ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છ થી અગિયાર : એકાગ્રતામાંથી સમગ્રતા
પ્રકરણ ૫૯ – સર્વાર્થસાર
1. ગંગાનો પ્રવાહ બધે પાવન ને પવિત્ર છે. પણ તેમાંયે હરિદ્વાર, કાશી, પ્રયાગ, એવાં સ્થળો વધારે પવિત્ર છે. તેમણે આખાયે સંસારને પાવન કરેલો છે. ભગવદગીતાની સ્થિતિ એવી જ છે. આરંભથી અંત સુધી ભગવદગીતા આખી પવિત્ર છે. પણ વચલા કેટલાક અધ્યાયો તીર્થરૂપ બન્યા છે. જે અધ્યાયની બાબતમાં આજે કહેવાનું છે તે ખૂબ પાવન તીર્થ બનેલો છે. ખુદ ભગવાને આ અધ્યાયને અમૃતધાર કહ્યો છે : ये तु धर्म्यामृतमिदं यथोकं पर्युपासते — ‘ આ ધર્મામૃતને સેવે શ્રદ્ધાથી જેમ મેં કહ્યું.’ આ નાનકડો વીસ જ શ્લોકનો અધ્યાય છે, પણ ખરેખર અમૃતની ધાર છે. અમૃત જેવો મીઠો છે, સંજીવન છે. આ અધ્યાયમાં ભગવાનને મોઢે ભક્તિરસના મહિમાનું તત્વ ગવાયેલું છે.
2. ખરૂં જોતાં છઠ્ઠા અધ્યાયથી માંડીને ભક્તિરસના તત્વનો પ્રારંભ થયો છે. પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જીવનનું શાસ્ત્ર જોયું. સ્વધર્માચરણનું કર્મ, તેને મદદ કરનારૂં એવું માનસિક સાધનારૂપ વિકર્મ, આ બેની સાધના વડે કર્મને પૂરેપૂરૂં ભસ્મ કરનારી છેવટની અકર્મની ભૂમિકા, આ બધી વાતોનો પહેલા પાંચ અધ્યાય સુધી વિચાર થયો. અહીં જીવનનું શાસ્ત્ર પૂરૂં થયું. પછીથી એક રીતે જોઈએ તો છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાયના છેવટ સુધી ભક્તિતત્વનો જ વિચાર થયો છે. શરૂઆત એકાગ્રતાની વાતથી થઈ. ચિત્તની એકાગ્રતા કેમ થાય, તેનાં સાધનો કયાં, ચિત્તની એકાગ્રતાની આવશ્યક્તા શા માટે છે, એ બધું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતાની વાત કહી. એકાગ્રતાથી માંડીને સમગ્રતા સુધીની આવડી મોટી મજલ આપણે કેમ પૂરી કરી તે જોઈ જવું જોઈએ. ચિત્તની એકાગ્રતાથી શરૂઆત થઈ. એ એકાગ્રતા થયા પછી માણસ ગમે તે વિષય પર ચર્ચા કરી શકે. મારા મનગમતા વિષયની વાત કરૂં તો ચિત્તની એકાગ્રતાનો ઉપયોગ ગણિતના અભ્યાસને સારૂ થઈ શકે. એમાં રૂડું ફળ મળ્યા વગર નહીં રહે. પણ ચિત્તની એકાગ્રતાનું એ સર્વોત્તમ સાધ્ય નથી. ગણિતના અભ્યાસથી ચિત્તની એકાગ્રતાની પૂરી કસોટી થતી નથી. ગણિતમાં અથવા એવા બીજા એકાદ જ્ઞાનના પ્રાંતમાં ચિત્તની એકાગ્રતાથી સફળતા મળશે, પણ એ તેની ખરી પરીક્ષા નથી. તેથી સાતમા અધ્યાયમાં કહ્યું કે એકાગ્ર થયેલી નજર ઈશ્વરના ચરણ પર રાખવી જોઈએ. આઠમા અધ્યાયમાં કહ્યું કે ઈશ્વરને ચરણે એકધારી એકાગ્રતા રહે તેટલા ખાતર અને વાણી, કાન, આંખ કાયમ ત્યાં રહે તેટલા ખાતર, મરણ સુધી પ્રયત્ન ચાલુ રાખવા. આપણી બધી ઈન્દ્રિયોને એનો પાકો મહાવરો બેસવો જોઈએ.
पडिलें वळण ईन्द्रियां सकळां । भाव तो निराळा नाहीं दुजा ।।
બધી ઈન્દ્રિયોને પાકું વળણ પડી ગયું અને તે વિના બીજે ભાવ રહ્યો નથી એવું થવું જોઈએ. બધી ઈન્દ્રિયોને ભગવાનનું ઘેલું લાગવું જોઈએ. પાસે કોઈ વિલાપ કરતું હોય અગર ભજન કરતું હોય, કોઈ વાસનાની જાળ ગૂંથતું હોય અગર વિરક્ત એવા સજ્જનોનો, સંતોનો સમાગમ હોય, સૂર્ય હોય કે અંધારૂં હોય, ગમે તે હોય પણ મરણ વખતે ચિત્તની સામે પરમેશ્વર આવીને ખડો રહે એ રીતે આખી જિંદગી બધી ઈન્દ્રિયોને વળણ પાડવું એવી સાતત્યની શીખ આઠમા અધ્યાયમાં આપી છે. છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતા, સાતમામાં ઈશ્વરાભિમુખ એકાગ્રતા એટલે કે પ્રપત્તિ, આઠમામાં સાતત્યયોગ અને નવમામાં સમર્પણતા શીખવી છે. દસમા અધ્યાયમાં ક્રમિકતા બતાવી છે. એક પછી એક પગથિયું ચઢીને ઈશ્વરનું રૂપ ચિત્તમાં કેમ ઊંડું ઉતારવું, કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી સર્વત્ર ભરેલો પરમાત્મા ધીમે ધીમે કેવી રીતે પચાવવો તેની વાત કરી છે. અગિયારમા અધ્યાયમાં સમગ્રતા કહી છે. વિસ્વરૂપદર્શનને જ હું સમગ્રતાયોગ કહું છું. વિશ્વરૂપદર્શન એટલે એકાદ નજીવી ધૂળની રજકણમાં પણ આખું વિશ્વ ભરેલું છે એ વાતનો અનુભવ કરવો તે. એ જ વિરાટ દર્શન છે આવી છઠ્ઠા અધ્યાયથી માંડીને અગિયારમા અધ્યાય સુધી ભક્તિરસની જુદી જુદી રીતે કરેલી છણાવટ છે.