ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપ-દર્શન
પ્રકરણ ૫૮ – સર્વાર્થસાર
14. પરમેશ્વરના દિવ્ય રૂપનું એ જે વર્ણન છે ત્યાં બુદ્ધિ ચલાવવાની મારી ઈચ્છા નથી. ત્યાં બુદ્ધિ ચલાવવી એ પાપ છે. એ વિશ્વરૂપ વર્ણનના તે પવિત્ર શ્લોકો વાંચીએ અને પવિત્ર થઈએ. બુદ્ધિ ચલાવી પરમેશ્વરના તે રૂપના ટુકડા કરવાનું મનમે જરાયે મન થતું નથી. એમ કરવું એ અઘોર ઉપાસના થાય. અઘોરપંથી લોકો મસાણમાં જઈ મડદાં ચીરે છે અને તંત્રોપાસના કરે છે. આ તેવું જ થાય. તે પરમેશ્વરનું દિવ્ય રૂપ,
विश्वतश्चक्षुरूत विश्वतोमुखः
विश्वतोबाहुरूत विश्वतस्पात् ।
એ તે વિશાળ અનંત રૂપ, તેના વર્ણનના શ્લોક ગાઈએ, અને તે શ્લોકો ગાઈ મન નિષ્પાપ ને પવિત્ર કરીએ.
15. પરમેશ્વરના આ બધાયે વર્ણનમાં એક જ ઠેકાણે બુદ્ધિ વિચાર કરવા માંડે છે. પરમેશ્વર અર્જુનને કહે છે, ‘ અર્જુન, આ બધાયે મરનારા છે. તું નિમિત્તમાત્ર થા. બધું કરવાવાળો હું છું, ’ આટલો જ એક અવાજ મનમાં ઘૂમ્યા કરે છે. આપણે ઈશ્વરના હાથમાંનું છે એ વિચાર મનમાં આવે છે એટલે બુદ્ધિ વિચાર કરવા માંડે છે કે ઈશ્વરના હાથમાંનું હથિયાર કેમ બનવું ? ઈશ્વરના હાથમાંની મોરલી મારે કેવી રીતે થવું ? તે મને પોતાને હોઠે લગાડી મારામાંથી મીઠા સૂર કાઢે, મને વગાડે, એ કેવી રીતે બને ? મોરલી થવું એટલે પોલા થવું. પણ હું તો વિકારોથી, વાસનાઓથી ઠાંસીને ભરેલો છું. મારામાંથી મીઠો અવાજ નીકળે શી રીતે ? મારો અવાજ બોદો છે. હું ઘન વસ્તુ છું. મારામાં અહંકાર ભરેલો છે. મારે નિરહંકાર થવું જોઈએ. હું પૂરેપૂરો ખાલી, પૂરેપૂરો પોલો થઈશ ત્યારે પરમેશ્વર મને વગાડશે. પણ પરમેશ્વરના હોઠની મોરલી થવાનું કામ સાહસનું કામ છે.તેના પગનાં પગરખાં બનવાની વાત કરૂં તો તે પણ સહેલું નથી. પરમેશ્વરના પગને જરાયે ન ડંખે એવાં એ નરમ પગરખાં હોવાં જોઈએ. પરમેશ્વરના પગને જરાયે ન ડંખે એવાં એ નરમ પગરખાં હોવાં જોઈએ. પરમેશ્વરના ચરણ અને કાંટાની વચ્ચે મારે પડવાનું છે. મારે મારી જાતને કમાવવી જોઈએ. મારી ખાલ છોલી છોલીને ચામડાને મારે કમાવતા રહેવું જોઈએ, તેને નરમ બનાવવું જોઈએ. એટલે પરમેશ્વરના પગનાં પગરખાં થવાનું પણ સહેલું નથી. પરમેશ્વરના હાથમાંનું હથિયાર બનવાની વાત કરૂં તો હું અધમણ વજનના લોખંડનો કેવળ ગોળો બનું તે પણ ચાલે એમ નથી. તપશ્ચર્યાની સરાણે ચડી મારે મારી જાતને ધારદાર બનાવવી જોઈએ. ઈશ્વરના હાથમાં મારા જીવનની તલવાર બરાબર ચમકવી જોઈએ. આવો અવાજ મારી બુદ્ધિમાં ઊઠ્યા કરે છે. ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવાઈ જાય છે.
16. એ કેમ કરવું, એવા કેમ થવાય,તે છેવટના શ્લોકમાં ભગવાને જાતે જ બતાવ્યું છે. શંકરાચાર્યે પોતાના ભાષ્યમાં આ શ્લોકને सर्वार्थसार, આખીયે ગીતાનો સાર કહીને ઓળખાવ્યો છે. એ શ્લોક કયો?
मत्कर्मकृन्मत्परमो मद् भक्तः संगवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव ।।
‘ મારે અર્થે કરે કર્મ, મત્પરાયણ ભક્ત જે,
દ્વેષહીન, અનાસક્ત, તે આવી મુજને મળે. ’
જેને જગતમાં કોઈની સાથે વેર નથી, જે તટસ્થ રહીને જગતની નિરપેક્ષ સેવા કરે છે, જે જે કંઈ કરે છે તે મને આપતો રહે છે, મારી ભક્તિથી જે ભરેલો છે, જે ક્ષમાવાન, નિઃસંગ, વિરક્ત અને પ્રેમાળ એવો ભક્ત છે, તે પરમેશ્વરના હાથમાંનું હથિયાર બને છે. આવો એ સાર છે.