ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપ-દર્શન
પ્રકરણ ૫૭ – વિરાટ વિશ્વરૂપ પચશે પણ નહીં
10. વળી, તે વિરાટ દર્શન મારાથી સહેવાશે પણ કેમ ? નાનકડું સગુણ સુંદર રૂપ જોઈ મને જે પ્રેમની લાગણી થાય છે, જે પોતીકાપણું લાગે છે, જે મીઠાશનો અનુભવ થાય છે તેવો અનુભવ વિશ્વરૂપ જોવાથી ન થાય એવું પણ બને. અર્જુનની એવી જ સ્થિતિ થયેલી. થરથર ધ્રૂજતો તે છેવટે કહે છે, ‘ હે ઈશ્વર, તારૂં તે પહેલાંનું મધુર રૂપ બતાવ. ’ સ્વાનુભવથી અર્જુન કહે છે કે વિરાટ વિશ્વરૂપ જોવાનો લોભ કરશો નહીં. ઈશ્વર ત્રણે કાળમાં ને ત્રણે સ્થળમાં વ્યાપીને રહેલો છે તે જ સારૂં છે. તે આખો એકઠો થયેલો ધગધગતો ગોળો મારી સામે ઊભો રહે તો મારી શી વલે થાય ? તારાઓ કેવા શાંત દેખાય છે ? કેમ જાણે દૂરથી તે બધા મારી સાથે વાતો કરતા હોય એવું લાગે છે ! પણ નજરને ત કરનારા એ તારાઓમાંનો એકાદ પાસે આવે તો તે ધગધગતી આગ છે. તેનાથી પછી હું દાઝી જઈશ. ઈશ્વરનાં આ અનંત બ્રહ્માંડો જ્યાં છે ત્યાં જ, જેવાં છે તેવાં રહેવા દો. એ બધાને એક ઓરડીમાં આણી એકઠાં કરવામાં શી મજા છે ? મુંબઈનાં પેલાં કબૂતરખાનાંઓમાં હજારો કબૂતરો રહે છે. ત્યાં જરાયે મોકળાશ છે ખરી કે ? એ આખો દેખાવ ખરેખર વિચિત્ર લાગે છે. નીચે ઉપર ને અહીં ત્રણે સ્થળે સૃષ્ટિ વહેંચાઈને રહેલી છે તેમાં જ મીઠાશ છે.
11. જેવું સ્થળાત્મક સૃષ્ટિનું છે તેવું કાળાત્મક સૃષ્ટિનું જાણવું. આપણને ભૂતકાળનું યાદ આવતું નથી અને ભવિષ્યકાળનું જાણવાનું મળતું નથી તેમાં જ આપણું કલ્યાણ છે. જે ખાસ પરમેશ્વરની સત્તાની હોય છે અને જેમના પર મનુષ્યપ્રાણીની સત્તા કદી હોતી નથી એવી પાંચ વસ્તુઓ કુરાને શરીફમાં ગણાવેલી છે. તેમાંની એક વસ્તુ ‘ ભવિષ્યકાળનું જ્ઞાન ’ છે. આપમે અદાજ બાંધીએ છીએ, પણ એ અંદાજ કંઈ જ્ઞાન નથી. ભવિષ્યનું જ્ઞાન આપણને નથી એમાં જ આપણું કલ્યાણ છે. તેવી જ રીતે ભૂતકાળ યાદ આવતો નથી એ પણ ખરેખર બહુ સારૂં છે. કોઈક દુર્જન સારો થઈને મારી સામે આવીને ઊભો રહે તોયે મને તેનો ભૂતકાળ યાદ આવે છે અને તેને માટે મારા મનમાં આદર ઊપજતો નથી. તે ગમે તેટલી વાતો કરે, તોયે તેનાં પેલાં પહેલાંનાં પાપો હું વીસરી શક્તો નથી. તે માણસ મરી જાય ને પોતાનું રૂપ બદલીને પાછો આવે તો જ તેનાં પાપોનો દુનિયાને વિસારો પડે.
પૂર્વસ્મરણથી વિકાર વધે છે. પહેલાંનું એ બધુંયે જ્ઞાન પૂરેપૂરૂં નાશ પામે તો બધું પૂરૂં થયું. પાપ ને પુણ્યનો વિસારો પડે તે માટે કોઈક તરકીબ જોઈએ, એ તરકીબ તે મરણની છે. એકલી આ જન્મની વેદના સહેવાતી નથી તો પાછલા જન્મનો કચરો શા સારૂ તપાસે છે ? એકલી આ જન્મની ઓરડીમાં શું ઓછો કચરો છે કે ? બચપણ સુધ્ધાં આપણે ઘણુંખરૂં વીસરી જઈએ છીએ. વિસ્મરણ થાય છે તે સારૂં છે. હિંદુ-મુસ્લિમ એકતાને માટે ભૂતકાળનું વિસ્મરણ એ જ ઈલાજ છે. ઔરંગજેબે જુલમ કર્યો હતો. પણ એ વાત ક્યાં સુધી ગોખ્યા કરવી છે ? ગુજરાતમાં રતનબાઈનો ગરબો છે તે આપણે અહીં ઘણી વાર સાંભળીએ છીએ. તેમાં છેવટે કહ્યું છે, ‘‘ જગતમાં બધાનો યશ છેવટે રહેશે. પાપ વિસારે પડશે. ’’ કાળ પોતાની ચાળણી કાયમ હલાવ્યા કરે છે. ઈતિહાસમાંનું સારૂં તેટલું સંઘરી પાપ બધું ફેંકી દેવું જોઈએ. નરસું છોડી માણસ સારૂં દ્યાનમાં રાખે તો બધાં રૂડાં વાનાં થઈ જાય. પણ તેમ થતું નથી. એથી વિસ્મરણની ખૂબ જરૂર છે. તેટલા ખાતર ઈશ્વરે મરણ નિર્મ્યું છે.
12. ટૂંકમાં, જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થળાત્મક જગત આખુંયે એક ઠેકાણે લાવવાની જરૂર નથી. અતિ પરિચયમાં સાર નથી. કેટલીક વસ્તુઓની નિકટતા કેળવવાની હોય છે, કેટલીકથી દૂર રહેવાનું હોય છે. ગુરૂજી પાસે નમ્રતાથી આઘા બેસીશું. માના ખોળામાં જઈને બેસીશું. જે મૂર્તિની સાથે જેમ વર્તવુ છાજે તેમ વર્તવું જોઈએ. ફૂલને પાસે લઈએ, અગ્નિને આઘે રાખીએ. તારા દૂરથી રળિયામણા. તેવું જ આ સૃષ્ટિનું છે. અત્યંત દૂર છે તે સૃ,ટિને અત્યંત નજીક લાવવાથી વધારે આનંદ થશે એવું નથી. જે વસ્તુ જ્યાં છે ત્યાં જ તેને રહેવા દે. તેમાં જ સાર છે. દૂરથી જે ચીજ દેખાય છે તેને નજીક આણવાથી તે સુખ આપશે જ એવું નથી. તેને ત્યાં દૂર રાખીને જ તેમાંનો રસ ચાખ. સાહસ કરીને, વધારે ઘરોબો રાખીને અતિ પરિચયમાં પડવામાં સાર નથી.
13. સારાંશ કે ત્રણે કાળ આપણી સામે ઊભા નથી તે જ સારૂં છે. ત્રણે કાળનું જ્ઞાન થવામાં આનંદ અથવા કલ્યાણ જ છે એવું નથી. અર્જુને પ્રેમથી હઠ કરી, પ્રાર્થના કરી અને ઇશ્વરે તે પૂરી કરી. ભગવાને પોતાનું તે વિરાટ સ્વરૂપ તેને બતાવ્યું. પણ મારે માટે પરમેશ્વરનું નાનકડું રૂપ પૂરતું છે. એ નાનકડું રૂપ એટલે પરમેશ્વરનો ટુકડો હરગિજ નથી. અને ધારો કે પરમેશ્વરનો એ એક ટુકડો જ હોય તોયે તે અફાટ, વિશાળ પૂતળાનો એક પગ, અથવા એક પગની માત્ર એક આંગળી મને જોવાની મળશે તો પણ હું કહીશ કે, ‘ મારૂં અહોભાગ્ય. ’ આ હું અનુભવથી શીખ્યો છું. વર્ધામાં, જમનાલાલજીએ લક્ષ્મીનારાયણનું મંદિર અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂક્યું ત્યારે હું ત્યાં દર્શને ગયો હતો. પંદરવીસ મિનિટ સુધી હું તે રૂપ નીરખતો રહ્યો. મારી સમાધિ લાગી હોય તેવી સ્થિતિ થઈ હતી. ઈશ્વરનું તે મુખ, તેની તે છાતી, તેના તે હાથ નીરખતો નીરખતો હું પગ આગળ પહોંચ્યો ને તેના ચરણ પર જ છેવટે મારી નજર સ્થિર થઈ. गोड तुझी चरण-सेवा –‘ મીઠી તારા ચરણની સેવા ’ એ જ ભાવના છેવટે રહી. નાનકડા રૂપમાં તે મહાન પ્રભુ સમાતો નહીં હોય તો તે મહાપુરૂષના ચરણ જોવાના મળે તેયે પૂરતું છે. અર્જુને ઈશ્વરને પ્રાર્થના કરી. તેનો અધિકાર ઘણો હતો. તેની કેટલી આત્મીયતા, કેટલો પ્રેમ, કેવો સખ્યભાવ ! મારી શી લાયકાત છે ? મારે તેના ચરણ જ પૂરતા છે. મારો તેટલો જ અધિકાર છે.