Daily Archives: 08/05/2014

ધ્યાનના પ્રયોગો (૭)

उद्धरेदात्मनाऽत्मानं नात्मानमवसादयेत्‌ ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः || ભ.ગી.૬.૫ ||

આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરે, આત્માને અધોગતિમાં ન નાખે; કારણકે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે.

તત્વજ્ઞાન પ્રમાણે બે તત્વો પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે. જેમાં પુરુષ અનંત છે જ્યારે પ્રકૃતિ સાંત છે.

૧. પુરુષ – ચૈતન્ય (અનંત)
૨. પ્રકૃતિ – જડ (સાંત)

અંત:કરણ (પ્રકૃતિના અપંચિકૃત સત્વગુણમાંથી બને છે) માં પુરુષ (ચૈતન્ય) નું જે પ્રતિબિંબ પડે છે કે જેને ચિદાભાસ કહેવાય છે તે ચિદાભાસમાં પ્રકૃતિ અને ચૈતન્યનો વાસ્તવિક નહીં પણ આભાસી સંયોગ છે. આ ચિદાભાસના પ્રાકૃતિક ભાગ સાથે જે એકરુપતા સાધે છે તે પોતાનું હું પણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રીયો અને પાંચ કર્મેન્દ્રીયો તથા પાંચ પ્રાણ અને શરીર સાથે તાદાત્મ્ય સાધીને તેમાં હું પણું તથા જગતના પ્રાણી, પદાર્થોમાં મારું અને મારું નહીં તેવા ભેદ પાડે છે.

જે જાગ્રત વ્યક્તિ શાસ્ત્ર અને મહાપુરુષો પાસેથી સાચી સમજણ મેળવે છે તે ચિદાભાસના ચૈતન્ય ભાગ પુરુષ સાથે એકરુપતા સાધે છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રીયો, કર્મેન્દ્રીયો, પ્રાણ અને શરીર સાથે તેનો વાસ્તવિક સંબંધ ક્યારેય શક્ય નથી તે જાણી લે છે.

જે જડ પ્રકૃતિ સાથે પોતાની એકરુપતા માને છે તેનો સઘળો પુરુષાર્થ જડ પ્રકૃતિ પાસેથી જ સુખ પ્રાપ્ત કરવાનો હશે.

જે ચૈતન્ય સાથે પોતાની એકરુપતા માને છે તેનો સઘળો પુરુષાર્થ તે ચૈતન્ય સાથે એકરુપ થવાનો હશે.

જે આત્મા (ચિદાભાસ) પ્રકૃતિને જ સર્વસ્વ માનીને પ્રાકૃતિક લાભ જ મેળવવા સતત મથ્યા કરે છે તે આત્મા વડે આત્માને અધોગતીમાં લઈ જાય છે. એટલે કે નિરંતર પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી સુખ-દુ:ખના દ્વંદ્વો અનુભવે છે.

જે આત્મા (ચિદાભાસ) પુરુષ (ચૈતન્ય) ને જ સાર સમજે છે તે સદાય ચૈતન્ય સાથે ભળી જવા માટે;
નીષ્કામ કર્મયોગ દ્વારા જગતના જીવોની સેવા કરશે
અથવા તો
ધ્યાન દ્વારા સમાધિ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરશે
અથવા
ભગવદભજન દ્વારા ચૈતન્યની આરાધના કરશે
અથવા
જ્ઞાનયજ્ઞ દ્વારા બ્રહ્મ સાથે આત્માની એકતા અનુભવવા શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરશે.

આવા આત્મા તેમનો ઉદ્ધાર તેમના પોતાના પુરુષાર્થથી જ કરે છે.

સાચી સમજણ વગર આત્મા જ આત્માનો શત્રુ બને છે જ્યારે સાચી સમજણ દ્વારા આત્મા જ આત્માનો મિત્ર બને છે. તેથી વાસ્તવમાં આપણાં કોઈ બાહ્ય શત્રુ કે મિત્ર નથી પણ આપણે જ આપણાં શત્રુ કે મિત્ર છીએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , , , , | Leave a comment

Blog at WordPress.com.