Daily Archives: 07/05/2014

ધ્યાનના પ્રયોગો (૬)

यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसङ्केल्पसन्न्यासी योगारूढ़स्तदोच्यते ॥ ભ.ગી.૬.૪ ||

જે વખતે નથી તો ઈન્દ્રિયોના ભોગોમાં કે નથી કર્મોમાં આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગારૂઢ કહેવાય છે.

અશ્વસવારે અશ્વારૂઢ થવા માટે કેટકેટલી સાધના કરવી પડે છે. સહુ પ્રથમ તો અશ્વને કાબુમાં રાખવો પડે છે. અશ્વને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા માટે તેને ચોકઠું ને લગામ લગાવવા પડે છે. અશ્વ ઊછળકુદ કરે તો તેને કાબુમાં કેમ રાખવો તે તાલીમ લેવી પડે છે. અશ્વ પર આરુઢ થયો હોય ત્યારે અશ્વ ગબડાવી ન દે તે માટે શરીરનું સંતુલન જાળવી રાખવું પડે છે.

આવી જ રીતે અહીં યોગારૂઢ થવા ઈચ્છનાર યોગીએ શું કરવું પડે તે જણાવ્યું છે.

સહુ પ્રથમ તો તેણે ઈન્દ્રીયો પર કાબુ મેળવીને ઈન્દ્રીયોને વિષયભોગ પ્રત્યે અનાસક્ત રહેતા કેળવવી પડે છે.

કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો તો ત્યાજ્ય ગણ્યા પછી કર્તવ્યકર્મોમાં યે અનાસક્તિ કેળવવી પડે છે.

છેવટે મનને સંકલ્પરહિત કરવું પડે છે.

આટલી તાલીમ લઈને સજ્જ થયેલ યોગી યોગારૂઢ થયો કહેવાય.

ઘણાં લોકો કહેતા હોય છે કે હું તો ધ્યાન કરવા માટે બહુ પ્રયાસ કરું છું પણ મને ધ્યાન લાગતું જ નથી. કોઈ નાનું બાળક કહે કે મારે ઘોડા પર બેસવું છે તો ઘોડેસવાર તેને ઉચકીને ઘોડા પર બેસારીને એક આંટો મરાવી દે પણ તેમ છતાં તે કેળવણી લીધાં વગર સ્વતંત્ર રીતે ઘોડેસવારી ન કરી શકે. તેવી રીતે સમુહ ધ્યાન કે માર્ગદર્શક ધ્યાન શીબીરમાં ક્યારેક સાધકને થોડું ધ્યાન લાગી જાય પણ જેવો તે ઘરે ધ્યાનમાં બેસે કે મન ફરી પાછું હતું તેવું ને તેવું થઈ જાય. આનું કારણ તે છે કે ધ્યાનમાં બેસવા માટે જે તાલીમ લેવી જોઈએ તે એટલે કે ઈન્દ્રિયોને કાબુમાં રાખવી, સર્વ કર્મોની આસક્તિને છોડવી અને મનને સંકલ્પરહિત કરીને ધ્યાનમાં બેસવું આ કેળવણીના અભાવે ઘણોએ પ્રયાસ કરવા છતાં સાધકને ધ્યાન લાગતું નથી.

યોગારૂઢ થવા માટે પ્રયાસ કરનાર યોગારૂઢ ક્યારે થશે તેને માટે સમયની કોઈ મર્યાદા નથી એટલે કે તે બે મહિનામાં થશે કે બાર વર્ષે થશે તેવું કશું નથી પણ જે સમયે ઈન્દ્રિયો પર કાબુ આવશે, સર્વ કર્મોની આસક્તિ છુટશે અને મન સંકલ્પ રહિત થશે તે સમયે યોગ સાધક યોગારૂઢ થશે.

કોઈના કહેવાથી કે આપણાં વિચારવાથી ઈન્દ્રિયો કાબુમાં આવતી નથી, કર્મોની આસક્તિ છુટતી નથી અને મન સંકલ્પરહિત આપોઆપ થતું નથી. તે માટે પ્રયાસ કરવો પડે છે. જુદા જુદા વ્રતો અને નિયમો, સેવા કાર્યો અને ધ્યાનમાં બેસવાનો અભ્યાસ વગેરે નીરંતર કર્યા કરવાથી સ્વ-નિયંત્રણ મળે છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.