ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય તેરમો : આત્માનાત્મવિવેક
પ્રકરણ ૭૦ – तत्वमसि
14. એથી ભગવાન આ તેરમા અધ્યાયમાં જે વિચાર રજૂ કરે છે તે બહુ કીમતી છે. ‘ તું દેહ નથી, તું આત્મા છે. ’ ‘ तत्वमसि ’,તે આત્મરૂપ તું છે એ બહુ મોટો પવિત્ર ઉદ્ગાર છે, પાવન અને ઉદાત્ત ઉચ્ચાર છે. સંસ્કૃત સાહિત્યમાં આ બહુ મોટો વિચાર ગૂંથી લેવામાં આવ્યો છે. ‘ આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી; પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે. ’ જે ક્ષણે ‘ તે તું છે ’ એ વિચાર માણસના અંતઃકરણમાં સ્ફુરશે, હું આ દેહ નથી, પેલો પરમાત્મા હું છું એ વિચાર તેના મનમાં ઊઠશે તે ક્ષણે એક પ્રકારનો અનનુભૂત આનંદ તેના મનમાં પેદા થશે. એ મારા રૂપનો નાશ કરવાનું આ સૃષ્ટિમાંની કોઈ ચીજથી બને એવું નથી. કોઈનામાં એ સામર્થ્ય નથી. આવો સૂક્ષ્મ વિચાર એ ઉદગારમાં ભરેલો છે.
15. દેહની પારનું અવિનાશી, નિષ્કલંક જે આત્મતત્વ તે હું છું. તે આત્મતત્વને ખાતર આ દેહ મને મળ્યો છે. જે જે વખતે પરમેશ્વરી તત્વ દૂષિત થતું હશે તે તે વખતે તેના બચાવને સારૂ હું આ દેહને ફેંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જવળ રાખવાને માટે દેહનો હોમ કરવાને હું હમેશ તૈયાર રહીશ. હું આ દેહ પર સવાર થઈને આવ્યો છું તે મારી આબરૂના કાંકરા ઉડાવવાને માટે નથી આવ્યો. દેહ પર મારી હકુમત ચાલવી જોઈએ. હું દેહને વાપરીશ અને હિત ને મંગળ બંનેને સમૃદ્ધ કરીશ. ‘ आनंदे भरीन तिन्ही लोक, ’ ત્રણે લોકને આનંદથી ભરી દઈશ. મહાન તત્વોને ખાતર આ દેહને હું ફેંકી દઈશ અને ઈશ્વરનો જયજયકાર ફેલાવીશ. તાલેવંત માણસ એક વસ્ત્ર મેલું થતાં તેને ફેંકી દઈ બીજું લે છે તેમ હું પણ કરીશ. કામને માટે આ દેહનો ઉપયોગ છે. જ્યારે આ દેહ કામ આપે એવો નહીં રહે ત્યારે એને ફેંકી દેવામાં મને જરાયે વાંધો આવવાનો નથી.
16. સત્યાગ્રહમાં આપણને આ જ કેળવણી મળે છે. દેહ અને આત્મા બે અલગઅલગ ચીજો છે આ વાત માણસના ધ્યાનમાં આવશે, એમાંનો મર્મ જ્યારે તે ઓળખશે તે જ વખતે તેની સાચી કેળવણીની, તેના સાચા વિકાસની શરૂઆત થઈ જાણવી. તે જ વખતે સત્યાગ્રહ સધાશે. એથી આ ભાવના દરેક જણે કેળવી બરાબર દિલમાં ઠસાવવી. દેહ નિમિત્તમાત્ર સાધન છે, પરમેશ્વરે આપણને બક્ષેલું હથિયાર છે. જે દિવસે એનો ઉપયોગ પૂરો થાય તે દિવસે આ દેહને ફેંકી દેવાનો છે. શિયાળામાં વાપરવાનાં ગરમ કપડાં આપણે ઉનાળામાં ફેંકી દઈએ છીએ. રાત્રે ઓઢેલા કામળા આપણે સવારે કાઢી નાખીએ છીએ, સવારનાં કપડાં બપોરે ઉતારી નાખીએ છીએ, તેવું જ આ દેહનું છે. જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાને ઉતારીને ફેંકી દઈશું. આત્માના વિકાસને માટે આ યુક્તિ ભગવાન અહીં બતાવી રહેલા છે.