ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય દસમો : વિભૂતિ-ચિંતન
પ્રકરણ ૫૨ – સૃષ્ટિમાં રહેલો પરમેશ્વર
9. માનવોમાં જેમ સૌમ્યમાં સૌમ્ય અને પાવન મૂર્તિઓમાં ઈશ્વરને પહેલાં જોતાં શીખવાનું છે તે જ પ્રમાણે આ સૃષ્ટિમાં પણ જે વિશાળ તેમ જ મનોહર રૂપો છે તેમાં તેને પહેલાં જોતાં શીખવાનું છે.
10. પેલી ઉષા, સૂર્યોદયની આગળ પ્રગટ થનારી એ દિવ્ય પ્રભા છે. એ ઉષાદેવીનાં ગીતો ગાતાં ઋષિઓ નાચવા મંડી પડે છે. ‘ હે ઉષા, તું પરમેશ્વરનો સંદેશો લઈને આવનારી દિવ્ય દૂતિકા છે. તું ઝાકળનાં બિંદુમાં નાહીને આવી છે. તું અમૃતત્વનીપતાકા છે. ’ ઉષાનાં આવાં ભવ્ય હ્રદયંગમ વર્ણનો ઋષિઓએ કર્યાં છે. પેલો વૈદિક ઋષિ કહે છે, ‘ પરમેશ્વરનો સંદેશો લઈને આવનારી એવી જે તું, તેને જોઈને પરમેશ્વરનું રૂપ મારે ગળે ન ઊતરે, તેનું રૂપ મને ન સમજાય, તો પરમેશ્વરને બીજું કોણ મને સમજાવી શકવાનું હતું ? ’ આવું સુંદર રૂપ ધારણ કરી ઉષા ત્યાં ખડી છે. પણ આપણી દ્રષ્ટિ ત્યાં જાય છે જ ક્યાં ?
11. તેવી જ રીતે પેલો સૂર્ય જુઓ. તેનું દર્શન એટલે પરમાત્માનું દર્શન. તે નાના પ્રકારનાં ચિત્રો આકાશમાં દોરે છે. મહિનાના મહિના સુધી પીંછીઓ મારી મારીને ચિતારાઓ સૂર્યોદયનાં ચિત્રો ખેંચે છે. પણ સવારમાં વહેલા ઊઠી પરમેશ્વરની એ કળા એક વાર જુઓ તો ખરા. એ દિવ્ય કળાને, એ અનંત સૌંદર્યને કોઈ ઉપમા સરખી આપી શકાશે કે ? પણ જોવું છે કોને ? ત્યાં પેલો સુંદર ભગવાન ઊભો છે અને આ અહીં ઓઢવાનું હજી વધારે ને વધારે શરીર પર ખેંચીને ઊંઘવા મંડયો છે ! પેલો સૂર્ય કહે છે, ‘ અરે એદી, તું સૂવા માગશે તો પણ હું તને ઉઠાડયા વગર રહેવાનો નથી. ’ એમ કહીને પોતાના હૂંફાળાં કિરણો બારીના સળિયામાંથી અંદર મોકલી તે પેલા આળસુને ઉઠાડે છે. ‘ सूर्य आत्मा जगतस्तस्थुषश्च ’ – હાલતુંચાલતું અને સ્થિર એવું જે કંઈ છે તેનો સૂર્ય આત્મા છે. સૂર્ય સ્થાવરજંગમનો આત્મા છે. ચરાચરનો તે આધાર છે. ઋષિઓએ તેને ‘ મિત્ર’ એવું નામ આપેલું છે.
‘ मित्रो जनान यातयति ब्रुवाणो
मित्रो दाधार पृथिवीमुत द्याम ’
આ મિત્ર લોકોને સાદ પાડે છે, તેમને કામ કરવાને પ્રેરે છે. તેણે સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરેલાં છે. ખરેખર એ સૂર્ય જીવનનો આધાર છે. તેનામાં પરમાત્માને જુઓ.
12. અને પેલી પાવની ગંગા ! કાશીમાં હતો ત્યારે હું ગંગાને કાંઠે જઈને બેસતો. રાતને એકાંત વખતે હું જવાનું રાખતો. કેટલો સુંદર અને પ્રસન્ન એ પ્રવાહ હતો ! તેનો એ ભવ્ય ગંભીર પ્રવાહ અને તેના અંતરમાં ઠાંસીને ભરેલા આકાશમાંના તે અનંત તારાઓને જોઈને હું મૂંગો થઈ જતો. શંકરના જટાજૂટમાંથી એટલે કે પેલા હિમાલયમાંથી વહી આવનારી એ ગંગા, જેના તીર પર પોતાનાં રાજ્યોને તૃણવત્ લેખી ફેંકી દઈ રાજાઓ તપશ્ચર્યા કરવાને આવીને બેસતા, એવી એ ગંગાને જોઈને મને પાર વગરની શાંતિ થતી. એ શાંતિનું વર્ણન હું કેવી રીતે કરૂં ? બોલવાની ત્યાં હદ આવી જાય છે. મરણ બાદ કંઈ નહીં તો પોતાનાં હાડકાં ગંગામાં પડે તો સારૂં એમ હિંદુ માણસને કેમ થયા કરે છે તે મને સમજાતું. તમારે જોઈએ તો હસો. તમે હસો તેથી કશું બગડવાનું નથી. પણ મને એ ભાવનાઓ ઘણી પાવન તેમ જ સંઘરવા જેવી લાગે છે. મરતી વખતે ગંગાજળનાં બે ટીપાં મોંમાં મૂકે છે. તે બે ટીપાં એટલે ખુદ પરમેશ્વર મોંમાં આવીને બેસે છે. તે ગંગા એટલે પરમાત્મા છે. પરમેશ્વરની એ સાક્ષાત્ કરૂણા વહી રહેલી છે. તમારી બહારની ને અંતરની બધી ગંદકી એ મા ધોઈ રહી છે. ગંગામાં પરમેશ્વર પ્રગટ થયેલો નહીં દેખાય તો ક્યાં દેખાશે ? સૂર્ય, નદીઓ, પેલો ઘૂ ઘૂ ઘુઘવાટા ને ઉછાળા મારતો વિશાળ સાગર, એ બધાંયે પરમેશ્વરની મૂર્તિ છે.
13. અને પેલા વાયરા ! એ બધા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે તેની કશી ખબર પડતી નથી. પવનો ભગવાનના દૂત છે. હિન્દુસ્તાનમાં વાતા કેટલાક પવનો સ્થિર હિમાલય પરથી આવે છે ને કેટલાક ગંભીર સાગર તરફથી આવે છે. એ પવિત્ર વાયુઓ આપણી છાતીને સ્પર્શ કરે છે. તે આપમને જાગ્રત કરે છે. આપણા કાનમાં ગુંજારવ કરે છે. પણ એ પવનનો સંદેશો સાંભળવો છે કોને ? જેલર આપણો આવેલો ચાર લીટીનો કાગળ આપતો નથી એટલે આપણે નિરૂત્સાહી થઈ જઈએ છીએ. અરે અભાગિયા ! એ કાગળના ચીંથરામાં શું છે ? પવનની સાથે હરેક ઘડીએ પરમેશ્વરના જે પ્રેમાળ સંદેશા આવે છે તે જરા સાંભળ !
14. વેદમાં અગ્નિની ઉપાસના બતાવી છે. અગ્નિ એ નારાયણ છે. કેવી તેની દેદીપ્યમાન મૂર્તિ છે ! બે લાકડાં લઈને ઘસો એટલે પ્રગટ થાય છે. પહેલાં ક્યાં છુપાયો હતો કોણ જાણે ! કેવો હૂંફાળો, કેવો તેજસ્વી ! વેદનો પહેલો ધ્વનિ નીકળ્યો તે મૂળમાં અગ્નિની ઉપાસનામાંથી નીકળ્યો હતો.
अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् । होतारम् रत्नधातमम् ।।
જેની ઉપાસનાથી વેદનો આરંભ થયો તે અગ્નિ તરફ તમે જુઓ. પેલી તેની જ્વાળાઓ જોઈને મને જીવાત્માના તડફડાટની યાદ આવે છે. એ જ્વાળા ગરના ચૂલામાંની હો અગર જંગલમાં લાગેલા દવની હો; વેરાગીને ઘરબાર હોતાં નથી એટલે તે જ્વાળા જ્યાં હશે ત્યાં તેમનો તડફડાટ એકધારો ચાલુ હોય છે. એ જ્વાળાઓને એકસરખી તાલાવેલી લાગી છે. એ ઉપર જવાને અધીરી થયેલી છે. એ જ્વાળાઓ ઈથરને કારણે હાલે છે. હવાના દબાણને લીધે હાલે છે એવું તમારામાંથી કોઈ શાસ્ત્રજ્ઞો કહેશે. પણ મારો અર્થ તો છે : પેલો ઉપર જે પરમાત્મા છે, પેલો તેજનો સમુદ્ર સરખો સૂર્યનારાયણ જે ઉપર વસે છે તેને મળવાને માટે એ જ્વાળાઓ એકધારા કૂદકા માર્યા કરે છે. જન્મે છે ત્યારથી મરે છે ત્યાં સુધી એમની એ મથામણ ચાલુ રહે છે. સૂર્ય અંશી છે. અને આ જ્વાળાઓ અંશ છે. અંશ અંશી તરફ જવાને તરફડે છે. એ જ્વાળાઓ ઠરશે ત્યારે જ તે તડફડાટ બંધ પડશે. ત્યાં સુધી નહીં અટકે. સૂર્યથી આપણે ગણા મોટા અંતર પર છીએ એવો વિચાર તેમના મનમાં કદી આવતો નથી. પૃથ્વી પરથી આપણી શક્તિ પ્રમાણે કૂદકો મારવાનું આપણું કામ છે, એટલી એક વાત તેઓ જાણે છે. આવા આ અગ્નિને રૂપે ધગધગતું વૈરાગ્ય સાક્ષાત્ પ્રગટ થતું હોય એમ લાગે છે. એથી વેદોનો પહેલો ધ્વનિ “ अग्निमीळे ” નીકળ્યો.