ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય બાર: સગુણ-નિર્ગુણ ભક્તિ
પ્રકરણ ૬૧ – સગુણ સહેલું ને સલામત
8. સગુણ ભક્તિયોગમાં ઈન્દ્રિયો પાસેથી પ્રત્યક્ષ કામ લઈ શકાય છે. ઈન્દ્રિય સાધન છે, વિઘ્નો છે અથવા ઉભયરૂપ છે, તે મારનારી છે કે તારનારી છે તે જોનારની દ્રષ્ટિ પર અવલંબે છે. ધારો કે કોઈક માણસની મા મરણપથારીએ પડી છે અને તેને માને મળવા જવું છે. વચ્ચે પંદર માઈલનો રસ્તો છે. એ રસ્તો મોટર જાય એવો નથી. ગમે તેવી ભાંગીતૂટી પગદંડી છે. આવે વખતે આ પગદંડી સાધન છે કે વિઘ્ન છે ? કોઈ કહેશે, ‘ શા સારૂ આ ભૂંડો રસ્તો આડો આવ્યો ? આ અંતર ને આવો રસ્તો ન હોત તો તાબડતોબ માને જઈને મળ્યો હોત. ‘ એવા માણસને માટે તે રસ્તો દુશ્મન છે. રસ્તો ખૂંદતો ખૂંદતો તે જાય છે. તેને રસ્તા પર ગુસ્સો ચડ્યો છે. છતાં ગમે તેમ તોયે માને મળવાને ઝટ ઝટ પગ ઉપાડી તેને મા પાસે પહોંચ્યા વગર છૂટકો નથી. રસ્તો દુશ્મન છે એમ કહી તે ત્યાં જ માથે હાથ દઈને બેસી જાય તો દુશ્મન જેવો લાગનારો તે રસ્તો તેને જીતી ગયો જાણવો. ઝટ ઝટ ચાલવામાં તે મંડ્યો રહેશે તો એ દુશ્મનને તે જીતી જશે. બીજો માણસ કહેશે, ‘ આ જંગલ છે. પણ ચાલીને જવાને આટલોયે રસ્તો છે. આ રસ્તો છે તે ઘણું છે. મને માની પાસે પહોંચાડશે. આ રસ્તો ન હોત તો હું આ વગડામાંથી શી રીતે આગળ જાત ? ‘ આવુ કહી એ પગદંડીને સાધન ગણી તે ઝટ ઝટ પગ ઉપાડતો ચાલ્યો જાય છે. તે રસ્તાને માટે તેના મનમાં પ્રેમની લાગણી થશે, તેને તે પોતાનો મિત્ર માનશે. રસ્તાને દુશ્મન ગણો કે દોસ્ત ગણો, અંતર વધારનારો ગણો કે અંતર ઘટાડનારો ગણો, ઝટ ઝટ પગ ઉપાડવાનું કામ કર્યા વગર છૂટકો નથી. રસ્તો વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે માણસના ચિત્તની જે ભૂમિકા, તેની જે દ્રષ્ટિ તના પર આધાર રાખે છે. ઈન્દ્રિયોનું એવું જ છે. તે વિઘ્નરૂપ છે કે સાધનરૂપ તે તમારી દ્રષ્ટિ પર આધાર રાખે છે.
9. સગુણ ઉપાસકને સારૂ ઈન્દ્રિયો સાધનરૂપ છે. ઈન્દ્રિયો ફૂલ છે. તે ફૂલ પરમાત્માને ચડાવવાનાં છે. આંખોથી હરિરૂપ જોવું, કાનોથી હરિકથા સાંભળવી, જીભથી નામ ઉચ્ચારવું, પગ વડે તીર્થયાત્રા કરવી, અને હાથ વડે સેવા-પૂજા કરવી. આમ તે બધી ઈન્દ્રિયો પરમેશ્વરને ચડાવે છે. પછી તે ઈન્દ્રિયો ભોગને માટે રહેતી નથી. ફૂલ દેવને ચડાવવાને માટે હોય છે. ફૂલની માળા પોતાના ગળામાં પહેરવાની હોતી નથી. તે જ પ્રમાણે ઈન્દ્રિયોનો ઉપયોગ ઈશ્વરની સેવામાં કરવાનો છે. આ છે સગુણોપાસકની દ્રષ્ટિ. પણ નિર્ગુણોપાસકને ઈન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. તે તેમને સંયમમાં રાખે છે, પૂરી રાખે છે. ઈન્દ્રિયોનો આહાર તે તોડી નાખે છે. ઈન્દ્રિયો પર તે ચોકી રાખે છે. સગુણોપાસકને એવું કરવું પડતું નથી. તે બધી ઈન્દ્રિયોને હરિચરણે અર્પણ કરે છે. બંને રીત ઈન્દ્રિયનિગ્રહની છે. ઈન્દ્રિયદમનના એ બંને પ્રકાર છે. ગમે તેમ માનો પણ ઈન્દ્રિયોને તાબામાં રાખો. ધ્યેય એક જ છે. તેમને વિષયોમાં ભટકવા દેવી નહીં. એક રીત સુલભ છે. બીજી કઠણ છે.
10. નિર્ગુણ ઉપાસક સર્વભૂતરહિત હોય છે. એ વાત સામાન્ય નથી. આખાયે વિશ્વનું કલ્યાણ કરવાની વાત બોલવામાં સહેલી દેખાય છે, પણ કરવી ઘણી કઠણ છે. જેને સમગ્ર વિશ્વના કલ્યાણની ચિંતા છે, તેનાથી તેના ચિંતન સિવાય બીજું કશું થઈ નહીં શકે. તેથી નિર્ગુણ ઉપાસના અઘરી છે. સગુણ ઉપાસના અનેક રીતે પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ કરી શકે. જ્યાં આપણો જન્મ થયો હોય તે નાનકડા ગામની સેવા કરવી અથવા માબાપની સેવા કરવી એ સગુણ પૂજા છે. એ તમારી સેવા આખા જગતના હિતથી વિરોદી ન હોય એટલે થયું. ગમે તેટલા નાના પ્રમાણમાં સેવા કરો અને તે બીજાના હિતની આડે આવતી ન હોય તો અવશ્ય ભક્તિને દરજ્જે પહોંચે છે. એમ નહીં હોય તો તે સેવા આસક્તિ થાય. મા, બાપ, આપણા મિત્રો, આપણા દુઃખી બંધુઓ, સંતો એ બધાંને પરમેશ્વર માનીને એમની સેવા કરવાની છે. એ બધે ઠેકાણે પરમેશ્વરની મૂર્તિની કલ્પના કરવાની છે અને તેમાં સંતોષ માનવાનો છે. આ સગુણપૂજા સહેલી છે, નિર્ગુણપૂજા અઘરી છે. બાકી બંનેનો અર્થ એક જ છે. સૌલભ્યથી, સહેજે થઈ શકે એ દ્રષ્ટિથી સગુણ શ્રેયસ્કર છે એટલું જ.
11. સુલભતાનો એક મુદ્દો થયો. એવો જ બીજો પણ એક મુદ્દો છે. નિર્ગુણમાં જોખમ છે. નિર્ગુણ જ્ઞાનમય છે. સગુણ પ્રેમમય, ભાવનામય છે. સગુણમાં લાગણીની ભીનાશ છે. તેમાં ભક્ત વધારે સલામત છે. નિર્ગુણમાં જરા જોખમ છે. એક વખત એવો હતો કે જ્યારે જ્ઞાન પર મારો ખૂબ મદાર હતો. પણ કેવળ જ્ઞાનથી મારૂં કામ પાર પડે એવું નથી એવો મને અનુભવ થયો છે. જ્ઞાન વડે મનના સ્થૂળ મળ બળીને ખાક થઈ જાય છે. પણ મનના સૂક્ષ્મ મળને ધોવાનું સામર્થ્ય તેમાં નથી. સ્વાવલંબન, વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય, એ બધાંયે સાધનો લઈએ તો પણ તેમનાથી મનના સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. ભક્તિના પાણી વગર એ મળ ધોવાતા નથી. ભક્તિના પાણીમાં એ શક્તિ છે. આને જોઈએ તો તમે પરાવલંબન કહો. પણ परनुं એટલે पारकानुं એવો અર્થ ન કરતાં ते श्रेष्ठ परमात्मानुं અવલંબન એવો અર્થ કરો. પરમાત્માનો આધાર લીધા વગર ચિત્તના મળનો નાશ થતો નથી.
12. કોઈ કહેશે, ‘ અહીં જ્ઞાન શબ્દનો અર્થ ઓછો કર્યો છે; જ્ઞાનથી જો ચિત્તના મળ ન ધોવાતા હોય તો જ્ઞાન ઓછા દરજ્જાનું છે એવું સાબિત થાય છે. ‘ આ આક્ષેપ હું સ્વીકારૂં છું. પણ મારૂં કહેવું એવું છે કે આ માટીના પૂતળામાં શુદ્ધ જ્ઞાન થવું કઠણ છે. આ દેહમાં રહીને ઉત્પન્ન થયેલું જ્ઞાન ગમે તેવું શુદ્ધરૂપ હશે તોયે તે અસલ કરતાં થોડું ઓછું જ ઊતરવાનું. આ દેહમાં ઉત્પન્ન થનારા જ્ઞાનની શક્તિ મર્યાદિત હોય છે. શુદ્ધ જ્ઞાન નિર્માણ થાય તો તે ચિત્તના બધાયે મળને બાળીને ખાક કર્યા વગર ન રહે એમાં મને જરાયે શક નથી. ચિત્ત સમેત બધાયે મળને બાળી નાખવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે. પણ આ વિકારી દેહમાં જ્ઞાનનું બળ ટૂંકું પડે છે. તેથી તેનાથી સૂક્ષ્મ મળ ધોવાતા નથી. ભક્તિનો આસરો લીધા સિવાય સૂક્ષ્મ મળ ભૂંસી શકાતા નથી. એથી ભક્તિમાં માણસ વધારે સલામત છે. वधारे એ મારો પોતાનો ગાઠનો શબ્દ છે એમ ગણજો. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે. નિર્ગુણમાં સ્વવલંબન છે. એમાંના स्वનો અર્થ પણ આખરે શો છે ? સ્વાવલંબન એટલે પોતાના અંતઃકરણમાંના પરમેશ્વરનું અવલંબન એટલે કે પરમેશ્વરનો આધાર એ જ ત્યાં પણ અર્થ છે. કેવળ બુદ્ધિને આધારે શુદ્ધ થયેલો એવો કોઈ મળશે નહીં. સ્વાવલંબનથી એટલે કે અંતઃકરણમાંના આત્મજ્ઞાનથી શુદ્ધ જ્ઞાન મળશે. સારાંશ કે નિર્ગુણ ભક્તિના સ્વવલંબનમાં પણ આત્મા એ જ આધાર છે.