ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૫૪ – દુર્જનમાં પણ પરમેશ્વરનું દર્શન
૫૪. ટૂંકમાં, આ રીતે આ સૃષ્ટિમાં નાના રૂપે – પવિત્ર નદીઓને રૂપે, મોટા મોટા વિશાળ પર્વતોને રૂપે, ગંભીર સાગરને રૂપે, વત્સલગાયને રૂપે, ઉમદા ઘોડાને રૂપે, દિલદાર સિંહને રૂપે, મીઠી કોયલને રૂપે, સુંદર મોરને રૂપે, સ્વચ્છ એકાંતપ્રિય સર્પને રૂપે, પાંખો ફફડાવનારા કાગડાને રૂપે, તડફડાટ કરતી જ્વાળાઓને રૂપે, પ્રશાંત તારાઓને રૂપે, સર્વત્ર પરમાત્મા ભરેલો છે. આપણી આંખોને તેને જોઈ, ઓળખવાને કેળવવી જોઈએ. પહેલાં સહેજે વરતાઈ આવે એવા મોટા સહેલા અક્ષરો, અને પછી નાના ને જોડાક્ષરો શીખવા જોઈએ. જોડાક્ષરો બરાબર શીખાશે નહીં ત્યાં સુધી વાંચવામાં આગળ વધાશે નહીં. જોડાક્ષરો ડગલે ને પગલે આવતા રહેશે. દુર્જનોમાં રહેલા પરમેશ્વરને જોતાં પણ શીખવું જોઈએ. રામ સમજાય છે પરંતુ રાવણ પણ સમજાવો જોઈએ. પ્રહ્લાદ ગળે ઊતરે છે પણ હિરણ્યકશિપુયે ગળે ઊતરવો જોઈએ. વેદમાં કહ્યું છે,
नमो नमः स्तेनानां पतये नमो नमः
नमः पुंजिष्ठेभ्यो नमो निषादेभ्यः ।
ब्रह्म दाशा ब्रह्म दासा ब्रह्मैवेमे कितवाः
‘ પેલા ડાકુઓના સરદારને નમસ્કાર; પેલા ક્રૂરોને, પેલા હિંસકોને નમસ્કાર. આ ઠગ, આ દુષ્ટ, આ ચોર, બધાયે બ્રહ્મ છે. સૌને નમસ્કાર. ’ આનો અર્થ એટલો જ કે સહેલા અક્ષરો પચાવ્યા તેમ અઘરા અક્ષરો પણ પચાવો. કાર્લાઈલ નામના ગ્રંથકારે વિભૂતિપૂજા નામે એક ગ્રંથ રચ્યો છે. તેમાં તેણે નેપોલિયનને પણ એક વિભૂતિ ગણાવી છે. એમાં શુદ્ધ પરમાત્મા નથી, ભેળસેળ છે. પણ એ પરમેશ્વરને પણ પોતાનો કરવો જોઈએ. એથી જ તુલસીદાસે રાવણને રામનો વિરોધી ભક્ત કહ્યો છે. એ ભક્તની જાત જરા જુદી છે. અગ્નિથી પગ દાઝે છે ને સૂજી જાય છે. પણ સૂજેલા ભાગ પર શેક કરવાથી સોજો ઊતરી જાય છે. તેજ એકનું એક જ છે. પણ તેના આવિર્ભાવ જુદા છે. રામ અને રાવણમાંનો આવિર્ભાવ જુદો દેખાતો હોવા છતાં તે એક જ પરમેશ્વરનો આવિર્ભાવ છે. સ્થૂળ અને સૂક્ષ્મ, સાદું અને ભેગવાળું, સહેલા અક્ષરો ને જોડાક્ષરો ઓળખતાં શીખો. અને છેવટે પરમેશ્વર વગરનું એક પણ સ્થળ નથી એ વાતનો અનુભવ કરો. અણુરેણુમાં પણ તે જ છે. કીડીથી માંડીને બ્રહ્માંડ સુધી સર્વત્ર પરમાત્મા ભરેલો છે. સૌની એક સરખી રીતે સંભાળ રાખવાવાળો, કૃપાળુ, જ્ઞાનમૂર્તિ, વત્સલ, સમર્થ, પાવન, સુંદર એવો પરમાત્મા સર્વની આસપાસ સર્વત્ર ઊભો છે.