Daily Archives: 27/05/2014

ધ્યાનના પ્રયોગો (૨૫)

સંબંધ – પૂર્વશ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને જે યોગ (સાધ્યરૂપી સમતા)નું વર્ણન કર્યું હતું, તે જ યોગની પ્રાપ્તિને માટે હવે આગળના શ્લોકથી નિર્ગુણ-નિરાકારના ધ્યાનના પ્રકરણનો આરંભ કરે છે.

सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥ ભ.ગી.૬.૨૪ ||

संकल्प से उत्पन्न होने वाली सम्पूर्ण कामनाओं को निःशेष रूप से त्यागकर और मन द्वारा इन्द्रियों के समुदाय को सभी ओर से भलीभाँति रोककर॥

સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા ત્યજીને તેમજ મન વડે જ ઈન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને –

શ્રી રામસુખદાસજી કહે છે :

ટીકા: [જે સ્થિતિ કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીની થાય છે (અ.૬ના શ્લોક ૧ થી ૯ સુધી), એ જ સ્થિતિ સગુણસાકાર ભગવાનનું ધ્યાન કરવાવાળાની (અ.૬/૧૪-૧૫) તથા પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાવાળા ધ્યાનયોગીની પણ થાય છે. (અ.૬ના ૧૮ થી ૨૩મા શ્લોક સુધી) હવે નિર્ગુણ-નિરાકારનું ધ્યાન કરવાવાળાની પણ એ જ સ્થિતિ થાય છે – એ બતાવવા માટે ભગવાન આગળનું પ્રકરણ કહે છે.]

સંકલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષત:’ – સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ વગેરેને લીધે મનમાં જે જાતજાતની સ્ફુરણાઓ થાય છે, તે સ્ફુરણાઓમાંથી જે સ્ફુરણામાં પ્રીતિ, સુંદરતા અને આવશ્યકતા દેખાય છે, તે સ્ફુરણા ’સંકલ્પ’નું રૂપ ધારણ કરી લે છે. એવી જ રીતે જે સ્ફુરણામાં ’એ વસ્તુ, વ્યક્તિ વગેરે ઘણાં ખરાબ છે, એ અમારા ઉપયોગના નથી’ – એવો વિપરીત ભાવ પેદા થઈ જાય છે, તે સ્ફુરણા પણ ’સંકલ્પ’ બની જાય છે. સંકલ્પથી ’આમ થવું જોઈએ અને આમ નહિ થવું જોઈએ’ – એવી ’કામના’ ઉત્પન્ન થાય છે. આ રીતે સંકલ્પથી ઉત્પન્ન થવાવાળી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ.

અહીં ’કામાન’ પદ બહુવચનમાં આવ્યું છે, છતાં પણ તેની સાથે ’સર્વાન’ પદ આપવાનું તાત્પર્ય એ છે કે કંઈ પણ અને કોઈ પણ જાતની કામના ન રહેવી જોઈએ.

અશેષત:’ પદનું તાત્પર્ય એ છે કે કામનાનું બીજ (સુક્ષ્મ સંસ્કાર) પણ નહિ રહેવું જોઈએ. કારણ કે વૃક્ષના એક બીજથી જ માઈલો સુધીનું જંગલ પેદા થઈ શકે છે. આથી બીજરૂપી કામનાનો પણ ત્યાગ થવો જોઈએ.

મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તત:’ – જે ઈન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – એ વિષયોનો અનુભવ થાય છે અને ભોગ થાય છે, તે ઈન્દ્રિયોના સમૂહનું મન દ્વારા સારી રીતે નિયમન કરી લેવું અર્થાત મનથી ઈન્દ્રિયોને તેમના પોતપોતાના વિષયોથી હઠાવી લેવી.

સમન્તત:’ કહેવાનું તાત્પર્ય એ છે કે મનથી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનું ચિંતન ન થાય અને સાંસારિક માન, બડાઈ, આરામ વગેરે તરફ કિંચિતમાત્ર પણ ખેંચાણ ન થાય.

તાત્પર્ય એ છે કે ધ્યાનયોગીએ ઈન્દ્રિયો અને અંત:કરણ દ્વારા પ્રાકૃત પદાર્થો સાથે સર્વથા સંબંધ-વિચ્છેદનો નિશ્ચય કરી લેવો જોઈએ.

પરિશિષ્ટ ભાવ : પ્રથમ સ્ફુરણા થાય છે, પછી સંકલ્પ થાય છે. સ્ફુરણામાં સત્તા, આસક્તિ અને આગ્રહ હોવાથી તે સંકલ્પ બની જાય છે, જે બંધનકારક હોય છે. સંકલ્પથી પછી કામના ઉત્પન્ન થાય છે, ’સ્ફુરણા’ દર્પણના કાચ જેવી છે, જેમાં ચિત્ર પકડાતું નથી, પરંતુ સંકલ્પ કેમેરાના કાચ જેવો છે, જેમાં ચિત્ર પકડાઈ જાય છે. સાધકે સાવધાની રાખવી જોઈએ કે સ્ફુરણા ભલે થાય પણ સંકલ્પ ન થાય.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.