Daily Archives: 20/05/2014

ધ્યાનના પ્રયોગો (૧૯)

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥ ભ.ગી.૬.૧૮ ||

अत्यन्त वश में किया हुआ चित्त जिस काल में परमात्मा में ही भलीभाँति स्थित हो जाता है, उस काल में सम्पूर्ण भोगों से स्पृहारहित पुरुष योगयुक्त है, ऐसा कहा जाता है॥

વશમાં કરેલું ચિત્ત જે વખતે પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે અને સ્વયં સમસ્ત પદાર્થોથી નિ:સ્પૃહ થઈ જાય છે તે વખતે તે યોગી છે એમ કહેવાય છે.

વિનિયતં ચિત્તમ : વશમાં કરેલું ચિત્ત. ચિત્તની પાંચ અવસ્થા છે. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ.

મૂઢ અવસ્થા: આ અવસ્થામાં નિદ્રા, તંદ્રા, ભય, મોહ, આળસ અને દિનતા અનુભવે છે. આ અવસ્થામાં તમસ ગુણ પ્રધાન હોય છે. નિમ્ન કે અધમ કક્ષાના મનુષ્યોના ચિત્તની આવી અવસ્થા હોય છે.

ક્ષિપ્ત અવસ્થા: આ અવસ્થામાં ચિત્ત ધર્મ-અધર્મ, રાગ-વૈરાગ્ય, જ્ઞાન-અજ્ઞાન વચ્ચે જોલા ખાધા કરે છે. આ અવસ્થામાં રજોગુણ પ્રધાન હોય છે. વ્યક્તિ રાગ-દ્વેષના દ્વંદ્વોમાં ફસાયેલી રહે છે. સામાન્ય સંસારી મનુષ્યોના ચિત્તની આવી અવસ્થા હોય છે.

વિક્ષિપ્ત અવસ્થા: આ અવસ્થામાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મમાં ચિત્ત સ્થિત થાય છે. ચહેરા પર પ્રસન્નતા, ક્ષમા, ધૈર્ય, શ્રદ્ધા, દાન, દયા અને ઓજસ્વીતા જોવા મળે છે. આ અવસ્થામાં ચિત્ત સત્વગુણ પ્રધાન હોય છે પણ સાથે સાથે થોડો રજોગુણ પણ રહેતો હોવાથી ચિત્ત વિક્ષિપ્તતા અનુભવે છે. કર્મયોગીનું ચિત્ત વિક્ષિપ્ત પ્રકારનું હોય છે. તે અદ્યાત્મ માર્ગનો જિજ્ઞાસુ હોય છે અને પરમ પદને પંથે પ્રયાણ કરવાની ઈચ્છાવાળો હોય છે.

એકાગ્ર અવસ્થા: આ અવસ્થામાં તમોગુણ અને રજોગુણની નિવૃત્તિ થઈને સત્વગુણ પ્રધાન બને છે. ચિત્ત સ્ફટીકમણી જેવું નિર્મળ અને શુદ્ધ બની જાય છે. આ અવસ્થામાં પૂર્વના રજોગુણ તથા તમોગુણના સંસ્કારોની ઝલક ક્યારેક જોવા મળે છે પણ તે તેમને કશી અસર ઉપજાવી શકતાં નથી. આવી અવસ્થા યોગીઓની હોય છે. ચિત્તની આવી અવસ્થાને સંપ્રજ્ઞાત યોગ અથવા સંપ્રજ્ઞાત સમાધિ કહે છે.

નિરુદ્ધ અવસ્થા: એકાગ્ર અવસ્થામાં સાધકને ચિત્ત અને આત્માના ભેદનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. યોગીની આ સ્થિતિને વિવેકખ્યાતિ કહે છે. જો કે એકાગ્ર અવસ્થા પણ ત્રિગુણનું પરીણામ હોવાથી આ અવસ્થા પણ યોગીને સુખ-દુ:ખ રુપ લાગે છે અને તે એકાગ્ર અવસ્થામાંથીયે આગળ જવા ઈચ્છે છે. એકાગ્ર અવસ્થાથીયે આગળ વધીને સત્વગુણનોયે ત્યાગ કરીને ચિત્ત જ્યારે માત્ર આત્માનો જ અનુભવ કરે છે ત્યારે તેની નિરુદ્ધ અવસ્થા થઈ જાય છે. આ અવસ્થામાં યોગી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ તે પાંચેય ક્લેશોથી મુક્ત થઈ જાય છે. અહીં જ્ઞાનાગ્નિથી કર્માશયના બીજ પણ બળીને નષ્ટ થઈ જાય છે. આ અવસ્થાને અસંપ્રજ્ઞાતયોગ , અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્બિજ સમાધિ કહે છે.

આત્મન્યેવાવતિષ્ઠતે : આમ સારી રીતે વશમાં કરેલું ચિત્ત આત્મામાં સ્થિત થઈ જાય છે.

સર્વકામેભ્ય: નિ:સ્પૃહ: જ્યાં સુધી રજોગુણ, તમોગુણ છે ત્યાં સુધી વિષયોની કામનાઓ અને પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાની ભાવના રહે છે. શુદ્ધ સાત્વિક ચિત્ત કામનાઓથી રહિત થઈ જાય છે. આત્મામાં સ્થિત રહેનારને સ્વરુપનો જ એટલો આનંદ રહે છે કે પછી પદાર્થોનો ક્ષુલ્લક આનંદ તુચ્છ બની જાય છે. પછી તેને પદાર્થો દ્વારા સુખ મેળવવાની કશી કામના રહેતી નથી.

આમ જ્યારે સાધકનું ચિત્ત સારી રીતે વશ થઈને આત્મામાં સ્થિત થઈ જાય છે તથા સમસ્ત પદાર્થો પ્રત્યે સ્પૃહા રહિત થઈ જાય છે ત્યારે તે યોગી છે એમ કહેવાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.