आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ ભ.ગી.૬.૩ ||
જે યોગમાં (સમતા)માં આરૂઢ થવા ઈચ્છે છે, એવા મનનશીલ યોગી માટે કર્તવ્યકર્મ કરવું હેતુ કહેવાય છે અને તે જ યોગારૂઢ માણસ માટે શમ (શાન્તિ અને કલ્યાણ) નો હેતુ કહેવાયો છે.
ભગવદ્ગીતાના અભ્યાસુઓ સ્વામી રામસુખદાસજીની ભગવદ્ગીતાની ટીકા ’સાધક સંજીવની’ થી ભાગ્યે જ અજાણ હશે. સ્વામીજીની અભ્યાસપૂર્ણ ટીકા અધ્યાત્મમાર્ગના સાધકો માટે ઘણી ઉપયોગી છે. ભગવદ્ગીતાના ચાહકોએ ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા બહાર પાડેલ ’સાધક સંજીવની’ પુસ્તક અવશ્ય વસાવવું જોઈએ.
મારી પાસે જે પ્રત છે તે પુસ્તકની પંદરમી આવૃત્તિ છે કે જે વિક્રમ સંવત ૨૦૬૩માં છપાઈ છે. લગભગ A4 સાઈઝના ૧૨૪૦ પાનાના આ મૂલ્યવાન પુસ્તકની કિંમત સહુ કોઈને પોસાય તેવી માત્ર રૂ.૧૦૦ છે. હવે પછીની આવૃત્તિ કદાચ થોડી મોંઘી થઈ હશે તો યે તેની કીંમત વ્યાજબી હશે તે તો નક્કી.
આજે આ શ્લોકની ટીકા આપણે શ્રી રામસુખદાસજી દ્વારા સમજીએ :
’आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते’ – જે યોગ (સમતા)માં આરૂઢ થવા ઈચ્છે છે, એવા મનનશીલ યોગીને માટે (યોગારૂઢ થવામાં) નિષ્કામભાવથી કર્તવ્યકર્મ કરવું તે હેતુ છે.તાત્પર્ય એ છે કે કાર્ય કરવાનો વેગ દૂર કરવા પ્રાપ્ત કર્તવ્યકર્મ કરવું એ હેતુ છે, કેમકે કોઈ પણ વ્યક્તિ જન્મી હોય, પોષાતી હોય અને જીવિત હોય તો તેનું જીવન બીજાઓની સહાય વિના ચાલી જ નથી શકતું. તેની પાસે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહમ સુધીની કોઈ એવી ચીજ નથી, જે પ્રકૃતિની ન હોય. એટલા માટે જ્યાં સુધી એ પ્રાકૃત ચીજોને સંસારની સેવામાં નથી યોજતો, ત્યાં સુધી તે યોગારૂઢ નથી થઈ શકતો અર્થાત સમતામાં સ્થિર નથી થઈ શકતો; કેમકે પ્રાકૃત વસ્તુમાત્રની સંસાર સાથે એકતા છે, પોતાની સાથે એકતા છે જ નહિ.
પ્રાકૃત પદાર્થોમાં જે પોતાપણું દેખાય છે, તેનું તાત્પર્ય એ છે કે તે પદાર્થોને બીજાઓની સેવામાં યોજવાનું દાયિત્વ આપણા ઉપર છે. આથી તે બધાને બીજાઓની સેવામાં યોજવાનો ભાવ હોવાથી સઘળી ક્રિયાઓનો પ્રવાહ સંસાર તરફ થઈ જશે અને તે પોતે યોગારૂઢ થઈ જશે. આ જ વાત ભગવાને બીજી જગાએ અન્વય-વ્યતિરેક રીતથી કહી છે કે યજ્ઞને માટે અર્થાત બીજાઓના હિતને માટે કર્મ કરવાવાળાઓનાં સઘળાં કર્મ લીન થઈ જાય છે અર્થાત કિંચિતમાત્ર પણ બંધનકારક નથી થતાં (ગીતા – ૪/૨૩) અને યજ્ઞથી ઈતર અર્થાત પોતાને માટે કરવામાં આવેલાં કર્મો બંધનકારક થાય છે (ગીતા – ૩/૯).
યોગારૂઢ થવા માટે કર્મ હેતુ કેમ છે? કેમકે ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં આપણી સમતા છે કે નહિ, તેની આપણા પર શું અસર પડે છે – તેની ખબર ત્યારે જ પડશે, જ્યારે આપણે કર્મ કરીશું. સમતાની પિછાણ કર્મો કરવાથી જ થશે. તાત્પર્ય એ છે કે કર્મો કરતા રહીને જો આપણામાં સમતા રહી, રાગદ્વેષ ન રહ્યા, તો તો બરાબર છે; કેમકે તે કર્મ ’યોગ’નું સાધન બની ગયું. પરંતુ જો આપણામાં સમતા ન રહી, રાગદ્વેષ થઈ ગયા; તો આપણો જડતા સાથે સંબંધ હોવાથી તે કર્મ ’યોગ’માં હેતુ ન બન્યું.
’योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते’ – અસતની સાથે સંબંધ રાખવાથી જ અશાંતિ પેદા થાય છે. તેનું કારણ એ છે કે અસત પદાર્થો (શરીર વગેરેની) સાથે પોતાનો સંબંધ એક ક્ષણ પણ રહી નથી શકતો અને રહેતો પણ નથી; કેમકે પોતે નિત્ય રહેવાવાળો છે અને શરીર વગેરે પદાર્થ પ્રતિક્ષણ અભાવમાં જઈ રહ્યા છે. તે પ્રતિક્ષણે અભાવમાં જવાવાળાઓની સાથે એ પોતે પોતાનો સંબંધ જોડી દે છે અને તેમની સાથે પોતનો સંબંધ રાખવા ઈચ્છે છે. પરંતુ તેમની સાથે સંબંધ રહેતો નથી. એટલે તેમના ચાલ્યા જવાના ભયથી અને તેમના ચાલ્યા જવાથી અશાંતિ પેદા થઈ જાય છે. જ્યારે આ શરીર વગેરે અસત પદાર્થોને સંસારની સેવામાં યોજીને તેમનાથી પોતાનો સર્વથા સંબંધ-વિચ્છેદ કરી લે છે, ત્યારે અસતના ત્યાગથી તેને આપોઆપ એક પ્રકારની શાંતિ મળે છે. જો સાધક એ શાંતિમાં પણ સુખ લેવા લાગી જશે તો તે બંધાઈ જશે. જો શાંતિમાં રાગ નહિ કરે અને તેનાથી સુખ નહિ લે, તો એ શાંતિ પરમાત્મતત્વની પ્રાપ્તિમાં કારણ બની જશે.
પરિશિષ્ટ ભાવ : યોગરૂઢ થવાની ઈચ્છાવાળા સાધકને માટે યોગારૂઢ થવામાં નિષ્કામભાવથી કર્મ કરવું કારણ છે અને તેનાથી પ્રાપ્ત થવાવાળી શાંતિ પરમાત્મપ્રાપ્તિમાં કારણ છે. તાત્પર્ય છે કે, પરમાત્મપ્રાપ્તિમાં કર્મ કારણ નથી બલ્કે કર્મોના સંબંધ-વિચ્છેદથી થનારી શાંતિ કારણ છે. આ શાંતિ સાધન છે, સિદ્ધિ નથી.
વિવેકપૂર્વક કર્મ કરવાથી જ કર્મોના રાગ (વેગ) મટે છે, કારણ કે રાગ મિટાવવાની શક્તિ કર્મમાં નથી; બલ્કે વિવેકમાં છે. જેની યોગારૂઢ થવાની લાલસા છે તે બધાં કર્મો વિવેકપૂર્વક જ કરે છે. વિવેક ત્યારે વિકસિત થાય છે, જ્યારે સાધક કામનાની પૂર્તિમાં પરતંત્રતા અને અપૂર્તિમાં આભાવનો અનુભવ કરે છે. પરતંત્રતા અને અભાવ કોઈ ઈચ્છતું નથી, જ્યારે કામના કરવાથી આ બન્નેય છૂટતાં નથી.
યોગારૂઢ અવસ્થામાં ખુશ થવાનું નથી કારણ કે ખુશ થવાથી સાધક ત્યાં જ અટકી જશે, જેથી પરમાત્માની પ્રાપ્તિ થવામાં ખૂબ સમય લાગી જશે (ગીતા – ૧૪/૬) જેમ કે પહેલાં બાળકની રમતમાં રુચિ હોય છે, પરંતુ મોટો થતાં તેની રુચિ પૈસામાં થઈ જાય છે, ત્યારે રમતની રુચિ પોતાની મેળે ચાલી જાય છે. એ જ પ્રમાણે જ્યાં સુધી પરમાત્મપ્રાપ્તિનો અનુભવ નથી થયો ત્યાં સુધી તે શાંતિમાં રુચિ રહે છે અર્થાત શાંતિ ખૂબ સરસ લાગે છે. પરંતુ તે શાંતિનો ઉપભોગ ન કરે, તેનાથી ઉપરામ થઈ જાય તો તેની રુચિ આપમેળે ચાલી જાય છે, અને ખૂબ જલદી પરમાત્માનો અનુભવ થઈ જાય છે.
યોગારૂઢ થવામાં કર્મ કરવું કારણ છે અર્થાત નિ:સ્વાર્થભાવે બીજાના હિતમાં કર્મ કરતાં-કરતાં જ્યારે બધાનો વિયોગ થઈ જાય છે, ત્યારે સાધક યોગારૂઢ થઈ જાય છે. કર્મોની સમાપ્તિ થઈ જાય છે અને યોગ નિત્ય રહે છે.
કર્મી (ભોગી) પણ કર્મ કરે છે અને કર્મયોગી પણ કર્મ કરે છે, પરંતુ તે બન્નેના ઉદ્દેશમાં ખૂબ મોટું અંતર છે. એક આસક્તિ રાખવા માટે અથવા કામનાપૂર્તિને માટે કર્મ કરે છે અને એક આસક્તિનો ત્યાગ કરવા માટે કર્મ કરે છે. ભોગી પોતાના માટે કર્મ કરે છે અને કર્મયોગી બીજાના માટે કર્મ કરે છે. આથી આસક્તિપૂર્વક કર્મ કરવામાં સમાન હોવા છતાં પણ જે આસક્તિ-ત્યાગના ઉદ્દેશથી બીજાના માટે કર્મ કરે છે તે યોગી (યોગારૂઢ) થઈ જાય છે. કર્મ કરવાથી જ યોગીની ઓળખ થાય છે, અન્યથા ’વૃદ્ધા નારી પતિવ્રતા !’
અહીં જેને શમ (શાંતિ) કહ્યો છે તેને બીજા અધ્યાયના ચોસઠમાં શ્લોકમાં ’પ્રસાદ’ (અંત:કરણની પ્રસન્નતા) કહ્યો છે. આ શાંતિમાં રમણ (સંતોષ) ન કરવાથી ’નિર્વાણપરમા શાંતિ’ની પ્રાપ્તિ થાય છે (ગીતા – ૬/૧૫). ત્યાગથી શાંતિ મળે છે (ગીતા – ૧૨/૧૨). શાંતિમાં રમણ (સંતોષ) ન કરવાથી અખંડરસ (તત્વજ્ઞાન) મળે છે અને અખંડરસમાં પણ સંતોષ ન કરવાથી અનન્તરસ (પરમપ્રેમ) મળે છે.