ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૫૧ – માણસમાં રહેલો પરમેશ્વર
7. સૌથી પહેલવહેલી પરમેશ્વરની મૂર્તિ આપણી પાસે છે તે માની છે. શ્રુતિ કહે છે, मातृदेवो भव । જન્મતાંની સાથે બાળકને મા વગર બીજું કોણ દેખાય છે ? વત્સલતાના રૂપમાં એ પરમેશ્વરની મૂર્તિ ત્યાં ખડી છે. આ માતાની વ્યાપ્તિને જ આપણે વધારીશું તો वंदे मातरम् કહીને આપણે રાષ્ટ્રમાતાની અને પછી આગળ જઈને ભૂમાતાની, પૃથ્વીની પૂજા કરીશું. પણ શરૂઆતમાં ઊંચામાં ઊંચી એવી પરમેશ્વરની પહેલી પ્રતિમા જે બાળકની સામે આવીને ઊભી રહે છે, તે માતાની છે. માની પૂજાથી મોક્ષ મળવો અશક્ય નથી. માની પૂજા એ વત્સલતાથી ઊભા રહેલા પરમેશ્વરની પૂજા છે. મા નિમિત્તમાત્ર છે. પોતાની વત્સલતા તેનામાં મૂકી પરમેશ્વર તેને નચાવે છે. તેને બિચારીને ખબર પણ પડતી નથી કે અંદરથી આટલી બધી માયા કેમ લાગ્યા કરે છે ? ઘરડેઘડપણ આપણને કામ આવશે એવી ગણતરી કરીને શું તે પેલા બાળકની સેવા કરે છે ? ના. ના. તેણે તે બાળકને જન્મ આપ્યો છે. તેમાં તેને વેદના થઈ. તે વેદના તેને તે બાળકનું ઘેલું લગાડે છે. તે જ વેદના તેને વત્સલ બનાવે છે. તેનાથી પ્રેમ રાખ્યા વગર રહેવાતું નથી. તે લાચાર છે. એ મા નિઃસીમ સેવાની મૂર્તિ છે. ચડિયાતામાં ચડિયાતી પરમેશ્વરની પૂજા આ માતૃપૂજા છે. ઈશ્વરને મા કહીને બોલાવવો જોઈએ. મા શબ્દથી ચડિયાતો બીજો શબ્દ ક્યાં છે ? મા એ સહેજે ઓળખાઈ આવે એવો પહેલો અક્ષર છે. તેમાં ઈશ્વરને જોતાં શીખ. પછી પિતા, ગુરૂ એમનામાં પણ જો. ગુરૂ કેળવણી આપે છે, પશુમાંથી આપણને માણસ બનાવે છે. તેના કેટલા બધા ઉપકાર ! પહેલી માતા, પછી પિતા, પછી ગુરૂ, પછી કૃપાળુ સંતો એમ ખૂબ સહેલાઈથી દેખાઈ આવે એવે સ્વરૂપે ઊભેલા આ પરમેશ્વરને પહેલો જોવો. અહીં પરમેશ્વર નહીં દેખાય તો બીજે ક્યાં દેખાવાના હતા ?
8. મા, બાપ, ગુરૂ અને સંતોમાં પરમેશ્વરને જુઓ. તેવી જ રીતે નાનાં બાળકોમાં પણ પરમેશ્વર જોતાં આવડી જાય તો કેવું મજાનું ધ્રુવ, પ્રહ્લાદ, નચિકેતા, સનક, સનંદન, સનત્કુમાર, બધાંયે નાના નાના બાળકો હતા. પણ પુરાણકારોને અને વ્યાસજી વગેરેને એમને ક્યાં મૂકીએ ને ક્યાં મૂકવાના રહેવા દઈએ એવું થયા કરે છે. શુકદેવ અને શંકરાચાર્ય બાળપણથી વિરક્ત હતા. જ્ઞાનદેવ પણ તેવા જ હતા. એ બધાંયે બાળકો. પણ તેમનામાં જેવે શુદ્ધ સ્વરૂપે પરમેશ્વરનો અવતાર થયો છે તેવે શુદ્ધ સ્વરૂપે તે બીજે પ્રગટ થયો નથી. ઈશુને બાળકોનું ખૂબ ખેંચાણ હતું. એક વખત તેના એક શિષ્યે તેમને પૂછયું, ‘ તમે હમેશ ઈશ્વરના રાજ્યની વાતો કરો છો. એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કોને મળશે ? ’ પાસે જ એક છોકરૂં હતું. ઈશુએ તેને મેજ પર ઊભું રાખીને કહ્યું, ‘ આ બાળકના જેવા જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે. ’ ઈશુએ જે કહ્યું છે તે સત્ય છે. રામદાસ સ્વામી એક વખત બાળકો સાથે રમતા હતા. છોકરાઓની સાથે સમર્થને રમતા જોઈ કેટલાક પીઢ લોકોને નવાઈ લાગી. તેમાંના એકે તેમને પૂછયું, ‘ અરે આજે આપ આ શું કરો છો ? ’ સમર્થે કહ્યું,
वयें पोर ते थोर होऊन गेले । वयें थोर ते चोर होऊन ठेले ।।
ઉંમરે જે છોકરા જેવા હતા તે મોટા થઈ ગયા અને ઉંમરે જે મોટા હતા તે ચોર થઈને રહ્યા. ઉંમર વધે છે તેની સાથે માણસને શિંગડાં ફૂટે છે. પછી ઈશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાઝેલા હોતા નથી. તેની બુદ્ધિ નિર્મળ હોય છે. બાળકને શીખવાય છે કે, ‘ જૂઠું ન બોલવું. ’ તે સામો પૂછે છે, ‘ જૂઠું બોલવું એટલે શું કહેવું ? ’ પછી તેને સિદ્ધાંત સમજાવવામાં આવે છે, ‘ જેવું હોય તેવું કહેવુ. ’ તે બાળકને બિચારાને મૂંઝવણ થાય છે. જેવું હોય તેવું કહેવાની રીત કરતાં બીજી પણ કોઈ રીત છે કે શું? જેવું ન હોય તેવું કહેવું કેવી રીતે ? ચોરસને ચોરસ કહેજે, ગોળ ન કહીશ એવું શીખવવા જેવી એ વાત થઈ. બાળકને નવાઈ થાય છે. બાળકો વિશુદ્ધ પરમેશ્વરની મૂર્તિ છે, મોટાં માણસો તેમને ખોટું શિક્ષણ આપે છે. ટૂંકમાં, મા, બાપ, ગુરૂ, સંતો, બાળકો એ બધાંમાં આપણને પરમેશ્વર જોતાં ન આવડયું તો પછી તે કયા રૂપમાં દેખાશે ? પરમેશ્વરનાં આથી ચડિયાતાં સ્વરૂપો બીજાં નથી. પરમેશ્વરનાં આ સાદાં, સૌમ્ય રૂપો પહેલાં શીખવાં. એ બધે ઠેકાણે પરમેશ્વર નજરે તરી આવે એવા મોટા અક્ષરે લખેલો છે.