ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૫ – સગુણ – નિર્ગુણ એકરૂપ : સ્વાનુભવકથન
28. એટલે સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક બંને વચ્ચે ફેર શો છે તે કહેવા જઈએ તો ભાષા કુંઠિત થઈ જાય છે. સગુણ અને નિર્ગુણ છેવટે એક ઠેકાણે ભેગાં થાય છે. ભક્તિનું ઝરણું શરૂઆતમાં સગુણમાંથી ફૂટે છે તોયે તે નિર્ગુણ સુધી પહોંચી તેને મળે છે. પહેલાં હું વાયકમનો સત્યાગ્રહ જોવાને ગયો હતો. મલબારના કિનારા પર શંકરાચાર્યનું જન્મસ્થાન છે એ ભૂગોળમાંથી જાણીને મેં યાદ રાખ્યું હતું. હું જતો હતો ત્યાંથી નજીક જ પેલું ભગવાન શંકરાચાર્યનું કાલડી ગામ હશે એમ મને લાગ્યું અને તેથી એ વિષે મારા સાથી મલયાળી ગૃહસ્થને મેં પૂછ્યું. તેમણે જવાબ આપતાં કહ્યું, ‘ તે ગામ અહીંથી દસબાર માઈલ પર જ છે. તમારે ત્યાં જવું છે ? ‘ મેં ના પાડી. હું સત્યાગ્રહ જોવાને ત્યાં ગયો હતો. તેથી રસ્તે બીજે ક્યાંક જવાને ફંટાવાનું મને ઠીક ન લાગ્યું અને તે વખતે તે ગામ જોવાને હું ન ગયો. એ મેં બરાબર કર્યું હતું વું હજી મને લાગે છે. પણ રાત્રે ઊંઘવાને આડો પડું એટલે તે કાલડી ગામ અને શંકરાચાર્યની મૂર્તિ મારી નજર સામે આવીને ઊભાં રહે. મને ઊંઘ ન આવે. એ અનુભવ મને હજી કાલે થયો હોય તેવો તાજો લાગે છે. શંકરાચાર્યના જ્ઞાનનો પ્રભાવ, તેમની દિવ્ય અદ્વૈતનિષ્ઠા, સામે ફેલાયેલી દુનિયાને રદ્દી, નકામી સાબિત કરી આપનારૂં તેમનું અલૌકિક અને ધગધગતું વૈરાગ્ય, તેમની ગંભીર ભાષા, અને મારા પર થયેલા તેમના અનંત ઉપકાર, એ બધી વાતના ખ્યાલ મારા મનમાં ઊભરાતા. રાત્રે એ બધા ભાવ પ્રગટ થાય. પ્રત્યક્ષ મુલાકાતમાં પણ એટલો પ્રેમ નથી. નિર્ગુણમાં પણ સગુણનો પરમોત્કર્ષ ઠાંસીને ભરેલો છે. હું કુશળ સમાચારના કાગળો વગેરે ઝાઝા લખતો નથી. પણ એકાદ મિત્રને પત્ર ન લખાય તો અંદરથી આખો વખત તેનું સ્મરણ થયા કરે છે. પત્ર ન લખવા છતાં મનમાં યાદ ભરપૂર રહે છે. નિર્ગુણમાં આ પ્રમાણે સગુણ છુપાયેલું હોય છે. સગુણ અને નિર્ગુણ બંને એકરૂપ જ છે. પ્રત્યક્ષ મૂર્તિ લઈ તેની પૂજા કરવી, પ્રગટ સેવા કરવી, અને અંદરથી એકસરખું જગતના કલ્યાણનું ચિંતન ચાલતું હોવા છતાં બહાર પૂજા ન દેખાય એ બંને વસ્તુ સરખી કિંમતની ને સરખી લાયકાતવાળી છે.