ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપ-દર્શન
પ્રકરણ ૫૬ – નાની મૂર્તિમાં પણ પૂરેપૂરૂં દર્શન થઈ શકે
૬. તે દિવ્ય રૂપનું સુંદર વર્ણન, ભવ્ય વર્ણન આ અધ્યાયમાં છે. આ બધી વાત સાચી હોવા છતાં આ વિશ્વરૂપને માટે મને ઝાઝું ખેંચાણ નથી. મને નાના રૂપથી સંતોષ છે. જે નાનું રૂડું રૂપાળું નાજુક રૂપ મને દેખાય છે તેની મીઠાશ અનુભવવાનું હું શીખ્યો છું. પરમેશ્વરના જુદા જુદા કકડા નથી. પરમેશ્વરનું જે રૂપ જોવાનું મળ્યું હોય તે તેનો એક કકડો છે ને બાકીનો પરમેશ્વર તેની બહાર રહી ગયો છે એવું મને લાગતું નથી. જે પરમેશ્વર વિરાટ વિશ્વમાં ભરેલો છે તે પૂરેપૂરો તેવો ને તેવો નાનકડી મૂર્તિમાં, અરે એકાદા માટીના કણમાં પણ છે ને જરાયે ઓછો નથી. અમૃતના સાગરમાં જે મીઠાશ છે તે જ એક ટીપામાં પણ છે. અમૃતનું નાનું સરખું ટીપું જે મને મળ્યું છે તેની મીઠાશ મારે ચાખવી એવી મારી લાગણી છે. અમૃતનો દાખલો મેં અહીં જાણીબૂજીને લીધો છે. પાણીનો કે દૂધનો દાખલો નથી લીધો. દૂધના એક પ્યાલામાં જે મીઠાશ છે તે જ તેના એક લોટામાં પણ છે. પણ મીઠાશ તેની તે હોવા છતાં બંનેમાં પુષ્ટિ સરખી નથી. દૂધના એક ટીપા કરતાં દૂધના એક પ્યાલામાં વધારે પુષ્ટિ છે. પણ મૃતના દાખલામાં એવું નથી. અમૃતના સમુદ્રમાં રહેલી મીઠાશ અમૃતના એક ટીપામાં છે જ. પરંતુ તે ઉપરાંત તેટલી જ પુષ્ટિ પણ મળે છે. અમૃતનું એક જ ટીપું ગળાની નીચે ઊતરે તોયે પૂરેપૂરૂં અમૃતત્વ મળ્યું જાણવું. એ જ પ્રમાણે જે દિવ્યતા, જે પવિત્રતા પરમેશ્વરના વિરાટ સ્વરૂપમાં છે તે જ નાનકડી મૂર્તિમાં પણ છે. ધારો કે, એક મૂઠી ઘઉં નમૂના તરીકે કોઈએ મને આપ્યા. એટલા પરથી ઘઉં કેવા છે તેનો મને ખ્યાલ ન આવે તો ઘઉંની આખી ગૂણ મારી સામે ઠાલવવાથી કેવી રીતે આપશે ? ઈશ્વરનો જે નાનો નમૂનો મારી આંખ સામે ઊભો છે તેનાથી જો ઈશ્વરની પૂરી ઓળખાણ મને ન થાય તો વિરાટ પરમેશ્વરને જોવાથી તે કેવી રીતે થવાની હતી ?
નાનું ને મોટું એમાં છે શું ? નાના રૂપની ઓળખાણ બરાબર થાય એટલે મોટાની થઈ જાણવી. તેથી ઈશ્વરે પોતાનું મોટું રૂપ મને બતાવવું એવી હોંશ મને નથી. અર્જુનની માફક વિશ્વરૂપદર્શનની માગણી કરવાની મારી લાયકાત પણ નથી. વળી, મને જે દેખાય છે તે વિશ્વરૂપનો કકડો છે એવું નથી કોઈ છબીનો ફાટેલો એકાડ ટુકડો મળી જાય તેના પરથી આખી છબીનો ખ્યાલ આપણને નહીં આવે. પણ પરમાત્મા કંઈ આવા કકડાઓનો બનેલો નથી. પરમાત્મા જુદા જુદા કકડાઓમાં કપાયેલો નથી, વહેંચાયેલો નથી. નાનકડા સ્વરૂપમાં પણ તે જ અનંત પરમેશ્વર આખો ને આખો ભરેલો છે. નાનો ફોટો ને મોટો ફોટો એ બેમાં ફેર શો ? જે મોટામાં હોય છે તે જ બધું જેવું ને તેવું નાનામાં પણ હોય છે. નાનો ફોટો એટલે મોટાનો એકાદો કકડો નથી. નાના ટાઈપમાં અક્ષરો છાપ્યા હોય અને મોટા ટાઈપમાં છાપ્યા હોય તો પણ અર્થ તેનો તે જ છે. મોટા ટાઈપમાં મોટો કે વધારે અને નાનામાં નાનો કે ઓછો અર્થ હોય છે એવું કાંઈ નથી. આ જ વિચારસરણીનો મૂર્તિપૂજાને આધાર છે.
7. અનેક લોકએ મૂર્તિપૂજા પર હુમલા કર્યા છે. બહારના અને અહીંના પણ કેટલાક વિચારકોએ મૂર્તિપૂજાની ખામી બતાવી છે. પણ હું જેમ જેમ વિચાર કરૂં છું તેમ તેમ મૂર્તિપૂજામાં રહેલી દિવ્યતા મારી સામે સ્પષ્ટ ઊભી રહે છે. મૂર્તિપૂજા એટલે શું ? એકાદી નાનકડી વસ્તુમાં આખાયે વિશ્વનો અનુભવ કરતાં શીખવું તેનું નામ મૂર્તિપૂજા છે. નાનકડા ગામડામાં પણ બ્રહ્માંડ જોતાં શીખવું, જોવું એ વાત શું ખોટી છે ? એ ખાલી કલ્પના નથી, પ્રત્યક્ષ અનુભવની વાત છે. વિરાટ સ્વરૂપમાં જે છે તે જ નાનકડી મૂર્તિમાં છે, એકાદા માટીના કણમાં છે. એ માટીના ઢેખાળામાં કેરી, કેળાં, ઘઉં, સોનું, તાંબું, રૂપું, બધું છે. આખી સૃષ્ટિ કણમાં છે. જેમ કોઈક નાનકડી નાટકમંડળીમાં તેનાં તે જ પાત્રો જુદો જુદો વેશ લઈને રંગભૂમિ પર આવે છે, તેવું જ પરમેશ્વરનું છે. અથવા કોઈ નાટકકાર પોતે નાટક લખે છે, અને નાટકમાં કામ પણ કરે છે તે જ પ્રમાણે પરમાત્મા પણ અનંત નાટકો લખે છે, અને પોતે જ અનંત પાત્રોનો વેશ લઈને તેમને રંગભૂમિ પર ભજવી બતાવે છે. આ અનંત નાટકમાં એક પાત્રને ઓળખ્યું કે આખુંયે નાટક ઓળખી લીધું જાણવું.
8. કાવ્યમાં વપરાતાં ઉપમા અને દ્રષ્ટાંતને જે આધાર છે તે જ આધાર મૂર્તિપૂજાને છે. એકાદ ગોળ ચીજ જોવાથી આનંદ થાય છે કેમકે તેમાં વ્યવસ્થિતપણાનો અનુભવ થાય છે. વ્યવસ્થિતપણું એ ઈશ્વરનું સ્વરૂપ છે. ઈશ્વરની સૃષ્ટિ સર્વાંગ સુંદર છે. તેમાં વ્યવસ્થિતપણું છે. પેલી ગોળ ચીજ વ્યવસ્થિત ઈશ્વરની મૂર્તિ છે. પણ જંગલમાં ઊગીને વધેલું વાંકુંચૂકું ઝાડ પણ ઈશ્વરની જ મૂર્તિ છે. તેમાં ઈશ્વરનું સ્વૈરપણું છે. એ ઝાડને બંધન નથી. ઈશ્વરને કોણ બંધનમાં મૂકી શકે ? એ બંધનાતીત પરમેશ્વર પેલા વાંકાચૂકા ઝાડમાં છે. એકાદો સીધોસાદો થાંભલો જોવાનો મળતાં તેમાં ઈશ્વરની સમતાનું દર્શન થાય છે. નકશીવાળો થાંભલો જોતાં આકાશમાં તારા ને નક્ષત્રોના સાથિયા પૂરનારો પરમેશ્વર તેમાં દેખાય છે. કાપકૂપ કરી વ્યવસ્થિત રીતે ઊગાડેલા બગીચામાં ઈશ્વરનું સંયમી સ્વરૂપ દેખાય છે, અને વિશાળ જંગલમાં ઈશ્વરની ભવ્યતા અને સ્વતંત્રતાનું દર્શન થાય છે. જંગલમાં આપણને આનંદ થાય છે અને વ્યવસ્થિત બગીચામાં પણ થાય છે. ત્યારે શું આપણે ગાંડા છીએ ? ના, ગાંડા નથી. આનંદ બંનેમાં થાય છે, કેમકે ઈશ્વરી ગુણ એ હરેકમાં પ્રગટ થયેલો છે. સુંવાળા શાલિગ્રામમાં જે ઈશ્વરી તેજ છે તે જ તેજ પેલા નર્મદામાંથી મળતા ગડગુમડિયા ગણપતિમાં છે. મને પેલું વિરાટ રૂપ જુદું જોવાનું નહીં મળે તોયે વાંધો નથી.
9. પરમેશ્વર બધે જુદી જુદી વસ્તુઓમાં જુદે જુદે ગુણે પ્રગટ થયેલો છે અને તેથી આપણને આનંદ થાય છે. તે વસ્તુઓની બાબતમાં આપણને આત્મીયતા લાગે છે. આનંદ થાય છે તે કંઈ અમસ્તો થતો નથી. આનંદ શા માટે થાય છે? કંઈ ને કંઈ સંબંધ હોય છે તેથી આનંદ થાય છે. છોકરાંને જોતાં વેંત માને આનંદ થાય છે કારણ તે સંબંધ ઓળખી કાઢે છે. હરેક ચીજની સાથે પરમેશ્વરનો સંબંધ બાંધો. મારામાં જે પરમેશ્વર છે તે જ પેલી વસ્તુમાં છે. આવો આ સંબંધ વધારવો તેનું જ નામ આનંદ વધારવો. આનંદની બીજી ઉપપત્તિ નથી. પ્રેમનો સંબંધ બધે બાંધવા માંડો અને પછી શું થાય છે તે જો. પછી અનંત સૃષ્ટિમાં રહેલો પરમાત્મા અણુરેણુમાં પણ દેખાશે. એક વખત આ દ્રષ્ટિ કેળવાઈ પછી બીજું શું જોઈએ ? પણ એ માટે ઈન્દ્રિયોને વળણ પાડવું જોઈએ. ભોગની વાસના છૂટી જાય અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે પછી હરેક ચીજમાં ઈશ્વર સિવાય બીજું કંઈ નજરે નહીં પડે. આત્માનો રંગ કેવો હોય છે તેનું ઉપનિષદમાં મજાનું વર્ણન છે.આત્માના રંગને કયે નામે ઓળખવો. ઋષિ પ્રેમથી કહે છે, यथा अयं ईन्द्रगोपः । આ જે લાલ લાલ રેશમ જેવું નરમ મૃગ નક્ષત્રનું જીવડું છે તેના જેવું આત્માનું રૂપ છે. મૃગ નક્ષત્રમાં પેદા થતું એ જીવડું જોઈને કેટલો બધો આનંદ થાય છે ! આ આનંદ શાથી થાય છે ? મારામાં જે ભાવ છે તે જ એ ઈન્દ્રગોપમાં છે. એની ને મારી વચ્ચે સંબંધ ન હોત તો મને આનંદ ન થાત. મારામાં જે સુંદર આત્મા છે તે જ પેલા ઈન્દ્રગોપમાં છે. તેથી આત્માને તેની ઉપમા આપવામાં આવી. ઉપમા આપણે શા સારૂ આપીએ છીએ ? અને તેનાથી આનંદ કેમ ઊપજે છે ? એ બંને ચીજોમાં સરખાપણું હોય છે તેથી આપણે ઉપમા આપીએ છીએ, અને તેને લીધે આનંદ થાય છે. ઉપમાન અને ઉપમેય બંને તદ્દન જુદી ચીજો હોય તો આનંદ થાય નહીં. ‘ મીઠું મરચાં જેવું છે ’ એમ કહેનારને આપણે ગાંડો કહીશું. પણ ‘ તારા ફૂલ જેવા છે ’ એમ કોઈ કહે તો સરખાપણું દેખાવાથી આનંદ થાય છે. મીઠું મરચાં જેવું છે એમ કહેવાય છે ત્યારે સરખાપણાનો અનુભવ થતો નથી. પણ કોઈની દ્રષ્ટિ એટલી વિશાળ થઈ હોય, જે પરમાત્મા મીઠામાં છે તે જ મરચાંમાં પણ છે એવું દર્શન જેણે કર્યું હોય, તેને મીઠું કેવું છે એમ પૂછો તો જવાબમાં મરચાં જેવું એમ કહેતાં પણ આનંદનો અનુભવ થશે. સારાંશ કે ઈશ્વરી રૂપ પ્રત્યેક વસ્તુમાં ઓતપ્રોત ભરેલું છે. એટલા માટે વિરાટ દર્શનની જરૂર નથી.