ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૧ – જુલમી લોકોની સત્તા જતી રહી
17. દેહથી હું જુદો છું એ વાત જ્યાં સુધી આપણા ધ્યાનમાં ઊતરી નથી ત્યાં સુધી જુલમગાર લોકો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું બની શકે છે. એક રાક્ષસ હતો. તેણે એક માણસને પકડયો. રાક્ષસ તેની પાસે કાયમ કામ કરાવે. માણસ કામ ન કરે તો રાક્ષસ કહે, ‘‘ તને ખાઈ જઈશ, તને ગળી જઈશ. ’’ શરૂ શરૂમાં માણસને ધાક લાગતો. પણ પછી જ્યારે હદ થવા માંડી ત્યારે તેણે કહ્યું, ‘‘ ખાઈ જા, ખાવો હોત તો એક વાર ખાઈ નાખ. ’’ પણ પેલો રાક્ષસ તેને થોડો જ ખાવાનો હતો ? તેને તો ગુલામ નેકર જોઈતો હતો. માણસને ખાઈ જાય પછી તેનું કામ કોણ કરે ? દર વખતે ખાઈ જવાની ધમકી રાક્ષસ આપતો, પણ ‘ જા ખાઈ જા, ’ એવો જવાબ મળતાંની સાથે જુલમ અટકી ગયો. જુલમ કરવાવાળા લોકો બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે. એમના દેહને કષ્ટ આપીશું એટલે એ દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આ આસક્તિ તમે ચોડશો એટલે તાબડતોબ તમે સમ્રાટ બનશો, સ્વતંત્ર થશો. પછી સર્વ સામર્થ્ય તમારા હાથમાં આવશે. પછી તમારા પર કોઈની સત્તા ચાલશે નહીં. પછી જુલમ કરનારનો આધાર તૂટી જાય છે. ‘ હું દેહ છું ’ એ ભાવના મૂળમાં તેમનો આધાર હોય છે. તેમને લાગે છે કે આ લોકોના દેહને દુઃખ આપીશું એટલે એ લોકો આપણા તાબામાં રહેશે. તેથી જ એ લોકો હંમેશ ધાકધમકીની ભાષા વાપરે છે.
18. ‘ હું દેહ છું ’ એવી જે મારી ભાવના હોય છે તેને જ લીધે સામાને મારા પર જુલમ કરવાની, મને સતાવવાની ઈચ્છા થાય છે. પણ વિલાયતમાં થઈ ગયેલા શહીદ ક્રૅન્મરે શું કહ્યું હતું ? ‘ મને બાળવો છે ? બાળો. આ જમણો હાથ પહેલો બાળો ! ’ અથવા પેલા બે શહીદ લૅટિમર અને રીડલેએ શું કહ્યું ? ‘ અમને બાળો છો ? અમને બાળવાવાળા કોણ છે ? અમે તો ધર્મની એવી જ્યોત ચેતાવી રહ્યા છીએ કે જે કદી ઠરવાની નથી. દેહની આ મીણબત્તી, આ ચરબી સળગાવીને સત્ તત્વોની જ્યોત સળગતી રાખવાનું તો અમારૂં કામ છે. દેહ જશે. અને તે તો જવાનો જ છે.
19 . સૉક્રેટિસને ઝેર પાઈને મારી નાખવાની સજા ફરમાવવામાં આવી હતી. તે વખતે તેણે કહ્યું, ‘‘ હું હવે ઘરડો થયો છું. ચાર દહાડા પછી આ દેહ મરવાનો જ હતો. જે મરવાનો જ હતો તેને મારીને તમે લોકોએ શો પુરૂષાર્થ સાધ્યો તે તમે જાણો. પણ આ બાબતનો વિચાર તો કરશો કે નહીં ? દેહ મરવાનો છે એ નક્કી હતું. મરવાવાળી ચીજને તમે મારી તેમાં તમારી શી મોટાઈ ? ’’ જે દિવસે સૉક્રેટિસને મરવાનું હતું તેની આગલી રાતે આત્માના અમરપણાની વાત તે પોતાના શિષ્યોને સમજાવી રહ્યો હતો. પોતાના શરીરમાં ઝેર ફેલાઈ ગયા પછી શરીરને કેવી વેદના થશે તેની વાતો તે બહુ મોજથી કહેતો હતો. તેની તેને જરાયે ફિકર કે ચિંતા નહોતી. આત્માના અમરપણાની ચર્ચા પૂરી થયા બાદ એક શિષ્યે તેને પૂછ્યું, ‘‘ તમારા મરણ પચી તમને કેવી રીતે દાટીશું ? ’’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘‘ અરે ડાહ્યા, પેલા મને મારનારા ને તું મને દાટનારો ખરૂં ને ? પેલા મારનારા મારા વેરી ને તું દાટનારો મારા પર ભારે પ્રેમ રાખનારો, એમ ને ? પેલો પોતાના ડહાપણમાં મને મારશે ને તું તારા ડહાપણમાં મને દાટશે, એમ ને ? પણ અલ્યા, તું કોણ મને દાટનારો ? હું તમને બધાને દાટીને પાછળ રહેવાનો છું ! મને શામાં દાટશો ? માટીમાં દાટશો કે તપખીરમાં દાટશો ? મને કોઈ મારી શકતું નથી ; કોઈ દાટી શકતું નથી. મેં અત્યાર સુધી શું કહ્યું ? આત્મા અમર છે. તેને કોણ મારનાર છે ? કોણ દાટનાર છે ? ’’ અને ખરેખર, આજ અઢી હજાર વરસે તે મહાન સૉક્રેટિસ બધાયને દાટીને પાછળ જીવતો રહ્યો છે !