાસ્થિતિશીલં ભૂતેન્દ્રિયાત્મકં ભોગાપવર્ગાર્થં દ્રશ્યમ્ ..

શબ્દાર્થ : પ્રકાશ ક્રિયા સ્થિતિ શીલં. પ્રકાશ ક્રિયા અને સ્થિતિ જેનો સ્વભાવ છે. ભૂતેન્દ્રિય- આત્મકમ -ભૂત ઇન્દ્રિય જેનું સ્વરૂપ છે. ભોગ અપવર્ગ અર્થ = અને ભોગ અપવર્ગ (મોક્ષં) જેનું પ્રયોજન છે. દૃશ્યમ – તે દ્રશ્ય છે.

અન્વયાર્થઃ પ્રકાશક્રિયા અને સ્થિતિ જેનો સ્વભાવ છે ભૂત અને ઇન્દ્રિય જેનું સ્વરૂપ છે. ભોગ અને અપવર્ગ જેનું પ્રયોજન છે તે દ્રશ્ય છે. પ્રકાશ તે સત્વગુણનો સ્વભાવ છે. ક્રિયા તે રજોગુણનો સ્વભાવ છે અને સ્થિતિશીલતા તે તમોગુણનો સ્વભાવ છે. જ્યાં જ્યાં પ્રકાશ જેવું જણાય ત્યાં સત્વગુણ જ્યાં જ્યાં ક્રિયા હોય ત્યાં રજોગુણ જ્યાં જ્યાં સ્થિતિ દેખાય ત્યાં તમોગુણ. આ ત્રણ ગુણનો સ્વભાવ છે. પછી તે ત્રણ ગુણાત્મક ભુત ઇન્દ્રિયો તેનું જ કાર્ય સ્વરૂપ છે. અને પદાર્થ પ્રવૃતિ હોવાથી ભોગ આપવો અને મોક્ષ અર્થનું પ્રયોજન સિદ્ધ કરી આપવું તે દૃશ્ય છે. આ ત્રણ ગુણ અને તેના કાર્યરૂપ સઘળો નામ રૂપાત્મક પ્રપંચ પદાર્થો દૃશ્ય છે. તો આપણે દ્રષ્ટા તથા દ્રશ્યનું સ્વરૂપ સંક્ષિપ્તમાં જોયું હવે દ્રષ્ટા અને દૃશ્યની મધ્યમાં રહેવું એટલે શું ? તો દૃષ્ટા તથા દૃશ્યની મધ્યામાં શું છે ? તો કહે દર્શન છે તો તે દર્શન શું છે ? તો કહે જે દશ્ય પદાર્થ છે તેને જોવાનું જ્ઞાન કરવાનું દૃષ્ટાનું સાધન છે. તે આપણે જોઈ ગયા તો દૃષ્ટા તથા દૃશ્યની મધ્યમાં જ્યારે દર્શન હોય ત્યારે તે કોઈને કોઈ પદાર્થનું સંયોગીકા હોય છે.

જે પદાર્થને જુવે છે તેનું જ્ઞાન કરવા માટે તદ્રૂપ તદાકાર થતું હોય છે અને સંપૂર્ણ પણે આવરણભંગ કર્યા પછી પદાર્થના તદાકાર થઈ પદાર્થનું જ્ઞાન કરે છે કે આવડો છે કે જે તે છે. તેથી ત્યારે તો આપણે મધ્યમાં નથી રહી શકયા કારણ કે વૃત્તિ સારૂપ્યપણું વૃત્તિ સાથે ભળીને વહેવાર કરીએ છીએ પછી વૃત્તિનો જેવો આકાર થાય ગુણધર્મનો અનુભવ લીયે તેવો પુરુષે પણ થઈ જાય છે. મતલબ કે દૃશ્યમાં ભળી જાય છે. અને જે તે પદાર્થના ગુણધર્મમાં અનુકૂળતા પ્રતિકુળતાનું જ્ઞાન કરી રાગ દ્વેષથી સુખી દુ:ખી થાય છે તો આપણે મધ્યમાં રહેવું હોય તો શું કરવું કે જ્યારે આપણી જે દૃષ્ટાની દર્શન વૃત્તિ પદાર્થની સાથે સંયોગીકા નથી થઈ એ એક દર્શન વૃત્તિ સંયોગીકા થઈ અને બીજા પદાર્થની સાથે સંયોગીકા થવાના અભાવવાળી છે તે સમયે દૃષ્ટા તથા દૃશ્યની મધ્યમાં દર્શન ન હોવાથી ત્યાં જ ગેબ છે. તે ચૈતન્ય માત્ર શુદ્ધ નિર્મલ સ્વરૂપ છે. અને તેમાં શંકરાચાર્ય મહારાજે સદાચાર સ્તોત્રમાં એક શ્લોક આપ્યો છે. શ્લોક 36

અર્થાદર્થે યદા વૃત્તિર્ગન્તું ચલતિ ચાન્તરે .
નિરાધારા નિર્વિકારા યા દશા સોન્મની સ્મૃતા ..

અર્થ :- જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થ ભણી જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિર્વિકાર દશા છે તે ઉન્મની કહે છે. તો વશિષ્ઠ મહારાજ રામજીને આ દૃશ્ય તથા દૃશ્યની મધ્યદશામાં રહેવાનું કહે છે.

આ પ્રશ્ન પુર્ણ.

Categories: અજ્ઞાતમાં ડૂબકી | Tags: | Leave a comment

શ્રી રામકૃષ્ણદેવનો સંદેશ

sri_ramakrishna
thakur_sandesh

Categories: રામકૃષ્ણ પરમહંસ | Tags: | Leave a comment

ફળત્યાગ, સાર્વભૌમ કસોટી – (102)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૨ – ફળત્યાગ, સાર્વભૌમ કસોટી

3. જવાબ આપતાં ભગવાને એક વાત સાફ કહી દીધી છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગનું તત્વ બધે લાગુ પાડી શકાય એમ છે. સર્વ કર્મોનાં ફળનો ત્યાગ કરવાની વાતનો રાજસ અને તામસ કર્મોનો ત્યાગ કરવાની વાત સાથે વિરોધ નથી. કેટલાંક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરવાવેંત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. ફળત્યાગપૂર્વક કર્મ કરવાની વાતમાં કેટલાંક કર્મોનો પ્રત્યક્ષ ત્યાગ આવી જ જાય છે.

4. આ વાતનો આપણે જરા ઊંડી દ્રષ્ટિથી વિચાર કરીએ. જે કામ્ય કર્મો છે, જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે ખખડી પડે છે. ફળત્યાગની સામે કામ્ય તેમ જ નિષિદ્ધ કર્મો ઊભાં જ રહી શક્તાં નથી. ફળત્યાગપૂર્વક કર્મો કરવાં એ કેવળ કૃત્રિમ, યાંત્રિક, તાંત્રિક ક્રિયા નથી. આ કસોટીથી કયાં કર્મ કરવાં અને કયાં કર્મો કરવાં નહીં એ વાતનો આપમેળે નિકાલ થાય છે. કેટલાક લોકો કહો છે કે, “ ગીતા ફળત્યાગપૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે, કયાં કર્મો કરવાં તે સૂચવતી નથી. ” આવો ભાસ થાય છે ખરો, પણ વસ્તુતઃ એ સાચું નથી. કારણકે ફળત્યાગપૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ કયું કરવુ અને કયું ન કરવું તે સમજાઈ જાય છે. હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીનાં કર્મો, ને એવાં બધાં કર્મો ફળત્યાગપૂર્વક કરી શકાતાં જ નથી. ફળત્યાગની કસોટી લગાડતાંની સાથે એ કર્મો ખરી પડે છે. સૂર્યનું અજવાળું ફેલાતાંની સાથે બધી ચીજો ઊજળી દેખાવા માંડે છે, પણ અંધારૂં ઊજળું દેખાય છે ખરૂં કે ? તે નાશ પામે છે. તેવી જ નિષિદ્ધ તેમ જ કામ્ય કર્મોની સ્થિતિ છે. કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. જે કર્મ હું કરવા ધારૂં છું તે અનાસક્તિપૂર્વક, ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાકતાં હું કરી શકીશ ખરો કે ? એ પહેલું જોઈ લેવું. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે. કસોટી પ્રમાણે કામ્ય કર્મો આપોઆપ ત્યાજ્ય ઠરે છે. તેમનો સંન્યાસ જ યોગ્ય થાય. હવે રહ્યાં શુદ્ધ સાત્વિક કર્મો. તે અનાસક્ત રીતે અહંકાર છોડીને કરવાનાં છે. કામ્ય કર્મોનો ત્યાગ કરવો એ પણ એક કર્મ થયું. ફળત્યાગની કાતર તેના ઉપર પણ ચલાવવી જોઈએ. અને કામ્ય કર્મોનો ત્યાગ પણ સહજ રીતે થવો જોઈએ. આમ આપણે ત્રણ વાતો જોઈ. પહેલી વાત એ કે જે કર્મો કરવનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો, નિષિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી, આટલો ત્યાગ મેં કર્યો એવો અહંકાર પેદા થવા ન દેવો.

5. રાજસ અને તામસ કર્મો ત્યાજ્ય શાથી ? કારણકે તે શુદ્ધ નથી. શુદ્ધ ન હોવાથી કરનારના ચિત્ત પર તે કર્મો લેપ કરે છે. પણ વધારે વિચાર કરતાં એમ જણાય છે કે સાત્વિક કર્મો પણ સદોષ હોય છે. જે જે કર્મ છે તેમાં કંઈ ને કંઈ દોષ હોય જ છે. ખેતીના સ્વધર્મનો વિચાર કરીએ તો તે શુદ્ધ સાત્વિક ક્રિયા છે. પણ આ યજ્ઞમય સ્વધર્મરૂપ ખેતીમાં પણ હિંસા થાય છે. ખેડ વગેરે કરતાં કેટલાંયે જીવજંતુ મરી જાય છે. કૂવા પાસે કાદવ ન થાય તે માટે પથ્થર બેસાડવા જઈએ ત્યાંયે જીવો મરે છે. સવારે સૂરજનું અજવાળું ઘરમાં પેસે છે તેની સાથે અસંખ્ય જીવો મરી જાય છે. જેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ તે મારણક્રિયા થવા બેસે છે. સારાંશ કે સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે. ત્યારે કરવું કેમ ?

6. મેં પહેલાં કહ્યું હતું કે બધા ગુણોનો પૂરો વિકાસ થવો હજી બાકી છે. જ્ઞાન, સેવા, અહિંસા એ બધાંનો બિંદુમાત્ર અનુભવ થયો છે. અત્યાર પહેલાં બધો અનુભવ થઈ ચૂક્યો છે એવું નથી. અનુભવ કરતી કરતી દુનિયા આગળ ચાલે છે. મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું. તેમણે વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે. અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મસંકોચ કરતો કરતો માણસ વર્તે તો છેવટે આત્મનાશ વહોરી લે. કર્મમાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકે ને કોઈકે ખેતી નહીં કરવી પડે કે ? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી કે ? કપાસ પકવવો એ જો પાપ છે તો નીપજેલો કપાસ વેચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે માટે તે કર્મ છોડી દેવાનું સૂઝે એ બુદ્ધિની ખામી છે. બધાં કર્મોનો બહિષ્કાર કરવો, આ કર્મ ન જોઈએ, પેલું કર્મ ન જોઈએ, કંઈ જ કરવું ન જોઈએ એ રીતે જોનારી દ્રષ્ટિમાં સાચો દયાભાવ રહ્યો નથી પણ મરી ગયો છે એમ જાણવું. ઝાડને ફૂટેલો નવો પાલો ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી ઊલટું ફાલે છે. ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

શંભુ ચરણે પડી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો || ૧ ||

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો || 2 || …દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો || 3 || …દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો || 4 || …દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો || 5 || …દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો || 6 || …દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો || 7 || …દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો |
દયા કરી દર્શન શિવ આપો ||

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

અર્જુનનો છેવટનો સવાલ – (101)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અઢારમો : ઉપસંહાર — ફળત્યાગની પૂર્ણતા : ઈશ્વર-પ્રસાદ
પ્રકરણ ૧૦૧ – અર્જુનનો છેવટનો સવાલ

૧. ઈશ્વરની કૃપાથી આજે અઢારમો અધ્યાય આપણે જોવા પામીએ છીએ. ક્ષણે ક્ષણે પલટાતી જતી આ દુનિયામાં કોઈ પણ સંકલ્પને પાર પાડવાનું ઈશ્વરના હાથમાં છે. તેમાં વળી જેલમાં તો ડગલે ને પગલે અનિશ્ચિતતાનો અનુભવ થયા કરે છે. અહીં આપણે એકાદ કામ શરૂ કરીએ તે પૂરૂં થયેલું જોવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. આપણી આ ગીતા પૂરી થશે એવી અપેક્ષા શરૂ કરતી વખતે નહોતી. પણ ઈશ્વરની એવી ઈચ્છા હતી એટલે આજે આપણે છેવાડે આવી પહોંચ્યા છીએ.

2. ચૌદમા અધ્યાયમાં સાત્વિક, રાજસ અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડયા હતા. તે પૈકી રાજસને અને તામસને છોડી સાત્વિકનો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું. ત્યાર બાદ સત્તરમા અધ્યાયમાં તે જ વાત આપણે જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન ને તપ અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય તો યજ્ઞ એ જીવનનો સાર છે. યજ્ઞને જરૂરી આહાર વગેરે જે કર્મો છે તે બધાંને પણ સાત્વિક તેમ જ યજ્ઞરૂપ જ કરી નાખવાનાં છે. યજ્ઞરૂપ અને સાત્વિક હોય તેટલાં જ કર્મો સ્વીકારવાં અને બાકીનાં છોડવાં એવો ધ્વનિ સત્તરમા અધ્યાયમાંથી ઊઠે છે તે આપણે સાંભળ્યો. ૐ तत् सत् એ મંત્રનું સ્મરણ શા સારૂ રાખવું તે પણ આપણે જોયું. ૐ એટલે સાતત્ય, तत् એટલે અલિપ્તતા, અને सत् એટલે સાત્વિકતા. આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવાં જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે કેટલાંક કર્મો ટાળવાનાં હોય છે, કેટલાંક કરવાનાં હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. કર્મના ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું અને ફળનો ત્યાગ કરવો એ જે ગીતાની શીખ છે તે બધે જોવાની મળે છે. પણ આ એક બાજુ થઈ. બીજી બાજુ એવી માલુમ પડે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢારમા અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો, “ કોઈ પણ કર્મ ફળત્યાગપૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી, કેટલાંક કર્મો ખસુસ કરીને છોડવાં અને કેટલાંક કરવાં એ બીજી બાજુ થઈ. એ બે વાતનો મેળ કેમ બેસાડવો ? ” જીવનની દિશા સ્પષ્ટ જાણવાની મળે તેટલા સારૂ આ સવાલ છે. ફળત્યાગનો મર્મ ધ્યાનમાં બેસે તેટલા માટે આ સવાલ ચે. જેને શાસ્ત્ર સંન્યાસ કહે છે તેમાં કર્મ સ્વરૂપતઃ છોડવાનું હોય છે. કર્મનું જે સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. ફલત્યાગમાં કર્મનો ફલતઃ એટલે કે ફળથી ત્યાગ કરવાનો હોય છે. ગીતાના ફળત્યાગમાં પ્રત્યક્ષ કર્મનો ત્યાગ કરવાની જરૂર કરી ? આ સવાલ છે. ફળત્યાગની કસોટીમાં સંન્યાસનો ઉપયોગ છે ખરો ? સંન્યાસની મર્યાદા ક્યાં સુધીની ? સંન્યાસ અને ફળત્યાગ એ બંનેની મર્યાદા કઈ કઈ અને કેટલી ? આવો આ અર્જુનનો સવાલ છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Blog at WordPress.com.