Daily Archives: 24/05/2014

ધ્યાનના પ્રયોગો (૨૨)

सुखमात्यन्तिकं यत्तद्बुीद्धिग्राह्यमतीन्द्रियम्‌ ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥ ભ.ગી.૬.૨૧ ||

इन्द्रियों से अतीत, केवल शुद्ध हुई सूक्ष्म बुद्धि द्वारा ग्रहण करने योग्य जो अनन्त आनन्द है, उसको जिस अवस्था में अनुभव करता है, और जिस अवस्था में स्थित यह योगी परमात्मा के स्वरूप से विचलित होता ही नहीं॥

જે સુખ અનંત, ઈન્દ્રિયોથી અતીત અને બુદ્ધિગ્રાહ્ય છે, તે સુખ જે અવસ્થામાં અનુભવે છે અને જે સુખમાં સ્થિત થયેલો આ ધ્યાનયોગી તત્વથી પછી કદીયે વિચલિત થતો જ નથી.

હમણાં આપણે શ્રી રામસુખદાસજીને જ સાંભળીએ :

સંબંધ: પૂર્વશ્લોકમાં કહેવાઈ ગયું કે ધ્યાનયોગી પોતાની જાતે પોતાની જાતમાં જ સંતોષનો અનુભવ કરે છે. હવે ત્યારબાદ શું થાય છે તે જોઈએ.

ટીકા: ’સુખમાત્યન્તિકં યત’ – ધ્યાનયોગી પોતાના દ્વારા પોતાની જાતમાં જે સુખનો અનુભવ કરે છે, પ્રાકૃત સંસારમાં તે સુખથી વધીને બીજું કોઈ સુખ હોઈ જ નથી શકતું અને હોવાનો સંભવ જ નથી. કારણ કે આ સુખ ત્રણે ગુણોથી અતીત અને સ્વત:સિદ્ધ છે. આ સઘળાં સુખોની આખરી સીમા છે – ’સા કાષ્ઠા સા પરા ગતિ:’. આ જ સુખને અક્ષય સુખ (અ. ૫/૨૧), અત્યંત સુખ (અ. ૬/૨૮) અને એકાંતિક સુખ (અ. ૧૪/૨૭) કહેવામાં આવ્યું છે.

આ સુખને અહીં ’આત્યંતિક’ કહેવાનું તાત્પર્ય એ છે કે આ સુખ સાત્વિક સુખથી વિલક્ષણ છે. કારણ કે સાત્વિક સુખ તો પરમાત્મવિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન થાય છે (ગીતા – ૧૮/૩૭); પરંતુ આ આત્યંતિક સુખ ઉત્પન્ન નથી થતું. બલ્કે એ સ્વત:સિદ્ધ અનુત્પન્ન સુખ છે.

’અતિન્દ્રિયમ’ – આ સુખને ઈન્દ્રિયોથી અતીત બતાવવાનું તાત્પર્ય એ છે કે આ સુખ રાજસ સુખથી વિલક્ષણ છે. રાજસ સુખ સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ વગેરેના સંબંધથી પેદા થાય છે અને ઈન્દ્રિયો દ્વારા ભોગવવામં આવે છે. વસ્તુ, વ્યક્તિ વગેરેનું પ્રાપ્ત થવું એ આપણા હાથની વાત નથી અને પ્રાપ્ત થતાં તે સુખનો ભોગ તે વિષય (વસ્તુ, વ્યક્તિ વગેરે)ને જ આધીન હોય છે. આથી રાજસસુખમાં પરાધીનતા છે, પરંતુ આત્યંતિક સુખમાં પરાધીનતા નથી. કારણ કે આત્યંતિક સુખ ઈન્દ્રિયોનો વિષય નથી. ઈન્દ્રિયોની તો વાત જ શી છે, ત્યાં મનની પણ પહોંચ નથી. આ સુખ તો પોતાના દ્વરા જ અનુભવવામાં આવે છે. આથી આ સુખને અતીન્દ્રિય કહ્યું છે.

’બુદ્ધિગ્રાહ્યમ’ – આ સુખને બુદ્ધિગ્રાહ્ય બતાવવાનું તત્પર્ય એ છે કે આ સુખ તામસ સુખથી વિલક્ષણ છે. તામસ સુખ નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે. ગાઢ નિદ્રા (સુષુપ્તિ)માં સુખ તો મળે છે, પરંતુ તેમાં બુદ્ધિ લીન થઈ જાય છે. આળસ અને પ્રમાદમાં પણ સુખ થાય છે, પરંતુ તેમાં બુદ્ધિ સારી રીતે જાગ્રત નથી રહેતી તથા વિવેકશક્તિ પણ લુપ્ત થઈ જય છે. પરંતુ આ અત્યંતિક સુખમાં બુદ્ધિ લીન નથી થતી અને વિવેકશક્તિ પણ બરાબર જાગ્રત રહે છે. પરંતુ આ આત્યંતિક સુખને બુદ્ધિ પકડી નથી શકતી; કેમકે પ્રકૃતિનું કાર્ય બુદ્ધિ પ્રકૃતિથી અતીત સ્વરૂપભૂત સુખને પકડી જ કેવી રીતે શકે?

અહીં સુખને આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય બતાવવાનું તાત્પર્ય એ છે કે આ સુખ સાત્વિક, રાજસ અને તામસ સુખથી વિલક્ષણ અર્થાત ગુણઅતીત સ્વરૂપભૂત છે.

’વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્વત:’ – ધ્યાનયોગી પોતાના દ્વારા જ પોતાની જાતના સુખનો અનુભવ કરે છે અને આ સુખમાં સ્થિત થયેલો તે કદી કિંચિતમાત્ર પણ વિચલિત નથી થતો અર્થાત આ સુખની અખંડતા નિરંતર આપમેળે ચાલુ રહે છે. મનુષ્ય પોતાની માન્યતાને જાતે નથી છોડતો ત્યાં સુધી તેને બીજો કોઈ છોડાવી નથી શકતો, તો પછી જેને વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈગયું છે, તે સુખને કોઈ કેવી રીતે છોડાવી શકે? અને તે પોતે પણ તે સુખથી કેવી રીતે વિચલિત થઈ શકે? અર્થાત નથી થઈ શકતો.

મનુષ્ય તે વાસ્તવિક સુખથી, જ્ઞાનથી અને આનંદથી કદી ચલાયમાન નથી થતો. એનાથી સિદ્ધ થાય છે કે મનુષ્ય સાત્વિક સુખથી પણ ચલાયમાન થાય છે; તેનું સમાધિથી પણ વ્યુત્થાન થાય છે. પરંતુ અત્યંતિક સુખથી અર્થાત તત્વથી તે કદી વિચલિત અને વ્યુત્થિત નથી થતો; કેમકે એમાં એનાં અંતર, ભેદ અને ભિન્નતા દૂર થયાં અને હવે કેવળ તે-જ-તે રહી ગયો. હવે તે વિચલિત અને વ્યુત્થિત કેવી રીતે થાય? વિચલિત અને વ્યુત્થિત ત્યારે જ થાય છે, જ્યારે જડતાનો કિંચિતમાત્ર પણ સંબંધ રહે છે. જ્યાં સુધી જડતાનો સંબંધ રહે છે, ત્યાં સુધી તે એકરસ નથી રહી શકતો; કેમકે પ્રકૃતિ સદા ક્રીયાશીલ રહે છે.

પરિશિષ્ટ ભાવ : સ્વરૂપનો અનુભવ થવાથી તે ધ્યાનયોગીને તે અવિનાશી, અખંડ સુખની અનુભૂતિ થઈ જાય છે, જે ’આત્યન્તિક’ અર્થાત સાત્વિક સુખથી વિલક્ષણ, ’અતિન્દ્રિય’ અર્થાત રાજસ સુખથી વિલક્ષણ અને ’બુદ્ધિગ્રાહ્ય’ અર્થાત તામસ સુખથી વિલક્ષણ છે.

અવિનાશી સુખને ’બુદ્ધિગ્રાહ્ય’ કહેવાનો અર્થ એ નથી કે તે બુદ્ધિની પકડમાં આવવાવાળું છે. કારણ કે બુદ્ધિ તો પ્રકૃતિનું કાર્ય છે, પછી તે પ્રકૃતિથી અતીત સુખને કઈ રીતે પકડી શકે? તેથી અવિનાશી સુખને બુદ્ધિગ્રાહ્ય કહેવાનું તાત્પર્ય તે સુખને તામસ સુખથી વિલક્ષણ બતાવવાનું જ છે. નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થવાવાળું સુખ તામસ હોય છે. (ગીતા ૧૮/૩૯). ગાઢ નિદ્રા (સુષુપ્તિ) માં બુદ્ધિ અવિદ્યામાં લીન થઈ જાય છે અને આળસ તથા પ્રમાદમાં બુદ્ધિ પૂરેપૂરી જાગ્રત રહેતી નથી. પરંતુ સ્વત:સિદ્ધ અવિનાશી સુખમાં બુદ્ધિ અવિદ્યામાં લીન થતી નથી, બલ્કે પૂરી રીતે જાગ્રત રહે છે. – ’જ્ઞાનદીપિતે’ (ગીતા – ૪/૨૭). તેથી બુદ્ધિની જાગ્રતિની દૃષ્ટિથી જ તેને ’બુદ્ધિગ્રાહ્ય’ કહેવાઈ છે. વાસ્તવમાં બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી નથી.

જેમ દર્પણમાં સૂર્ય આવતો નથી બલ્કે સૂર્યનું પ્રતિબિંબ આવે છે, તેવી જ રીતે બુદ્ધિમાં તે અવિનાશી સુખ આવતું નથી, બલ્કે તે સુખનું પ્રતિબિંબ આભાસ આવે છે, તેથી પણ તેને ’બુદ્ધિગ્રાહ્ય’ કહ્યું છે.

તાત્પર્ય એ થયું કે, સ્વયંનું અખંડ સુખ સાત્વિક, રાજસ અને તામસ સુખથી પણ અત્યંત વિલક્ષણ અર્થાત ગુણાતીત છે. તેને બુદ્ધિગ્રાહ્ય કહેવાથી પણ વાસ્તવમાં તે બુદ્ધિથી સર્વથા અતીત છે.

બુદ્ધિયુક્ત (પ્રકૃતિ સાથે મળેલું) ચેતન જ બુદ્ધિગ્રાહ્ય છે, શુદ્ધ ચેતન વાસ્તવમાં સ્વયં પ્રકૃતિ સાથે મળી શકતો જ નથી, પરંતુ તે પોતાને મળેલો માની લે છે – ’યયેદં ધાર્યતે જગત’ (ગીતા ૭/૫).

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.